ત્રણ સુંદર પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ 8


(૧) દરિયાને થાય..

દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું હો પાસ પણ ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે પહોંચવું ના એમ છે સહેલું.
જો સમંદર, અંદરથી ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય, બનું દરિયો.

(૨) ગઝલ – રે’વા દો

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પહેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

(૩) અછાંદસ – ઠેસ

વર્ષો પછી.. જૂની,
ખુબ જૂની મારી ગલીમાં,
ચાલતાં ચાલતાં, સખત ઠેસ વાગી.
વાંકા વળી નીચે જોયું.
લોહી નથી નીકળ્યું!
૩૦ વર્ષ પહેલાંની એ સડકનો પથ્થર..

લોહી અંદર જામી ગયું!
લીલું ચકામુ પડી ગયું.
શૈશવની એ શેરીમાં, પોળમાં,
દિવાલોમાં, મન કંઈક શોધતું હતું.
મુલાયમ મલમ જેવું,
કંઈક ઝંખતું હતું.
જૂના કોઈ ચહેરા ક્યાં ?

આશ્ચર્ય.. અતિ આશ્ચર્ય..
મહોલ્લો તો એ જ હતો..
માહોલ સાવ જુદો !
હવા યે જુદી !!
જે ત્યારે હતું.. આજે કંઈ નથી..
કશું નથી.. શું એ પૂર્વજન્મ હતો !

ભીંતો પર હાથ ફેરવી જોયો.
તો શું આ પુનર્જન્મ છે?
ખૂણે પડેલાં બઉવાંની
છીંકણીની જેમ, ચપટી ભરી,
ચકામા પર,
સહેજ ઘસી જોઈ..
લીલો ડાઘ, ધીરે ધીરે કાળો થઈ,
પછી ઝાંખો થઈ, મટવા માંડ્યો.

મનની ચોકડીમાં,
લાગણીના નળ પાસે,
સમજણના સાબુથી,
જાણે કાળના કપડાં ધોતી મા દેખાઈ.
થઈ ગયું બધું ચોક્ખું ચણાક,
રહી ગયું એક જ સત્ય.
બસ વર્તમાન…
એક ઠેસ!!!
અતીતની એક ઠેસ!!!

– દેવિકા ધૃવ

શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, પ્રથમ રચના એક સુંદર ગીત છે, જે મળ્યું નથી તેની ઝંખના તેના કેન્દ્રમાં છે, બીજી કૃતિ ગઝલરચના છે, અને ત્રીજુ અછાંદસ કાવ્ય છે. દેવિકાબેનની આજે પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ આગવી અને અનોખી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


8 thoughts on “ત્રણ સુંદર પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ

  • KETAN YAJNIK

    ત્ર્ને ખોલ્લઓનો માહોલ એક જ આખોમે ઉદાસિ ચ્હૈ હૈ
    અભિનન્દન અમારિ વ્ય્થાને વાચા આપ્વા બદલ દેવિક બહેન્ને
    કેતન યાજ્નિક્

  • Devika Dhruva

    કાલિદાસભાઈ, આપનો આભાર.

    બઉવું એટલે ધૂળના જાળા જેવો લચકો.
    ભગવદ્ગોમંડળમાં અર્થ જોશો.

  • shaila Munshaw

    ત્રણે રચના અનુપમ છે.
    ૧-દરિયાને થાય કદી રેતી હું થાઉં,-બધી ઈચ્છા ક્યાં સદા પુરી થાય છે?
    ૨-શબ્દકોષના અર્થો ઘણીવાર ઠાલા હોય છે, પારકાં પોતીકા કોને સમજવા એ અનુભવની વાત છેી.
    ૩-અતીતની ઠેસ વાગે ત્યારે બધુ ચોક્ખું દેખાય છે.

  • Kalidas V. Patel { Vagosana }

    દેવિકાબેન,
    સરસ ગેય ગીત આપ્યું, જેમાં માનવમનની અવળચંડાઈ — હોય તેની અવગણના અને ન હોય તે મેળવવાની ખોટી લાલસા — સુપેરે સમજાવ્યું. આભાર.
    ગઝલ પણ મજાની આપી. — મહોલ્લો તો એ જ હતો , માહોલ જુદો હતો — સમજાવતી અછાંદસ પણ મમળાવવી ગમે તેવી છે.
    વિનંતીઃ ત્રીજા અછાંદસ કાવ્યમાં — નીચેથી બીજા ફકરામાં … બઉવાની = ? શબ્દનો અર્થ શો થાય છે તે જણાવવા કૃપા કરશોજી. શબ્દકોશમાં પણ નથી.
    વધુમાંઃ હિરા ને બદલે હીરા , ખુબ ને બદલે ખૂબ , દિવાલ ને બદલે દીવાલ જેવા રોજબરોજમાં વપરાતા શબ્દોની જોડણી પ્રત્યે કાળજી રાખવી ઘટે.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Dolar

    આ રચનઆઓ અિત સુન્દર અને સ્નેહનિતરતિ લખિ CHHE. વાચિને ખુબ આન્નદ થયો.