સાપુતારા પ્રવાસના સંસ્મરણો – મિત્સુ મહેતા 6


કોલેજના ત્રીજા વર્ષમાં હતા ત્યારે WTPમાં HTML tagsનો ઉપયોગ કરીને એક વેબસાઈટ બનાવાની હતી, ત્યારે અમિતાભ બચન્નનું ‘કુછ દિન તો ગુજારીયે ગુજરાતમેં’ વાળું કેમ્પેઈન પ્રસિદ્ધ હતું. તો મારા પ્રોજેક્ટ ગ્રુપે ‘ટુરીઝમ ગુજરાત’ ની વેબસાઈટ બનાવી. જોવા લાયક સ્થળો વિષે ગૂગલ કર્યું ત્યારે ખબર પડી ગુજરાતના એકમાત્ર ‘ગિરિમથક’ (hill station) સાપુતારાની. વેબસાઈટને કૈક અલગ બનાવવા અલગ અલગ સ્થળોની ‘જિંગલ’ પણ બનાવી હતી જેમકે સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે. સાપુતારાની જિંગલ હતી ‘ટિમ ટિમ કરતા રહતા તારા, આઓ ચાલે સાપુતારા’. ત્યારની ઈચ્છા હતી કે સાપુતારા જવું છે.

તો આપણે મમ્મી-પપ્પા સાથે ઉપડ્યા જન્માષ્ટમીના આગલે દિવસે સાપુતારા જવા.

સાપુતારા ડાંગ જીલ્લામાં આવેલું છે. બીલીમોરા સાપુતારાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી મુંબઈ લોકલ ટ્રેઈન પકડી બીલીમોરા સુધી જવા નીકળ્યા. સુરત પછી તમને આખા રસ્તે મસ્ત લીલી વનરાઈઓ – ખેતરો જોવા મળે. બીલીમોરા બસ સ્ટેશન – રેલ્વે સ્ટેશન સામે સામે જ છે. અમે સમયસર ૮.૩૦ – ૮.૪૫ સુધીમાં પહોચી ગયા અને ત્યાં ‘ઈન્કવાયરી ઓફિસ’ માં પૂછતા ખબર પડી કે એક બસ ‘સપ્તશ્રુંગી-સાપુતારા’ની, ૯ વાગ્યે આવશે. બીલીમોરાથી સાપુતારાનો રસ્તો આશરે ત્રણથી સાડાત્રણ કલાકનો. અમે બસની રાહ જોતાં બેઠા. સુરત – વઘઈ, બીલીમોરા – અમદાવાદ એમ બધી બસ એક પછી એક આવતી જાય, પણ સાપુતારાની નહીં. પાછું કોઈ પ્રાઈવેટ વાહન પણ ન મળે. દોઢેક કલાક રાહ જોઈ પણ કોઈ બસ નહીં. ‘ઈન્કવાયરી ઓફિસ’માંથી જ માહિતી મળી કે બીજી બસ – ‘સુરત – શિરડી’ ૧૧ વાગ્યે આવશે.

જો અમે વઘઈ કે કોઈ બીજી જગ્યાએ પહોચીએ તો ત્યાં પણ રાહ જોવી પડે, એમ વિચારીને અઢી કલાક જેવો સમય બીલીમોરા બસ સ્ટેશને જેમતેમ પસાર કર્યો. સાપુતારા માટે એક બસ સવારે હતી અને જો ૧૧ વાગ્યા વાળી પણ ન આવત તો સીધી બપોરે હતી મતલબ એક આખો દિવસ બગડે! વળી પાછો ત્યારે સાપુતારામાં ‘મોન્સૂન ફેસ્ટીવલ’ હતો! એની મોટી મોટી જાહેરાતો એસ.ટી. બસ પર હતી ને સાથે ટોલ ફ્રી નંબર પણ આપ્યો હતો. પપ્પાએ ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો. ભાગ્યવશાત કોઈએ ફોન ઉપાડયો, જે માન્યામાં આવતું નહોતું. પપ્પાએ વાત કરી કે અમે બે કલાકથી આવી રીતે બસ સ્ટેન્ડ પર બેઠા છીએ, તમે ‘મોન્સૂન ફેસ્ટીવલ’ રાખો તો માળખાકીય સુવિધાઓ તો પૂરી પાડવી જોઈએ ને! તમે અમારી આ વાત પહોચાડો અથવા અમને એસ.ટી. અધિકારીઓના નંબર આપો. એ ભાઈ બિચારા ડરીને કહે એ અમારા હાથમાં નથી. પછી લગભગ ૧૧.૩૦ વાગ્યે બસ આવી. (૧૧ વાગ્યા વાળી બસ – અમે જેટલી રાહ જોઈ એ પ્રમાણમાં બહુ મોડું ન કે’વાય!)

જો કે બસ સ્ટેશનમાં બાથરૂમ અસહ્ય ગંદા હતા. એમ થાય કે ભલે તમે વધુ પૈસા લઇ લો પણ આવી સુવિધાઓ તો વ્યવસ્થિત રાખો.

વઘઈ પછી એકદમ સુંદર ટેકરીઓ – ઢોળાવોવાળો રસ્તો શરુ થાય છે. રસ્તામાં ઘણા જોવાલાયક સ્થળો આવે છે જેમકે ગીરા ધોધ, પણ એ બધું અમે ફરી શકીએ એમ ન હતા. અમે આશરે ૩.૩૦ વાગે સાપુતારા પહોચ્યા.

સાપુતારામાં આમ તો બધું નજીક નજીક જ છે. એક દિવસમાં જ અહીંના મુખ્ય સ્થળો વગેરે બધું જોઈ લેવાય. અહીંના મુખ્ય આકર્ષણોમાં રોઝ ગાર્ડન (શિયાળો આવે એટલે ગુલાબના ફૂલ આવે અને ઓછા વરસાદને લીધે આ બાગ તો સારી હાલતમાં નહોતો.), સ્ટેપ ગાર્ડન, મ્યુઝીયમ, શંકર ભગવાન – ગણેશજીનું મંદિર, રોપ-વે, ઇકો પોઈન્ટ, સનસેટ – સન રાઈઝ પોઈન્ટ, સાપુતારા લેક, અજીતનાથજીનું જૈન દેરાસર, લોગ હટ (નીચે સિમેન્ટ – ઉપર લાકડાથી બનાવેલું, જે ફોરેસ્ટ અધિકારીઓ હોવાથી અંદરથી ન જોઈ શક્યા), ટેબલ પોઈન્ટ વગેરે ગણી શકાય.

પ્રવાસન ઉદ્યોગ જ મુખ્ય હોવાથી અહીં ઘણી બધી હોટલ જોવા મળી. સુરત-મહારાષ્ટ્રથી ઘણાં લોકો કાર લઈને પણ આવ્યા હતા. નાનકડી બજારમાં વાંસની વસ્તુઓ જોવા મળે અને લોકો મકાઈ – મેગી (હજી પણ! મેગી કેટલા બધા લોકોની રોજીરોટી પર સવાલ ઉભો કરી દીધો!) વેચતા જોવા મળે.

અમે ત્યાંથી નજીક એક હાથગઢ કિલ્લો પણ જોવા ગયા હતા. કહેવાય છે કે ત્યાં શિવાજી મહારાજ રોકાયા હતા અને મહારષ્ટ્ર સરકાર ત્યાં અત્યારે બાંધકામ કરી રહી છે, બાકી અત્યારે ત્યાં કિલ્લા જેવું લાગે એવું કઈ નથી! સાપુતારામાં તમને ઘણી જગ્યાએ બોર્ડ જોવા મળે કે ગિરિમથકને સ્વરછ રાખો અને અમુક જગ્યાઓએ કચરાપેટીઓ પણ મૂકેલી હતી, છતાંય લોકો ગમે ત્યાં કચરો ફેકતાં હતા. (આદત સે મજબૂર!)

સાપુતારાનું સમૃદ્ધ અને જ્ઞાનપ્રદ મ્યૂઝીયમ એક અથવા બીજા કારણે અત્યંત બિસ્માર હાલતમાં છે. એમાથી તો લોકો અને નામશેષ થઇ રહેલી વસ્તુઓ વિષે ખૂબ વિગતે જાણવા મળે છે જેમ કે લોકકળા, ત્યાના લોકો, પહેરવેશ. કમસે કમ એ તો વ્યવસ્થિત હાલતમાં અને સારી રીતે જાળવેલું હોવું જ જોઈએ!

ટેબલ પોઈન્ટ મને સૌથી વધુ ગમ્યો. એકદમ ઉચાઈએ, ટ્રેકિંગ જેવું પણ કરી શકાય. ત્યાં કેટલીક ઍડવેન્ચર પ્રવૃત્તિઓ પણ થાય છે જેમકે zip lining (બીજી પ્રવૃત્તિઓ હજી ચાલુ નથી થઈ) ત્યાની વિશેષતામાં લોકોએ બનાવેલી નાની બાઈક્સ ચલાવવાની પણ મજા માણવા જેવી છે. રીંગ નાખીને ઇનામ મેળવો જેવી રમત પણ જોવા મળી.

મોન્સૂન ફેસ્ટીવલ માટે સરકારે જ અલગ અલગ પોઈન્ટ પર કલાકારોને રાખ્યા હતા, જે ભાતીગળ વાજિંત્રો વગાડતાં, લોકગીતો ગાતાં અથવા લોક્નનૃત્ય કરતા હતા, લોકો યથાશક્તિ ફાળો આપતા હતા. સર્વાઈવલ ઑફ ફિટેસ્ટનો આ જીવંત દાખલો, અનુકુલન સાધવું નહીંતર નામશેષ થઇ જવું.

ત્યાં લોકલ ગાઈડ સાથે વાત કરતા જાણવા મળ્યું કે જયારે રાજ્યોનું સીમાંકન નક્કી થયું ત્યારે આબુ રાજસ્થાનમાં ચાલ્યું ગયું (આબુ અને અંબાજી નજીક છે એટલે હજી પણ આપણે આબુ – અંબાજી સાથે બોલીએ છીએ!) એટલે આપણે મહારાષ્ટ્ર પાસેથી સાપુતારા મળ્યું. (નહીં તો આપણી પાસે ધાર્મિક સ્થળો જ રહેતા ફરવા નહિ જાત્રા કરવા માટે!) ત્યાના ગણેશ મંદિર પાસેની ટેકરી પર એ સીમાંકન માટે કરેલ વાડ દેખાય છે અને નીચે વસેલા ગામડાઓ પણ.

વિચારયોગ્ય મુદ્દાઓ –

૧) સરકારે જો પ્રવાસનને પ્રોત્સાહન આપવું હશે તો પહેલાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડશે અને જાહેર જગ્યાઓએ સ્વરછતા જાળવવી પડશે.
૨) કચરાપેટી હોય છે પણ લોકોને એમાં કચરો નાખવાની આદત નથી એનું શું? આપણે આપણી કુદરતી સંપતિની જાળવણી કરવી પડશે. સ્વરછતા અભિયાન સરકાર શરૂ કરે પણ આપણે જ્યાં સુધી આપણી આદત ન બદલીએ ત્યાં સુધી કંઈ ન થઈ શકે ને એમાં સરકાર નો પણ વાંક ન ગણાય.
૩) સરકારે છેવટના લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ખરાબ રસ્તાઓ પણ વ્યવસ્થિત કરવા જોઈશે, વિદ્યાર્થીઓને અને પ્રવાસીઓને જરૂરત મુજબ સુવિધાઓ પૂરી પાડવી જોઈશે.

આમ તાજી હવા ભરીને, કુદરતને માણીને દોઢ દિવસમાં પાછા ફર્યા ત્યારે પણ એક અનુભવ થયો. જે બસમાં અમે બેઠા એ બસ હતી એકદમ લોકલ, ગામડે ગામડે ઉભી રહે. બાળકો, કોલેજીયનો, નોકરીયાતો અને પ્રવાસી નાગરિકો – બધા બસમાં ભરચક ભરાયા, બસની કેપિસિટી કરતા પણ વધુ. બાજુમાં બેઠેલી એક કોલેજીયન યુવતી સાથે વાત કરતા જાણવા મળ્યું કે બસની સંખ્યા અને સુવિધા ઓછી છે એટલે લોકોએ આમ જ મુસાફરી કરવી પડે છે. એક બસ જાય પછી બીજી બસ લાંબા સમય પછી આવે! ત્રણ નાનાં બાળકો અને તેમના દાદા પણ આ જોવા મળ્યા જે સાપુતારાથી આશરે બે કલાક પછી ઉતર્યા, એ પણ શાળાએ જવા માટે… ત્યારે થયું કે આપણને કેટલી સહેલાઈથી બધું મળી ગયું. આ લોકો સાચા ઉદાહરણ છે ‘શિક્ષા અભિયાન’ ના!

– મિત્સુ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સાપુતારા પ્રવાસના સંસ્મરણો – મિત્સુ મહેતા

  • vipul aswar

    ભાઇ મિત્સુ એ ખુબ જ સરશ માહિતિ આપિ હુ જાન્યુઆરેી મા
    જવાનો છુ .ઉપયોગિ થશે .આભાર

    And thanks to Jignesh sir for this type of
    Plateform and specialy for Gujarati Type Pad.

  • Mehul Sutariya

    ડાંગને ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ડાંગને માણવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. ડાંગ સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. હું ત્યાંના ગામડાઓમાં રહેલો છું એટલે ડાંગને ખૂબ નજીકથી ઓળખું છું. ડાંગમાં બાઈક લઈને ફર્યો છું. સાપુતારા ઉપરાંત ડાંગના એવા ઘણાં સ્થળો છે જેને હું ટૂંક સમયમાં અક્ષરનાદ પર મુકીશ જેથી સહેલાઈથી લોકો ત્યાં જઈ શકે. પ્રકૃતિમાં ખોવાનો આનંદ અનેરો છે મેં જે અનુભવ્યું છે તેનો અનુભવ આપને પણ કરાવવા ઈચ્છું છું.
    ડાંગ વિષે અને ત્યાંના સ્થળો વિષે હું અત્યારે લખી રહ્યો છું. વચ્ચે આ કામ અટકી પડ્યું હતું એટલે અહિયાં રજૂ કરી શક્યો નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં આપની વચ્ચે ડાંગની સુંદરતાને રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.
    મિત્સુ મહેતાને સાપુતારાના સુંદર આલેખન માટે હૃદયથી અભિનંદન.

  • kishore patel

    હું સાપુતારા બે વખત ગયો છું. ૧૯૭૮ માં પહેલી વાર લગ્ન બાદ હનીમૂન માટે અને ૨૦૦૩ માં લગ્નની રજત જયંતી મનાવવા માટે. બંને વેળાનો અનુભવ અત્યંત આલ્હાદક રહ્યો છે. પહેલી વાર સુવિધાઓ ઓછી હતી ને મુલાકાતીઓ પણ ઓછા હતા. બીજી વાર સુવિધાઓ વધી હતી અને મુલાકાતીઓ પણ વધ્યા હતા. ભાઈ મિત્સુ ની ફરિયાદ ભારત દેશના કોઈ પણ ગિરીમથક માટે કોમન કહી શકાય. સાપુતારામાં સ્વચ્છતા હતી અને હજી છે. અહીંના સ્થાનિક માણસો ભલા-ભોળા છે. વાંસની અદભૂત કલાકૃતિઓ નજીવી કિંમતે મળી રહે છે.

  • હર્ષદ રવેશિયા

    ભાઇશ્રી મિત્સુ,

    તમોએ પોસ્ટ કરેલ ગુજરાતના એક માત્ર ગિરીમથક વિષે લખેલ લેખ ગમ્યો. પરંતુ થોડો ખોટો લાગ્યો..

    જૂન મહિનાની ૨૫ થી ૨૯ તારિખ સુધી હુ અને મારી પત્ની સાપુતારાખાતે રોકાયેલ…

    ભારતના સર્વે ગિરીમથક અમોએ જોયા છે, કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી દિબ્રુગઢ વચ્ચે આવતા ધાર્મિક અને સહેલગાહના સ્થળો નિહાળ્યા છે; વિદેશની ધરતી પણ ઘમરોળી છે…

    આ બધા કરતાં સાપુતારા વધારે ચોખ્ખું, સરળ, સરકારી અમલદારોની સહાય કરવાની તત્પરતા સભર લાગ્યું..

    હું આપના લેખની આલોચના નથી કરતો પણ સાપુતારાના વખાણ કરું છું…

    હા આપના લેખ મૂજબ પ્રવાસ બસ દ્વારા નહિ પરંતુ મારી કાર દ્વારા કરેલ અને ૪ રાત્રી અને ૫ દિવસની સહેલગાહ ફક્ત રુપિયા ૨૫૦૦૦માં પૂરી કરેલ જેમાં ખાવાપીવા, મોંઘામાં મોંઘી હોટેલમા વાસ, સ્મૃતિચિન્હોની ખરિદી અને ડિઝલ બધું!!

    હર્ષદ