કીડીઓ તમારી રૉલ-મૉડેલ – નટુભાઈ મોઢા 5


કીડી; નાની અથવા મોટી, સોયના નાકા જેવી ઝીણી, કાળી અથવા રાતી પણ સ્વભાવે એકરાગી.

કીડીનો ચટકો અનુભવવાથી આપણી આજુબાજુ તેના અસ્તિત્વની ખબર પડે છે. ચટકાની ખંજવાળ લાંબો સમય પીડાદાયક હોય છે. શા માટે ચટકો ભરે છે તે સંશોધનનો વિષય છે. પણ સામાન્યરીતે મનુષ્ય સ્વભાવ અનુગત પોતાનું ધાર્યું ન થાય ત્યારે ડંખ મારવો  કુદરતી છે. પરંતું મનુષ્ય અને કીડીના ડીએનએમાં ઘણો તફાવત છે.

કીડીઓ મોટે ભાગે દર કે રાફડામાં રહે છે. ઘણીવાર ગરમીના દિવસોમાં ચોમાસું શરૂ થતાં પહેલાજ કીડીઓનું કટક દરમાંથી ખોરાક એકઠો કરવા બહાર આવતું જોયું જ હશે. માણસો પૂણ્યાર્થે કીડીયારું પૂરતા જોયા હશે. કદાચ કેટલાકનો જાત અનુભવ પણ હશે. કહે છે કે કીડી તેના વજન કરતા એકસોગણું વજન ઊંચકી શકે છે.કીડીઓની એક મોટી જાત મંકોડામાં ખપે છે તેમા પણ રાતી અને કાળી. મેં નાનપણમાં ઘણીવાર કાળા મંકોડાને તેના એરીયલ ઊંચા કરી, ગરદન ફૂલાવી, ગુસ્સે થઈ ડંખ મારવા આતુર આમતેમ ભટકતો અને ડંખ મારતો પણ જોયો છે. કદાય એટલા માટે જ જલદીથી ગુસ્સે થઈ જનાર વ્યક્તિને ખીજકણ મંકોડાનું બીરૂદ આપવામાં આવ્યું હશે!

સૌરાષ્ટ્રની આપણી નાગરજાતિઓમાં મંકોડી અને માંકડ જેવી અટકો જોવા મળે છે પણ તેના કારણથી અવગત નથી.

ઘણીવાર મેં રાતા મંકોડાને મારા આંગણામાં તાર કે પાતળી દોરી પર સામસામે ચાલતા અને સંમતિથી એકબીજાને માર્ગ આપતા જોયા ત્યારે તેમની ચાલ નાજૂક અને ધીમી અને તેની કાયાના વળાંક નખરાળી લલનાથી ઓછા નહોતા જ. પણ તે નરી આંખે દેખાય નહિ. આ માટે ટીવીની ખાસ ચેનલો જોવી પડે.

કીડીઓ પાસેથી શિખવા જેવું જો કંઈ હોય તો તેમની સંગઠિત થવાની શક્તિ, થાક્યા વગર કામ કરવું, કામને અધૂરું છોડવું નહિ, કામના બોજાથી ડરવું નહિ. આશ્ચર્યકારક શિસ્તબદ્ધતા, વિનયશીલતા અને સમૂહમાં કામ કરવાનું લક્ષણ. કીડીઓ ભેગી મળીને મોટું વજન ઊંચકવા એકવાર તો પ્રયત્ન કરશે જ, એટલા માટે તમે કીડીઓને તમારી રૉલ-મોડૅલ એટલે કે પ્રેરણાસ્ત્રોત બનાવો અને પછી જુઓ તફાવત.

શિખવાની વાત આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે શિક્ષિત થઈ જવાની ઉતાવળ ન કરો. હંમેશા શિખાઉ નિશાળીયા બની રહો, કારણ કે તેમાં જ સુંદરતા અને આકર્ષણ રહેલું છે, એ એક પોતે જ અસ્તિત્વ છે.

જે કાંઈ શીખો તે પૂર્ણત: શીખો. સંપૂર્ણ બનો, ઊંડે સુધી જાઓ. મરજીવા જેમ છીપની શોધમાં દરિયાને તળીયે જાય છે તેમ વસ્તુના મૂળ સુધી જાઓ. કારણ કે, રહસ્ય મૂળમાં રહેલું છે, ફૂલમાં નહિ.

ઑફિસોમાં કીડીઓની જેમ કર્મચારીઓમાં સંવાદિતા ન હોય તો તેઓ એકબીજા સાથે દિલથી જોડાઈ ન શકે. તેઓ કંપનીએ નક્કી કરેલું લક્ષ્ય સાધવા તનતોડ અને અથાગ પ્રયત્ન કરશે પણ જો હ્રદયથી જોડાયેલા ન હોય તો તેમનાંમાં એકાત્મતા નહિ હોય. કોઈપણ કાર્ય સંસ્કૃતિ વ્યક્તિઓને તેમની ખરી લાગણીઓ તેમની વચ્ચે વહેંચવા નહિ દે. કાર્ય સંસ્કૃતિ એટલે કર્મચારીઓના કામ પ્રત્યે વિચારો, માન્યતાઓ, રિવાજો વિશેનું વલણ ને માનસિકતા. બીજા અર્થમાં, સંસ્થાની વિચારધારા અને સિદ્ધાંતો. આ એક સત્ય છે, અને તે જરાય બિનપાયેદાર નથી. કંપનીમાં તંદુરસ્ત ને સબળ વાતાવરણ જાળવી રાખવા માટે વ્યક્તિગત વાંધા-વચકા કે વેરભાવને વ્યક્ત કરવા જરૂરી છે, નહિતર તેનાથી સડો પેદા થઈ તેમના સંબંધો બગડશે. જો કે, તેના વિશે વધુ વાત કરવી જોખમકારક ને વ્યગ્રતાપૂર્ણ બની રહેશે.

મનુષ્યને ભગવાને મન, હ્રદય, લાગણી, સુખ અને દુ:ખ આપેલાં છે. અસંમતિથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે. કીડીઓમાં એવું નથી. આના ઉપાય રૂપે, કર્મચારીઓ તણાવ દૂર કરવા માટે મેડીટેશન એટલે કે ચિંતનનો ઉપયોગ કરી શકે છે. અનિમિયત જોરથી ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા શરીરના કોષોમાં ઑક્સિજનનું પ્રમાણ વધારશે. પરિણામે તાજી, તંદુરસ્ત અને હકારાત્મક ઊર્જા પેદા થશે. સશક્ત ઊર્જા સુષુપ્ત લાગણીઓને તેમની ઈચ્છા મુજબ, ગમે તે રીતે- ચીસો કે બૂમો પાડીને, નિ:સાસા નાખીને કે પછી હસીને-શબ્દો વગર વ્યક્ત કરવામાં મદદરૂપ થશે.

આથી સુષુપ્ત લાગણીઓ મુક્ત થવાથી જબરી ઉત્તેજના પ્રાપ્ત થશે, પ્રસન્નતાથી આમ કરવામાં અતિ આનંદ થશે. ત્યારબાદ જે શાંતિ ફેલાશે તે મૈત્રીપૂર્ણ, ધબકતી અને ધમધમતી રહેશે અને કર્મચારીઓમાં તે નવો પ્રાણ પૂરશે.

– નટુભાઈ મોઢા


Leave a Reply to ketan yajnikCancel reply

5 thoughts on “કીડીઓ તમારી રૉલ-મૉડેલ – નટુભાઈ મોઢા

  • હરસુખ થાનકી

    કીડીમાં આટલી વિશેષતા હોવા છતાં પણ ભગવાન દત્તાત્રેયે તેમના ચોવીસ ગુરુઓમા સ્થાન આપેલ નથી એ પણ એક વિચારમંથન કરવા જેવી વાત છે ખરી!?

  • Umakant V.Mehta.(New jersey)

    કીડી એ એક આદર્શ ગુરૂ.જીવ સામાન્ય પણ કેટલો સમજ્દાર !
    ઉમાકાન્ત વિ મહેતા. (ન્યુ જર્સી)

  • Kalidas V. Patel { Vagosana }

    કીડી સતત પરિશ્રમનું પ્રતીક છે. તેને “રોલ મોડલ” બનાવીએ તો હંમેશાં ફાયદામાં જ રહીએ અને જરુર પ્રગતિ કરીએ. નટુભાઈએ સુંદર શીખ આપી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}