એક સાંજ – પોળોના જંગલને નામ.. – મેહુલ સુતરીયા 12


Polo Jungleસાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે આવેલું પોળોનું જંગલ. તેના શ્રેષ્ઠ સ્મારકો તેનાં ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે. એકવાર ચોક્કસથી માણવા જેવી આ જગ્યા છે. પ્રકૃતિપ્રેમી અને ઇતિહાસના રસિકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે.

આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા હમણાં જ થોડા સમય પહેલાં પોળો-મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેના પ્રચાર અને પ્રસાર થકી આ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો હવે વધવા લાગ્યો છે. પણ હજુ કંઈક ખૂટે છે, સુવિધાઓને જો વધારવામાં આવે તો ચોક્કસથી આ જગ્યા તેના ઈતિહાસને બુલંદ રીતે રજૂ કરી શકે તેમ છે.

અમદાવાદથી વાયા હિંમતનગર – ઇડર થઈને આ જગ્યાએ જઇ શકાય છે. અમદાવાદથી આશરે ૧૬૦ કિલોમીટર અને હિમંતનગરથી આશરે ૮૦ કિલોમીટર દૂર છે આ ઐતિહાસિક સ્થળ, જે રાહ જુએ છે આપના આગમનની. જાણે પોતાના ઈતિહાસને આપની સાથે વાગોળવા ઈચ્છે છે. હિંમતનગરથી ઇડર આશરે ૨૬ કિલોમીટર દૂર છે. આપ જયારે ઇડરથી ૩ કિ.મી. દૂર હોવ ત્યારથી જ આપને ઈડરિયો ગઢ દેખાવા લાગે છે, જાણે તેની વિશાળ ભૂજાઓ ફેલાવીને આપના આગમનને વધાવે છે. ઈડરિયા ગઢને જોઇને ચોક્કસથી આપ ઝૂમી ઉઠશો. કેટલાક સ્થાન પર પથ્થરો સામાન્ય આધાર પર એવી રીતે ટેકવીને ઉભા છે કે તેના ટકી રહેવા પર મનમાં કેટલાય પ્રશ્નો ઉદભવે. ખેર, ઈડરિયા ગઢના ઈતિહાસને ફરી ક્યારેક ઢંઢોળવાનો પ્રયાસ કરીશું. આગળ વધીએ આપણા પોળોના જંગલના પ્રવાસ તરફ. ઇડરથી ખેડબ્રહ્મા જતાં આશરે ૧૩ કિ.મી. આગળ જ વિજયનગર ત્રણ રસ્તા આવે છે જ્યાંથી જમણી બાજુનો રસ્તો આપણને લઇ જાય છે સીધા પોળોના જંગલ તરફ. રસ્તાઓનાં વળાંકો, ગીચ વનરાજી, ઊંચા ઝાડ ચોક્કસથી આપનાં ઉત્સાહને બમણો બનાવી દેશે. પોળોની સુંદરતાને કદાચ શબ્દોના બંધનમાં ન બાંધી શકાય.

પોળોનો ઈતિહાસ હજુ તેની ગર્તમાં દબાયેલો છે અને પ્રવાસન ઉદ્યોગના શુભ પ્રયત્નો થકી તેનો ઈતિહાસ ફરીથી જીવંત થશે તેવો વિશ્વાસ છે. પોળોને ‘આભાપુર’ નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાંના લખાણોમાં આપણે ‘આભાપુર’ શબ્દને અંકિત થયેલો જોઈ શકીએ છીએ. પોળોમાં ત્રણ જૈન મંદિરો આવેલા છે જે ખંડિત થયેલાં છે. પરંતુ આ ઐતિહાસિક સ્મારકો જોતાં જ તેનો ભૂતકાળ કેટલો ભવ્ય હશે તેનો ખ્યાલ આવી જાય. પોળોમાં આવેલાં સ્મારકો જાણે આપણને કશુંક કહેવા માંગે છે. અને આ સાદને સાંભળવા ચોક્કસથી થોડો સમય આપણા ઈતિહાસ સાથે વિતાવવો જ પડશે. સપ્ટેમ્બર થી ડીસેમ્બર સુધીનો સમયગાળો અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય કહી શકાય. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન પણ આપ અહીયાની વન્યસૃષ્ટિને માણી શકો છો. રાત્રી રોકાણ માટે અત્યારે વન ખાતાં દ્વારા ‘ટેન્ટ સીટી’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આપને પ્રકૃતિ સાથે પ્રેમ હોય અને એક સાહસિક અનુભવ મેળવવા ઇચ્છતાં હોવ તો થોડીક અગવડતાં સાથે ચોક્કસથી આપ રાત વિતાવી શકો છો. પરંતુ હજુ પણ અમુક સુવિધાઓનો અભાવ હોવાથી નાનાં બાળકો સાથે જો આપ પ્રવાસ કરી રહ્યાં હોવ તો એક દિવસનો પ્રવાસ વધુ સાનુકૂળ રહેશે.

polo jungle પૂર્ણ કુદરતી વાતાવરણમાં ચારે બાજુ જંગલો અને વચ્ચે વહેતી નદી પોળોના જંગલની શોભામાં વધારો કરે છે. પોળોમાં આવેલી નદીનું નામ ‘હરણાવ’ છે અને અત્યારે ઉનાળામાં પણ પાણી જોવા મળે છે. પરંતુ નદીમાં ઊંડો ધરો હોવાથી અને ત્યાં ડૂબી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવાથી વનવિભાગ દ્વારા ભયસૂચક સૂચના પણ મૂકવામાં આવી છે અને નદીમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.અત્યારે નદીનું પાણી એકદમ પારદર્શિત હોવાથી આપ નજીકમાં પગ પખાળી શકો છો. હા ! એટલી છૂટ જરૂરથી આપણે લઇ શકીએ.

પોળોથી આશરે ત્રણેક કિલોમીટર દૂર આવેલો છે ‘હરણાવ’ ડેમ. પોળોમાં વહેતી ‘હરણાવ’ નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે અને કદાચ તેથી જ આપણને ઉનાળામાં પણ પાણી જોવા મળે છે. એકદમ નૈસર્ગિક વાતાવરણમા આવેલાં આ બંધને જોવા અનેક પ્રવાસીઓ આવે છે.

પોળોના જંગલની સાથે સાથે બીજાં બે સ્થાનો એવા છે જેને જોઇને આપનું મન આનંદથી ઝૂમી ઉઠશે. પ્રથમ સ્થાન છે વિરેશ્વર મહાદેવ અને બીજું સ્થાન છે શરણેશ્વર મહાદેવ.
ચારે બાજુ ગીચ વનરાજીથી છવાયેલું છે વિરેશ્વર મહાદેવનું મંદિર. ઈ.સ. ૧૫મી સદીમાં નિર્માણ પામેલાં આ મંદિરની બાજુમાં થઈને જતો પગ રસ્તો આપણને લઇ જાય છે ઉંબરાના એક ઝાડ પાસે. જેના થડમાંથી જ સ્વયંભૂ રીતે પાણીની ધારા ફૂટે છે જેને ‘ગુપ્તગંગા’ તરીકે ઓળખવામાં આવે છે અને તે ધારા જાય છે સીધી મંદિર સુધી. આ પાણીનો ઉપયોગ મંદિરમાં પૂજા – અર્ચના માટે કરવામાં આવે છે.આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં ૧૫૦ વર્ષથી સતત ચાલુ રહેતો ધૂણો કે જેની સોમવારે ઉપાસના કરવાથી શિવજી ઇચ્છિત ફળ આપે છે તેવું ત્યાં નિદર્શિત કરેલ છે.

બીજું સ્થાન છે શરણેશ્વર મહાદેવ. મુખ્ય રસ્તાની બિલકુલ જમણી બાજુએ ઉભું રહીને જાણે આવકારે છે આપના આગમનને. મંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશતા જ અંદરના સ્મારકોના બાંધકામ અને તેના નકશીકામને જોઇને ચોક્કસથી આપણને આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે ગર્વ અનુભવાય. ૧૫મી સદીના આ મંદિરની સાથે પ્રાચીન ગૌણ મંદિરોના અવશેષો પણ છે. આ તમામ સ્મારકો પુરાતત્વ વિભાગના નિરીક્ષણ હેઠળ છે અને તેને રક્ષિત કરવામાં આવ્યાં છે. શરણેશ્વર મહાદેવનાં મંદિરના સ્મારકો પણ ખંડિત છે પરંતુ સરકારશ્રીના શુભ પ્રયત્નો થકી કદાચ આવનારા દિવસોમાં તે પુનઃ સ્થાપિત થઇ શકશે. વિશાળ પ્રાંગણમાં પથરાયેલ વિશાળ સ્મારકો જાણે તેનાં ઈતિહાસને પુનઃ જાગૃત કરવા મથે છે.

રસ્તાઓની બંને બાજુ આવેલાં ઉંચા અને ગીચ વૃક્ષો, ઉંચા પહાડો, પુલો,રસ્તાના વળાંકો ચોક્કસથી આપના થાકને દૂર કરી આપનામાં નવી ચેતનાનો સંચાર કરશે.

તો રાહ શાની જુઓ છો ! આઓ,પોળોના જંગલો રાહ જુએ છે, આપના આગમનની…

– મેહુલ એલ.સુતરીયા, મો. ૮૧૪૦૨૪૧૨૩૪


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “એક સાંજ – પોળોના જંગલને નામ.. – મેહુલ સુતરીયા

  • Raju Padaria

    સરસ લેખ. તમારેી સાથે ૨૦ મિનિટ વાત કરવાનેી ખુ મઝા આવેી.

    રાજુ સેી પાદરેીઆ,વડોદરા મોબાઈલ ઃ ૯૮૭૯૩૧૨૯૮૭

  • Hitesh Solanki

    VERY NICE STORY ABOUT “PODO NA JAUNGAL”. I READ AND I GOT GREAT INFORMATION. REALLY THIS IS VERY NICE ARTICLE. EVERYONE ONCE READ IT.

  • ભરતકુમાર એસ. અસારી- વિજયનગર

    ખૂબ જ સરસ, મેહુલભાઇ, તમે એક પ્રકૃતિમાં ઘરકાવ થઇ ગયેલા, પડદા પાછળના ઇતિહાસને દુનિયા આગળ રજુ કરવાનું અદભૂત સાહસ કર્યું છે. જ્યાં સાત થી દસ વર્ષ પહેલાં ચકલાં ફરકતાં નહોતા એવા સુમ સામ રસ્તાઓ પર હવે પાર્કિંગની અગવડ પડે છે. વધુમાં, દિલીપભાઇને જણાવવાનું કે હવે પ્રવાસીઓની અવર-જવરને કારણે સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી બીક/ચિંતા જેવો કોઇ વિષય નથી. તો જરૂરથી આગામી શ્રાવણ માસના પાછલાં પખવાડીયામાં આમારા વિજયનગરની પોળો નગરીમાં વરસાદી નઝારા સહિત પ્રકૃતિ દર્શન માટે પધારશો. – ૯૪૨૭૫૨૯૮૫૨

  • ઘનશ્યામ સરવૈયા

    સારી માહિતી આપેલ છે મેહુલભાઈ તમે. થોડોક વરસાદ થઈ જાય પછી ત્યાં જવાની ઇચ્છા છે.

  • Dilip J Chauhan

    આ જગ્યાએ ગયા હતા ૭\૮ વર્ષ પહેલા. ગાડીનો કાચ તોડી થોડી નાની નાની વસ્તુઓ કોઈ લઇ ગયું હતું. પણ જગ્યા મજાની છે. એકલા જવામાં બીક લાગે.

    • Mehul Sutariya

      આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપના અભિપ્રાય લેખનના બળને વેગ આપે છે. વધુમાં દિલીપભાઈને જણાવવાનું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપ નિશ્ર્ચિત થઈને જાઓ. વરસાદની ઋતુમાં તો પોળોની સુંદરતા જ કંઈક અલગ હશે.

  • yogesh mistry

    અરે વાહ મજા આવિ ગઇ આમ તો મારિ સાસરિ પ્રાન્તિજ માતે મારે તો અચુક જવુજ હવે.

  • પ્રવીણ શાહ

    બહુ જ સરસ જગા છે. અમે આ બધાં સ્થળ ફરીને જોયાં છે. આપણા ગુજરાતમાં જ આવી સરસ જગા આવેલી છે, તેનો ગર્વ થાય છે.આપણો ઈતિહાસ કેવો ભવ્ય હતો, તેની પ્રતીતિ થાય છે. મેહુલભાઈએ બહુ જ સરસ રજૂઆત કરી છે.

    પ્રવીણ શાહ