વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૮}


ગતાંકથી આગળ…

A Novel By Pinki Dalal

A Novel By Pinki Dalal

રિયા તો ખુશીથી ઉછાળી રહી હતી નવા થયેલા ડેવલપમેન્ટથી. વાત તો નાના બજેટની ફિલ્મ માટે  હતી ને અચાનક એમાં પ્રાણ સિંચાયો, નવો ફાઈનાન્સર મળી ગયો એટલે કમર્શિયલ ફિલ્મ બની શકશે એ શક્યતાએ જાણે કુમારનને આનંદથી તરબોળી દીધો હતો પણ રિયાના  સ્વપ્નને પાંખ લગાડી આપી હતી. આખી વાત જ અકલ્પનીય હતી, માનો કે જાણે ચમત્કાર, એ ખુશી રિયાના ચહેરા પર આભા બનીને છલકાઈ  રહી હતી પણ ઠંડુ પાણી રેડ્યું માધવીએ.

એ તો બધું ઠીક ! પણ રિયા, આ નવો ફાઈનાન્સર છે કોણ?’ માધવીએ બીજી કોઈ વાત સાંભળવાને  બદલે  ફરી ફરીને એકનો એક  પ્રશ્ન ત્રીજી વાર પૂછ્યો ત્યારે આરતીને ખ્યાલ આવ્યો કે માધવીના દિલમાં દહેશત ઘર કરી રહી હોવી જોઈએ : ક્યાંક પેલો ફરેબી હવે બાપ બનતો ન આવી ચઢે !!

‘ઓહો મમ, તમે પણ… છે કોઈ સિંધી બિઝનેસમેન, મને એવું જાણવા મળ્યું છે કે એક શરતે જ એને તૈયારી બતાડી છે, જો કુમારન એના દીકરાને હીરો તરીકે લે તો!! દીકરાને હીરો બનાવવા માટે એ રોકાણ કરવા તૈયાર છે. મમ કરતાં તો વધુ ચિંતા કુમારનને હોવી જોઈએ અને તેથી વધુ ચિંતા હીરો બનાવવા માંગતા બાપને… બરાબર ને નાની?’ રિયા થોડી અવઢવથી મમ્મીનો ચહેરો તાકતી રહી.

‘ઓહ એમ વાત છે!!’ માધવીના મનમાં પ્રકાશ પડ્યો એમ શાંતિ અનુભવી રહી પણ માસીની ચકોર નજરથી એ વાત છાની ન રહી કે રિયાની આસપાસ કાળો ચોર હોય તો પણ માધવીને ફિકર ન થાય જે દહેશત એને રાજાના નામથી લગતી રહી હતી.

આરતી માસીએ આખી વાત વધુ ચર્ચાય એ પહેલા પડદો પાડવો હોય તેમ શકુને હાક મારી : ‘જરા કિચનમાં સૂચના આપ કે જમવામાં કંઇક ગળ્યું બનાવે.’

‘ઓહ ના નાની, પ્લીઝ, હવે તો ફરી એ જ સૂપ સેલડનો ડાયેટ શરુ કરવાનો છે. ફિલ્મ તો નહીવત સમયમાં શરુ થશે ને!!’ રિયાના ફરિયાદના સૂરમાં ગળ્યું ખાવાનું જતું કરવાના અફસોસને બદલે ખુશીનો રણકો વધુ હાવી હતો. જે દિવસ મહિનો દૂર હતો એ દિવસ આવીને ઉભો હતો.

‘નાની, મમ આવશે ને?’ રિયાએ સાહજીકતાથી પૂછ્યું હતું, જેનો ઉત્તર તો ખબર જ હતો.

‘જો રિયા, મમ્મીએ તને જે કરવું હોય કરવાની મંજૂરી મને કે કમને આપી તો છે જ ને! હવે એ મૂહુર્ત વખતે પણ આવે ને  લોન્ચિંગ પાર્ટીમાં પણ આવે એવો બધો આગ્રહ રાખવો નકામો છે ને! હા, પૂછી જોઇશ પણ ન આવે તો એમાં દુ:ખ ન લગાડવું…’

નાનીએ રિયાને મુત્સદગીરીભર્યો જવાબ આપી સમજાવી તો દીધી પણ એમના મનમાં પણ પ્રશ્ન તો ઉભો જ રહ્યો : ક્યાં સુધી માધવી આ વાત ગોપિત રાખી શકવાની? એક ને એક દિવસે જો બહારથી રિયાના કાને વાત આવશે જ કે આજનો નામાંકિત ફિલ્મમેકર સેતુમાધવન એ જ રાજા છે ને પોતાના જન્મ માટે જવાબદાર બાપ… તે વખતે એના દિલ પર શું વીતશે એ તો શું ખબર, પણ એક વાત તો નક્કી કે ત્યારે આખી પરિસ્થિતિ સંભાળવી વિકટ તો થઇ પડવાની ને!

એ વિષે આરતીએ કળથી માધવીને પણ સમજાવવા પ્રયત્ન કર્યો હતો.. ‘માસી, ફરી એકની એક વાત?’ માધવીના ચહેરા પર અકળામણ છતી થઇ રહી હતી. ‘આપણે આ વાત પણ પહેલા ચર્ચી ચૂક્યા છીએ ને? સ્ટેન્ડ એક જ હોય ને કે રિયાનું તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. આ વાત આપણે એની પહેલી ફિલ્મ વખતે કરી હતી. હવે અચાનક મા કઈ રીતે ફૂટી નીકળી? એ તો કોઈ સી ગ્રેડની ફિલ્મના ગરીબડાં સ્ક્રીપ્ટ રાઈટરના લોજીક જેવી વાત થઈને!

માધવીની છેલ્લી દલીલે તો માસીના તમામ હથિયાર મ્યાન કરવાની પરિસ્થિતિ નિર્માણ કરી દીધી હતી. માધવીની વાત ખોટી પણ નહોતી જ.

આખરે એ જ થયું જે માધવીની મરજી હતી.. સવારના મૂહુર્તમાં માધવીએ આવવાની ઘસીને ના પાડી દીધી. નાનીએ રિયા સાથે સવારે તો સાથ આપ્યો  પણ  રાત્રે પાર્ટીમાં પણ રિયાએ નાની વિના એકલા જવું પડ્યું.

નવો માહોલ, નવા લોકો પણ પહેલી ફિલ્મની સફળતા રિયાની સાથી હતી. પાર્ટીમાં એક વ્યક્તિ એવી નહોતી જે એને ન જાણતી હોય. બાકી હતી એ જવાબદારી કુમારને પોતાના માથે લઇ લીધી હતી. વેણુ કુમાર અને શાલિની પણ સાથે ને સાથે રહ્યા પણ સહુથી મોટું કામ હતું હીરો સાથે પ્રેસ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપવાનું અને હાજર રહેલા રિપોર્ટરની સાથે વાતચીતનું. કુમારને પહેલેથી સૂચનાઓ આપી રાખી હતી એનું પાલન  કરવાનું હતું.

‘રિયા, એ યાદ રહે કે અનુપમા તરીકે સહુ તને ઓળખે છે એટલે સ્વાભાવિકપણે તારા પર પ્રેસનો જુમલો વધુ રહેશે પણ એમાં કરણની ઉપસ્થિતિ ક્યાંક વિસરાઈ ન જાય!! એના ફાધર ફાઈનાન્સર છે, ને એ હીરો… અને હા, તમારી બંનેની બોડી લેન્ગવેજ એવી હોવી જોઈએ કે લોકો ઘડીભર ભ્રમમાં પડી જાય કે ક્યાંક તમારી બંને વચ્ચે…’ કુમારને અધવચ્ચે જ વાત અટકાવી દેવી પડી. સામેથી કોઈ પ્રેસ રિપોર્ટર હાથ ફરકાવી પાસે આવી રહ્યો હતો.

‘તો રિયા, માઈન્ડ વેલ, મેં જે કહ્યું તે તને યાદ રહે…’ કુમારન દબાયેલા અવાજે છેલ્લી સૂચના આપવાનું ન ચૂક્યો ને ત્યાં સુધીમાં તો રિપોર્ટર પાસે આવી ચૂક્યો હતો. ફોટોગ્રાફર્સ દ્વારા થઇ રહેલી ફ્લેશની વર્ષામાં રિયા અને કરણ મહાલી રહ્યા હતા.

ગોરો ચટ્ટો, પાંચ ફૂટ અગિયાર ઇંચ હાઈટ, જીમમાં જઈને બનાવેલા સિક્સ પેક્સ મસલ્સ, પહોળી છાતી ને કુમાશભર્યો ચહેરાનો માલિક હીરો મટિરિયલ તો જરૂર હતો. કદાચ સંઘર્ષ કરત તો પણ આ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક તો કાઠું કાઢી ને જ રહેત પણ આ તો હતો  અબજોપતિ બાપનો નબીરો. ફિલ્મમાં હિરોગીરી કરવાની ધૂન સવાર શું થઇ, તાલેવંત પિતાએ નવા રમકડાંની જેમ ફિલ્મ પણ મેળવી આપી.

કરણની બોલવાની શૈલી પરથી લાગતું હતું કે એ નક્કી વિદેશમાં ભણ્યો હોવો જોઈએ. એ વિદેશીપણાની અસર હોય કે ગમે તે પણ વાળ સામાન્ય લોકોના હોય તેમ કાળા નહીં પણ બદામી સોનેરી હતા. એની આંખોમાં કંઇક તો હતું જે રિયાની નજર ખેંચી જતું હતું. જાણે કોઈક ચુંબક. એ હસતો ત્યારે એના સફેદ દૂધ જેવા દાંત થોડાં દેખાઈ જતા, જે એના સ્મિતને વધુ મોહક બનાવતાં હતા. રિયાથી મંત્રમુગ્ધ થઇ ગયો હોય તેમ  થોડી થોડીવારે એ રિયા સામે સ્મિત ફરકાવવું ભૂલતો નહોતો.

હજી તો શરૂઆત હતી છતાં એનો આત્મવિશ્વાસ તો એવો હતો જાણે કોઈ અનેક બોક્સ ઓફિસ હિટ  ફિલ્મો આપનાર હીરો હોય, છતાં રિયાના  ચહેરા સામે એવી રીતે તાકતો રહેતો કે જાણે  સંપૂર્ણપણે સંમોહિત થઇ ગયો હોય.  રિયાને એનું આ વર્તન અકળાવી તો ગયું પણ થાય શું? એ જ તો ઈમેજ ઉભી કરવાની હતી.

મોડી રાત સુધી ચાલેલી પાર્ટીમાં ચાર ઇંચના સ્ટીલેટોઝ પહેરીને ફરતી રિયાનું શરીર કળી ગયું ત્યાં સુધી ચહેરા પર પ્લાસ્ટિક સ્માઈલ ફરકાવતાં મહાલવું  પડ્યું. ને બાકી હોય તેમ મોડી રાતે ઘરે પહોંચ્યા પછી પણ ઉન્માદનો ચઢેલો આફરો પજવતો રહ્યો, માંડ મળસ્કે આંખો મળી.

સવારે રિયાની આંખ ઉઘડી ત્યારે બપોર થવા આવી હતી. કોઈક અજાણ ઘેનની અસર વર્તાતી હોય તેમ શરીર શિથિલ થઇ ગયું હતું, પગ તો પથ્થર થઇ ગયા હોય તેમ કોઈ સંવેદના જ જણાતી નહોતી. આંખો ખોલતાની સાથે જ તાદશ થઇ આવી આગલી રાતની ક્ષણો. ફરી આંખો સામે એક એક ક્ષણ જાણે ગુલાબી નશો કરાવતી પસાર થઇ રહી હતી.

ક્યાંય સુધી રિયા બેડ પર પડી પડી એ યાદ મમળાવતી રહી. બધું ગુલાબી ગુલાબી, સુગંધી સુગંધી. પહેલી ફિલ્મની પાર્ટીમાં સોનેરી સફળતા આ અહેસાસ નહોતી કરાવી શકી. કદાચ એનું કારણ મન જાણતું હતું પણ માનવાનો ઇનકાર કરી રહ્યું હતું.

આગળ વધુ વિચાર્યા વિના રિયા ફ્રેશ થઈને બહાર આવી ત્યાં સુધીમાં માધવી ગેલેરી જવા નીકળી ગઈ હતી ને નાની પોતાના રૂમમાં જમીને આડે પડખે થવા જતા રહ્યા હતા.

ગઈકાલ રાતવાળી વાત સાંભળવા કોઈ ઘરમાં જ નહોતું. રિયાનું મન ભારે થઇ ગયું. સફળતા પછી પણ મમ્મીનું વર્તન લગીરેય ન બદલાયું? કાશ, અત્યારે માયા સાથે હોતે તો?

વધુ કંઈ વિચારે એ પહેલા તો ડોરબેલ રણકી. શકુબાઈએ જઈ બારણું ખોલ્યું ને એ તરત રિયા બેઠી  હતી ત્યાં આવીને ઉભી રહી. એના હાથમાં હતો મોટોમસ બુકે.

‘બેબી…’ વધુ કંઈ બોલ્યા વિના શકુએ બુકે રિયાના હાથમાં થમાવી દીધો.

તાજાં લાલ ગુલાબ એની સામે હસી રહ્યા હતા.

‘શકુ, કોણ આપી ગયું આ?’

‘ખબર નહીં, કોઈ માણસ હતો, આપીને જતો રહ્યો.’ શકુ થોડી હેરતથી આખો મામલો પામવા મથી રહી હતી જે એની સમજ બહાર હતો.

રિયાની આંખો સામે ફરી રાતની પાર્ટીના સીન તાજા થઇ ગયા. કરણ તો કરણ હતો , જાણે કામદેવનો અવતાર, કુમારને તો માત્ર આકર્ષણ અનુભવી રહ્યા હોવાનો દેખાવ કરવાનું કહ્યું હતું પણ રિયા મનમાં ઉઠતી વિચિત્ર ભાવના સામે હારી ગઈ હતી. રાત્રે પાર્ટીમાં એ વાત દેખાવ કરવા પૂરતી ક્યાં રહી જ હતી? કોઈ અદમ્ય આકર્ષણમાં એ ખેંચાઈ રહી હતી. ને કરણ?

કદાચ એ પણ પોતાના જેવી જ અનુભૂતિ કરી રહ્યો હશે? ને એટલે  જ તો આ બુકે નહોતો મોકલ્યો ને? રિયાના મનમાં પ્રશ્ન થયો એ સાથે જ એ ઉઠીને શકુના હાથમાંથી બુકે લઇ લીધો.

હાથમાં ન સમાઈ શકતાં અઢી ફૂટના બુકેને સાઈડ ટેબલ પર મૂક્યો ને ઉપર લગાવેલું  કાર્ડ જોયું. માત્ર એક જ લાઈનનો  મેસેજ હતો : વિથ ટન્સ  ઓફ લવ એન્ડ હેપ્પીનેસ… કરણ.

ઓહ તો કરણની સ્થિતિ પણ પોતાના જેવી જ હતી ને આ બુકે એનો પૂરાવો…

એ લાઈન વારંવાર રિયા વાંચતી રહી. એને હળવેકથી પોતાનો ચહેરો ગુલાબ પર ફેરવ્યો. જેટલીવાર કારણનો મેસેજ વાંચ્યો એટલી વાર  રિયાના હોઠથી આંખો સુધી સ્મિત વિસ્તરતું રહ્યું, અને આંખો તો જાણે કોઈ ગુનો કર્યો હોય એમ વારે વારે ઢળી જતી રહી.

કંઇક અજબ ફિલિંગ થઇ રહી હતી. ઘડીમાં લાગતું પેટમાં કોઈ ફરકડી ફરકી રહી છે તો ઘડીમાં લાગતું કે હૃદયમાં પતંગિયા ઉડાઉડ કરી રહ્યા છે. નહોતી ભૂખ લાગી ન તરસ. રોમરોમ મઘમઘી રહ્યું હતું, વાતાવરણની જેમ જ.

રિયાએ બુકેના ફૂલ સૂંઘવાના પ્રયાસરૂપે એ નાકે અડાડયા ને ઊંડો શ્વાસ લીધો. બહાર રેલાઈ રહેલો સુગંધનો દરિયો છાતીમાં ભરી લેવો હોય તેમ…

ગુલાબ સાચા હતા પણ સુગંધવિહીન… રંગ અને સુંદરતાના પ્રતિક એ ગુલાબની સુગંધ નહોતી, એ તો ઉદભવી રહી હતી તનમનમાં થઇ રહેલી સરસરાહટથી.

રિયાએ રૂમમાં જઈ બેડમાં પડતું મૂક્યું અને માથા પર કુશન દબાવી દીધો. કેદ થઇ જવા માંગતી હતી એ આ ક્ષણોમાં… બસ યુગો વહી જાય ને આ ક્ષણ  સ્થિર થઇ જાય.

* * * *

‘રિયા, આ બધું શું છે?’ સાંજે માધવી ઘરે આવી એવી જ રિયાના રૂમમાં ધસી ગઈ.

‘શું? શું છે બધું એટલે?’ રિયા બેડ પર આડી પડી બારી બહાર તાકી રહી હતી. ખરેખર તો હાથમાં પુસ્તક હતું એટલું જ બાકી ચિત્ત તો વારેવારે  સામે કોન્સોલ ટેબલ પર પડેલા લાલ ગુલાબનો બુકે તરફ જ જતું હતું ને એમાં પણ હાથે લખાયેલી પેલી નોંધ : વિથ લોટસ ઓફ લવ એન્ડ હેપ્પીનેસ… કરણ.

‘અચ્છા તો તું એમ કહે છે કે તને કંઈ ખબર જ નથી?’ માધવીના અવાજમાં રોષ, ચીડ ભળ્યા હતા. રિયા હજી કોઈ જવાબ આપે એ પહેલા તો નાનીની એન્ટ્રી થઇ.

‘શું વાત છે મધુ?’ આરતી હજી માધવીને શાંત પાડવા પ્રયત્ન કરે એ પહેલા જ માધવીએ હાથમાં રહેલું સાંજનું અડધિયું અખબાર રિયા સૂતી હતી તે દિશામાં ફંગોળ્યું.

રિયાના મનમાં હજી કોઈ ગડ બેસી નહોતી રહી. એની નિર્દોષ  આંખો મમ્મીના રોષનું કારણ સમજવા પ્રયત્ન કરી રહી હતી. આરતીએ રિયાના બેડ પર પડેલું અખબાર ઉઠાવીને જોયું.

‘જુઓ જુઓ, તમે પણ જુઓ તો ખરા શું છપાયું છે?’ માધવીએ આરતી સામે જોયું તેના સ્વરમાં રહેલી ગુસ્સાની માત્રા લેશમાત્ર ઓછી થઇ નહોતી.

માસીની નજર અખબારના આ પેજ તાકી રહી . વાત તો સાચી હતી, માધવીનો ગુસ્સો અસ્થાને નહોતો. રિયાએ જોયું નહોતું પણ મમ્મીના આ વર્તને આખું પાનું વાંચવું પડ્યું.

સાંજના એ દૈનિકે છાપી હતી અગલી રાત્રે થયેલી પાર્ટીની વાતો. સંખ્યાબધ ફોટા ને એક મોટો અહેવાલ પણ, જે એવું નિર્દેશ કરતો હતો કે બિઝનેસ ટાયકૂન લલિત સોઢી  પોતાના દીકરાની ચાહત પૂરી કરવા ફિલ્મ રહ્યા છે, જે દ્વારા દીકરો હીરો બનીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરશે અને હિરોઈન હશે કરણની લેડીલવ ડ્રીમગર્લ અનુપમા, જે સાઉથની નામાંકિત હિરોઈન છે પણ પોતાના પ્રેમ અને પ્રેમી માટે આ ફિલ્મ કરવા તૈયાર થઇ છે.

‘હું પૂછું છું, વોટ ઈઝ ધીસ નોનસેન્સ?’ માધવીના લમણની ખેંચાયેલી નસ હજી તંગ હતી. : ‘તું એની પ્રેમિકા ક્યારથી થઇ ગઈ?’

‘મધુ, જરા શાંત પડ, વાત શું છે એ રિયા બોલશે નહીં ત્યાં સુધી કેમ ખબર પડે?’ આરતીએ પરિસ્થિતિને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. ભલે પોતે આખો અહેવાલ ન વાંચ્યો હોય પણ નજરે પડેલા ફોટોગ્રાફ્સ ઘણું બધું કહી જતા હતા ને!!

માધવીના ગુસ્સાની કે નાનીની દરમિયાનગીરીની જાણે કોઈ અસર જ ન હોય તેમ રિયા શાંતિથી અહેવાલ વાંચતી રહી. વાંચીને એને માધવી સામે એવી રીતે જોયું કે જાણે પૂછતી હોય : ‘હં,તો શું?’

સમસમી ગઈ માધવી આ વ્યવહારથી : ‘જોયું ને માસી? છે એને કોઈ અસર? હજી એ પગ પર ચાલવાનું શીખી રહી છે ને ત્યાં તો એને પાંખ  ફૂટી હોય એ રીતે વર્તી રહી છે, હજી આંખો ખુલી નથી  ને આવી બેતૂકી વાત..?’

આરતી પોતે મૂંઝવણમાં હતી કે મા-દીકરીમાં તરફદારી કઈ તરફ કરવી! બંનેમાંથી કોઈને પણ  શું સમજાવવું?

માધવીને હતું કે માસી બે શબ્દો કહેશે તો રિયા સાંભળશે પણ એવું તો કંઈ બન્યું નહીં એટલે રોષમાં ને રોષમાં માધવી પગ પછાડીને બહાર નીકળી ગઈ : ‘કર તારે જે કરવું હોય તે. પથ્થર પર પાણી, તું ક્યારેય નહીં સુધરવાની…’

માધવી બહાર ગઈ કે આરતીએ પણ એની પાછળ દોરવાવું પડ્યું. દર વખતે થતી રિયાની તરફદારી આ વિષયે બિલકુલ અયોગ્ય હતી.

માધવીના રોષનો સામનો કરી રહેલી રિયાના મનમાં હતું કે હમણાં જ નાની વાતમાં વચ્ચે કૂદી પડીને બચાવી લેશે, પણ પહેલીવાર એવું બન્યું કે મમ્મીની પાછળ પાછળ નાની પણ બહાર જતા રહ્યા!

‘મધુ, મધુ… સાંભળ મારી વાત…’ પોતાથી શકય બને એવી સમજાવટ આદરીને માધવીને ઠંડી પાડવાનો પ્રયાસ આરતીએ તો કર્યો પણ એમાં નિષ્ફળતા જ મળી.

‘માસી, હવે ભગવાન ને ખાતર એમ ન કહેશો કે મોટાં માપે કામ લે…’ માધવીના નસકોરાં  ફૂલી ગયા હતા અને લમણાંની નસ તંગ થઇ ચૂકી હતી. : ‘ગમે એમ કરીને એવી જ કોઈ હરકત કરશે કે જેથી મને દુ:ખ પહોંચે જ પહોંચે… ન જાણે કયા જનમનું વેર લેવા આવી છે?’

માધવીનો આક્રોશ માત્ર વધુ પડતો જ નહીં સદંતર ખોટો હતો એ જાણવા છતાં માસીએ સમજદારીથી કામ લેવાનું હતું.

અઢી અઢી દાયકા સુધી એક છળને ન વિસરાવી ને માધવીએ એને વટવૃક્ષ બનાવ્યું તો ખરું પણ બીજાના ભોગે. દગાખોરને કોઈ સજા નહીં ને આ માસૂમ તો બાળપણથી વિના વાંકે સજા ભોગવતી આવી છે તેનું શું? માસીને કહેવું તો ઘણું હતું પણ સમય ને સંજોગને ધ્યાનમાં રાખીને એમને સંયમ બનાવી રાખ્યો. જો વનપ્રવેશ તરફ ધસી રહેલી માધવી  સમજદારી ન બતાવી શકે તો એક તરફ યુવાનીના ઉંબરે ડગલું મૂકી રહેલી રિયા પાસે શું અપેક્ષા રાખવી?

‘સાંભળ મધુ, હું એની તરફદારી કરવા નથી આવી પણ તને કંઈ સમજાવવા માંગું છું.’ આરતીએ હાથ પકડીને માધવીને પાસે બેસાડી.

‘તેં માત્ર અખબારનો અહેવાલ વાંચ્યો તેમાં તું માની બેઠી? ને મધુ એક વાત તું પણ ભૂલે છે. આ બંને છોકરીઓ હવે કિશોરી નથી રહી. બંને છોકરીઓના શરીરમાં યુવાનીની કુંપળ ફૂટી છે. આ બધું થવું સાહજિક છે. અને હા, તું ભૂલી ગઈ થોડાં દિવસ પહેલાં તે તો રોમા માટે પણ એમ જ ધારી  લીધું હતું ને? તે એને પૂછ્યું અને એને જે કહ્યું તે માન્યું પણ ખરું તો રિયા માટે આવા બેવડાં માપદંડ શા માટે? એને તો તે સાચી વાત પૂછવાની તસ્દી સુદ્ધાં નથી લીધી ને!’

માસીની સમજાવટે કંઈક અસર કરી હોય તેમ માધવી થોડી નરમ પડી. એને આંખો પર હાથ મૂકી સોફાના બેકરેસ્ટ પર માથું ટેકવી દીધું.

‘માસી, તમે મને સમજવાનો પ્રયત્ન તો કરો! મા છું એની, કોઈ દુશ્મન નહીં, આ લોકો એની ક્રેડિટ આ નવા છોકરાના લોન્ચ માટે કરી રહ્યા છે, આ દીવા જેવી સાફ વાત છે પણ હું બોલીશ એટલે આ  છોકરીને નહીં ગમવાનું… એ મારાથી સહન ન થયું ને એટલે…

માધવીની વાતમાં વજૂદ તો હતું જ એમ તો આરતીમાસીને પણ લાગ્યું. એ ચૂપચાપ માધવીથી હથેળી પોતાના હાથમાં લઇ થપથપાવીને આશ્વાશન આપતા રહ્યા પણ એ કેટલું છેતરામણું હતું એ તો માસી ભાણેજ બંને ક્યાં નહોતા જાણતાં?

નાની અને મમ્મી વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવાની પરવા પણ રિયાને આ વખતે નહોતી થઇ રહી. બે ઘડી માટે રિયાનું મન ખિન્ન થઇ ગયું એ સાચું પણ સામે રહેલાં  લાલ ગુલાબનો જાદુ બરકરાર હતો, એ જાણે હસી ને રિયાની તરફદારી કરી રહ્યો હતો.

રિયા ઘડીભર માટે બધું વિસરી ગઈ. મમનો ગુસ્સો, નાનીની ઠંડકથી ઠપકો આપવાની રીત. જાણે હવે આ બધાનો કોઈ ફર્ક જ નહોતો પડતો. હવે એની સામે હતું એક ઝળહળતું નવું વિશ્વ… જેનો રાજા હતો કરણ ને રાણી પોતે!

એ ઉઘાડી આંખોના  સોનેરી સપનાં !!

એ વાત તો સાચી લોકો એમ જ તો નથી કહેતા ને : લાઈફ ઈઝ બ્યુટીફૂલ…

ક્રમશ:

આજે માણો વેર વિરાસત નવલકથાનો અઠ્યાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.