હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 1 comment


રમેશભાઈ ચાંપાનેરીના અનેક હાસ્યલેખો અક્ષરનાદ પર આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીના તેમના અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આ ૨૧ લેખો અહીં ક્લિક કરીને માણી શક્શો. આ સિવાયના તેમના હાસ્યલેખોનું એક સંકલન પુસ્તક ‘હાસ્ય વહાલનો દરિયો..’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ પુસ્તક માટે લેખો સાથે તેને પ્રસ્તુત કરવાની, વહેંચવાની વગેરે બધી જ જવાબદારી વિશ્વાસ સાથે તેમણે અમને આપી હતી. પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે અમને આશા છે કે એ જવાબદારીને અમે સફળતાપૂર્વક નિભાવી શક્યા છીએ.

પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રમણલાલ પાઠક (વાચસ્પતિ) લખે છે તેમ, નવ રસોમાં શાસ્ત્રકારોએ ભલે શ્રુંગારને રસરાજ કહ્યો અને હાસ્યને છેલ્લો ક્રમ આપ્યો, પરંતુ રસસિદ્ધિમાં કદાચ સૌથી વધુ દુષ્કર હાસ્યરસની સિદ્ધિ છે. મોટો ભય તો એ રહે છે કે, જો સાચો અને સચોટ હાસ્યરસ સિદ્ધ ન થયો તો ભાવકને હસાવવાનો પ્રયત્ન કરનાર, જે સર્જક હોય યા અભિનેતા, સ્વયં હાસ્યાસ્પદ બની જાય છે. કાવ્ય મીમાંસકોએ ઔચિત્યને કાવ્યનું જીવિત કહ્યું છે, પરંતુ આ શરત સૌથી વધુ તો હાસ્યને જ લાગુ પડે છે. કારણ હાસ્યનો માર્ગ જોખમી છે. જો જરાક જ પથ ભૂલ્યો તો હાસ્યરસ હાસ્ય ન રહેતાં, કશુંક અણગમતું, અભદ્ર, અરુચિકર યા જુગુપ્સાકારક બની રહે છે. માટે જ સૂક્ષ્મ અને સ્થૂળ એવાં બે ભેદ હાસ્યના માન્ય થયા છે. કદાચ સ્થૂળથીય નીચે ઉતરી, રસ અપરસમાં પરિવર્તિત થઈ જાય છે. જેમાં કવિના કથન મુજબ ‘કપાતર’ ને જ પછી આનંદ આવે. શ્રી રમેશ ચાંપાનેરી પરિહાસની અપેક્ષાએ ઉપહાસમાં બહેતર ખીલે છે. એમ કહેવું વધુ સાચું રહેશે; કારણ કે, માનવીની તથા માનવ સમૂહની નિર્બળતાઓ તેઓ પામી શક્યા છે. એના પર તેઓ હળવા ચાબખાં વીંઝે છે, પરંતુ એ ચાબખા સ્થળે-સ્થળે તેજાબમાં બોળેલા છે; તો સાથે સાથે જ સૂક્ષ્મ, હાર્દિક આત્મીય ભાવથી સુધરવાની દિશા પણ ચીંધી જાય છે.

રમેશભાઈના હાસ્યલેખોનો સંગ્રહ એવું આ ઈ-પુસ્તક ‘હાસ્ય વહાલનો દરિયો..’ ઈ પુસ્તક ડાઊનલોડ વિભાગમાં જઈને આપ એક ક્લિકે નિઃશુલ્ક ડાઊનલોડ કરી શક્શો.

આ ઉપરાંત આપે અક્ષરનાદના વોલપેપર ડાઊનલોડ વિભાગને પણ નોંધ્યો હશે એવી આશા છે.


One thought on “હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ)

  • જયેન્દ્ર પંડ્યા

    ભાઈ શ્રી અધ્યારુ સાહેબ,
    આપે ચાંપાનેરી સાહેબની હાસ્ય રચનાઓ નું સંકલન pdf રૂપે કરી ખુબજ સરસ કામ કર્યું છે. તે માટે આપ બંને નો અભાર માનીએ તેટલો ઓછો છે. મુસાફરી કરતા કરતા વાંચવામાં સરળતા પડે અને હસતા હસતા સમય અને રસ્તો પણ કપાઈ જાય. વાહ ભઈ વાહ ! અતિ સુંદર કામ કર્યું …..

Comments are closed.