વહેમ.. – વિશાલ ભાદાણી 5


“રજનીશ?” તિલકે આવતાં જ કડક અવાજે કહ્યું.

“આવ, આવ તિલક!” રજનીશે સ્મિત સાથે કહ્યું.

“રજનીશ, વ્હોટ નોનસન્સ ઈઝ ધીસ યાર?” તિલક બરાબર ગરમ થયેલો હતો.

“શું પણ?”

“લાસ્ટ સન્ડે ટીવી પર તારો ઈન્ટરવ્યુ જોયો.. આ બધું શું છે?”

“આ બધું જ સાચું છે!”

“એટલે તારું એવું કહેવું છે કે તારી “વહેમ” નામની નવલકથાનાં પાત્રોએ તારી ઉપર ગઈ કાલે હુમલો કર્યો?” તિલક શંકાભરી નજરે રજનીશ સામે જોઈ રહ્યો હતો. રજનીશની આંખો જાણે કે તિલકની કોઈ પણ દરકાર કર્યા વગર દીવાલ પર લાગેલ છબીમા સ્મિત કરતાં તોલ્સતોય તરફ સ્થિર થઇ ગઈ હતી.

“રજનીશ તું જેટલો તને ઓળખે છે એના કરતાં પણ વધારે હું તને ઓળખું છું. તું અને તારી ભાણી આવું નાટક શા માટે કરી રહ્યાં છો?”

“તું પહેલાં શાંતિથી બેસ. આપણે નિરાંતે વાત કરીએ. આનંદી બેટા બે કપ ચા લાવજે.” રજનીશે ઘરમાં બુમ પાડી.
“એ લાવી…મામા.” એક યુવાન અવાજ ઓરડામાંથી પસાર થઇ ગયો.

“આજે હું ખૂબ જ ખુશ છું યાર. જો વાત જાણે એમ છે કે..,” રજનીશે તિલક તરફ જોઇને કહ્યું.

“હું તારો દોસ્ત છું. મારા ગળે ઉતરે એવી વાત કરજે.” તિલકે રજનીશની આંખોમાં આંખો નાખીને કહ્યું.

“જો તે મારી નવલકથા વાંચી છે એટલે તારાં માટે કંઈ જ નવું નથી. જેમાં ત્રણ પાત્રોની વાત આવે છે. ત્રણમાંથી એકને સ્કીત્ઝોફ્રેનીયા છે. હમણાં હમણાથી માર્કેટમાં સાયકોલોજી બેઝ્ડ નવલકથાઓ અને ફિલ્મો ખૂબ ચાલે છે.”

“તું આમ ફેરવીને વાત ન કર. કમ ટુ ધ પોઈન્ટ.” તિલકે ગુસ્સાથી કહ્યું.

“ઓ.કે. ટૂંકમા કહું તો જો દિખતા હે વોહ બિકતા હે!” રજનીશે પોતાની વાત પર ભાર મુકવા હાથ સોફા પર પછાડ્યો.

“એટલે હું સમજ્યો નહીં.” તિલક પોતાનાં મગજને કસી રહ્યો હતો.

થોડીવાર સુધી રાહ જોયા બાદ રજનીશે કહ્યું, “એટલે મેં મીડીયાવાળાને બોલાવીને કહ્યું કે મારી જ નવલકથાનાં પાત્રોએ મારાં પર હુમલો કર્યો. પોલીસ આવીને બેડરૂમમાં તૂટેલી વસ્તુઓ તપાસીને મારી જુબાની લખી ગઇ. પોલીસ કેસને આધારે, ત્યાર બાદ ડોક્ટરની એક ટીમ આવીને મારું ચેકઅપ પણ કરી ગઈ.”

“એમણે શું કીધું?” તિલકે ચિંતાભર્યા સ્વરે પૂછ્યું.

“એમ જ કે મને મારી નવલકથાનાં પાત્રોની જેમ જ સ્કીત્ઝોફ્રેનીયા નામની બીમારી લાગી છે અને એટલે, જે પાત્રો-જે લોકો દુનિયામાં છે જ નહી એ મને દેખાય છે. અધૂરામાં પૂરું આ મીડીયાવાળાએ પણ મસાલો ભભરાવ્યો અને કહ્યું કે છેલ્લા બે વર્ષથી સતત હું આવા સાયકોલોજીકલ વિષય પર કામ કરી રહ્યો હતો એટલે મને પોતાને જ એની અસર થઇ ગઈ છે.”

“પણ આવું બધું નાટક શા માટે?”

“એ એટલા માટે કે, એક મિનીટ.” જાણે કે કંઇક યાદ આવ્યું હોય એમ કંઇક શોધવા લાગે છે અને ટેબલ પર મુકેલો પોતાનો મોબાઈલ ફોન લઈને આવે છે અને તિલકને બાતાવે છે અને કહે છે, “જો આ મારાં પબ્લીશરનો મેસેજ, કહે છે ઈન્ટરવ્યું પછી દસ હજાર નકલો વેચાઈ ગઈ છે અને હજુ ડીમાન્ડ આવી રહી છે. વી આર રેડી ફોર ધ સેકંડ એડીશન!” અને જાણે કે કોઈ જુનું સપનું સાકાર થયું હોય એમ પ્રફુલ્લિત થઈને હસે છે.

“એનો અર્થ એવો થયો કે તે માત્ર નામના માટે આવું તુત ઊભું કર્યું!” આઘાત પામેલ તિલકે કહ્યું.

રજનીશનો પ્રફુલ્લિત ચેહરો અચાનક ગંભીર મુદ્રા ધારણ કરે છે, “તો હું શું કરું? આજકાલના નવાણીયા લેખકો કે જેને સાહિત્યનો કક્કો પણ નથી આવડતો એ બેસ્ટ સેલર થઇ જાય છે. પ્રયોગનાં નામે ગમે તેવું રબીશ લખી નાખે છે અને પછી કહે છે કે તેઓ “પોસ્ટમોડર્ન સ્ટાઇલ”માં લખે છે. પોસ્ટમોડર્ન સ્ટાઇલ માય ફૂટ. અરે મેં ત્રણ-ત્રણ દાયકા સુધી સાહિત્યની સેવા કરી છે. એ માન અને પ્રતિષ્ઠતાનો સાચો હકદાર હું છું.” અને રજનીશ સ્મિત કરી રહેલાં તોલ્સતોયની સામે એકધારું જોવા લાગ્યો.

“અરે મામા, હું ક્યારની જોઉં છું. તમે આ કોની સાથે વાત કરો છો?” ચાનો કપ લઈને આવેલી આનંદીએ પૂછ્યું.

“આ તિલક મારી વાત સમજતો જ નથી…” રજનીશ જવાબ આપ્યો.

“કોણ તિલક? અહીં તો કોઈ જ નથી.” આનંદીનો જવાબ સાંભળતા જ રજનીશ પાછળ ફરીને જુએ છે તો કોઈ જ ન હતું.

“અરે હમણાં તો અહીં હતો. કદાચ મારી વાતથી નારાજ થઈને જતો રહ્યો લાગે છે.”

“પણ મામા તિલક કોણ?”

“અરે મારો ખાસ મિત્ર, જેને મેં “વહેમ” અર્પણ કરી છે. એ બૂક લોન્ચ ફંકશનમાં પણ હતો જ ને. કેમ ભૂલી ગઈ?” રજનીશ હસતાં હસતાં આનંદીને યાદ આપવાની કોશિશ કરી રહ્યો હતો.

“મામા, તમારી વહેમ નવલકથા હજુ ટાઈપમાં આપી છે. અને હું જાણું છું ત્યાં સુધી તમારે તિલક નામનો કોઈ મિત્ર છે જ નહીં. એ તો તમારી નવલકથાનું એક પાત્ર…એક મિનીટ” થોડી વાર અટકીને, “તમે તમારી દવા પીધી?” આનંદી રજનીશને યાદ અપાવ્યું અને ડ્રોવરમાંથી દવા કાઢતી-કાઢતી બબડવા લાગી, “તમે અને તમારી સાયકોલોજીકલ નવલકથાઓ, તમારું તો છટક્યું મારું પણ છટકાવશો! રૂમમાં તોડફોડ કરીને વળી કહે છે નવલકથાનાં પાત્રો આવ્યા હતાં!”

“અરે પણ, તિલક છે. હું કહું છું કે છે. તું મારો વિશ્વાસ કર. આ જો સોફા પર બેસીને મારી ખીલ્લી ઉડાવે છે. એય તિલક, પ્લિઝ આ આનંદીને તું કહેને કે તું છે. મારાથી આ દવાઓ હવે સહન નથી થતી.” રજનીશ સોફા નજીક જઈને તિલકને વિનંતી કરવા લાગ્યો. વળી, કોણ જાણે શું થયું અચાનક ગુસ્સે થઈને બરડા પાડવા લાગ્યો.

“કુલટા, મારી વાત પર વિશ્વાસ નથી કરતી…” એમ કહીને આનંદીને તેનાં વાળ પકડીને જમીન પર પછાડે છે. આનંદી ચીસ પાડી ઊઠે છે.

“મામા, તમને મને મારવાનો કોઈ જ અધિકાર નથી.” ઊભી થયેલી આનંદીએ રડતાં રડતાં કહ્યું.
એવામાં કોઈ આગંતુક આવીને કહ્યું,

“અરે આનંદી આ તોલ્સતોયે તારું શું બાગડ્યું છે કે એનાં પર ગુસ્સો કરે છે? અને આ આંસુ? શું થયું? ગુસ્સો થૂંકી દ્યો દેવીજી. તારા માટે એક ગૂડ ન્યુઝ છે. તારી “વહેમ” નવલકથા યંગ પોસ્ટમોડર્ન રાઈટર્સ બેસ્ટ સેલીંગ બુક ઓફ ધ યર માટે નોમીનેટ થઇ છે. કોન્ગ્રેચ્યુલેશન દોસ્ત! મેં તો આખી મુસાફરીમાં ઊંઘ્યા વગર વાંચી. એમાય રજનીશમામાનું પાત્ર એટલે એકદમ જોરદાર!

આનંદી એક નજર આગંતુક પર નાખીને તોલ્સતોય સામે જોયા કરે કરે છે. ખબર નહીં કેમ, પણ આ વખતે તોલ્સતોયનું સ્મિત વધી ગયું.

– વિશાલ ભાદાણી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વહેમ.. – વિશાલ ભાદાણી

  • dhaval soni

    વાહ, વાહ, વાહ… શું જબરદસ્ત વાર્તા છે બાકી… ખરેખર સાયકોલોજી તમે ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે.

    જે વળાંકો આવે છે વાર્તામાં તે રોમાંચ અદભુત.. અને અવર્ણનીય…

  • Kalidas V. Patel {Vagosana}

    વિશાલભાઈ,
    નવી તરાહની સુંદર વાર્તા આપી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}