મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા 11


વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે  જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.

બગીચાના બાંક્ડા ઉપર બેસીને દાદા-દીકરી ચાની ચૂસકી લેતાંલેતાં વાતે વળ્યાં. કલ્યાણરાય વાસ્તવમાં તો નાનકીના ‘પિતા’ હતા, પણ ઘરમાં બધાં એમને ‘દાદા’ના હૂલામણા નામે સંબોધતાં હતાં. સ્વર્ગસ્થ ‘બા’ને પણ સૌ ‘દાદી’ તરીકે જ બોલાવતાં હતાં.

‘તું આજે વહેલી જાગી ગઈ કે પછી રાત્રે બરાબર નિંદર જ આવી ન હતી?’

‘મેં સૂતાં જ સંકલ્પ કરેલો કે હું વહેલી ઊઠી જઈશ. મારે આપની સાથે થોડીક વાત શેર કરવાની છે.’ શકુંતલા બોલી.

ઘરમાં બધાં શકુંતલાને ‘નાનકી’ તરીકે સંબોધતાં પણ વાસ્તવમાં તો તે એમ. એ.માં અભ્યાસ કરતી પુખ્તવયની તરુણી બની ચૂકી હતી.

‘બોલ બેટા, શી વાત છે?’

‘આજે રવિવાર છે અને આપણી સાથેના લંચમાં મેં મારા બોયફ્રેન્ડ કપિલને નિમંત્ર્યો છે. અમારી છએક મહિનાની ડેટીંગ પછી અમે વૈવાહિક સંબંધે જોડાવાના નિર્ણય નજીક લગભગ આવી પહોંચ્યાં છીએ. ઘરમાં આપ અને સહુ વડીલો કપિલ સાથે વાતચીત કરીને આખરી મહોર મારી દો તો અમે અમારો નિર્ણય પાકો કરી લઈએ. કપિલના પક્ષે બધું સમસૂતર છે.’ શકુંતલાએ આડું જોઈને એકીશ્વાસે બોલી નાખ્યું.

‘વાહ, ધ ગ્રેટ! મારી તો સવાર સુધારી દીધી! પરિવારમાં હાલમાં તો તું એકલી જ કુંવારી છે અને તારા પરણી જવાથી મારી જવાબદારી પરિપૂર્ણ થઈ જશે. જો બેટા, સવારે સવારે તારી વાતને અનુલક્ષીને એક નાનકડું સંભાષણ ઠોકી દઉં તો મને સહી લેજે. વિશ્વભરની લોકશાહી શાસનવ્યવસ્થામાં નાગરિકોના વાણીસ્વાતંત્ર્યના અધિકારને માન્ય રાખવામાં આવ્યો છે, પરંતુ એ અધિકાર ઘણાં રૂઢિચૂસ્ત પરિવારોમાં પ્રવેશવાની હજુ તો રાહ જુએ છે. એ મોટેરાંઓ કૌટુંબિક સંસ્કારોની દુહાઈઓ આપી આપીને નાનેરાંઓને ચૂપકીદી સેવવાની ફરજ પાડતાં હોય છે. આપણું કુટુંબ આ બાબતે અપવાદ છે, તે તું સારી રીતે જાણે છે. આપણા ત્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ જે તે મુદ્દે પોતપોતાના સ્વતંત્ર અભિપ્રાયો આપી શકે છે; વળી એટલું જ નહિ, પણ પુખ્ત વયે પહોંચેલાં અવિવાહિત જુવાનિયાં પોતાનાં જીવનસાથીની પસંદગી પણ જાતે જ કરી શકતાં હોય છે. જીવનસાથીની આખરી પસંદગી વખતે અમે માર્ગદર્શન ભલે આપીએ, પણ અંતિમ નિર્ણય તો તમારે લોકોએ જ લેવાનો હોય છે. આંતરજાતીય કે આંતરધર્મી, ગોઠવાયેલાં કે પ્રેમલગ્ન એવા ગમે તેવા વૈવાહિક પ્રકાર પરત્વે અમે કદીય કોઈ ભેદભાવ સમજ્યાં નથી. હા, બધાંને એટલું જરૂર કહેવામાં આવતું હોય છે કે તેમણે લીધેલા નિર્ણય પછી તેમનો સુખી કે દુ:ખી ઘરસંસાર એવું જે કંઈ પરિણામ આવે તેના માટે અમે વડીલો જવાબદાર ગણાઈશું નહિ. કોઈના નિષ્ફળ લગ્નજીવનની સમાપ્તિ કરવાનો પ્રસંગ આવે તો તે સંજોગોમાં પણ અમે લોકો તો તટસ્થ જ રહીશું એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવતું હોય છે. તારા ત્રણ ભાઈઓ અને બે બહેનોએ જે રીતે કરી લગ્ન કરી બતાવ્યાં છે, તે જ રીત તને પણ લાગુ પડે છે. એ પાંચેય જણ પોતપોતાના દાંપત્યજીવનથી ખુશ છે અને મને વિશ્વાસ છે કે તું પણ સુખી જ થઈશ. લે, મારું સંભાષણ પૂરું થયું; હવે બોલ તારે શું કહેવાનું છે?’

‘આપે મારાં પાંચેય ભાઈબહેનોને પાત્રપસંદગી માટેની બધી જ જાતની છૂટ આપી હોવા છતાં એ લોકોએ આપણા સમાજમાં જ લગ્ન કર્યાં છે. એ લોકોને એમ બની શક્યું એટલા માટે કે એમણે ગોઠવેલાં લગ્ન કર્યાં હતાં, જ્યારે મારા કિસ્સામાં પરિસ્થિતિ જુદી છે.’ શકુંતલાએ સંકોચસહ કહી નાખ્યું.

‘એમાં ગાંડી, શરમાય કેમ છે? કહી નાખ ને કે તારે પ્રેમલગ્ન કરવાનાં છે અને કપિલ પરજ્ઞાતિનો છે.’

‘દાદા…દાદા!’થી આગળ ન બોલી શકતાં શકુંતલા શરમની મારી લજામણીના છોડની જેમ લચી પડી.

“‘દાદા…દાદા’થી આગળ બોલીશ કે?”

‘એ પરજ્ઞાતિનો તો ખરો, રેશનલ પણ છે!’

‘અરે વાહ, તો તો સસરા-જમાઈની જોડી જામશે ખરી! હું જાહેરમાં નહિ, પણ અંગત રીતે રેશનલ જ છું; તે તમે બધાં જાણો છો; તો પછી અમારી બેઉની જ્ઞાતિ તો એક જ થઈ ને! કપિલ હવે ક્યાં પરજ્ઞાતિનો રહ્યો? જા, મારા આશીર્વાદ છે કે બેઉ સુખી થાઓ.’

શકુંતલા ભાવવિભોર બનીને કલ્યાણરાયના ઝડપથી ચરણસ્પર્શ કરી લઈને હરખપદુડી થતાં હરણીની ઝડપે  એમ બોલતી ત્યાંથી ભાગી ગઈ કે ‘ઓ, માય ધી મોસ્ટેસ્ટ ગ્રેટેસ્ટ દાદા!’. શકુંતલાનો દાદાને સંબોધન  માટેનો શેક્સપિરીઅન અંગ્રેજી ઢબમાં બોલાતો આ હંમેશનો તકિયાકલામ હતો!

* * * * *

લંચનો સમય થયો. નાનાં બાળકોને પહેલાં ખવડાવી દીધું હતું અને એ બધાંને બગીચામાં મોકલી દેવામાં આવ્યાં હતાં. શકુંતલા સિવાયનાં બધાં મોટેરાંઓ ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં હતાં. ટેબલની વચ્ચે મોટામોટા બાઉલમાં વાનગીઓ મૂકી દેવામાં આવી હતી. શકુંતલાએ એ બાઉલમાં વાનગીઓ ઉમેરતા રહેવાની જવાબદારી નિભાવવાની હતી. સૌએ સેલ્ફ સર્વિસથી ભોજનને ન્યાય આપવાનો હતો. કલ્યાણરાયે આગ્રહ કરીને કપિલને પોતાની પાસેની ખુરશીમાં બેસાડ્યો હતો. જમવાની સાથેસાથે હળવી મજાક મશ્કરી થયા કરતી હતી. કપિલ ફુટડો યુવાન હતો. તેનો પડછંદ બાંધો અને હસમુખો સ્વભાવ પહેલી નજરે એક્મેકનાં વિરોધાભાસી લાગે, પણ હકીકતે જોતાં એ એકબીજાને પૂરક બની રહેતાં હતાં અને તેના વ્યક્તિત્વને ઉપસાવતાં હતાં. મિકેનિકલ એન્જિનિયરીંગમાં બી. ઈ. કરી લીધા પછી એકાદ વર્ષ પહેલાં જ પોતાના કૌટુંબિક ઓઈલ એક્સ-પિલર મશિન ઉત્પાદન કરતા ઉદ્યોગમાં તે જોડાઈ ગયો હતો.

કલ્યાણરાય અને કપિલ વચ્ચે સાહજિક વાર્તાલાપ થઈ રહ્યો હતો. કુટુંબનાં અન્ય સભ્યો ભોજન આરોગવામાં પરોવાયેલાં હતાં, પણ તેઓ કાન સરવા રાખીને એ બેઉ વચ્ચેની વાતચીતને એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યાં હતાં.

‘હંઅ, તો મિ. કપિલ, શકુંતલાએ જણાવ્યા મુજબ તમારાં કુટુંબીજનો આ લગ્નમાં સહમત છે જ. હવે તમે બેઉ જણ આખરી સહમતી સાધી લો તો આપણાં બેઉ પરિવાર સાંજનું ડિનર સાથે જ લઈએ.’

‘આપ વડીલોની પણ અમારા પરિવારની જેમ સહમતી અને આશીર્વાદ તો જોઈશે જ ને!’ કપિલે નિ:સંકોચ પોતાની વાત મૂકી દીધી.

‘તમારી બેઉની સંમતિમાં અમારી સંમતિ સમાયેલી જ છે. શકુંતલાએ તમને જણાવ્યું જ હશે કે અમારા કુટુંબમાં જીવનસાથીની પસંદગીમાં દરેકને સ્વતંત્રતા હોય છે. આજકાલનાં છોકરાં માબાપની ઉપરવટ જઈને પણ પોતાનું જ ધાર્યું કરતાં હોય છે, તો અમારા જેવાં વડીલોએ આગોતરી શરણાગતી સ્વીકારી લેવામાં કોઈ નાનમ ખરી?’ કલ્યાણરાયે મરક મરક હસતાં બધાંને હસાવી નાખ્યાં.

‘વડીલ, અમે તો માનીએ છીએ કે રૂપિયાથી મહોર મોટી એટલે મોટી જ હોય. અમારામાં પરિપક્વતાનો અભાવ હોય અને આપ વડીલો દીર્ઘદૃષ્ટિ ધરાવતાં હોઈ આપ સૌના નિર્ણયો ભાગ્યે જ ખોટા પડે.’

‘ચાલો દુનિયાભરના વડીલો વતી તમારા અમારા વિષેના ઊંચા ખ્યાલને અને કોમ્પ્લીમેન્ટને સ્વીકારી લઉં છું. તમે બેઉ એકબીજાની અપેક્ષા મુજબની શરતોની ચોખવટ કરી લેજો.’ કલ્યાણરાયે વ્યાવહારિક સૂચન કર્યું.

‘વડીલ, માફ કરજો જો આપની વાત કપાતી હોય તો; પણ લગ્નપૂર્વેની એવી કોઈ શરતો તો વેપારધંધાની શરતો જેવી ન બની રહે? પ્રેમ અને લાગણીના સંબંધોમાં એક્બીજા સાથેનું અનુકૂલન સાધી લેવાની તૈયારી હોય ત્યારે એમાં સઘળી શરતો કે અપેક્ષાઓનો સરવાળો થઈ જ જતો હોય છે.’

‘તમે ઓઈલ મિલની મશિનરીના ઉત્પાદક અને અમે સબમર્સિબલ પંપના ઉત્પાદક અને એક્ષપોર્ટર. તો ચાલો, આપણે આપણા વેપારધંધાવાળા ‘નિયમો અને શરતો લાગુ’ શબ્દોને હળવા બનાવીને ‘અપેક્ષા’ શબ્દ પ્રયોજીએ. તો બોલો, ભાવી જમાઈરાજ, અમારી શકુ તરફની તમારે ઓછામાં ઓછી એક અપેક્ષા તો અમને જણાવવી જ પડશે. તમે નહિ બોલો તો તમારી અગત્યની એક અપેક્ષાની મારે જ તમને યાદ અપાવવી પડશે. વચ્ચે બે બાબતે ખુલાસો કરી લઉં કે ‘તમને ભાવી જમાઈરાજ’ તરીકે એટલા માટે સંબોધ્યા છે કે હજુ સુધી આપણી વચ્ચે ‘મંજૂર’ (Done) ની ઔપચારિકતા થઈ નથી. બીજી બાબત એ કે મારા મનમાંની તમારી એ અગત્યની અપેક્ષા વિષેની વાત અમે દાદા-દીકરી જ જાણીએ છીએ, બાકીનાં બધાં અજાણ છે.’

‘દાદા, આપે તો મને ગૂંચવી નાખ્યો! એવી તો મારી કઈ અગત્યની અપેક્ષા હશે, જેની આપને અને શકુંતલાને જાણ છે અને મને નથી!’ આમ કહેતાં બાઉલમાં દૂધપાક ઉમેરવા આવેલી શકુંતલા સામે કપિલે  જોઈ લીધું.

શકુંતલા દૂધપાકના પાત્રને ટેબલ ઉપર મૂકીને કિચન તરફ દોડી ગઈ અને દરવાજાની ઓથ લઈને કપિલ જુએ તે રીતે તેના એક હાથની મુઠ્ઠી ઉપર બીજા હાથની મુઠ્ઠીને ઘસી બતાવી.

કપિલ શકુંતલાના ઈશારાને પામી જતાં હાસ્યને પરાણે ખાળી રાખીને કલ્યાણરાયને કહ્યું, ‘વડીલ, આપનો સેન્સ ઑફ હ્યુમરનો માનાંક પેલી હાસ્ય સિરિયલમાં આવતા મિ. બિન કરતાંય ઘણો ઊંચો છે. હવે મને ખ્યાલ આવે છે કે આપ જે વાતનો ઈશારો કરી રહ્યા છો એને તો હું મારા જીવનની ભૂતકાલીન દુ:ખદ ઘટના ગણીને એક ‘નઠારા સ્વપ્ન’ની જેમ ભૂલી ગયો છું.’

ઘરનાં બાકીનાં બધાંના પોતપોતાના હાથમાંના ચમચીકાંટા સ્થિર થઈ ગયા અને તેઓ બધાં વિસ્ફારિત નયને એકબીજાં સામે જોઈ રહીને દાદા અને કપિલ વચ્ચે ચાલી રહેલી રહસ્યમય વાતનો તાગ મેળવવાની કોશિશ કરવા માંડ્યાં.

‘લ્યો, મારા સેન્સ ઑફ હ્યુમરના તમારા બીજા કોમ્પ્લીમેન્ટને પણ સહર્ષ સ્વીકારી લઉં છું. વળી તમારે મને મારી અવલોકનશક્તિ માટેના ત્રીજા કોમ્પ્લીમેન્ટને પણ જીભના ટેરવે લાવી રાખવો પડશે. પહેલાં તો તમે એમ કહ્યું હતું કે તમારી અગત્યની એ અપેક્ષાની તમને ખુદને જ જાણ ન હતી અને અચાનક વાતને ‘હવે મને ખ્યાલ આવે છે’ શબ્દો ઓઢાડીને એ યાદ આવી જવાનો જે અભિનય કરી બતાવ્યો છે એ મેં પકડી પાડ્યો છે. ચાલાક શકુએ કિચન તરફ ભાગી જઈને તમને ઈશારાથી સમજાવી દીધું લાગે છે; બોલો, ખરું કે નહિ?’

‘હા, ખરું. અમને આપે સાચે જ પકડી પાડ્યાં! હવે આપની તીવ્રતમ અવલોકનશક્તિ અને વિચક્ષણ બુદ્ધિ માટે આપ ત્રીજા કોમ્પ્લેમેન્ટના પણ હકદાર બની જાઓ છો.’ કપિલે અહોભાવપૂર્વક કહ્યું.

શકુંતલાના મોટાભાઈ ધવલરાયથી હવે ન રહેવાયું અને બોલી પડ્યા, ‘બાપલિયાઓ, તમે બંને જણા પહેલી બુઝાવવાનું મૂકી દઈને વાતનો ફોડ પાડશો નહિ ત્યાંસુધી અમારાથી હવે આગળ એક પણ કોળિયો ગળે નહિ ઉતારી શકાય!’

‘હવે મિ. કપિલરાય, તમારા પોતાના સ્વમુખે આપણી વચ્ચે ચાલી રહેલી પહેલીને ઊઘાડી કરી બતાવો તો એ લોકો જમવા પામશે, નહિ તો બિચારાં ભૂખ્યાં ઊઠી જશે!’ કલ્યાણરાયે ટીખળ કરી લીધું.

‘જોયું, કપિલજી? દાદાએ તમને રાયનું બિરૂદ આપી જ દીધું છે, તો હવે આ લગ્ન સંબંધે અમારી કોઈ રાયની જરૂર રહે છે ખરી? તમે હવે કપિલમાંથી કપિલરાય બની જ ગયા, અમારા પરિવારમાં ભળી ગયા!’ મોટાં ભાભી શાંતાદેવી પોતાના ઉત્સાહને ખાળી ન શક્યાં અને બોલી પડ્યાં.

‘તો લ્યો ત્યારે, કોથળામાંનું બિલાડું કાઢું છું તેને જોઈ લ્યો. દાદાએ મારી મજાક કરી છે અને મારી અપેક્ષા કે શરત જે કંઈ ગણો તેને મૂકવાની જે વાત કહી છે તે એ છે કે મારે શકુંતલા પાસેથી કબુલાત લેવાની કે તેણે મારા બુટને બ્રશ મારી આપવું પડશે!’ કપિલે આંખો ઉલાળતાં વિસ્મયભાવે કહ્યું.

બધાં ખડખડાટ હસી તો પડ્યાં, પણ વાત તેમની સમજમાં ન આવી કે આવી કોઈ વાહિયાત અપેક્ષા કે શરત તે વળી હોઈ શકે ખરી!

કલ્યાણરાયે હવે શકુંતલાની કોટમાં દડો નાખતાં કહ્યું કે, ‘નાનકી, કપિલ બિચારો બધાં આગળ એ વાત કહેતાં શરમાશે; માટે તું જ એ કહી સંભળાવ કે જેથી બધાંનો જમવાનો ઇન્ટરવલ પૂરો થઈ જાય અને સૌ દૂધપાક ઝાપટવા માંડે!’

શકુંતલાએ ખોંખારીને કહેવાનું શરૂ કર્યું, ‘તમે બધાં એ જાણીને આંચકો ન અનુભવતાં કે કપિલ બીજવર છે! આપણે સમાચારપત્રો અને વીજાણુ માધ્યમે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં પતિપત્ની વચ્ચે સહિષ્ણુતાના અભાવે સાવ ક્ષુલ્લક મુદ્દાઓના લીધે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લગ્નવિચ્છેદ થયા કરે છે. કોઈને સામેવાળાનાં ઊંઘતી વખતે બોલતાં નસકોરાંની ફરિયાદ હોય, કોઈ વળી પતિપત્ની વચ્ચે સૂવા ટાણે પણ પોતાની પ્રાયવસીનું બહાનું આઘું ધરીને અલગ શયનખંડમાં સૂવા માગતું હોય અને તે સામેવાળા દ્વારા નકારવામાં આવતું હોય, કોઈ વળી સામેવાળા ઉપર એવો આક્ષેપ મૂકે કે પોતાના અંગત પાળેલા ડૉગ કે કેટને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી, તો વળી બેમાંથી કોઈ એકનો શ્વાસ ગંધાતો હોય, કોઈ સંતાન ન ઇચ્છતું હોય, કોઈ પોતાની અંગત આવક ઉપર કબજો જમાવી રાખવા માગતું હોય અને સામેવાળાનાં ખિસ્સાં હળવાં થતાં રહે તેમ ઇચ્છતું હોય વગેરે … વગેરે. કપિલની માંડેક દસેક દિવસના દાંપત્યજીવનની પહેલી પત્નીની કહાની પણ કંઈક આવી જ છે!’

મજલી ભાભી સુરેખા બોલી ઊઠ્યાં, ‘એ દેશોનો ચેપ આપણાં લોકોને પણ લાગવા માંડ્યો કે શું? કપિલરાય, તમારો કિસ્સો તમારા માટે દુ:ખદાયક તો જરૂર હશે અને તેથી જ આપે હમણાં કહ્યું પણ હતું કે એ ઘટનાને દુ:સ્વપ્ન ગણીને આપ ભૂલી જવા માગો છો. પરંતુ અમે અમારી દીકરીઓને સુસંસ્કાર આપવા માગતાં હોઈ એ ઘટના આપના સ્વમુખે અમને વિગતે સાંભળવા મળે એમ અમે ઇચ્છીએ છીએ.’ સુરેખાએ કપિલ આગળ પોતાની સુરેખ માગણી મૂકી દીધી.

કપિલે શરૂ કર્યું, ‘અમને પરણ્યાંને માંડ દસેક દિવસ થયા હશે અને તે દિવસે મારા બાપુજી અને મોટાભાઈ ફેક્ટરીએ જવા માટે ગાડીમાં ગોઠવાઈ ગયા હતા અને મારી જ રાહ જોવાઈ રહી હતી. મેં એને સ્વાભાવિક રીતે મારા બુટને બ્રશ કરી દેવાનું કહ્યું કે જેથી મારી એકાદ મિનિટ પણ બચે. હવે અમારી વચ્ચે સામસામી કેવી દલીલબાજી થઈ હશે તે આપ સૌ કલ્પી શકો છો, એટલે વિગતમાં જતો નથી. પરંતુ એણે કાગનો વાઘ કરી દીધો અને અમારું ઘર છોડી ગઈ. હું હજુ પણ હકારાત્મક ભાવે એમ માનું છું કે તેના દસેક દિવસના અમારા ત્યાંના વસવાટ દરમિયાન અમારા પૂરા કુટુંબના પૂર્ણતયા રેશનલ વાતાવરણમાં તે કાં તો અકળાઈ ગઈ હોય અથવા એમ પણ હોઈ શકે કે તેના મનનો માણીગર બીજો કોઈક હોય અને તેને મારી સાથે તેની ઇચ્છા જાણ્યા વગર  પરણાવી દેવામાં આવી હોય! તમે લોકો પણ કબૂલ કરશો જ કે આવું નજીવું કારણ અમારા છૂટા પડવાનું નિમિત્ત બની શકે નહિ. જે હોય તે પણ અમે અમારા પક્ષે સમાધાન માટેના પૂરતા પ્રયત્નો કરી જોયા હતા, પણ તેનાં માબાપનો અમને સહકાર ન મળતાં અમારે નાછૂટકે નમતું જોખવું પડ્યું હતું અને કોર્ટકચેરીના મામલામાં ન પડતાં અમે અંગત રીતે જ પતાવટ કરી લીધી હતી. ભલે અમારું એ દસેક દિવસનું જ દાંપત્યજીવન કહેવાય, પણ શકુંતલાએ શરૂમાં જ કહ્યું તેમ હું બીજવર તો ખરો જ ને!’ કપિલે વ્યથિત સ્વરે પોતાનું કથન પૂરું કર્યું.

ગંભીર થઈ ગયેલા વાતાવરણને હળવું બનાવવાના આશયે કલ્યાણરાયે કપિલને ઉદ્દેશીને કહ્યું,’જમાઈરાજ, આપ અમારી નાનકીને બુટને બ્રશ કરી આપવાની શરતમાં બાંધો કે ન બાંધો; પણ એની વતીની એટલી ખાત્રી તો અમે જરૂર આપીશું કે તે માત્ર બ્રશ જ નહિ, પણ બુટપોલીશ પણ કરી આપશે અને તે પણ તમારા કુટુંબનાં બધાં જ સભ્યોનાં પગરખાંને!’ બધાં ખડખડાટ હસી પડ્યાં અને હળવાં ફૂલ થઈ ગયાં.

કલ્યાણરાયે વળી ઉમેર્યું, ‘હવે મુદ્દાની વાત કે સૌ આપણા ભોજનને ચૂપચાપ ન્યાય આપી દઈએ. ધવલ બેટા, પછી આપણે વેવાઈને સહકુટુંબ સાંજના ડિનર માટે ટેલિફોનિક આમંત્રણ પાઠવીએ. સમયના અભાવે આપણે એટલે દૂર રૂબરૂ નહિ જઈ શકીએ. વળી એ લોકો ઘરેથી તરત જ નીકળી જાય તો અહીં વહેલાં આવી પહોંચે અને આપણો લગ્નપ્રસંગ કઈ રીતે પાર પાડવો તેની વિગતે ચર્ચા થઈ શકે. આમ વહેલી સવારથી આપણાં બંને પરિવારો માટે શકુંતલાએ શરૂ કરાવેલો શુભ દિવસ રાત્રે ‘મધુરેણ સમાપયેત્’ થવા પામશે.’

-વલીભાઈ મુસા


11 thoughts on “મધુરેણ સમાપયેત્! – વલીભાઈ મુસા

  • ashok pandya

    મને વાર્તા બહુ જ સામાન્ય લાગી. આમાં કંઇ જ નવું નથી. મારી મચડીને પાત્રો ઘડ્યા હો અને વાર્તા નું બીજ તદ્દન તકલાદી.. જુની હિંદેી ફિલ્મોમાં આવેી મહિલાઓના પાત્રાલેખન જોવા મળે છે. અક્ષરનાદની મોંઘી જગ્યા બગાડી છે.

  • પારખી પારેખ

    “આપ વડીલોની પણ અમારા પરિવારની જેમ સહમતી અને આશીર્વાદ તો જોઈશે જ ને!’ જયેશે નિ:સંકોચ પોતાની વાત મૂકી દીધી.”
    આમાં જયેશની જગ્યાએ કપિલ હોવું…. અથવા જયેશ કોણ છે?

    • Valibhai Musa

      આભાર. વાત સાચી છે. જયેશની જગ્યાએ કપિલ જ હોવું જોઈએ. પાછળથી પાત્રનું નામ બદલવામાં શરતચૂકથી આમ થયું છે.

  • Vimala

    ખરે ખર મધુરેણ સમાપયેત!!!

    ખલનાયકની ગેરહાજરી હોય તેવી વાર્તા તો શ્રી વલી સાહેબ જ આપે.

    આભાર અક્ષરનાદ.