વડનગરનાં જોવાલાયક સ્થળો.. – કનૈયાલાલ દવે


wpid-wp-1443365722830.jpegશીતળા માતાજીનું મંદિર

શહેરમાં મોઢવાડાના ચાચરથી ગાંસકુળ દરવાજે જતાં રસ્તામાં શીતળા માતાની શેરીમાં શીતળા માતાનું મંદિર છે. આ મંદિર પ્રાચીન છે. તેનું લેવલ શહેરથી ઊંચું જણાય છે. મંદિર બેઠા ઘાટનું છે, હાલમાં તે જીર્ણવિશીર્ણ થઈ કેટલેક ઠેકાણેથી પડી ગયું છે.

પેસતાં જ પ્રવેશદ્વાર ઉપર સુંદર કોતરણી કરવામાં આવી છે. તેમાં બારણાનાં ઉપરના ભાગમાં નવ ગ્રહો કોતર્યા છે. આ મંદિર બાંધવામાં કોઈ જૂના મહાલય કે મંદિરનાં પથ્થરો વાપરવામાં આવ્યા છે. કારણ કે કેટલાક કારીગરીવાળા પથ્થરો જેમતેમ ગમે તે જગ્યાએ ગોઠવેલા છે. આમાં છતમાં મૂકેલો એક પથ્થર જોવા જેવો છે. આ પથ્થરમાં સોળ માણસોને એક મધ્યબિંદુ ઉપર ગોળાકારે ગાડીના પૈડાંના આરાની માફક કોતર્યા છે. દરેક માણસના હાથમાં હથિયારો આપવામાં આવ્યાં છે.

વળી છતમાં બીજું એક કલાચિત્ર છે. જેમાં અનેક પુરુષો જુદાં જુદાં પ્રકારના વાદ્યો વગાડે છે અને એક સ્ત્રી નૃત્ય કરતી હોય તેમ જણાય છે. આ મંદિરમાં પેસતાં સામે જ એક મોટો ગોખલો છે, જેની કિનારે સુંદર કોતરણી કરેલી છે.

આ સિવાય બીજા અનેક કોતરણીવાળા પથ્થરો અહીંયાં જેમતેમ પડ્યા છે. હાલમાં જો કે આ મંદિરને શીતળા માતાનું મંદિર કહેવામાં આવે છે પણ તે માતાનું મંદિર હોય તેમ જણાતું નથી. તેનો ગર્ભાગાર મંદિરની મધ્યમાં છે અને તેને ફરતી પ્રદક્ઇણામાર્ગ છે, તેથી મારું માનવું છે કે આ મંદિર પહેલા વૈષ્ણવ સંપ્રદાયનું હશે.

દરબાર

શહેરની મધ્યમાં હાલમાં એક ઊંચો ટેકરો છે જેને દરબાર કહે છે. પહેલાં તે પથ્થરબંધ કિલ્લા સાથે બાંધેલું રાજમહાલય હશે એમ જણાય છે. હાલમાં તેના બે ઝરુખાના ફાંસડાઓ લટકી રહ્યાં છે. તેમાં કેટલીક કોતરણી કરેલી છે. પહેલાં તેમાં મકાનો હતામ પણ હાલમાં તો તે પડી ગયાં છે અને ગુજરાતી શાળાનું તેમજ ચોરાનાં મકાનો ત્યાં બાંધેલા છે. મુસલમાની રાજસત્તા દરમ્યાન આ કોઈ રાજમહાલય કે કચેરી હશે તેથી તેમજ હાલનાં સરકારી મકાનોને લઈ તેને દરબાર કહેતા હશે.

બીજું પ્રાચીન મંદિર

અમરથોળ દરવાજાની બહાર નીકળતાં ડાબી બાજુ બીજું પ્રાચીન મંદિર છે જે હાલમાં પડી જઈ ખંડેર જેવું બની ગયું છે. આ મંદિરની બાંધણી અને કોતરકામ ઘણાં જ ઉંચા પ્રકારનાં છે. તેમાં પાંચ નાની દેરીઓ છે. હાલતમાં તો તે પણ ઘણીખરી પડી ગયા જેવી થઈ ગઈ છે. આ દેરીઓની ચારે બાજુ તેમજ મંદિરના થાંભલાઓ ઉપર વરાહ, નૃસિંહ વગેરે વિષ્ણુનાં અવતારોનાં ચિત્રો કોતરેલાં છે. એક જગ્યાએ નવ ગ્રહ કોતરેલાં છે. આથી તે કોઈ વૈષ્ણવ મંદિર હશે તેમ જણાય છે. આ મંદિરની બાંધણી અને કારીગરી ઉપરથી માલૂમ પડે છે કે તે એક માળનું હશે તેમજ મોડામાં મોડું તેરમાંથી પંદરમાં સૈકામાં બંધાયું હશે.

હાટકેશ્વર મહાદેવ

વડનગરનાં જોવાલાયક સ્થળોમાં સૌથી સર્વોત્તમ હાટકેશ્વર મહાદેવનું દેરૂં જોવાજેવું છે. સમસ્ત નાગર કોમના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ ગણાય છે. તેમનાં દર્શન કરવા દૂરદૂરથી નાગરલોકો વડનગરમાં આવે છે.

આ દેરૂં વડનગર શહેર બહાર નદીઓળ દરવાજાની નજીકમાં છે, તે શહેર કરતાં ઘણાં જ નીચાણવાળા ભાગમાં છે. દેરૂં પથ્થરબંધ બાંધેલું છે, દેરાની ચારે બાજુ યાત્રાળુઓને ઉતરવા માટે શર્મશાળા બાંધેલી છે. દેરૂં ભવ્ય અને પ્રાચીન છે, તેની બાંધણી ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. દેરાની ફરતે ગ્રાસપટ્ટી ઉપર આવેલી વેદીમાં વિષ્ણુનાં દસ અવતારો અને અનેક પૌરાણિક કથાઓની હકીકતો કોતરેલી છે. દેરાની ચારેબાજુ કરવામાં આવેલું કોતરણીનું કામ ઉત્તમ પ્રકારનું છે. તેમાં મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ વગેરેનાં ચિત્રો કોતર્યાં છે, આ સિવાય પાંચ પાંડવો તેમજ પાંડવોની બાલક્રીડા એક જગ્યાએ કોતરેલી છે એ જોવા જેવી છે.

દેરાંનું શિખર ઘણું જ ઊંચું છે. દેરામાં પેસતા જ મોટો વિશાળ મંડપ આવે છે. મંડપમાં સામે જ ગર્ભાગાર છે, તેમાં ઊતરવાનાં પગથીયાં છે, કારણ મહાદેવજી દેરાંથી પણ નીચાણનાં ભાગમાં છે.

આ હાટકેશ્વર મહાદેવની સ્થાપના ઈ.સ.ના ત્રીજા સૈકામાં થઈ હતી એમ નાગરખંડ ઉપરથી જણાય છે. નાગરખંડના અધ્યાય ૧૦૭માં લખ્યું છે કે ચમત્કારપુરમાં વત્સગોત્રનો ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે ચમત્કારપુરમાં પાતાલના હાટકેશ્વરની સ્થાપના કરવાની ઈચ્છા થઈ, તેથી તેણે શંકરનું ઉગ્ર તપ કરી વરદાન મેળવ્યું અને ચમત્કારપુરમાં હાટકેશ્વરની સોનાના લિંગની પ્રતિષ્ઠા કરી, હાટકેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું. પણ ઐતિહાસિક રીતે કોણે અને ક્યારે સ્થાપના કરી દેરૂં બંધાવ્યું તે જણાયું નથી. હાલનું દેરૂં એટલા બધા પ્રાચીનકાળ જેટલું જૂનું લાગતું નથી. આથી તે પાછળથી કરવામાં આવ્યું હશે એમ જણાય છે. હાલનું દેરૂં ચારસો પાંચસો વર્ષ પહેલાં બંધાવ્યું હશે એમ કહેવાય છે. કિંવદંતી છે કે હાટકેશ્વરનું દેરૂં શહેરની મધ્ય ભાગમાં હતું અને કદાચ તેમ હશે પણ પ્રાચીન શહેરનો નાશ થયા પછી શહેરની પુનર્રચના કરવા સંવત ૧૨૦૮માં હાલનો શહેરનો કોટ નવીન બંધાવ્યો ત્યારે હાટકેશ્વરનું દેવાલય શહેર બહાર રહી ગયું હશે એમ જણાય છે.

મહાદેવની વ્યવસ્થા કરવા શહેરના સદગૃહસ્થોની એક કમિટી ખેરાળુ વહીવટદારના પ્રમુખપણા નીચે નીમવામાં આવે છે. તે કમિટી મહાદેવનો તેમજ સ્વસ્થાનનો વહીવટ ચલાવે છે. અહીં શ્રાવણ મહીનામાં દર સોમવારે મોટો મેળો ભરાય છે.

ચિત્રેશ્વરી માતા

ચિત્રેશ્વરી માતાનું મંદિર પીઠોરી દરવાજા પાસે આવેલું છે. આ મંદિરમાં ચિત્રેશ્વરી માતાજીની મૂર્તિ છે. મૂર્તિ ઘણી જ પ્રાચીન એ. નાગરખંડના છત્રીસમાં અધ્યાયમાં ચિત્રેશ્વરી પીઠ મહાત્મ્ય આવેલું છે. એ મંદિર હાલમાં કલકત્તાના નાગર ગૃહસ્થ શ્યામલાલ મુરારીલાલે નવીન બંધાવ્યું છે. ચિત્રેશ્વરી હાટકેશ્વરનાં બહેન થાય છે એમ લોકો કહે છે.

સોમનાથ મહાદેવ

મુખ્ય દરવાજાની નજીકમાં સોમનાથ મહાદેવ છે. તે સોમપુરા સલાટોના ઈષ્ટદેવ ગણાય છે. મહાદેવનું દેરૂં ઘણું જ સારું છે, ત્યાં એક ધર્મશાળા છે. નાગરખંડના અધ્યાય ૩૧માં સોમનાથ મહાદેવની ઉત્પત્તિની કથા આપવામાં આવી છે.

ખોખા ગણપતિ

અર્જુનબારી દરવાજા બહાર ખોખા ગણપતિનું દેવાલય છે. તેમાં ગણપતિની મોટી મૂર્તિ બેસાડેલી છે. દેરાની બાંધણીમાં કંઈ ખાસ જોવા જેવું નથી.

આ ગણપતિ માટે એવું કહેવાય છે કે પહેલાં ગણપતિના માથા ઉપર ‘માથું વાઢે તે માલ ખાય’ એમ લખ્યું હતું પન તેની કોઈને સમજ પડતી ન હતી. એક વખત કોઈ માણસ આ શબ્દોનો ગૂઢ અર્થ સમજી ગણપતિનું જ માથું ઉતારી તેમનું પેટ જે પોલું હતું તેમાં ભરેલ સોનામહોરો કાઢી લઈ ગયો હતો અને તે સમયથી ગણપતિનું પેટ પોલું છે એમ જાણ થઈ. તેથી જ આ ગણપતિને ખોખા એટલે પોલા પેટવાળા ગણપતિ કહેતા હશે.

અજાપાળ મહાદેવ

શહેર બહાર અમરથોળ દરવાજાની નજીક ગૌરીકુંડની પાસે અજાપાળ મહાદેવનું દેવાલય છે. નાગરખંડમાં પણ અજાપાળનું મહાત્મય વર્ણવ્યું છે. સ્થાન પ્રાચીન છે. સંન્યાસી,બ્રહ્મચારી વગેરેને અહીં સમાધિ આપવામાં આપવામાં આવે છે. અહીં એક નાની દેરીમાં બુદ્ધનું માથું જોવામાં આવ્યું છે. આ સિવાય શહેરોમાં તથા શહેર બહાર ભેહરોડ મહાદેવ, દાનેશ્વર, મહાદેવ, અંબાજી માતા, કાલિકા માતા, આશાપુરી માતા, દુર્ગા માતા, શીતળા માતા, અજાઈ માતા, પીઠોરી માતા એમ અનેક દેવાલયો છે.

વૈષ્ણવ મંદિરો

વૈષ્ણવ મંદિરોમાં વલ્લભી સંપ્રદાયના બેચાર મંદિરો છે. તેમાં દ્રારકાધીશનું મંદિર મોટું છે. તે બજાર વચ્ચે તળાવની પાસે આવેલું છે. આ સિવાય રણછોડજીનું, લક્ષ્મીનારાયણનું, રામચંદ્રજીનું, નરનારાયણનું વગેરે બીજાં અનેક વૈષ્ણવ મંદિરો છે.

અન્ય ધર્મોના મંદિરો

શૈવ અને વૈષ્ણવ મંદિરો સિવાય પણ વડનગરમાં અન્ય ધર્મોના બીજાં પણ કેટલાંક મંદિરો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું સંપ્રદાયનું એક મંદિર છે. તેની બાંધણી સુંદર છે. મંદિર મોટું અને વિશાળ છે, જે ધીણોજા ઓળે આવેલું છે. રામકબીર, સત્યકેવળ અને તુલસીમંદિર વગેરે જુદાજુદા પંથોનાં બીજાં કેટલાંક મંદિરો છે.

જૈન મંદિરો

આ શહેરમાં જૈન ધર્મના બે મોટા મંદિરો છે. પહેલા વડનગર જૈનતીર્થ ગણાતું અને જૈનધર્મનાં અનેક મંદિરો હતાં, હાલમાં તો ફક્ત થોડાં જ છે. એમાનું એક દેરૂં મોઢવાડાના ચાચર પાસે આવેલું છે. આ દેરૂં મોટું છે. તેની ભમતી (પ્રદક્ષીણા માર્ગ)માં બીજાં બાવન નાનાં નાનાં મંદિરો છે. આવા દેરાને ‘બાવન જીનાલય પ્રાસાદ’ કહેવામાં આવે છે.

આ મંદિરમાં પેસતા જ બારણા પાસે એક પથ્થરનો મોટો હાથી છે તેથી લોકો તેને હાથીવાળું દેરૂં કહે છે. હાથી ઉપર દેરૂં બંધાવનાર ગૃહસ્થની નમસ્કાર કરતી મૂર્તિ વેસાડવામાં આવી છે. પ્રાચીન સમયમાં, મોટાં મોટાં મંદિરો બંધાવનાર ગૃહસ્થોની મૂર્તિઓ આમ બેસાડવામાં આવતી હતી. આબુ ઉપર દેલવાડના મંદિરમાં પણ મંદિર બંધાવનાર વસ્તુપાળ – તેજપાળની મૂર્તિ તેના કુંટુંબસહ બેસાડેલી છે. તેમાં બંન્ને ભાઈઓ સવાર થયેલા અને મંદિરની ભીંતો ઉપર જૈન આગમોનાં અને પુરાણોનાં અનેક ચરિત્રો, સુંદલ કમલથી ચીતરવામાં આવ્યાં છે. તેમાં શેત્રુંજય અને ગિરનાર પર્વતોના દેખાવો આબેહુબ ચીતર્યા છે તે ચિત્રકામ બગડે નહિ તે માટે તેના ઉપર પારદર્શક કાચ જડી દેવામાં આવ્યા છે. આ દેરૂં કોને બાંધ્યું અને ક્યારે બંધાયું તે માટે કંઈ હકીકત મળતી નથી. પણ ભમતીમાની મૂર્તિઓની નીચેની પ્રશસ્તિમાં તેરમાં સૈકા પછીની સાલો આપેલી છે. જોકે હાલનું દેરૂં તેટલું પ્રાચીન નથી પણ પહેલાં આ જ સ્થાને કોઈ પ્રાચીન જૈન મંદિર હશે જેનો જીર્ણોદ્ધાર પાછળથી કરવામાં આવ્યો હશે.

બીજું દેરૂં સાંકડી શેરીના માડ પાસે આવેલું છે તે નવીન છે અને થોડાં વર્ષો પહેલાં બંધાયું હતું. તેમાં સામે જ ગર્ભાગાર છે. તેમાં પાર્શ્વનાથની મૂર્તિ છે. દેરામાં નીચે ભોયરું છે, તેમાં પણ તીર્થંકરોની મૂર્તિઓ છે. દેરાની બાંધણી નવીન ઢબ પ્રમાણે સરસ કરવામાં આવી, તેમાં કોતરકામ ઠીક કર્યું છે.

– કનૈયાલાલ દવે

ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે મહેસાણા જીલ્લાનું વડનગર શહેર, ગુજરાતના પ્રવેશદ્વાર સમા કીર્તિતોરણ, શર્મિષ્ઠા સરોવર, પશ્ચિમ મહેતાની વાવ કે હાટકેશ્વર મંદિર અને વડનગરના દરવાજાઓ એમ પુરાતન વારસાના અપ્રતિમ સ્મારકો તથા ઉત્ખનન પછી મળી આવેલા ઐતિહાસિક પુરાવા અને પુરાતન ભવ્ય વારસાએ વડનગરને અનોખું સ્થાન આપ્યું છે. વડનગરના કેટલાક જાણીતા સ્થળો વિશેની વાત સયાજી બાલજ્ઞાનમાળાનું પુસ્તક ૧૪૯મું ‘વડનગર’ માંથી આજે પ્રસ્તુત કરી છે.

આપનો પ્રતિભાવ આપો....