વાત્રકને કાંઠે.. – પન્નાલાલ પટેલ 4 comments


{ઈ.સ. ૧૯૧૨માં રાજસ્થાનમાંના ડુંગરપુર જિલ્લાના માંડલીમાં જન્મેલા શ્રી પન્નાલાલ નાનાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં વિપુલ સર્જનને લીધે ખૂબ ખ્યાતિ મળી. એમની જાનપદી – પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી વાર્તાઓમાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો. ગામડું તો પન્નાલાલના લોહીમાં એટલે ગામડાની નિષ્ઠા અને સ્વાર્થપરાયણતા, શાણપણ અને લુચ્ચાઈ, ખમીર અને પામરતા, દિલાવરી ને દિલદગડાઈ, એની અકલ્પ્ય ગરીબી અને જડતા; આ બધું પન્નાલાલની વાર્તાઓમાં યથાતથ ઝીલાયું. તેમની વાર્તાઓએ ગ્રામ્યજીવનમાંથી પાત્રો રાષ્ટ્રસ્તર ઉપર મૂકી આપ્યાં. ‘સાચી ગજિયાણીનું કાપડું’ હોય કે ‘વાત્રકને કાંઠે’ હોય, સમાજજીવન અને વ્યક્તિજીવનના તાણાવાણા તેમાં અવશ્ય વણાયેલા મળે. એમને માટે સાહિત્યનો સ્વામી મનુષ્ય રહ્યો. વાત્રકને કાંઠે પન્નાલાલ પટેલની આગવી રચના છે. ભોળાભાઈ પટેલ નોંધે છે તેમ તેનો આરંભ અંતિમ દ્રશ્યની નજીકની પરિસ્થિતિથી થાય છે, વાર્તાની નાયિકા નવલના જીવનની વાત, મનોમંથન અને તેના અપરાધબોધને વાર્તાકાર તળપદી પ્રાણશક્તિ દ્વારા સજ્જડ ઉપસાવી આપે છે અને એ જ આ વાર્તાની વિશેષતા બની રહે છે.. તો આજે માણીએ શ્રી પન્નાલાલ પટેલ રચિત વાર્તા વાત્રકને કાંઠે.}

સંધ્યાએ આભલાંને આજ ગેરુઆ રંગથી આખાંય રંગી નાખ્યાં હતાં. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવાસરખાં બની રહ્યાં. જમણા કાંઠા પર આવેલી પેલી ટેકરી પરના એકલા ઘરનાં નળિયાં પર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફૂલગુલાબી બનાવી દીધી.

ટેકરી પરના પેલા ઘર આગળ ઢોર-બકરાંના ભાંભરવાનો કલશોર મચી રહ્યો, પણ એય ઘડીભર માટે. ઢોર કોઢમાં બંધાયાં ને બકરાંનેયે અઠ્ઠાવીસેકની એક યુવાન બાઈએ ચોપાડના કોઢિયામાં પૂરી દીધાં. કમાડિયું વાસીને એ પીઠ ફેરવે છે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતરની પેલી પા નદીકાંઠા પર જઈ ચડી.

એક નાનકડી તાપણી પોતાનો પ્રકાશ પાથરવાનાં ફાંફાં મારતી હોય એમ બળવા લાગી હતી. કાળાંભમ્મર દાઢીમૂછ, થોભિયા કરતાં કંઈક લાંબી એવી જટા અને અને ગળે ગાંઠ પાડી અડધું ઓઢેલું ગેરુઆ રંગનું ધોતિયું વગેરે સાધુની નિશાનીઓવાળા બે માણસોમાંથી એક ઘડા જેવડું તુંબડું ભરીને લંગડાતો કાંઠો ચડી રહ્યો હતો; બીજો તાપણીની બાજુમાં ચીપિયો ખોસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો; તો વળી પેલો તાપણીએ જાડાં લાકડાં અડાવતો હતો.

“શું તાકી રહી છે, નવલ ? આ પેલી ગાય બાંગડે (ભાંભરે) છે ને ?” ચોપાડના ખૂણામાં ખાણ ઠારી રહેલી ડોસીએ કહ્યું, પણ પછી તો એય પેલા કાંઠા તરફ સાધુઓને તાકવા લાગી.

“બીજું તો કંઈ નઈ માસી, પણ આ પીટ્યાને અહીં ક્યાં ધૂણી ધખાવવાનું સૂઝ્યું હશે ?” નવલની વાણીમાં ભલે હળવાશ હતી – સહજ ભાવ હતો, બાકી કાંઠા તરફ મંડાઈ રહેલી એ આસમાની આંખોમાં ને ભીના વાન પર તો ભારોભાર ગંભીરતા હતી, પ્રતિક્ષણે વધતી જતી હતી.

“હશે, આપણે શું? ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય. પોર પેલો એક મદારી તો પકડાઈ ગયો છે અહીંથી. ત્યારે આ પીટ્યા જાણતા નઈ હોય? સરકારનો ડોળો તો આ ત્રણ વરસથી અહીં દિન-રાત આ ઘર પર મંડાયેલો જ છે…”

નવલનું ધ્યાન માસીના બોલવા તરફ હોત તો એને કદાચ હસવું આવત, “આ બિચારા પરદેશી શું જાણે કે આ ઘરનો માણસ મુખીના દીકરાનું ખૂન કરીને ત્રણ વરસ ઉપર ભાગેલો છે?”

પરંતુ નવલનું ધ્યાન અત્યારે પેલા બે જણની આસપાસ જ હતું – આંગણામાંથી પોદળા ભરતી હતી તેયે યંત્રવત્.

માસીનો બબડાટ ચાલુ જ હતો, “એયે મૂઓ છટક્યો એ તો છટક્યો, પણ પકડાઈ જતો હોય તો આવા બાપડા કોક તો ફંદામાં ન પડે. સામાવાળું (નવલ)ય ક્યાં લગી વાટ જોઈને બેસી રે’શે, એટલુંયે એ નઈ જાણતો હોય ?’

માસીની વાત ઘણી વાર અસંગત અથવા તો ઊલટીસૂલટી થયા કરતી. ખાણભરેલું એક ટોપલું ઉપાડતાં એમણે નવલને કહ્યું : “લે, આ ટોપલું ચાંદરી (ભેંસ)ને મેલ, હેંડ.” જતાં જતાં ઉમેર્યું : “એવા તો પીટ્યા ઘણાય ભટક્યા કરે છે ધુતારા.”

નવલને કહેવું હતું, “પણ આ લોક તો આપણા ઘરની વાત કરતા હોય એમ જ લાગે છે, માસી ! જો તે બીડી પીવા બેઠા છે એય આ પા મોઢાં કરીને!” પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આજ એની હિંમત ન લાગી, એટલું જ નહીં, એનો અર્થ પણ કંઈ જ ન હતો.

નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર પર જઈ બેઠી. અલબત્ત, હાથમાં કામના બહાના તરીકે એક છૂટેલા દામણાનો સાંધો થઈ રહ્યો હતો. આંખો તો લગભગ નદી તરફ જ હતી.

એક વાર વળી એમ પણ થયું, “માસી આવ્યાં હોત તોયે ખબર કઢાવત, આટઆટલી ધરતી પડી છે, સામે કાંઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી ? ત્યારે એ બધું મેલીને અહીં મારી છાતી સામે ધૂણી ધખાવવાનું કંઈ કારણ ? કે પછી પીટ્યા પેલા રજવાડામાંના (જાસૂસ) જ છે?”

એટલામાં તો ઢોર-બકરાંને સેર ચડાવી ઘર તરફ વાળી બળદોને શેઢે ચરાવવા રહેલા પચાસેક વર્ષના માસાય ઘોડીઓ સરખા બે બળદ સાથે આવી લાગ્યા. લાગલું જ નવલે એમનું ધ્યાન દોર્યું, “જુઓને માસા, કોકે ધામા નાખ્યા છે!”

પરંતુ માસાએય કંઈ ધ્યાન ન આપ્યું, “છો ને નાખે, આપણું શું ખાવા માગે છે?” કહી એય બળદોની પાછળ પાછળ ઘરમાં ચાલતા થયા.
નવલનેય પોતાને માટે આજ – આ ક્ષણે – નવાઈ લાગવા માંડી. શા માટે પોતે આજ પેલા અવિચારી – ખૂની માણસને ઝંખી રહી છે, ને તેયે ત્રણ વરસે જતે? ને એ તો ઠીક પણ આઠેક વરસ પર રિસાઈને તજી ગયેલા પેલા પ્રથમ વારના અભાગી પતિનેયે એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી. કોઈ દિવસ નહીં ને આજે જ પેલા બે જણને જોતાં બેઉ પતિ એને સાથે યાદ આવી રહ્યાં હતાં. અરે, અતલ ઉરે તો, પેલો સાજો એ પ્રથમ વારનો ને લંગડો એ ખૂની એવું પણ એની જાણ બહાર ગોઠવાઈ ચૂક્યું હતું.

એ જામતાં અંધારામાં એણે પેલા બે જણને આ તરફ આવતાં જોયા. એ ઊભી થઈ ગઈ. બારણા આગળ થંભી ઘરમાં જ ચાલી ગઈ.

કોણે જાણે કેમ, પણ નવલને અઠ્ઠાવીસની ઉંમરમાં આ જ પહેલી જ વાર ડર જેવું લાગ્યું, જ્યારે ક્ષોભનો તો પાર નહોતો. ઘરમાં જઈને એણે પેલા હઠીલા હૈયાને કહ્યું પણ ખરું, “પેલા તો બેય જણ સાજાસારા ને છોકરા જેવા હતા, જ્યારે આ તો – ભાળતી નથી એમાં એક તો લંગડો છે? ને પેલો – પેલોય પાતળો હતો ત્યારે આ તો કોઠીના ફેરે (જાડો) તો છે!”

માસા-માસી એક તરફ નવલના વાલીપદે હતાં, તો બીજી બાજુ એનાં આશ્રિત પણ હતાં. બાપ મરી જતાં એકલી પડેલી નવલને આવા કોઈની જરૂર ઊભી થઈ, જ્યારે પેલીને ચાર વહુઓમાંથી એકેય સંઘરતી નહોતી એટલે જ આ અનાથ થઈ પડેલાં ડોસા-ડોસી એની ઇચ્છાને સદાયે માન આપતાં. કોઈ વાતની સલાહ આપતાં – દાખલા તરીકે, નાતરું કરી લેવાની, તેયે એને રાજીમાં જોઈને જ; પરંતુ આજ ઘરની ધણિયાણી ખુદ નવલ જ એમનાથી ડરી રહી હતી, તેમાંયે માસીથી તો ખાસ. શેડ કાઢી રહેલાં માસીએ વિનાકારણ ઘરમાં આઘાપાછી કરી રહેલી નવલને ભાનમાં આણી, “શું કરે છે તે અંધારામાં, બુન, તું? દીવો તો કર, બાળ?” નવલે દીવો સળગાવી, કોઢ તથા મોવંડ (મોવંડ એટલે ઘરમાં બારણા આસપાસનો બેસવા – સૂવાનો ભાગ.) વચ્ચે આવેલી ઢીંચણભરની ઓટલી પર મૂક્યો. અંદરથી ચોખા લાવીને ઝાટકવા વળી. બારણાની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાંના અજવાળે વીણવા લાગી.

ગોરસમાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, “લાકડાંના અજવાળે તે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન ?” પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી જ વાત કરી, “ઓરી દો ને, બુન, પાટૂડામાં!” અને બહાર ભસી રહેલા કૂતરા તરફ ચીડને વાળી રહ્યાં, “આ મૂઆં કૂતરાંનેયે ભસભસનો જ વહેવાર છે!”

લાડકી નવલ એના અસલ મિજાજમાં હોત તો જરૂર કહેત, “ત્યારે તુંયે ક્યાં ઓછું બોલે છે, માસી ? ચોર લફંગા દાદા તારાથી બીએ છે ને રાતે આ કૂતરાથી!”

પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા રણકાવતા કૂતરાનું ભસવું સુધ્ધાં એના ખ્યાલ બહાર હતું. પાટૂડામાં ચોખા ઓરતી નવલને કાને – બલ્કે, હૈયા પર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા. એક જણના જોડા ખખડતા પારખ્યા તો વિના જોડેય લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો. પહેલાનો અવાજ આવ્યો, “જય સીતારામ, કાકા!”

એકાએક નવલનો અંતરાત્મા બોલી ઊઠ્યો, “એક તો એ જ છે. એનો જ સાદ છે!”

બારણાથી બે ખાટલાવા છેટે આવેલા તાપણાનાં દેવતા સળગાવતા માસાએ આવકાર આપ્યો, “આવો, મહારાજ! બેસો એ ખાટલા પર!”

પહેલા સાધુએ ખાટલાને ઉઠાવી પેલી બાજુએ મૂક્યો. તાપણા તથા બારણા તરફ મોં રહે એ રીતે જવાબમાં બબડ્યો, “અહીં એક પા જ ઠીક રે’શે!” લંગડાએ પણ પાંગથ તરફ જમાવ્યું.

સામી બાજુ બકરાંના કોઢિયાની આડે બાંધેલા કૂતરાએ ભસવું છોડીને ઘુરઘુરાટ શરૂ કર્યો. માસીનો બબડાટ પણ ઘરની અંદર ચાલુ થઈ ગયો હતો. “હરીફરીને એક સીતારામ જ આવડ્યું છે. બસ, પારકાની જીવતર પર જીવવું ને ફર્યા કરવું!”

પાટૂડા નીચે હદ ઉપરાંતનાં લાકડાં ખોસી રહેલી નવલના કાન તો બહાર જ જડાઈ ગયા હતા. પેલા બેમાંથી એક (જેને નવલ પહેલી વારના પતિ તરીકે માની રહી હતી) માસાને સવાલ પૂછતો હતો, “કેટલા દીકરા છે?”

“ચાર દીકરામાંથી એકેય અહીં નથી?”

“એકે વહુ નથી સંઘરતી? ડોસા-ડોસી બેયને?”

“આ ઘરની માલકણ તમારે ભાણી થાય?”

“બાઈ એકલી જ છે?” બારણામાં રહી બિલાડીની જેમ ડોળા ઘુરકાવી રહેલાં માસીથી બોલ્યા વગર ન રહેવાયું, “એ બધું તમારે પૂછવાનું કંઈ કારણ, બાવજી?” કહેતાં કેડે હાથ દઈ પેલા સાધુ સામે જઈ ખડાં થઈ ગયાં.

“કારણ તો, માડી, બીજું કંઈ નઈ, પ…ણ… પ….ણ, સંસારી સાથે બીજી વાતેય શી કરવી ?” બની શકે એટલી મીઠાશ વાપરતાં સાધુએ કહ્યું.
ગુસ્સાને દબાવી રહેલાં માસીનો ઇરાદો તો હતો આરોહ તરફ જવાનો, પરંતુ પા ઘડીની વાતમાં તો બાવાએ એમને અવરોહ તરફ વાળી દીધાં… ને પછી તો એ પોતે જ તાપણા આગળ બેસીને વાત કરવા લાગ્યાં, “બળ્યા અવતાર ને બળ્યો આ સંસારેય, બાવજી ! મારા પીટ્યા ભગવાનને ઘેરેય સો મણ તેલે અંધારું છે કે શું તે -” અને એ કમાડ વચ્ચે અંધારાનો લાભ લઈ તરઘટ પર આવી બેઠેલી નવલ તરફ હાથ કરતાં આગળ બોલ્યા, “આ અમારે નવલ ! પાંચ ભાઈઓનાં મોત પર એ એકલી જ જીવતી રહી છે. માય નાની મેલીને મરી ગઈ. અધૂરામાં પૂરો બાપેય એવો મળ્યો કે આખી “પચ્ચીસી”થી વેર બાંધ્યું. પછી તમે જ કો’ બાવજી! ગોળ બા’રનો જ વર ખોળવો પડે ને? ને ઘરજમાઈ રે’વા આવેય કુણ ? કાં તો આવે છટેલ – દડેલ કે કોક આવે હલકા ઘરનો.” આંખો ફાડી ક્ષણભર તાકી રહ્યા પછી ઉમેર્યંુ : “ને એમ જ થયું. બાઈના કપાળે પે’લો વર મળ્યો છટેલ.”

“કેમ છટેલ, માડી?” પહેલા સાધુને પૂછવું જ પડ્યું.

“કેમ તે ન મળે માતાપિતામાં મા કે બાપ, કે’છે મામાને ઘેર રે’તો’તો. એમાંથી મારી દીકરી કે’તી’તી એમ કોક મેળામાં આ મારી નવલ એણે ભાળી ને…” એકાએક ડોસીનાં ભવાં તંગ થઈ ઊઠ્યાં, “મારો પીટ્યો છોગાળો! એની આખીયે ‘બેતાળી’ પડતી મેલી અહીં ‘પચ્ચીસી’માં આવી ઘરજમાઈ રહ્યો! હવે તમે જ કો’ બાવજી! છટેલ વગર બીજો કોઈ રહી પડે આમ? એમાં વળી કામના કૂડા ને વાતોના રૂડા. તમે તો જાણો છો, અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે! પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુંય જાય ને પરવડેય ખરું? એમને રૂપિયાનું તો દન ઊગ્યે અફીણ ખાવા જોઈતું! એટલે કે સસરા – જમાઈને ઘડીભર ઊભા રહ્યેય બને નઈ. ને એમ કરતાં એ દન બેયને જામી પડી. સસરાએ હાથ પકડ્યો. ને જમાઈયે તું – તુંકારે આવી ગયો. એમાંથી પીટ્યાને છડીછોટ લાગી તે રાતે પરભાર્યો જ ઝાકળિયેથી હેંડતો થયો. મામાને ઘેરેય ભાળ કરાવી, પણ હોય તો મળે ને ? પીટ્યો જાણે ધરતી જ ઊતરી પડ્યો!”

પહેલા સાધુએ એક ભારે શ્ર્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક ખુન્નસભરી આંખે એની સામે તાકી રહ્યો. ભાન ભૂલ્યો હોય તેમ બડબડી ઊઠ્યો, “એણે જ તો આ બધા ખેલ કરાવ્યા!”

“બાવજી… મારો!” મોકાસર ટાપસી પુરાતાં ખુશ થઈ ઊઠેલી ડોસીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાખી લીધી, જ્યારે પહેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કર્યો – ભાનમાં આણ્યો.

ડોસી પોતાની ધૂનમાં હતાં, “તોય બાપ, મારી નવલે તો આજ આવે, કાલ આવશે એમ કરીને ચાર વરસ વાટ જોઈ.”

અને સ્વગત બોલતાં હોય તેમ ડોકું ધુણાવતાં આગળ બોલ્યાં : “થાકીને છેવટ એક બીજો વો’ર્યો, પણ એય પીટ્યો રખડેલ ગોળ બા’રનો. પેલા મૂઆનો કાંક સગોય થતો’તો. કે’ છે કોક વાત કરતું’તું કે સાત તો એને ભાઈ છે ને ડોસા-ડોસીયે હજી જીવે છે, પણ મિજાજનો એવો કે ઘરમાં ભાઈઓથી કાંક લડાઈ થઈ ને નીકળી ગયો ઘર બા’રો. ફરતાં ફરતાં ગરો (ગ્રહ) જ એને અહીં તાણી લાવ્યા હશે ને ? નકર ક્યાં અહીં ભાગિયો રે’વા ને ક્યાં પેલા ડોસાનું મન રંગવા (રીઝવા) ! બીજે વરસે તો ભાગિયામાંથી ઘરજમાઈ થઈ બેઠો.”

“એને તો બાવજી, મીંય એક ફેરા ભાળેલો!” ડોસીના ચહેરા પર થોડોક આનંદ પથરાયો, “કામને તો દીઠું કે જાણે લીધું છે. રાખશની પેઠે ખાઈ જ જાય જાણે. ને જીભ જુઓ તો ટૂંકી પાછી. બે ફેરા બોલાવો ત્યારે એક ફેરા બોલે. પછી તમે જ કો’, ડોસાને ગમી જ જાય ને?”

“હાસ્તો.” પહેલા સાધુએ હુંકારો ભણ્યો, પણ નિ:શ્ર્વાસ સાથે.

ડોસી એમની ધૂનમાં હતી : “ને બાપ, મારી નવલને તો કોઈ ટૂંટિયા સાથે પૈણાવો ને ભલે !” એ ભલી, એનું કામ ભલું ને અફીણી બાપ્ની ચાકરી ભલી. બે જમાઈ વો’ર્યા, પણ એક્કેયની સાથે એક જરા સરખું કે’ છે નથી ચડભડી.” ડોસીનો અવાજ ઢીલો પડવા માંડ્યો: “પણ પીટ્યો ભગવાન જ હાથ ધોઈને એની પાછળ પડ્યો’તો. આટઆટલા શાણપણેયે એને સુખી થવા ન દીધી ! નકર વળી…” ને પછી તો શબ્દોને બદલે નર્યંુ રુદન જ વહી રહ્યું.

માસા પણ આંખો લૂછવા વળ્યા જ્યારે કમાડ અઢેલીને બેઠેલી નવલની આંખો તો ક્યારનીયે ટપકી રહી હતી. કોઈએ જોયું હોત તો લંગડા સાધુની આંખોયે આંસુભરી માલૂમ પડત.

વાત કઢાવનાર સાધુ પણ બેચેન હતો, “હા, પછી વાત તો પૂરી કરો, મા!”

“પૂરી ને અધૂરી બાપા!” ભારે શ્વાસ લઈ વળી શરૂ કર્યું, “આ સામા ગામના મુખી ને ડોસાને પણ માણસ માર્યાં વેર જતાં’તાં. એટલે જ તો વીસ વરસથી આ વગડો વેઠી રહ્યાં’તાં ને ? પણ તોયે – એ પીટ્યા મુખીના દીકરાને ગરોએ ઘેર્યો હશે તે ત્રીજા ચોમાસા પર ભર્યા મેળામાં નવલની કાંક લખણી (છેડતી) કરી.” ડોસીએ એક જોરથી શ્ર્વાસ લઈ જરીપુરાણી ધમણમાં હવા ભરી, “ને કે” છે કે એ વાત જાણીને ડોસાએ છાતીએ ગડદા ઘાલ્યા ને પછી એ રાતના મરેલા દીકરા યાદ કરી કરીને ડોસાએ એવા તો વલાપ કર્યા કે – આજેય એ સાંભળનારાં કે’ છે કણકણ કરતો વરસાદ વરસતો’તો ને એ અંધારી રાતે ડોસાનું રોવું (રુદન) એવું લાગતું જાણે સામા કાંઠાનો પેલો વગડો જ ન વલપતો હોય! ને ભાઈઓના ઓરતા લાવતી નવલેય – કે’ છે, નવલી નો’તી રોતી એ અમને તો લાગતું’તું જાણે કાંઠા ભરીને વે’તી વાત્રક વલપતી’તી!”

ડોસી વળી પાછાં સ્વગતની જેમ ડોકું હલાવી રહ્યાં – બોલ્યાં, “એવું હશે ત્યારે જ તો પેલા જમાઈનો – પારકા જણ્યાનો માંહેલો કોપ્યો હશે ને ? કે’ છે કે મેળેથી બારોબાર ઊપડ્યો ને અંધારી રાતમાં નદીનાં પાણીનેય એણે ન ગણકાર્યાં. ને કે’ છે માળે સૂતેલા પેલા વેરવાઈને જગાડીને ઝટકાવી નાખ્યો. ઘેર આવી ડૂસકાં ખાતા સસરા આગળ વધામણી ખાવા મંડ્યો, પણ એટલામાં તો કે’ છે નવલે એના મોઢા આડા હાથ દઈને પાછે પગલે વગડાની વાટે જ વાળી દીધો ને કહ્યું જ હશે તો, ‘જીવતો રહીશ તો ભદ્દર પામીશ.’ – એ વેળાથી ગયો છે તે આજની ઘડી ને કાલનો દન.

નિ:શ્વાસ નાખતાં ઉમેર્યું, “આજકાલ કરતાં તો ત્રણ – ત્રણ વરસનાં વા’ણાં વાયાં, બાવજી ! નથી પેલા ભાગેડુનું કોઈ થતું કે નથી નવલ ઘર માંડવાનું ગણકારતી ને -”

વચ્ચે જ નવલનો અકળાયેલો અવાજ આવ્યો : “અડધી રાત તો થઈ; ત્યારે ખાશો ક્યારે, માસી ?” અને આછી ભડક સાથે ઊભાં થઈ ગયેલાં માસીને ઘરમાં આવવા દઈ કહ્યું : “આલો એમને શેર ચોખા આલવા હોય તો ને કાઢી દો અહીંથી.”

પરંતુ સાધુ ઠંડા હતા. ચોખા મળવા છતાંય ઊઠવાની દાનત નહોતા કરતા.

નવલે માસાનેય ખાવા માટે ઘરમાં બોલાવી લીધા. તોય પેલા ‘એદી’ (આળસુ) લોક ન ઊઠ્યા.

ને નવલને બહાર નીકળી સામે આવી કહેવું જ પડ્યું : “મોતના મુઢામાં બેસી રે’વાનું કાંઈ કારણ ?”

“અમારે તને કાંક વાત કે’વી છે. પૂછવું છે થોડુંક…” ખુશ થઈ ઊઠેલા પહેલા સાધુએ કહ્યું. તાપણાને અજવાળે ધૂપછાંય થઈ રહેલી નવલની આંખ શું આંખ મેળવવા એ મથી રહ્યો હતો.

“જ્યારે લંગડા સાધુની ચંચળ થઈ ઊઠેલી આંખો નવલની દેહલતાને જ માપી રહી હતી. કહેવા જતો હતો, “પણ તું પેટ ભરીને ખાય છે કે નંઈ ? જો તો ખરી કેટલી બધી ઓસમાઈ ગઈ છે !” એટલામાં તો “એ પહેલાં તું એટલું કે’ને – તીં અમને ઓળખી લીધા છે કે -”

એ ભોળા, ભલા ને અબુધ અવાજ તરફ વળતી નવલની આંખોમાં સ્નેહનો એક ઊભરો ઊઠ્યો – ન ઊઠ્યો ને શમી ગયો. કંઈક દયાભરી – દુ:ખભરી નજરે તાકતાં એણે એને સવાલ કર્યો : “હા, પણ આ પગ ક્યાં ખોયો ?”

“એ તો ખોયો -” એને ઉતાવળ હતી પોતાના સવાલ માટેની અને કહી નાખ્યું : “પેલી ગોઝારી રાતે નાસતાં નાસતાં; પણ તું તારી વાત -”

નવલ ક્રૂર બની – પોતાના જ નહીં, સામાં બે હૈયાં ઉપરેય ! ને દાતરડું ચલાવતી હોય એમ ‘કરપ’ કરતાકને સ્નેહી જનના સવાલને કાપી નાખ્યો, “એ બધું રે’વા દઈને એક ફેરા તમે ઊઠો અહીંથી. મારું કહ્યું માનો તો ધૂણી ઉપર ગયા વગર પરભાર્યા જ અહીંથી -” અને લંગડા સાધુ તરફ તાકતાં ધીમેથી ઉમેર્યું, “અહીં તો આ ઝાડવાંય રાજનાં ચાડિયાં છે માટે -”

વાક્ય અધૂરું મૂકી પહેલી શિખામણ એણે પોતે જ લીધી. બારણા તરફ પગ ઉપાડ્યો, જતાં જતાંય હાથને ઇશારે કહી રહી હતી : “ઊઠો, ઊઠો, હેંડવા માંડો…”

પહેલો સાધુ ફાળ સાથે ઊભો થઈ ગયો. “પણ… પણ અમે તો મરવા માટે જ આવ્યા છીએ. એક થોડુંક અમારે તને પૂછવું…”

લંગડો સાધુ જ એની સામે ઘૂરક્યો, “અરે, તુંય ભલો આદમી છે ને! એ શું એમાં કે’વાની છે? તું તારે હું કહું છું એમ જ…”

અને એ તો લપ ટાળવા કે પછી શું હશે એ જાણવાં કે ગમે તેમ પણ નવલ એકદમ પાછી ફરી. છેક ખાટલા પાસે આવી ખડી થઈ ગઈ, “લો, પૂછી લો પૂછવું હોય એ.”

સાધુ તો સાચે ગભરાઈ પડ્યો. આ કંઈ રૂપિયા – પાઈની વાત નહોતી કે પટ દેતોકને હિસાબ કરવા માંડે અને એટલે જ તો એ લોચા વાળવા લાગ્યો, “પૂછવાનું તો એમ કે… તું જરા થર થાએ (નિરાંતે બેસે) તો…”

લંગડા માટેય આ ગલ્લાંતલ્લાં અસહ્ય થઈ પડ્યાં. બોલી ઊઠ્યો : “એમ લોચા વાળ્યા વગર -” અને સામે જોતી નવલને પોતાની વાત જ પૂછી રહ્યો. “મારું કે’વું એમ કે આ અહીં રે’ ને હું -”

નવલ અકળાઈ ઊઠી, “અરે રા.. મ! તમે કો’ એ, ગમે તે રે’શે તોય પોલીસવાળો એને પકડી લઈ જવાનો. રામાયણ તો એ થઈ છે તમને – સિપાઈની તો ઘણી વાત – પણ ગામનું કોઈ નથી ઓળખતું ને એટલે છીંડે ચડ્યો એ જ ચોર! માટે હું તમને હાથ જોડું.” અને સાચે જ નવલે હાથ જોડ્યા. પેલા પહેલા સામેય ઉમેર્યું, “ઊઠીને હેંડવા જ…”

“અરે, પણ હું કહું છું શું? પોલીસમાં જઈને પકડાઈ જવાની તો હું વાત કરું છું. પછી આને કુણ -”

પહેલાએ નવલ સામે લાગલી જ વાત કાપી : “એમ નંઈ. આ લંગડો થઈ ગયો છે, એટલે એને કોઈ ઓળખવાનુંય નથી ને પૂછવાનુંય નથી, માટે હું જ પોલીસમાં ગુનેગાર થઈ ને -”

લંગડો એની ધૂનમાં હતો – બલકે, અકળામણના વંટોળમાં હતો. પોતાની જ વાત ચાલી રહી હોઈ, એય વળી નવલને કરગરી રહ્યો : “સાચી વાત છે! બબ્બે ધણીએય આ વનવગડામાં તું એકલી?”

“માટે -”

“રહી જ જા તું.” કહેતાં પહેલો ખડો થઈ ગયો : “અત્યારે જ હું થાણામાં -”

લંગડો તો આ સાંભળી ચિડાઈ જ ઊઠ્યો, “એ તો તું વાત જ ભૂલી જા – ખૂન મેં કર્યું ને પકડાય તું. એ તો સમણેય નથી થવાતું!”

નવલનું મગજ અસ્તવ્યસ્ત તો હતું જ. એમાં આ લોકોએ વળી સાધુવાળી ચલાવી (જીદ આદરી). એ અત્યંત અકળાઈ ઊઠી અને “કૂટો ત્યારે માથાં” આવું કંઈક બડબડતી, રડતી – જાણે ભાંગી પડી હોય એમ લથડતી ચાલે બારણા તરફ ચાલતી થઈ.

ત્યાં તો બારણામાં ઊભા રહી “તાસ” (ખેલ) જોતાં માસી બડબડાટ કરતાં બહાર ધસી આવ્યાં : “મારા પીટ્યા હેંડ્યા જતા નથી ને !” પાસે આવી, “તમારો ભા (પોલીસ) આવશે તો બેયને પકડી લઈ જશે. માટે હેંડતા થાઓ.” કહી એય પાછાં ફરી ગયાં.

પરંતુ કોણ જાણે શું સૂઝ્યું કે અડધી ચોપાડેથી વળી એમણે ગુલાંટ લગાવી, પહેલા સાધુના કાનમાં જ લગભગ કહ્યું : “કરવું ન કરવું એ મન સાથે છે; એમાં નવલને શું પૂછવું’તું, ભલા’દમી.” જતાં જતાં લંગડાનેય કહી નાખ્યું : “જે કરવું હોય એ કરી નાખ્યું. એટલે છૂટકો મટે.”

અને ભડોભડ કરતાં કમાડ વસાતાં જોઈને એકલા પડેલા આ બે બબૂચકોનેય ઊઠવું જ પડ્યું.

ઢાળ ઊતરતાં જ વાત કાઢી ને ધૂણીએ પહોંચતાં પહેલાં જ બેઉ જણ નિર્ણય ઉપર આવી ગયા : “પોલીસ જેને પકડી લઈ જાય એ સાચો.”

અલબત્ત, લંગડા સાધુને ગળે આ ઘૂંટડો ઊતરે એમ નહોતો, પણ શું કરે ? પેલાએ એને નવલના કસમ દઈને મૂંગો કરી દીધો હતો. વળી પોતાના કરતાંય એ (લંગડો) નવલને વધારે સુખી કરી શકશે એ પણ સમજાવ્યું. લંગડાને પણ એ વાત કબૂલ કરવી પડી.

પરંતુ બન્યું એવું કે બીજી સાંજે ફોજદાર માટે મરઘીની તલાશમાં નીકળેલા સિપાઈની નજર આ બે મરઘાઓ પર જ પડી.

જવાબમાં એ લોકોને દેશી ભાષામાં વાત કરતા જોયા અને – માસી કહેતાં હતાં એમ જ બન્યું. બંનેયને એ આગળ કરી ગયો.

ઓટલે બેસી જોઈ રહેલી નવલે મહામુસીબતે રુદનને ખાળી રાખ્યું. એ લોક પર એને રોષ પણ એટલો જ ચડ્યો હતો, માસી આગળ વ્યક્ત પણ કર્યો, “છેવટ મારી છાતી ઉપર આવીને -” આગળ એ બોલી જ ન શકી.

પરંતુ માસીને તો એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો, “જે થશે એ, પણ એક પાનો ફાટકો (નિકાલ) તો આવશે !” અને કંઈ સમજતાં ન હોય, પેલાઓને ઓળખ્યા જ ન હોય એમ બોલ્યાં, “ઠેકાણે પડ્યા! ચપટી ઉઘરાવવી મટી! ને જેલમાં બેઠાં બેઠાંયે, ‘જે સીતારામ’ તો થશે,” અને પછી તો એ બેમાંથી કયો કામનો ને કયો નકામો એની મનમાં મનમાં ગણતરી ગણી રહ્યાં, પરંતુ નવલને – વાત્રકને એના ડાબા – જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એકના ઉપર હોય ! એને તો – ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને!

અને એટલે તો પોલીસથાણામાંય એણે નવ ગુણ ટાળનાર નન્નો જ પકડી રાખ્યો ને ! “અવતારમાંય આવા બાવા મીં નથી ભાળ્યા. પછી ઓળખવાની વાત જ ક્યાં, સાહેબ?”

* * *
પરંતુ છ માસ પછી લંગડો – ખૂની છૂટીને આવ્યો ને પેલો નિર્દોષ જનમટીપમાં પડ્યો ત્યારે બહાર માસી આગળ થઈ રહેલી વાત સાંભળતાંમાં જ નવલને લાગ્યું કે પેલો અભાગી માણસ એને વધારે વહાલો હતો. એની કુમાશ, એનું સુંવાળાપણું ને રિસાળવો સ્વભાવ વગેરે બધાં જ લક્ષણ એને ગમતાં હતાં.

એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહીં રોકી શકે અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધાં નહીં. સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી.

કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી. પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી, “અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો! આટલે વરસે તારે આંગણે આવ્યો’તો. ખવરાવવું પિવરાવવું તો ઠીક ! પ…ણ – સુખદુ:ખની બે વાતો તો પૂછવી’તી!”

અભાગી લંગડો ! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે ? નહીં તો નવલ પાછળ એ આવત જ નહીં. એને તો એકાંતમાં નવલ આગળ, પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું, કારટમાં મીં મારાવાળી તો ઘણીયે કરી, પણ પેલા બોલકાએ મને નંઈ પોં’ચવા દીધો. રાજવાળાએય કાને કંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને… સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વા’લું કર્યંુ નથી ને કરુંય નંઈ! પણ!-”

કોણ જાણે આમાંનું એ કેટલું કહી શકત એ તો, પણ ધારો કે આમાંનું કંઈ જ કે’વા ન પામત – બોલી જ ન શકત તોય, નવલ માટે એની પેલી ઓશિયાળી આંખો ને આતતાયી શી સિકલ ઓછાં નહોતાં!

પણ હાય! ન નવલ આ બધું જોવા પામી કે ન પેલા ઓશિયાળા પુરુષે ધીરજ ધરી અને કેમ કરીને ધરી શકે!

ભાઈઓના ઓરતા લાવતી નવલના તે દિવસના વિલાપે તો એનું મગજ એકલું જ ફેરવી નાખ્યું હતું, પરંતુ આ આજના વિલાપે તો એનું હૈયું જ ભાંગી નાખ્યું – ભુક્કા ઉડાડી દીધા!

જાણે બીજો પગ પણ “કડાડ” દઈને ભાંગી ગયો હોય એમ એ કાંઠા ઉપરની પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો. તરતના જન્મેલા, ફૂલસરખા કોઈ કુમળા બાળક પર ભૂલભૂલથી જાણે ઘા કરી બેઠો હોય એમ એનું અંગેઅંગ – અરે, આત્મા સુધ્ધાં થરથરી ઊઠ્યાં – “અરરરરરર – ભૂલ્યો, ભૂલ કરી !”
અને એ ભયંકર ભૂલને હળવી કરવા જ હોય એમ છેલ્લા ઉપાય તરીકે એણે પેલો ભાંગેલો પગ ઉપાડ્યો ને ચાલતી પકડી ! એવું લાગતું હતું જાણે નદીકાંઠાનાં ઝાડ્યી છેલ્લે વિદાય લેતો “રામ રામ” કરતો ન જઈ રહ્યો હોય!

હજીય નદીમાં બેસી રહેલી આંસુ સારતી નવલને કોણ કહે કે હાથમાંનું હેવાતન તો એ ચાલ્યું ! એ નદીનો વળાંક વળ્યો… એ લંગડાતો લંગડાતો ડુંગરી ચડ્યો… એ ઊતરે… એ… એ… એ… એ ઊતરી પડ્યો !

એક જ આશા હતી : “ઢોર ચરાવવા ગયેલા માસા સામા મળે ને એને પાછો બોલાવી લાવે !’

– પન્નાલાલ પટેલ


4 thoughts on “વાત્રકને કાંઠે.. – પન્નાલાલ પટેલ

 • Vimala Gohil

  “વાત્રક્ને કાંઠે” શાળામાં ભણેલ ,એના વિશેના સવાલ-જવાબ પણ કરેલ,પાત્રોનું પાત્રા લેખન પણ કરેલ એ તાજું થયું.
  સાથે સાથે શીક્ષિકા બહેને કેવું સરસ સમજાવેલ તે પણ યાદ આવ્યું. આમ જુની યાદો તાજી કરાવનાર અક્ષરનાદનો
  આભાર.

 • Chandrakant Vashram Darji

  aa varta amare highschool ma bhanvama avti hati. Atyare vanchine fari pachha e divaso yaad avi gaya. Te vakhate to e ek bhanvano pathaj hato pan atyare vanchavano anand j anero madyo.

 • Kalidas V. Patel { Vagosana }

  મહાન લેખક પન્નાલાલ પટેલની અતિ સુંદર વાર્તા. ત્રણે ય પાત્રો કેટલાં ઉદ્દાત અને છતાં ય તેમને નશીબે માત્ર દુઃખ જ ને ? … આજની પેઢીને અઘરી લાગે , પરંતુ જબરી સંવેદનશીલ કથા.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • gopalkhetani

  શ્રી પન્નાલાલ પટેલ ની આ અદભુત વાર્તા વિશે comment લખિયે એટલી હજુ હેસીયત નથી.

Comments are closed.