ભગવત્તાની ક્ષણોમાં.. – દિનેશ જગાણી 8


રાતના અગિયાર વાગ્યા છે. આખું ગામ સુઈ ગયું છે. મારા મોબાઈલમાંથી આવતા ઋષભ ગ્રુપના ગરબાના ધીમા અવાજ સિવાય વાતાવરણમાં નીરવ શાંતિ છે. હા, કંસારીનો અવાજ ખરો. ઘરની બહાર ખુલ્લામાં ખાટલા પર બેસી લેપટોપમાં આ લખું છું ત્યારે ચંદ્ર હવે માથા પર આવી ગયો છે. મારી પથારીમાં અડધે સુધી ઘરનો પડછાયો છે ને અડધે સુધી ચાંદની પથરાઈ છે. ઘર આગળના લીમડાના ઝાડ પર ચાંદની મિશ્રિત અંધકાર છે. ટગરના ફૂલ ચાંદનીમાં ચમકે છે. દુર સામેના ખેતરોમાં વીજળીના બલ્બનો પીળો પ્રકાશ ક્ષિતિજ પર તારો ટમટમતો હોય એવો આભાસ ઉત્પન કરે છે. ચારે દિશાઓમાંથી જાણે ભગવત્તાનો વરસાદ થઇ રહ્યો છે.

‘યસ ઓશો’ નો એક જુનો અંક જોતો હતો . અંદર પીળા વાંસનો સુંદર ફોટોગ્રાફ્સ હતો. સાથે ભગવત્તા પર ઓશોનું સુંદર પ્રવચન હતું. સારાંશ કૈક આમ હતો:’ જયારે પણ તમને સમય મળે પોતાની જાતથી-પોતાના હોવાપણાથી અલગ થઇ ભગવત્તાને પોતાનામાં પ્રવેશવા દો. અજ્ઞાતને તમારી જાતનો કબજો લઇ લેવા દો.’ બસ પછી આગળ વધુ વાંચી ન શક્યો. મન ઓશોમય – શાંતિમય બની ગયું.

ઘરની બહાર નીકળી જોંઉ છું તો ઉગમણે ક્ષિતિજ પર ચાંદ દેખાયો, ભાદરવા સુદ ૧૪ નો ચાંદ! પરમ શાંતિનો અનુભવ! ભગવત્તાએ મન પર કબજો લઇ લીધો હતો. થોડાક મિત્રોને ઓશોના પ્રવચનના અંશો સાથે ચાંદની રાત નિહાળવાનું સૂચવતો મેસેજ કરી મોબાઈલ બંધ કરી મૂકી દીધો. ધાબાની પાળી પર બેસી ક્યાંય સુધી ચાંદની નિહાળી. સાંજે-રાત્રે ધાબા પર એકલા બેસી આકાશને નીરખવું હંમેશા ગમ્યું છે. એમાંય આ તો ચાંદની રાત.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષના આ દિવસો અંબાજી ચાલતા જવાના દિવસો છે. એક રાત પહેલા હું અને એક દોસ્ત અંબાજી ચાલતા જતા હતા ત્યારે રસ્તામાં આવતા એક નાનકડા ગામમાં રાત્રી રોકાણ કરેલું. આમતો આ સમયે અંબાજી જતા માર્ગો સેવા કેમ્પોની પ્રવૃત્તિથી ધમધમતા હોય છે પણ આ ગામ મુખ્ય માર્ગનું ન હોઈ તેમજ નાનકડું હોઈ અહી શાંતિ હતી.

રાતના બાર વાગી ગયા હતા. ચાલવાથી થાક પણ લાગેલો. અહી સુવું કે આગળ વધવું એ વિષે અમે સ્પષ્ટ થઇ શકતા નો’તા કેમ કે આગળ આ રસ્તો મુખ્ય હાઈવે સાથે મળતો હોઈ સુવા માટે સારી જગ્યા મળશે કે કેમ તે પ્રશ્ન હતો? વળી આ અજાણ્યું ગામ હતું ને મારા થેલામાં કેમેરો, મોબાઈલ, પૈસા વગેરે હતા. ગામના ગોદરે એક નાનકડો ઓટલો હતો. વચ્ચે પિંપર નું તરુણ વૃક્ષ હતું. અમે ઓટલો સાફ કરી સાથે લાવેલું પ્લાસ્ટિક પાથરી દીધું. થેલાને ઓશિકા તરીકે રાખી ઊંઘી ગયા. થોડોક સમય ગયો હશે કે રસ્તે જતા યાત્રાળુઓના અવાજથી હું જાગી ગયો. આકાશ તરફ નજર ગઈ તો હું સ્તબ્ધ થઇ ગયો. ચંદ્રનો પ્રકાશ પિંપરના વૃક્ષમાંથી મારા મોઢા પર પડતો હતો. ચારે બાજુ ની:સ્તબ્ધતા પથરાઈ હતી. સમગ્ર ચાંદનીમય બની ગયું હતું. ભગવત્તાની ક્ષણ. આ ક્ષણના આનંદ સામે મારો બધો સંશય સમાપ્ત થઇ ગયો અને હું માથે ઓઢી નિરાતે ઊંઘી ગયો.

– દિનેશ જગાણી ‘અલિપ્ત’

આમ તો આ લેખની લંબાઈ ખૂબ ઓછી છે પણ પોતાના આ સર્જન વિશે દિનેશભાઈ કહે છે, ‘આ સાથે એક નાનકડુ ડાયરીના પાના જેટલું લખાણ મોકલી આપું છું. એ ક્ષણો ખુબ અલૌકિક હતી. લાંબુ લખવા બેઠો હતો પણ અકસ્માતે લખાણ અધૂરું છોડવું પડ્યું. ત્યાર બાદ ન સમય મળ્યો કે ન મનમાં એવો ભાવ આવ્યો એટલે એ જ સ્થિતિમાં લખાણ મોકલી આપું છું.’ અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ દિનેશભાઈનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ભગવત્તાની ક્ષણોમાં.. – દિનેશ જગાણી

  • દિનેશ જગાણી

    જયભાઈ, વિમળાબેન,કિશોરભાઈ,મનસુખભાઈ,જગદીશભાઈ અને નિખીલભાઈ,
    આપે આપનો કીમતી સમય ફાળવી અભિપ્રાય આપ્યો એ બદલ હ્રદય થી આભારી છું. મારા લખાણ થી આપને આનંદ મળ્યો એ જ એની સાર્થકતા છે. આ પ્રકારનો મારો બીજો એક લેખ- ‘ચાંદની’ નામે અક્ષરનાદ પર અગાઉ આવી ગયેલો છે તે જોવા વિનંતી.

  • Nikhil

    Very inspiring thought. We never allow God to speak with us. We do lot of talking. Life is when there is no monologue within and no dialogue outside.

    You made not only this day but my week.

    Salaam.

    thank you …Thank You …TTHHAANNKK YYOOUU – Dineshbhai

  • Vimala Gohil

    અક્ષ્રરનાદ સાથે દિનેશભાઈને અમારા તરફ્થી પણ આભાર. આપના અધુરા કહેવાતા લખાણે સંપુર્ણ ભગવ્ત્તાની અનુભુતી કરાવી
    સાથે અક્ષરનાદનો ખૂબ-ખૂબ આભાર.