શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા 4


ભરોસો, વિશ્વાસ વગેરે શબ્દો આપણે શ્રદ્ધા શબ્દની બદલીમાં વાપરીએ છીએ. વધારે બારીકીથી વિચારીએ તો આ શબ્દો એકબીજાથી થોડા અલગ અલગ છે. વિશ્વાસ અને ભરોસો એકબીજાની વધારે નજીક છે, પણ શ્રદ્ધા એ થોડો અલગ શબ્દ છે. શ્રદ્ધા શબ્દમાં જે ભાવ રહેલો છે, એ બીજા બન્ને શબ્દોમાં નથી. ભરોસો અને વિશ્વાસ થોડા અધૂરા છે, પણ શ્રદ્ધા સંપૂર્ણ છે. નાના બાળકને એની માતાની પ્રત્યેક વાતમાં શ્રદ્ધા હોય છે, એના પ્રત્યેક વર્તનમાં શ્રદ્ધા હોય છે.

શ્રદ્ધાના અભાવ માટે આપણે અશ્રદ્ધા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. “હું આ નથી માનતો” વાક્યમાં ભરોસો નથી, વિશ્વાસ નથી અને શ્રદ્ધા નથી આ ત્રણે વાતોનો સમાવેશ થઈ જાઈ છે, પણ શ્રદ્ધા નથી માં જે Finality છે, તે બીજા બેમાં નથી. તમને ભરોસો આપવા કે વિશ્વાસમાં લેવા પ્રયત્નોની ગુંજાશ રહેલી છે, પણ શ્રદ્ધા નથી, એટલે વાત પૂરી થઈ.

હું માનું છું કે સમજણ વગરની શ્રદ્ધા કરતાં અશ્રદ્ધા વધારે સારી છે. સમજવાની કોશીશ એ માત્ર સંશય નથી. સંશયમાં સમજ્યા પછી પણ કાલ્પનિક ભયને લીધે સ્વીકાર કરવાની આનાકાની છે. “કદાચ મારી સમજણ ખોટી હોય તો? કદાચ હું આ સ્વીકારી લઉં અને મને કંઈ નુકસાન થાય તો?” સંસયમાં આવી અવ-ઢવ છે. સમજ્યા વગર સ્વીકારવાની ના પાડવાની ક્રિયા એટલે અશ્રદ્ધા.

સમજ્યા વગરનો સ્વીકાર એ અંધશ્રદ્ધા છે. આટલા બધા લોકો કહે છે, તો એ સાચું જ હશે; મગજને જરાપણ તસ્દી આપ્યા વગર કોઈપણ વાત સ્વીકારી લેવાની વૃતિ એ અંધશ્રદ્ધાનો એક પ્રકાર છે. અંધશ્રદ્ધા માટે કોમનું પછાતપણું, કેળવણીનો અભાવ, વૈદકીય સારવારનો અભાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ અને આવા અનેક તત્વો જવાબદાર છે. અંધશ્રદ્ધા ફેલાવનારા અનેક પ્રકારના પ્રલોભનો, અને અનેક પ્રકારની હૈયાધારણ આપે છે. તદ્દન ખોટી હકીકતો અને બનાવોને જાતે જોયેલી અને અનુભવેલી વાતો તરીકે જોરદાર રીતે રજૂ કરે છે, એટલે અનેક લોકો આ જાળમાં આવી જાય છે.

અંધશ્રદ્ધા દુનિયાના અનેક દેશોમાં અસ્તિત્વ ધરાવે છે, પણ અહીં હું આપણા દેશની જ વાત કરીશ. આપણાં ગામડાંઓમાં તો વીંછી-સાપનો ડંખ ઉતારનારા, ભૂત-પ્રેતને ભગાડનારા ભૂવા-ડાકલા અને હાથ અથવા કુંડલી જોઈ ભવિષ્ય કથન કરનારા પૂરતા જ મર્યાદિત છે. આવા લોકો પોતાનું ગુજરાન ચલાવવા અંધશ્રદ્ધા ફેલાવે છે. જો કે હવે ગામડામાં પણ ટી.વી.-રેડિયો આવી ગયા હોવાથી, અને નજીકના શહેરોમાં વૈદકીય સારવારની સગવડ હોવાથી આ ઓછું થવા લાગ્યું છે.

અંધશ્રદ્ધાનો મોટો પ્રશ્ન આજકાલ કસબાઓમાં અને શહેરોમાં છે. અહીં કહેવાતા બાબાઓ, બાપુઓ અને બાપજીઓ મોટા મોટા આશ્રમો સ્થાપી, વિશાળ મંડપોમાં સત્સંગ કરે છે. આવા સત્સંગ માં હજારો માણસો ભેગા થાય છે. વક્તૃત્વકળામાં નિષ્ણાત ગુરૂઓ, આડીઅવળી વાતો કરી, આવા લોકો પાસેથી લાખો નહીં બલ્કે કરોડો રૂપિયાનું દાન એકઠું કરે છે. M.B.A. વાળાની પણ અક્કલ કામ ન કરે, એ જાતનું એમનું આયોજન હોય છે. એમના પ્રચારકો, આર્થિક સલાહકારો, મોટા વકીલો અને રાજકીય આગેવાનોનું એવું જાળું ગુંથાયલું હોય છે કે એમાં ફસાયેલા કોઈપણ વ્યક્તિનું કંઈ પણ ચાલે નહીં. અહીં અંધશ્રદ્ધાળુ લોકોનું માત્ર આર્થિક જ નહીં પણ શારીરિક શોષણ પણ થાય છે.

છેલ્લા થોડા વર્ષોથી અંધ્ધશ્રદ્ધામાંથી લોકોને જાગૃત કરવા મંડળો સ્થપાયા છે, પણ હજી સુધી એમને મોટી સફળતા મળી નથી. હાલમાં કેટલીક ટી.વી. ચેનલોએ સ્ટીંગ ઓપરેશન કરી, બાબાઓ અને બાપુઓને ખુલ્લા પાડ્યા છે. આજે આવું કરવા, એમની પાસે ઍડ્વાન્સ ટેકનોલોજી, આર્થિક તાકાત અને કાયદાકીય મદદ છે. પણ આજથી પોણાબસો વર્ષ પહેલા આપણા એક સંત કવિ, ભોજા ભગતે ટેકનોલોજીની મદદ વગર બાવાઓને ખુલ્લા પાડ્યા હતા. ભોજા ભાગતના ચાબખા વાંચ્યા પછી એવું લાગે છે કે મોટાભાગના બાવાઓ, બાબાઓ અને બાપુઓ પોણાબસો વર્ષ પછી આજે પણ એવા જ છે.

જો કે આ પોણાબસો વર્ષ દરમ્યાન જ્ઞાનદેવ, તુકારામ, જલારામબાપા, શિર્ડીના સાંઈબાબા જેવા થોડા સાચા સંતો પણ થઈ ગયા. આ સંતોએ અંધશ્રદ્ધા ફેલાય એવું કશું એમના જીવનકાળ દરમ્યાન કર્યું ન હતું.

– પી. કે. દાવડા


Leave a Reply to pragnajuCancel reply

4 thoughts on “શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા

  • La Kant Thakkar

    खुद करते हो सो कीजिये …..बाकी दुनिया तो चलाती ही रहेगी अपनी मस्तीमें ….
    अन्यों के कहेने पर शायद ही कों ई कुछ करता है ,और करता भी है तो पस्ताता ही है आखिर !

  • Harnish Jani USA

    દાવડા સાહેબ, તમે ટૂંકમાં ઘણું કહી દીધું છે. આ બાબાઓને ખુલ્લા પાડીને શું કરવાના?? આપણે જાણીએ છીએ કે તે હરામી લોકો છે. પણ જે લોકો એમને માનતા હોય એમને સમજાવી જો જો. હજારો વરસથી ચાલે છે. હજારો વરસ રહેશે.. જ્યાં સુધી લોકો પાપ કરશે ત્યાંસુધી આ લોકોના ધંધા ચાલશે.

  • Vinod Patel

    અંધ શ્રધ્ધા એટલે ઊંધું ઘાલીને વિચાર કર્યા વગર રાખેલી શ્રધા. અંધ શ્રધ્ધાનો લાભ કહેવાતા બાપુઓ ,સ્વામીઓ, માતાઓ ઉઠાવીને મોટું સામ્રાજ્ય ઉભું કરે છે .છેવટે પાપ ઢાંક્યું રહેતું નથી ,ખરી વાત બહાર આવીને જ રહે છે.આપણામાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા નથી.

    શ્રદ્ધા વિશેનું મારું રચિત એક મુક્તક

    શ્રધ્ધા !

    કોઈ કાર્ય, કોઈ પ્રશ્ન ,એવો કઠિન નથી જીવનમાં,

    જેને હું ને મારો પ્રભુ ભેગા મળી, ઉકેલી ના શકીએ .

    પ્રભુ કૃપા સાથે મનમાં જો હોય પુરુષાર્થની ભાવના,

    મુશ્કેલ કામ પણ સરળ બની જાય ,એમાં નવાઈ ના.

  • pragnaju

    આ લેખ આપના ઉદારમતવાદી વિચારોનો આયનો છે. શ્રધ્ધા, અશ્રધ્ધા અને અંધશ્રધ્ધાના ભેદ અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં વિશદ છણાવટ કરી છે. આપના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર વિષયને રસમય બનાવી દે છે.
    આ રીતે શ્રધ્ધાનું દર્શન કરશો- મૂર્તિ શ્રધ્ધા છે (અંધશ્રધ્ધા નહીં કે અશ્રધ્ધા નહીં) પૂજારી શાંતિ અને સમાનતા છે. શિખર એ અખંડ શરણાગતિ છે તો ધ્વજા સુમતિ છે.શ્રધ્ધાની ઉપાસના કરનારમાં પણ શાંતિ હોવી જોઈએ. ઓછા સમયમાં પૂજા કરો પરંતુ શાંતિથી
    ભગવાન બુધ્ધની આ ચિંતનાત્મક સુત્રમા શ્રધ્ધા, અશ્રધ્ધા અને અંધશ્રધ્ધા વધુ સ્પષ્ટ સમજાય છે- તમારી નિષ્ઠા એક રાખવી. શુભનો સ્વીકાર કરો પરંતુ સ્થાન બનાવી રાખો. બધાની વાહ-મા મર્યાદા ન ચૂકો. પાપ કૃત્યથી ડરવું, પ્રારંભથી ખબર ન હોય અને પાપ થઈ જાય તો દિલને કોસવું નહીં. પાપમાં જેટલું સામર્થ્ય નથી તેટલું હરિનામમાં છે. હરિનામથી પાપવૃતિનો નાશ થાય છે.
    આ વાત અમને અગત્યની લાગે છે સંત, સદ્ગુરૂ માત્ર સતમાર્ગની યુક્તિ જ બતાડે છે પણ તે માર્ગે જાવું તો આપણે જાતે જ પડશે