શકુનીની રોજનીશી (ભાગ ૧૨) યોગા સે હી હોગા – જીજ્ઞેશ અધ્યારૂ 5


દ્રુપદ નરેશના આમંત્રણે જઈ, દ્રૌપદીનો સ્વયંવર હારીને આવેલા ભાણેજો ખૂબ હતાશ અને ઉદાસ હતા. અર્જુન એ સ્વયંવર જીત્યો એ સમાચારથી કર્ણની ભ્રકુટી મધ્યમાં એકત્રિત થઈ ગયેલી. અર્જુન અને તેના ચાર ભાઈઓએ દ્રુપદપુત્રી સાથે લગ્ન કર્યા એ સમાચાર સાંભળીને આશ્ચર્યમાં પડેલા દુર્યોધને મને પૂછ્યું પણ હતું કે કાયદાકીય રીતે હસ્તિનાપુર પર્સનલ લો બોર્ડ આવા લગ્નને મંજૂરી આપે છે? અમે અમારા લૉયર બલરામ વેઠમૂકાણીનો સંપર્ક કરી તેમને આ પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું કે લગ્ન હસ્તિનાપુરની બહાર થયા હોવાથી તેને આ કાયદા અંતર્ગત આવરી શકાય તેમ નથી.

પાંડવો કુતી અને દ્રૌપદી સાથે ફરીથી હસ્તિનાપુર આવવાના છે એ સમાચારે ભગિની ગાંધારી ‘તેમને શું મોઢુ બતાવશે’ એ વાતે અસહજ હતી. લાક્ષાગૃહ પછી પ્રથમ વખત હસ્તિનાપુર આવી રહેલ આ ટોળકીને લઈને વત્સ દુર્યોધન, જીજાશ્રી અને અન્ય ૯૯ ભાણેજો અતિશય ડિસ્ટર્બ થઈ ગયા, કર્ણે કહ્યું કે હસ્તિનાપુરના દરવાજા પહેલા જ તેમને રોકવા એ બાણવર્ષા કરી બધાંયને વીંધી નાખશે પણ દ્રૌપદી સ્વયંવરની યાદ આપી એટલે શૂન્યમનસ્ક થઈ ગયો. તો પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને વિદુર ખૂબ ખુશ દેખાતા હતા. પાંડવ આગમનને હજી એક અઠવાડીયાની વાર હતી પણ પાંડવોના ફોટા સાથે વેલકમ કુલવધુના હોર્ડિંગ્સ લાગવા માંડ્યા, રસ્તામાં પડેલા ભૂવાઓને પેચ કરીને લેવલ કરાયા, રસ્તાની બંને તરફ પેસ્ટીસાઈડ્સ છંટાઈ અને કચરો સાફ કરાવાયો. અતિઉત્સાહમાં પિતામહ ભીષ્મે જીજાશ્રીને લોકોના મનની નિર્મળતા અને તનની સ્વસ્થતા માટે યોગા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ આપ્યો. લાક્ષાગૃહની નિષ્ફળતાથી શરમમાં ડૂબેલા જીજાશ્રીએ કોઈ પણ બહાને પાંડવોની સામે આંખ ઉંચી કરવા મળે એ માટે તરત જ હકાર ભણી દીધો અને આમ પાંડવોના હસ્તિનાપુરમાં આગમનનો દિવસ યોગ દિવસ તરીકે ઉજવાશે એમ નક્કી થયું. રાજગુરુ આ બાબત માટે યોગ્ય ટેલગાઈન આપી ન શક્યા પણ રાજનટી કામુક્તા બર્માએ ટેગલાઈન સૂચવી, ‘યોગા સે હી હોગા’ જે પિતાજી દ્વારા સ્વીકૃત કરાઈ. દ્રુપદ નરેશ, શલ્ય નરેશ અને મદ્ર નરેશે પણ પોતપોતાના રાજ્યોમાં યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ચારે તરફ યોગા યોગા થઈ રહ્યું, આમ યોગના સ્પેલીંગમાં (પ્રધાનમંડળમાં સાઈલન્ટ રહેલા એસ.એમ.એસની જેમ) સાઈલન્ટ રહેલા ‘એ’ ને પણ અવાજ મળ્યો. ત્યાં યવનોએ યોગા યવન વિરોધી છે એમ કહીને યોગા દિવસની સામે પ્રદર્શનો અને નારેબાજી શરૂ કરી દીધા. પ્રદર્શન કરી રહેલા કેટલાક યવનોને ચટ્ટાઈનો અને યોગા દરમ્યાન પહેરવાના વસ્ત્રોનો કોન્ટ્રાક્ટ આપવાની તૈયારી દેખાડી એટલે એ પ્રદર્શન પડી ભાંગ્યુ.

કુરુક્ષેત્રની મહાન ભૂમી પર યોગ દિવસના તડામાર આયોજનો શરૂ થયા એ જોઈ દુર્યોધન ક્રોધિત હતો એમાં મેં તેને રામ નામ સાથે પ્રાણાયામ અને ભાંતિ ભાંતિના કપાલભાતિ કરવાની સલાહ આપી. પણ એથી તો એ વધુ ચીડાઈ ગયો. દરમ્યાનમાં યોગદિવસનો સર્ક્યુલર મળ્યો, એ સાથે જ ટ્વિટર અને ફેસબુક પર લોકોએ યોગ પદ્ધતિ અને આસનોને લાઈક્સ, શેર અને રીટ્વિટ કરવાનું શરૂ પણ કરી દીધું. એ પછી રાજમહેલમાં યોગ દિવસ જ છવાયેલો રહ્યો. #યોગાઈનહસ્તિનાપુર ટ્રેન્ડ કરાવાયું.

સર્ક્યુલર મુજબ સ્પર્ધા રૂપે રાજકુળના બધાએ પોતપોતાનું એક સિગ્નેચર આસન કરી પ્રજાને બતાવવાનું હતું, જેથી પ્રજાનો ઉત્સાહ વધ્યો. યોગ દિવસના કો-ઓર્ડીનેટર કમ ગાઈડ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય અનુક્રમે બકાસન અને ગોમુખાસન, પિતામહ ભીષ્મ ઉર્ધ્વ હસ્તાસન, જીજાશ્રીએ સુખાસન, વિદુરે ગરુડાસન, કર્ણે સૂર્યનમસ્કાર, દુઃશાસને પવનમુક્તાસન (કદાચ સતત અપચાને કારણે), દુર્યોધને મળાસન અને મારે શીર્ષાસન કરીને પ્રજાજનો સમક્ષ દર્શાવવાનું હતું. યુધિષ્ઠિરે અનંતાસન, અર્જુને મસ્ત્યાસન, ભીમે હનુમાનાસન, નકુલે સર્વાંગાસન, સહદેવે અધોમુખ વૃક્ષાસન અને દ્રૌપદીએ વૃશ્ચિકાસન કરવાનું હતું. રાજનટી કામુક્તા બર્મા અને ચિપીકા અષ્ટકોણ ધનુરાસન, બદ્ધકોણાસન, ભુજંગાસન, ગોમુખાસન, બકાસન વગેરે કરતી હોય એવો વિડીયો યૂટ્યૂબ અને વોટ્સએપ પર ફરતો કરાયો. નેશનલ ટીવી પર દુર્યોધને પણ પોતાનો પ્રોમો બનાવડાવ્યો જેમાં એ રેબનના ગોગલ્સ કાઢતા કહે છે, ‘યોગા સે ક્યા હોગા?’ એના જવાબમાં જીજાશ્રીનો પ્રોમો પણ ફરતો થયો જેમાં એ સવાસનમાં બોલતા હતા, ‘યોગા સે હી હોગા’ વિદુરજીએ પદ્માસનમાં બેસીને, ‘સુખ શાંતિ ઓર તંદુરસ્તી.. સબ વહાં હોગા, જહાં હોગા યોગા.’ વાળી પોતાની એડ ચલાવડાવી.

કાર્યક્રમ શરૂ થયો એ પહેલા એક તરફ આખો કુરુ પરિવાર પાંડવોના સ્વાગત માટે ભેગો થયો અનેે સામે આખો પાંડુ પરિવાર તથા તેમના સમર્થકો ભેગા થઈને આવી રહ્યા હતાં. દરમ્યાનમાં અર્જુને બંને ટીમની વચ્ચે આવી શ્રી કૃષ્ણને પૂછ્યું કે ‘હે દેવકીનંદન, આ મહાન મરુભૂમી પર બંને તરફ એકત્રીત થયેલા આ મહાનુભાવોને જોઈને મારા ગાત્રો થીજી જાય છે, હું યોગાસનો તો રોજ કરું છું પણ આજે આ સ્પર્ધા કેમ? કોની સામે સ્પર્ધા? આ બધાં મારા પોતાના જ છે!’ કૃષ્ણએ તેને બ્રીફમાં સમજાવતા કહ્યું, ‘વત્સ, તું કયું આસન શીખીને આવેલો અને કયું આસન શીખવવાનો, આજે જે આસન તું કરીશ એ તને જોઈને કાલે બીજા કરશે, પરમ દિવસે ત્રીજા.. એનો મોહ કેવો? આસન અમર છે, તંદુરસ્તિ નાશવંત છે, તેથી તું બધી જ વાતોને ભૂલીને ફક્ત યોગમાં ધ્યાન કેન્દ્રિત કર. આસનોમાં હું પદ્માસન છું. યુ નો.. યુનોએ પણ ભવિષ્યમાં યોગા દિવસને મંજૂરી આપવી પડશે.’

પણ કુરુક્ષેત્રના મેદાનમાં જેવો કાર્યક્રમ શરૂ થવાનો સમય થયો કે વરસાદ પડવા લાગ્યો, ડકવર્થ લૂઈસના નિયમ મુજબ આખરે બંને પક્ષોને એક એક પોઈન્ટ આપીને આયોજન પડતું મૂકાયું, ફક્ત છત્રીઓની છત્રછાયામાં પાંડવોના ભાલ પર તિલક કરીને તેમનું સ્વાગત કરી લેવામાં આવ્યું. ખેર પણ આના લીધે મારી શીર્ષાસનની સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ અને વત્સ દુઃશાસનને પણ પવનમુક્તાસનનો ખૂબ ફાયદો થયો. જીજાજી સુખાસનમાં સવાસન કરતા થયા અને કર્ણને તો સૂર્યનમસ્કારની ખાસ્સી પ્રેક્ટિસ હતી જ, આમ આ યોગ દિવસની ફક્ત પ્રેક્ટિસને લીધે મજા આવી તો ખરેખર યોગ દિવસમાં કેવી મજા આવત! હવે ગાંધારમાં પણ આવા યોગ દિવસનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યો છું. પણ ટેગલાઈન શું રાખવી?


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૨) યોગા સે હી હોગા – જીજ્ઞેશ અધ્યારૂ

 • Kalidas V. Patel { Vagosana }

  જીજ્ઞેશભાઈ,
  સરસ હાસ્યલેખ આપ્યો. મજાની કલ્પનાઓ. મજા આવી ગઈ. આભાર.
  … પરંતુ , ટાઈપની અને જોડણીની આટલી બધી ભૂલો ? … ટાઈપ કર્યા પછી શાંતિથી એક વાર વાંચી જવાથી મોટાભાગની ભૂલો નિવારી શકાય એમ છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Umakant V.Mehta.(New jersey)

  પૌરાણીક મહાભારતની ‘ સીક્વલ’ ઘણી જ સુંદર રજુઆત.બૉલીવુડમાં શરૂઆતમાં કલાકારોના નામની જાહેરાત થાય છે તેમ આપણા મહાનુભાવોનો પાત્ર પરિચય આપ્યો હોત તો મઝા આવત.
  ઉમાકાન્ત વિ.મહેતા.( ન્યુ જર્સી)