નસીબદાર – દુર્ગેશ ઓઝા 9


‘સચીન, તે અમેરિકાની કેપિટલ વોશિંગ્ટનમાં જોવાલાયક સ્થળોનું લીસ્ટ જોયું ? વોશિંગ્ટન કેપિટલ બિલ્ડિંગ, વોશિંગ્ટન મોન્યુમેન્ટ, લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ, થોમસ જેફરસન અને લિંકન મેમોરિયલ, ન્યુઝિયમ મ્યુઝિયમ, ફોર્ડસ થીયેટર, વ્હાઈટ હાઉસ, યુનાઈટેડ બોટાનિક ગાર્ડન, નેશનલ ગેલેરી ઓફ આર્ટ, સ્પાય મ્યુઝિયમ, નેશનલ ઝૂ, નેશનલ પેન્ટાગોન, ૯/૧૧ મેમોરિયલ વગેરે…વાઉ ! પહેલાં તો મારે આખું વોશીંગ્ટન મન ભરીને જોવું છે. નિરાંતે મજા માણવી છે.’

‘અરે વિજય, આપણી કેટલીક અગત્યની આયુર્વેદિક ઔષધિઓના લીસ્ટ પર એક નજર ફેરવી લે. મેં બહુ મહેનત કરીને આ લીસ્ટ બનાવ્યું છે. છે ને અલભ્ય ને અદભૂત ! એ લોકો પણ હવે આપણા આયુર્વેદની વેલ્યુ જાણી ગયા છે ને એની પેટન્ટ લેવા પડાપડી કરે છે.આવી પ્રોડકટ્સ લઈને ફોરેન જશું એટલે પૈસાની રેલમછેલ. આપણે ઊપડ્યા નહીં ઊપડીએ. જલસો પડી જશે યાર જલસો.’

‘દોસ્ત શ્યામલ, આવું ભરતકામ, પટોળું…આપણને જેટલામાં અહીં પડે એનાથી ચાર-પાંચ ગણા ભાવ ફોરેનમાં મળશે. ત્યાંના લોકોને હવે આપણી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે. ધે આર મેડ આફ્ટર ઇટ. મોં-માગ્યાં દામ દેવા તૈયાર ને આપણે બખ્ખા..આપણે આવાં ડ્રેસીઝ અમેરિકા લઇ જશું ને હજારો-લાખોમાં આળોટશું. પછી આપણે વટથી કહેશું, ‘ અમે અમેરિકામાં…..’

….કોઈ પણ વાત હોય, દરેક વાતમાં ફોરેન જવાની અદમ્ય ઈચ્છાને તરંગે એ વખતે આમ સાંકળી લીધી હતી. વિદેશગમન માટે અધીર એવો તરંગ સુખદ ભવિષ્યના અનેક સપનાં જોવા માંડ્યો હતો. એની કલ્પનાના તરંગ વધુ ને વધુ ફેલાતા જતાં હતા. હોઠ પર વાતવાતમાં પરદેશનો જ ઉલ્લેખ.આંખ સામે માત્ર અમેરિકાની જ દુનિયા, એ દિવસોમાં એ સિવાય તેને જાણે કાંઈ દેખાતું જ ન્હોતું. ત્યાં પહોંચી જવાની તાલાવેલી,ઉતાવળ,વૈભવશાળી લાઈફની મહેચ્છા.! પણ ઓહ નો. શીટ..!

..તરંગ ભૂતકાળમાં કલ્પનાના આ બધા જે તરંગે ચડી ગયો હતો તે બધું યાદ આવતા જ તે દુઃખનું ગાણું ગાઈ રહ્યો.ફરી હતાશાના ઘેરામાં કેદ. સોચા થા ક્યાં, ક્યાં હો ગયા ? ફોરેન જવાનું જોરદાર ઘેલું લાગ્યું હતું એને. જલદી અમેરિકાની ધરતી પર પગ મૂકવાની ચટપટી ઉપડેલી. બીજા બધા મિત્રોએ ત્યારે હસીને કહેલું કે ‘ થોડી ધીરજ ધર દોસ્ત. થોડા દિવસોમાં તો આપણે ચારેય મિત્રો અમેરિકામાં હશું. હવે બહુ રાહ જોવી નહી પડે.’ તરંગ પણ પ્રતીક્ષા કરતો હતો, પણ રે નસીબ !

હા, વિજય, તરંગ, શ્યામલ ને સચીન…ચારેય ગાઢ મિત્રો. કોઈને એક બીજા વગર ન ચાલે. સ્ટડી,પીકનીક, ગેઇમ્સ, પિક્ચર કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય, મોટે ભાગે તો આ ચારેય ફ્રેન્ડઝ સાથે જ હોય. અતુટ ફ્રેન્ડશિપ. ગ્રેજ્યુએટ થઇ ગયેલા ચારેય મિત્રોએ વિખ્યાત કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી ડીસ્ટીકંશન માર્ક્સ સાથે મેળવેલી. સારી નોકરી મેળવવાનું દરેકનું સપનું. એમને એમ કે ફાઈનલ એકઝામમાં આવી ઝળહળતી સિદ્ધિ મળી છે, એટલે જોબ તો આમ ચપટીમાં ને એય મનગમતી તેમ જ મોભાદાર મળી જ જશે. આપણો વટ પડી જશે વટ. બધાં આપણા દાખલા દઈ આપણને અનેરું માનપાન આપશે. આ મિત્રો આમ પ્રબળ ઉત્સાહ અને આનંદથી છલકાતા હતા, પણ ક્મભાગ્યના દરવાજા એમની આ કલ્પના જોઈ છાનું મલકાતા હતા. ઘણી દોડધામ, ખૂબ ધમપછાડા પછી પણ પોતાની ધારણા મુજબની નોકરી મળતી ન્હોતી. જગ્યા થોડી, ને ઉમેદવાર અનેક ! સામાન્ય નોકરીનાય સાંસા હતા. કોશિશ નિરંતર ચાલુ જ હતી, પણ સફળતા તેનાથી ખાસ્સું અંતર રાખીને ચાલતી હતી. ચોતરફથી નિરાશા તેમ જ નકાર મોં ફાડીને ઊભા હતાં, જે તેમને તેમના પગ ઉપર ઊભા રહેવા નહોતા દેતા.

‘ટેલેન્ટ હોવા છતાં શા માટે ને ક્યાં સુધી આપણે આમ નાહક બીજાનાં તળિયાં ચાટવાં ? વળી જોબ તો મળતી નથી. એના કરતા આપણે જ સાથે મળી નવી કંપની કેમ ન સ્થાપીએ ? ચર્ચાવિચારણા દરમિયાન આવો એક સશક્ત વિચાર શ્યામલને સુઝ્યો, ને એકી અવાજે બધાએ તેને વધાવી લીધો. નસીબ પાધરા હતા એટલે લોન, જગ્યા વગેરે માટે બધી અનુકૂળતા થવા માંડી હતી, ત્યાં જ…બીજી લોભામણી ઓફર આવી, જે પહેલેથી બધાનું સપનું હતું. ‘ તમે ઘેરબેઠા સાહસ કરો ને સફળ ન પણ થાવ. વળી આ બધાં માટે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તે કર્યા વિના જ તમને આવી જ, અરે આનાથીય ક્યાંય વધુ અમીર બનવાની તક મળતી હોય તો  શું કામ ખોટું રિસ્ક…? ’ એજન્ટ વિનોદે વિસ્તારથી બધું સમજાવ્યું હતું ને આ વાત સૌના ગળે ઉતરી ગઈ. વૈભવનો ખજાનો હાથવેંતમાં લાગ્યો. હવે આવો મોકો હાથથી થોડો જવા દેવાય ?

‘આપણે ચારેય આકાશમાંથી જાણે ફરી ધરતી પર આવી ગ્યા’તા, પણ ભલું થજો પેલા વિનોદનું, જેણે ફરી આકાશ બતાવ્યું. ‘  મિત્રો આમ વિચારી વિનોદ કરતા કરતા ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. જાણે નિષ્ફળતાને હાથતાળી દઈ રહ્યા હોય એમ મિત્રો પરસ્પર તાળી દઈ રહ્યા હતા. ચારેય મિત્રોના પાસપોર્ટ તૈયાર ને વિઝા પણ મંજૂર…!  એક તો વિદેશ જવાના વર્ષોજૂનાં અરમાન પૂરાં થવાનાં હતાં ને બીજું, નામ સાથે મબલખ દામનીય ગેરંટી. ચારેય રાતોરાત સ્ટાર બની જવાના હોય ને એમના સ્ટાર જાણે જોર કરતા હોય એમ વિશ્વવિખ્યાત ફાઈવસ્ટાર હોટલ ‘ વેલકમ અમેરિકા ’માં દમદાર નોકરી, જેનું મેનેજમેન્ટ અજોડ ને ગૌરવપૂર્ણ.

બેને ક્વોલિટી કન્ટ્રોલ મેનેજરની ને બીજા બેને ફૂડ સપ્લાય સુપરવાઈઝરની મોભાદાર પોસ્ટ ! બધા રાજીના રેડ. ક્વોલિફિકેશનની, એમની ડીગ્રીની કદર કરવાવાળું દેશમાં કોઈ ન્હોતું મળ્યું ને અહીં તો..! આ બધો યશ વિનોદને..! દોડધામ ને મહેનત એની. પોતે અડધોઅડધ કમિશન જતું કરી માત્ર બે લાખ રૂપિયામાં જ આ યુવાનોને પગભર કરવાનું મિશન એણે આદરેલું. વળી આ રકમ તો ફક્ત ચાર જ મહિનામાં વસૂલ થઇ જવાની. પછી તો બસ જલસા જ જલસા. ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરો તો મહિને પચાસ હાજર રળી આપતી નોકરી. ચારેય ગળગળા થઇ એનો આભાર માની રહ્યા હતા.

સ્વજનોએ ઘરબેઠાં સાહસ માટે હિંમત સાથે મૂડી વગેરે આપવાની તૈયારી પણ બતાવેલી.અનેક નવા સંપર્કો પણ સ્થપાયા. લાગણીની મૂડી બહુ સમૃદ્ધ. સ્થાનિક લેવેલે જ સારો બિઝનેસ શક્ય હતો. આર્થિક જ નહીં, માનવીય સંબંધોમાં પણ વૈભવની વૃદ્ધિ શક્ય, પણ નો…નો વે..નાઉ ઇટ ઇઝ ધ વે ટુ ફોરેન કન્ટ્રી. ચારેય મિત્રો વિદેશ જવા મક્કમ. અચાનક આ તક આવી મળી. જાણે જેકપોટ લાગી ગયો. આવું તો સપનેય ન્હોતું વિચાર્યું ! હવે તો સુખદ સપનાંઓની વણઝાર..હવાઈ સફર, આકાશમાર્ગે જવાનું, લાખોમાં આળોટવાનું, વાહ ક્યાં બાત હૈ..!’ મિત્રો ફરી સુખને કલ્પનામાં !

સૌથી વધુ ખુશખુશાલ હતો તરંગ. ખુશીના તરંગો તેની અંદર ફેલાઈ ગયા હતા. સારા સમાચાર મળતા જ બધા મંદિરે ઉપડ્યા’તા આશીર્વાદ લેવા. ઊંચી ટેકરી પર આવેલું  જગવિખ્યાત મંદિર… ત્યાં જ એક પથ્થર પર બેલેન્સ ગુમાવતા જ તરંગ ઊંડી ખાઈમાં નીચે…ને મલ્ટીપલ ફ્રેક્ચર ! એક મહિનો બેડ રેસ્ટ. તરંગ માટે આ બેડ રેસ્ટ બેડ ટેસ્ટ હતો. પગનો જાણે ભુક્કો બોલી ગયો. વિદેશ જવાનું સપનું ભાંગીને ભુક્કો. આશાવાન, ઉમંગસભર હૈયાને  જાણે મલ્ટીપલ ફ્રેક્ચર ! તરંગ અને એનો પગ… બેય ભાંગી પડ્યા હતા.

આ ઘટના ફરી માનસપટ પર અત્યારે અંકિત થતા તરંગના ચહેરા પર ગુસ્સો ધસી આવ્યો. એ મનોમન સંભળાવી રહ્યો. ‘ જોયા ન હોય મોટા પ્રભુ. પથ્થરની મૂર્તિમાં ભગવાન, પણ અહીં તો આ પથ્થર જ વેરી થઈને આવ્યો. વળી આ એ પથ્થરની ઠોકર લાગી હતી, જેની પ્રાણપ્રતિષ્ઠા કરી  ભગવાનની મનોરમ્ય મૂર્તિ ઘડવાની હતી ! એણે જ પ્રાણઘાતક પછડાટ આપી પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દીધું.  વિદેશગમન સુખરૂપ ને સફળ થાય એ માટે મંદિરે ઈશ્વર સમક્ષ માથું ઝૂકાવવા જતા હતા એ ઈશ્વરે જ….! ’ તરંગ આવું વિચારતા ફરી આક્રોશ ઠાલવી રહ્યો. ‘ તને મારી એવી તે કેવી ઈર્ષા આવી કે બધામાંથી શોધીને ફક્ત મને જ લાગમાં લીધો ? વિદેશ જવાનો સૌથી વધુ ક્રેઝ મને જ હતો, ને તે મને જ….! તે મારા પગમાં ધરબી દીધા ખીલા..વાહ તારી લીલા…! સમૃદ્ધિના ઢગલા પર આળોટવાની આશા પર પાણી ફરી વળ્યું. મારા ભાગ્યમાં જ અમાસ….! ’

આટલા ઊંચેથી નીચે ખાઈમાં પડતો માણસ મરણને શરણ જ થાય, પણ અહીં તો ફ્રેક્ચરથી જ પત્યું. નસીબ એટલાં સારાં. હા,ફોરેન જવાની તક ચાલી ગઈ. વિદેશ જવાનું સપનું હવે માત્ર નિંદરમાં જ જોવાનું રહ્યું ! એનું દુઃખ બેવડાયું. એક તો આવી સારી તક ગુમાવી ને અધૂરામાં પૂરું એના માટે અનામત રાખેલા બે લાખમાંથી એંસી હાજર રૂપિયા તો ઘાયલ પગની સારવારમાં જ સ્વાહા..!  એણે મન આ અકસ્માત લાખોનો હતો. આ ખાઈને જાણે એની અદેખાઈ આવી ! મિત્રો સાંત્વના આપતાં, થોડું ખોટું થઇ રહ્યું હોય એમ અનુભવતા કહી રહ્યા હતા. ‘ તરંગ દોસ્ત, અમનેય તારા વિના ત્યાં નહીં ગોઠે. અમે ત્યાં ધનના ઢગલામાં આળોટતા હોઈએ, અમનચમન કરતા હોઈએ ને અહીં તું…! બોલ, તું કહેતો હોય તો અમે પણ ફોરેન જવાનું માંડી વાળીએ. તારાથી વિશેષ બીજું શું છે ? ‘

‘દોસ્તો, એવો વિચાર ભૂલથીય મનમાં ન લાવતા. મને અન્યાય થયો એવો શોક ન કરતા. મારે કારણે તમે ને તમારી પ્રગતિ પણ અટકી જાય, તમારી સમૃદ્ધિમાં બ્રેક લાગી જાય એ મને કેમ ગમે મિત્રો…! હુંય તમારો ખરો મિત્ર છું. એટલે ન જવાની કે તમારો કાર્યક્રમ કેન્સલ કરવાની વાત તો ભૂલેચૂકેય ન કરતા. આ તો મને એમ થયું કે મારા નસીબમાં જ કેમ આવું…!? માય બેડ લક.’

‘દોસ્ત તરંગ, એવો અફસોસ ન કર. જાન બચી લાખો પાયે યાર. આજ નહીં તો કાલ, તારા માટે સુખનો સૂરજ ઉગશે. તારા માટે આનાથીય વધુ સારું ભગવાને ગોઠવ્યું હશે. તુંય સમૃદ્ધિનો સ્વાદ ચાખી શકીશ. બી પોઝીટિવ..’  ફ્લાઈટમાં ઉપડતા પહેલાં  ત્રણેય મિત્રોએ એને આવી બધી સલાહ આપી હતી ને હિંમત પણ…! તરંગે  થોડી સ્વસ્થતા કેળવવાની કોશિશ કરેલી ને થોડા સમય બાદ એણે પોતે જ, ઈન્ડિપેન્ડેન્ટ કહી શકાય એવો બિઝનેસ ચાલુ કર્યો હતો. પ્રખ્યાત કંપનીની પ્રોડક્ટની એજન્સી લીધેલી. એના હાથ નીચે હવે ઘણાં માણસો કામ કરતા હતા. પ્રોડક્ટની ક્વોલિટી અને ડિલિવરીનું આખુંય સેક્શન એના હાથમાં. બ્રાન્ડેડ પ્રોડક્ટ, સહજ સરળ વર્તન, પોતાની આગવી કુનેહ…આ બધાના ફળસ્વરૂપે એણે અનેક નવા ગ્રાહકો અને સ્વજનો મેળવ્યા હતા. આ એની અસલ મૂડી. જો કે વિદેશ જવાનો મસ્ત મોકો ગુમાવ્યાનો રંજ હજી એનો પીછો છોડતો નહોતો.

…..એક વરસ પછી સ્વદેશ પાછા આવેલા મિત્રો તરંગને ઘેર આવ્યા. તરંગ એને ભેટી પડ્યો, પણ પૂર્ણપણે નહીં. અકસ્માતને લીધે હજી પગમાં થોડી ખોડ રહી ગઈ હતી. જો કે ઈલાજ ચાલુ હતો. ખોડ થોડા સમયમાં નાસી છૂટવાની હતી. ત્રણેય મિત્રો સૂટબૂટમાં સજ્જ,ચહેરા પર મુસકાન..તરંગ અભિનંદન આપતાં કહી રહ્યો: ‘ક્યાં બાત હૈ દોસ્તો..! ભલે હું તમારી સાથે ન આવી શક્યો,પણ આજ હું બહુ ખુશ છું. તમે તો પહોંચી ગયા ને ક્યાંના ક્યાં પહોંચી ગયા એ જોઈને ! નસીબના બળિયા તમે બાકી જામી ગ્યા હો ! વિદેશ સદી ગ્યું તમને. સચીન, હવે તને ‘ જાડિયો ‘ કહેવાય એમ નથી. હવે તારું બોડી પરફેક્ટ છે. નોકરીનો બોજ ઊતરી ગયો ને તે વજન ઊતારી નાખ્યું. વિદેશમાં લેટેઈસ્ટ સાધનોથી અપ-ટુ-ડેટ જીમ હોય એનો એડવાન્ટેજ પણ મળે ને ! પણ હે મહાનુભાવો ! તમે ત્યાં ગયા પછી મને આ એક વર્ષમાં એક ફોન પણ ન કર્યો ! મને એની નવાઈ લાગે છે. સમૃદ્ધિની છોળમાં ભરપૂર સ્નાન કરવા મળ્યું, વૈભવનું શિખર ટચ કર્યું, એટલે મને ભૂલી ગયા હતા કે શું ? જે હોય તે, પણ મને તમારા પર ગર્વ છે. વિનોદે તમારી બધાની લાઈફ મસ્ત બનાવી દીધી. વેલકમ હોમ. તમને મારા ઘરેથી જમાડ્યા વિના જવા દેવાની મારી જરાય ઈચ્છા નથી, પણ દુઃખ એ વાતનું છે કે આજે મારા ઘેર મારા સિવાય બીજું કોઈ નથી. એમ કરીએ, ચાલો બહાર જમવા જઈએ. બધાં બહાર ગયાં છે. કામવાળી પણ આજથી ત્રણ દિવસની રજા ઉપર છે એટલે….’

‘અરે દોસ્ત, અફસોસ કરવાની તારી જૂની ટેવ હજી ગઈ નહીં હો ! અપના હાથ જગન્નાથ. ને યાર, પાર્ટી તો અમારે આપવાની હોય, ને એ અમે જરા અનોખી રીતે આપશું. આજ બહાર ક્યાંય જવું નથી. બહારનું ખાઈખાઈને કંટાળી ગયાં છીએ. બહારનું ફૂડ ગમે તેવું સારું હોય, પણ ઘર એટલે ઘર. ઘરનું ખાવા માટે તો અમે ક્યારના તરસી રહ્યા હતા.

એમાંય આજે રસોઈ હાથે બનાવવાની, જેની મજા જ કાંઈ ઓર છે. રસોઈ ગમે તેવી કાચીમોળી બને, પણ જાતે બનાવી હોય એટલે મીઠી જ લાગે. આપણે અહીં તારે ઘેર જ જાતે રાંધીને જમીશું. તને યાદ છે કોલેજકાળમાં આપણે ગમ્મત ખાતર કુકિંગ ક્લાસ જોઈન કરેલા ? આજે એ કામ લાગશે. અખતરો તારા પર જ અજમાવશું. કાચુપાકું જેવું બને તેવું પણ…હા હા હા ! ’

ત્રણેય મંડી પડ્યા ને રસોઈ તૈયાર ! રસોઈ ફક્કડ બની હતી ! એમાં કશી ખોડ કાઢી શકાય એમ નહોતું. તરંગને ખોડ હોઈ કોઈએ એને એકેય કામ કરવા ન દીધું. તરંગ ફિક્કું હસ્યો. અકસ્માતે વિદેશ ન જઇ શકવાની તેની કમનસીબી પર ફરી તે શોક વ્યક્ત કરી રહ્યો. જમીને વાસણકુસણ સાફ કરવા તરંગ ઊભો થવા ગયો, પણ મિત્રોએ જાતે જ…! ‘ યાર, તમે આવડાં મોટા પગારદાર થઈને આવું કામ…! ’ મિત્રો પાસે ઘરનું બધું કામ કરાવવા બદલ અપરાધભાવ અનુભવી રહેલો તરંગ ફરી પોતાના દુર્ભાગ્યને કોસી રહ્યો. ‘ મિત્રો, મેં મારો બીઝનેસ ચાલુ કર્યો છે, ને બધી રીતે સારું છે. પણ સાચી સમૃદ્ધિ તો તમારે ફાળે જ આવી. તમે તો માલામાલ, સમૃદ્ધ થઇ ગયા.’

‘તરંગ, તું સમૃદ્ધિ કોને ગણે છે ? તે તારો પોતીકો ધંધો ચાલુ કર્યો છે, કેટલાંક નવા સંબંધોને જન્મ આપ્યો છે. ખાલી પૈસા કે માલમિલકતનો ભંડાર જ સાચી જાહોજલાલી નથી. તારી પાસે આમાંનું  કાંઈ ન્હોતું, તોય તે તારી આંતરસમૃદ્ધિથી અહીં સૌના દિલમાં સ્થાન જમાવી દીધું. તારી પગની ખોડ ત્યાં આડે નથી આવી. તારું હાર્ટ ઇન્ટેકટ છે, અપંગ નહીં ! તારો પ્રેમાળ સ્વભાવ, જાત પરનો જબરજસ્ત કોન્ફીડન્સ, કોઠાસૂઝ અને સેવાભાવના…આ અખૂટ, અનેરી મૂડીએ તને સમૃદ્ધિની એક એવી ટોચે પહોંચાડી દીધો છે જ્યાં અમે સપનાંમાં પણ….! તું વિદેશ ન જવાની, માલદાર ન થવાની વાતને કમનસીબ ગણે છે, એ સત્ય નથી. તું અમાસને જે રીતે જૂએ છે એ રિયાલિટી નથી. અમાસની રાતે તારા જે તેજસ્વિતાથી ચમકતા હોય છે એ ચમક બાકીના દિવસોમાં તો કદી જોવા જ ન મળે. રિયલ સ્ટાર્સ. તને આવી અમાસ મળી છે ને ફળી છે. અમારી જાહોજલાલી તો ઉપરછલ્લી છે. તે તો અમાસમાંય ચાંદની સર્જી કમાલ કરી ! અમે મકાન ખડું કર્યું, પણ તે તો ઘર સર્જ્યું છે. તે જે સંસ્કારની મૂડીથી સૌના દિલ જીતી લઇ જીવનનો જંગ જીતી લીધો છે, એ જ સાચો વૈભવ છે. તું જ સાચી સમૃદ્ધિથી માલામાલ છો માય ડિયર..’ મિત્રોના આવાં પ્રોત્સાહક શબ્દો…તો પણ તરંગ પોતાની જાતને કમનસીબ ને કંગાળ માની રહ્યો હતો. ઘરનું કામકાજ મિત્રો પાસે કરાવવા બદલ એ જાતને  નાનો ગણી રહ્યો. એની આંખમાં પાણી..ને મિત્રોની આંખમાં પણ પાણી..

ત્રણેયે એકબીજા સામે જોયું ને શ્યામલ કહી રહ્યો.. ‘ અરે દોસ્ત, મિત્રોમાં શરમ ને નાનમ શાની હેં ! દોસ્ત તરંગ, ભૂલી જા બધું. અમેય બધું ભૂલી ગયા છીએ. દોસ્ત તું કહેતો’તો ને કે તમે લોકોએ મને એક પણ ફોન  ન કર્યો. મને ભૂલી ગયા, પણ….! શ્યામલ આટલું કહી અટક્યો. પછી વિજય ને ત્યારબાદ સચીન…ત્રણેય વારાફરતી હૈયું ઠાલવી રહ્યા.‘ તરંગ, તારા ઘરે અમે અત્યારે રસોઈ કરી વાસણકુસણ સાફ કરી દીધા..આ બધું કામ કરી દીધી એમાં તું શું કામ જાતને ઠપકો આપે છે ? વળી અમને તો હવે  ‘ આ બધું ‘ કરવાની ફાવટ આવી ગઈ છે.

અમારે તો હવે આ રોજનું થયું હતું, એટલે અમે… હા, અમે કાયમ માટે વતન પરત આવી ગયા છીએ ! દોસ્ત, સારું થયું તું અમારી સાથે વિદેશ ન આવ્યો. સાચો વૈભવ તો તું જ ભોગવે છે. તારા હ્રદયની અંદર જે ભીનાશ ને પ્રેમ છે, મગજની કુનેહ ને જે શાંતિ છે, તે જ સાચી સમૃદ્ધિ છે. રાતોરાત ધનવાન થઇ જવાની લ્હાયમાં અમે ઝાઝું વિચાર્યા વિના કે પૂરતી ખરાઈ કર્યા વિના…!  પ્રતિષ્ઠિત મોભાદાર નોકરી, લાખોપતિ હા હા હા…!  હા, એ બદમાશ વિનોદનું નામ પણ કદી અમારી પાસે ન લેતો. તું તો ભારે નસીબદાર. ધિક્કારવાને બદલે પાડ માન પેલા પથ્થરનો..તું નીચે પટકાયો એટલે ફાવી ગયો. ભગવાને તને પાડ્યો નહીં, ઉપાડ્યો છે. હા, એ પથ્થરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં જ થઇ ગઈ હશે, એટલે તું બચી ગયો…!’

ત્રણેય મિત્રો આવું કંઇક કહી રહ્યા. તેઓ સફળતાના મિનારે નહીં, કંગાલિયતના કિનારે ઊભા હતા ! મિત્રોના પડી ગયેલા દુ:ખી, મ્લાન ચહેરાઓને તરંગ બસ જોઈ જ રહ્યો, જોઈ જ રહ્યો. એમના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. તરંગના ચહેરા પર હાસ્યની લાલિમા ને દુઃખની કાલિમા…બેય સંપીને રમી રહી !

……થોડા દિવસો આમ જ પસાર થઇ ગયા. તરંગ હવે સંપૂર્ણ સ્વસ્થ હતો, ને પોતાના દિલોજાન મિત્રો માટે કશુંક કરી શકે એવો સક્ષમ પણ…! તેણે પોતાની રીતે સમૃદ્ધિની નવી સાચી વ્યાખ્યા કરી તેને ચરિતાર્થ પણ કરી બતાવી હતી. તેણે પોતાના સંપર્કો તેમ જ આવડતને કામે લગાડી ત્રણેય મિત્રોને જોબ અપાવી સમાજમાં ઈજ્જ્તભેર જીવતા કર્યા ને તક મળતા જ ભેગા મળી સ્વતંત્ર બિઝનેસ કરવાનો પહેલાં વિચારેલો પ્લાન મૂર્તિમંત કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. માત્ર આર્થિક જ નહીં, સંસ્કાર, કલા, કુનેહ…આ બધી રીતે સંપન્ન અને શ્રીમંત થવાનાં સપનાં તે જોતો ને દેખાડતો રહ્યો. આ જ તો સાચા અર્થમાં સમૃદ્ધિનું અવતરણ હતું.

ને પરિણામ જૂઓ…થોડા જ વખતમાં સપનાંઓ સાકાર થયાં. ખરા અર્થમાં શ્રીમંતાઈ ને સમૃદ્ધિ હાંસલ થઇ હતી. જો કે એમ કહેવું વધારે સાચું હતું કે આવી સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ થઇ રહી હતી….!

– દુર્ગેશ ઓઝા  (અભિષેક-દિવાળી અંક ૨૦૧૫માં પ્રસિદ્ધ)

૧,જલારામ નગર, નરસંગ ટેકરી, હીરો હોન્ડા શો-રૂમ પાછળ, ડો.ગઢવી સાહેબની નજીક, પોરબંદર ૩૬૦૫૭૫ મો.- ૯૮૯૮૧૬૪૯૮૮ ઈમેઈલ– durgeshoza@yahoo.co.in


Leave a Reply to durgesh ozaCancel reply

9 thoughts on “નસીબદાર – દુર્ગેશ ઓઝા

  • Sneh

    “Whatever you create in your life you must first create in your imaginations.” – Tycho Photious
    અને ગુજરાતી સાહિત્યિક ભાષામાં કહીએ તો
    ” સમય થી પહેલાં અને નસીબ થી વધુ કોઇને કંઈ પણ નથી મળતું”

    આ બંન્ને વાતને સાર્થક કરતી દુર્ગેશભાઇ આપની કલ્પના અદ્‌ભુત અદ્‌ભુત. …

  • Jigar Mehta

    99% of stories of NRI comes with a bad end. But it’s not reality as well.
    May be nobody reads the stories of successful NRI’s.
    Everyone likes to read unsuccessful NRI’s story and admire themselves as they are in India. No doubt, India is progressing and we always love India but that doesn’t mean other countries are bad and no one can be successful.
    The story of Google CEO….read it.

    • durgesh oza

      Jigarbhai. Different opinion and I liked it..thx .for frank opinion.. yes, good experiences are also there in foreign.. One should digest comments of favour and against both.then only you r frank and creative. I welcome and honour your opinion.IN FACT I appreciate it.I feel hapy to see that there ae persons who also tell his opinion clearly How about story narration as an art etc ? pl. say.. thx.again for your frank comments.such sound comments must be accepted then and then only man becomes more creative. Thx.

  • Chetan Patel

    વિદેશ જવાની ગેલછા મા આપણા દેશના લાખો યુવાન તેમની કારકિર્દી બનાવી શકતા નથી

  • Kalidas V. Patel { Vagosana }

    વિદેશના મોહને સમજાવતી વાર્તા ગમી એજન્ટો વિષે પૂરેપૂરી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે એટલું તો આ વાર્તા શીખવે છે જ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.

    બહુ સુંદર અને ખરેખર રીઅલાસ્ટીક વાર્તા છે.