ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 10 comments


(૧)

લીલીછમ શક્યતાઓ…

સૂકાભઠ્ઠ વૃક્ષો પર
લીલીછમ શક્યતાઓની
કૂંપળો ફૂટી શકે છે…
અને
રણમાં સ્વપ્નોનું
ગુલાબ ખીલી શકે છે…
અરે…
ખબર છે તને…?
સાવ નાજુક તાંતણે
કરોળિયો પડી‌-આખડી
ચડી શકે છે…
ઉદાસ કેમ છે ???
સુખની તલાશ કર…
અ‍શ્રુઓમાં,
મીઠી સંવેદનાઓ ખારાજળમાં
પણ છલકી શકે છે…

જીવનમાં ઘણા તબક્કા એવા આવતાં હોય છે જ્યાં પ્રેરણાની જરૂર હોય છે. કોઇ નાનકડો પ્રસંગ કે કોઇની નાનકડી વાત અને ક્યારેક કુદરતે રચેલી સૃષ્ટિની અનેકવિધ રચનાઓમાંથી કોઇ રચના પ્રેરણાની પગદંડી થઇ આપણને Inspire કરી નાંખે છે જરૂર છે બસ થોડી દૃષ્ટિને વિકસાવવાની અને હકારાત્મક અભિગમ અપનાવાની…

(૨)

બે ચહેરા

મારી પાસે બે ચશ્માં છે
એક થ્રી પીસ…
એકદમ પાતળી ફ્રેમનાં-લાઈટ વેઇટ
ચહેરાને ચમકદાર કરી નાંખે
બીજા કોફી કલરની ફ્રેમનાં,
વજનદાર…
એને પહેરું છું તો મને લાગે છે કે
હું એલિયન છું
જ્યારે-જ્યારે મારે ક્યાંક જવાનું થાય છે
ત્યારે-ત્યારે હું અવઢવમાં હોઉં છું
ક્યા ચશ્માં પહેરું…???
ક્યા ચશ્માં પહેરું…???
પછી…?
મારી સામે બે ચહેરાં આવે છે
એક ભીડ વચ્ચે…
થ્રી પીસ પહેરેલો- ચમકદાર
અને બીજો
એકાંતમાં…
પેલી કોફી કલરની ફ્રેમ પહેરેલો…
અરે…!
હું તમને શું વાત કરી રહ્યો છું…?
ચશ્માંની કે પછી
મારી-તમારી અંદર છૂપાયેલાં
બે ચહેરાની…???

આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતાં માણસે ક્યારેક કોઇ ઘટાદાર વૃક્ષની નીચે બેસી પોતાની જાતનું વિહંગાવલોકન કરવાની તક લેવી જોઇએ. ફાસ્ટલાઇફ અને સ્વાર્થના સંબંધો વચ્ચે હું મારું સાચું અસ્તિત્વ કેટલું ટકાવી શકું છું ? આ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવા જેવો ખરો. પળપળ ચહેરાં બદલતાં અને નેતાની જેમ “ અભી બોલા અભી ફોક ” જીવનમંત્ર બનાવી સ્ટેટમેન્ટ બદલતાં રહેતાં લોકોની વચ્ચે મારા જીવનની ફિલસૂફી શું છે ? હું મારા ચહેરા પર કેટલાં ચહેરાં પહેરું છું ?

(૩)

રે સમય…
ઘૂંટાતો, પીસાતો
હું
અંદરો-અંદર…
ક્યાં ઉલેચું મારા સ્વપ્નનાં દરિયાને ?
સંવેદનાઓ જાણે
બધી એકઠી થઇ ચઢે છે
મારા પર
ઘૂંટે છે પીસે છે અને
પછી અટ્ટહાસ્ય કરતી
વેરાઇ જાય છે
દિવસ ઉગે છે કીડીના પગ જેટલો
રાતો લાંબી…લાંબી…
ઊંચે ઊડતાં પારેવાં જોઇ
મન ઊડતું નભમાં
પણ ના,
વૃક્ષોની આરપાર , સૂરજ ડૂબે ત્યાં
પહોચવું છે મારે
વિના વિલંબે…
કેવી રીતે ?
શબ્દ બની કાગળ પર દોડું ?
હવા બની વાદળ પર દોડું ?
કિરણ બની ઝાકળ પર દોડું ?
છે મથામણ ઘૂંટાતી
ક્યાંક આમ ને આમ
કીડીના પગ જેટલા મારા
દિવસો
કીડીપગે જતાં ન રહે
રે સમય….!!!

જીવનને ઝરણાંની માફક વહેતું રાખવું જરૂરી છે. યોગ્ય લય સાથે વહેતા શ્વાસ ક્ષણોને મધુર બનાવે છે.લય ખોરવાય તો આપણને અંતરાત્મા એક ચોક્કસ સંકેત આપે છે. એ સંકેતને ઓળખી શકીએ તો કદાચ લયને જાળવી શકીએ. સમયની અતિ કિંમતી ક્ષણો હાથમાંથી કંઈપણ ઉપયોગ કર્યા વગર લસરી જાય તો એક અજંપો હ્રદયમાં ઘર કરી જવો જોઈએ કે મારા માલિકે મને આપેલા શ્વાસોશ્વાસની મેં અવહેલના કરી છે. આવી સરી જતી ક્ષણોના વિષાદમાં આ કાવ્યનો જન્મ થયો છે…

– ઇસ્માઇલ પઠાણ

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર બીજીવાર પ્રસ્તુત થઈ રહેલી આ ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


10 thoughts on “ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ

 • Kalidas V. Patel {vagosana}

  પઠાણ સાહેબ,
  આપની બિલકુલ નવતર તરાહની ત્રણેય રચનાઓ ગમી. મીઠી સંવેદનાઓ પણ અશ્રુઓના ખારા જળમાં મળી શકે છે. … માત્ર શોધનાર જોઈએ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Bhavana

  સુન્દર રચનાઓ..
  .
  ઇસ્માઈલભાઈને ધન્યવાદ.

 • shaikh abdul kadar

  Great inspiring and spiritual thoughts positive fell good congratulations dear ismail bhai keep it up god bless you…

 • H S PAREKH

  ઈસ્માઈલભાઈની આ ત્રણ રચનાઓ ઘણી ગમી.

  તેમને મારા ધન્યવાદ પાઠવશો.

  તેમનો સંપર્ક સાધી શકાય કે ?

  જો શક્ય હોય તો તેમનું શરનામુ, ફોન / મોબાઈલ નંબર કે ઈ-મેઈલ આપવા મહેરબાની.

  આભાર.

  હિમતભાઇ પારેખ, અમદાવાદ

 • GAURANG DAVE

  Excellent compositions, postive thought provoking and narrating hard core reality… Congratulations…

 • ketan yajnik

  પાલન્પુર તાલુકો શ માતે સમ્રુધ્ધ ચ્હે તેનિ સમજ પદ્તિ જાય ચ્હે.

Comments are closed.