શકુનીની રોજનીશી (ભાગ ૧૩) ઈન્દ્રપ્રસ્થમાં આ‌’રક્ષણ – જીજ્ઞેશ અધ્યારૂ 1


વત્સ દુર્યોધન ઘણાં વખતથી કાંઈક અસમંજસમાં દેખાય છે, એ પોતાના વિચારવિશ્વમાં જ કન્ફ્યૂઝ રહેતો થઈ ગયો છે. ટ્વિટર હસ્તિનાપુરે, હજારો ફોલોઅર્સ હોવા છતાં આ સેલિબ્રીટીનું ખાતું વેરીફાય કરવાની ના કરી એથી એનું મન ફ્રાય થઈ ગયું હશે એમ મને લાગે છે. વળી ગત કેટલાક દિવસોમાં બનાવટી નામ હેઠળના ટ્વિટર ટ્રોલ્સ પણ તેની પાછળ પડ્યા છે, તેની એકે એક એક્શન પર અધધધ નેગેટીવ રિએક્શન આવતા હોવાથી પણ દુર્યોધનના વ્યથિત હોવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને યુધિષ્ઠીર ભક્ત ટ્રોલ્સે #dimwitprince ટ્રેન્ડ કરાવ્યું હતું. આજકાલ તેની પોસ્ટ પર કમેન્ટ્સ ઘટતી જાય છે અને સામે યુધિષ્ઠીર ટ્વિટર પર ફક્ત ‘જય હસ્તિનાપુર’ લખી દે કે ઈન્સ્ટાગ્રામ પર હસ્તિનાપુરના ધ્વજનો ફોટો મૂકે તો તેના પર કલાકોમાં લાખો લાઈક્સ / હાર્ટ્સ ને કમેન્ટ્સ આવે છે. આ બધી વાતો મારા ઉપરાંત દુ:શાસન દ્વારા પણ અનુભવાઈ એટલે હું, કર્ણ અને દુ:શાસન તેના ઉકેલ શોધવામાં વિચારમગ્ન થયા છીએ.

તો બીજી તરફ ઈન્દ્રપ્રસ્થના રાજસૂય યજ્ઞના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેને ખોરંભે પાડવાના આગોતરા પ્લાન મુજબ વત્સ દુર્યોધન ઈન્દ્રપ્રસ્થના મૂળ રહેવાસીઓ એવા રેડખાંડવો જોડે સંપર્કમાં છે. એમના નેતા સાથે અમે ગઈ પૂનમે કર્ણના ફાર્મહાઊસ પર મીટીંગ કરી, તેમના મગજમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે જો પાંડવો અને તેમના પરમ હિતૈષી યાદવો ખાંડવપ્રસ્થમાં જમાવશે તો હસ્તિનાપુરથી પણ કેટલાય પ્રજાજનો ત્યાં સુવિધાઓથી ખેંચાઈને રહેવા જશે, વિદેશીઓનું આગમન થશે, તેમની વસ્તી વધશે અને રેડખાંડવોની વસ્તી ઘટતી જશે. પૈસો બહાર પગ કરશે અને સરવાળે મૂળ રહેવાસીઓને નુકસાન… આમ તો આ એક પોલિટીકલ ગિમિક જ હતું પણ તીર નિશાન પર લાગ્યું. મીટીંગના બીજા દિવસે ખાંડવપ્રસ્થમાં રેડખાંડવોની એક સભા બોલાવાઈ હતી જેમાં લગભગ પાંચેક હજાર રેડખાંડવો ભેગા થયા, એક નેતા પસંદ કર્યો અને જીજાજીને તેમની પ્રસ્તાવિત રેલીઓ બાબતની જાણ કરી, અમારી સૂચના મુજબ જીજાજીએ આ વાત યુધિષ્ઠીરને પહોંચાડવા કહ્યું, પણ એ પહેલા ભીમે જાહેર વિજ્ઞપ્તિ આપીને કોઈ પણ પ્રકારના અનામતની સ્પષ્ટ ના કહી દીધી.

રેડખાંડવોએ આથી દુઃખી થઈ ઈન્દ્રપ્રસ્થભરમાં અને આસપાસના તમામ જીલ્લાઓમાં ધરણાંનું આહ્વાન આપ્યું. યુધિષ્ઠીરે ‘વનકી બાત’ કાર્યક્રમમાં સંબોધન કરતા તમામ ખાંડવવાસીઓને જણાવ્યું કે આ-રક્ષણનો કોઈ અર્થ નથી, અને આ માંગણી રાષ્ટ્ર માટે નુકસાનકારક છે. એના આ ભાષણને ધ ટાઈમ્સ ઑફ ઈન્દ્રપ્રસ્થ દ્વારા ફેસબુક પર મૂકાયુ એ અહીં કોપી પેસ્ટ કર્યું છે…

‘મારા વહાલા રેડખાંડવ ભાઈઓ અને બહેનો, તમે અહીંના મૂળ રહેવાસીઓ છો, તમારી સાથે સાથે સદીઓથી અહીં આવીને વસેલા અન્ય સંસ્કૃતિના લોકોને અત્યાર સુધી તમે જાળવ્યા ને સાચવ્યા છે. અમારી સરકાર આવવાથી એફ.ડી.આઈ આવવાની શક્યતાઓ વધી છે અને એથી વિદેશીઓના કે અન્ય હસ્તિનાપુરવાસીઓના આગમને ગભરાઈને તમે જો ભણતરમાં, નોકરી અને તમામ રાજકીય લાભોમાં આરક્ષણ માંગો તો એ ખોટું છે.

રેડખાંડવો સદીઓથી આ વનોમાં રહેતા આવ્યા છે, કુદરતી સંપત્તિઓના અખૂટ ભંડાર તેમણે સદીઓથી ભોગવ્યો છે, વનના વૃક્ષો કાપી તેના લાકડાનો હોલસેલ વેપાર કરી, ખેતી કરી, પશુપાલન કરી અને દરેક ઘરના એક બે સભ્યોને વિદેશોમાં મોકલી ત્યાં સ્થાયી કર્યા છે, તમે સર્વસંપન્ન જીવન જીવી રહ્યાં છો અને એ સમાજવ્યવસ્થામાં અમે કોઈ ફેરફાર કરવા માંગતા નથી, તો જ્યાં તમે છથી આઠ અશ્વો વાળા વાહનો ચલાવતા હોય, વિશાળ મહાલયોમાં રહેતા હોવ, અનેક પશુઓ પાળતા હોવ અને તમારા સંતાનો વિદેશમાં ભણતા અને રહેતા હોય એ સ્થિતિમાં આરક્ષણ માંગવુ અત્યંત ક્ષોભજનક બાબત છે. તમે લોકો આર્થિક રીતે પછાત કામ માટે બહારથી અહીં આવીને વસેલા નગરજનો જેમની પાસે ચાલતા કે એક ગંદર્ભવાળા વાહન સાથે પરિવહનનો, ભાડાના મકાનમાં રહેવાનો અને રોજેરોજ કમાવા મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી એવા લોકો સામે તમારી પોતાની સુરક્ષા માટે આરક્ષણ માંગો એ શોભનીય નથી. સામે પક્ષે મારે એ પણ પૂછવું છે કે આ જ આરક્ષણ જો હું સેનામાં લાગુ કરું તો શું તમારામાંથી એટલા લોકો આગળ આવી રહેશે જે સેનામાં જઈને રાષ્ટ્રની રક્ષા કરી શકે? અત્યાર સુધીનો ઈતિહાસ તો એવું નથી કહેતો. સેનામાં જો કામ ન કરી શક્તા હોવ તો અત્યાર સુધી સમાજના ઉપલા વર્ગમાં રહી સગવડો ભોગવીને અને હવે એમાંય આરક્ષણ માંગીને તમે તમારી પેઢીને નીવીર્ય નથી બનાવી રહ્યા? આ તો એવું જ થઈ ગયું કે ભ્રાતા દુર્યોધન કૌરવોમાં સિંહાસન પર બેસવા માટે આરક્ષણ માંગે, એ શક્ય જ નથી. આરક્ષણ જન્મ કે જાતિના નાતે નહીં, પણ આર્થિક સ્થિતિ પર હોવું જોઈએ.

આજથી હું ખાંડવપ્રસ્થમાં જન્મના આધાર પર રહેલું કોઈ પણ આરક્ષણ રદ્દ કરું છું. સાથે સાથે સમગ્ર ઈન્દ્રપ્રસ્થ અને રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષણ સૌને માટે નિઃશુલ્ક જાહેર કરું છું. ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગના લોકોને તેમની એ પરિસ્થિતિના પુરાવા આપે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ નિઃશુલ્ક મળશે. એ સિવાયના કોઈ પણ આરક્ષણ મળવા પાત્ર રહેશે નહીં. મહેનત કરીને ખાવાને બદલે આવા ટૂંકા રસ્તા શરૂમાં તો તમને આકર્ષશે, પણ અંતે એ તમને મંઝિલથી દૂર જ લઈ જશે. તમારા વંશજોને તમે મહેનત વગરની સરળ આરક્ષણની જ ભેટ આપવા માંગો છો? ના, એક રાજનેતા હોવાને લીધે આવો અન્યાય મને મંજૂર નથી. મારા રાજ્યમાં આવી કોઈ પણ અવ્યવસ્થાને કોઈ સ્થાન નથી અને એવું કરનારને પૂરતી સજા મળે એ હું ધ્યાન રાખીશ. જો તમારે આંદોલન કરવું જ હોય તો સર્વેને માટે સમાનતાની ઈચ્છા કરો, જો તમારે આંદોલન કરવું જ હોય તો સમાજના આર્થિક રીતે પછાત વર્ગના એક એક બાળકને શિક્ષણ મળી રહે એ માટે કરો, બાળ મજૂરી દૂર કરવા તૈયાર થાઓ, કન્યાઓની જીવનશૈલી સુધારવા કરો, સમાજમાં વર્ણના ભેદભાવ દૂર કરવા હામ ભીડો, રાષ્ટ્રધર્મને અન્ય બધા જ મતલબોથી આગળ મૂકો. આશા છે કે આપણે સૌ સાથે મળી મહેનત અને લગનથી કોઈ ભેદભાવ વગર અને સમાન તક સાથેના નવા ઈન્દ્રપ્રસ્થને એક વિકસીત રાષ્ટ્ર બનાવવામાં હાથ ભેગા કરીશું. જય ઈન્દ્રપ્રસ્થ’

આ ભાષણ પછી તરત રેડખાંડવોના નેતાનો દૂત દુર્યોધનને મળવા આવ્યો અને આગળ શું કરવું જોઈએ એ બાબતે સલાહ માંગી. અમે જણાવ્યું કે આંદોલન અવશ્ય કરવું જ જોઈએ કારણ અન્યોની સરખામણીએ તેઓ પાછળ ન રહી જવા જોઈએ. અમારા જ્યોતિષીએ તેને જણાવ્યું કે ભવિષ્યમાં સચિત તેંડુલકર નામનો રમતવીર ગેંડીદડાની બેટીંગમાં, સાનિયા મિર્ઝા નામની કન્યા હરીયાળી દડાફગાવ રમતમાં, ઉસેન બોલ્ટ નામનો ધાવક ઓલમ્પિકમાં, બમિતાભ અચ્ચન ચલચિત્રમાં અભિનય માટે, છોકરાંવ શેરીમાં રમવા માટે અને ગાય ભેંસો રસ્તા પર બેસવા માટે આરક્ષણ માંગશે તેથી રેડઈન્ડીયનોનું આરક્ષણ માંગવું સર્વથા ઉચિત છે.

જો કે આની આડ અસર રૂપે હસ્તિનાપુરમાં પણ સરકારી કર્મચારીઓએ રાજમહેલમાં આરક્ષણ માંગવાની તૈયારીઓ કરી લીધી છે, અમુક કૌરવો પણ સિંહાસન માટે આરક્ષણ માંગે એવી ગુસપુસ થઈ રહી છે.. આ બધા વચ્ચે હું ગાંધાર વિશે સાવ નિશ્ચિંત છું, કારણ ત્યાં ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ છે અને મૂળમાં સલામત રહેવા રક્ષણ માંગવુ પડે એવી પરિસ્થિતિમાં આરક્ષણ માંગવાની કોઈની હિંમત નહીં હોય..

ચાલો આજે રેડખાંડવોની એક રેલીમાં જવાનું છે. ત્યાંની અને અન્ય ઘટનાઓ વિશે ફરીવાર….


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “શકુનીની રોજનીશી (ભાગ ૧૩) ઈન્દ્રપ્રસ્થમાં આ‌’રક્ષણ – જીજ્ઞેશ અધ્યારૂ