રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય 2


ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.

હિંદુમાનસમાં અને વ્યવહારમાં વણાઈ ગયેલા દેવતાઈ આકારો અને રંગોના સર્જક રાજા રવિ વર્માની (મરાઠી લેખક રણજિત દેસાઈ કૃત) કાલ્પનિક જીવની પર આધારિત કેતન મહેતા દિગ્દર્શિત સુંદર અને કલાત્મકતાથી ભરપૂર રંગરસિયા હિન્દી સિનેમાજગતમાં અને વર્ષ ૨૦૧૪ની અનોખી ફિલ્મોમાં એક આગવું સ્થાન પામે એવી ફિલ્મ છે.

સૌ પ્રથમ તો અભિનય વિષે વાત કરીએ. સુગંધા અને રવિ આપણાં સ્મરણનો વિષય બનાવી દેનારા અનુક્રમે નંદનાસેન અને રણદીપ હુડા સરસ કળા પ્રદર્શિત કરી શક્યા. રાજાના ચિત્રોની નારીનું નાક નંદનાને મળતું જ આવે છે ત્યારે પરંપરાથી પર થઈ ને વિદ્રોહી ભૂમિકા કરવાની પ્રકૃતિ ઘરાવતી નંદના (પદ્મશ્રી કવિયત્રી અને નોબેલવિભૂષિત અર્થશાસ્ત્રીની પુત્રી)ની આ પાત્ર માટે યોગ્ય વરણી થઈ છે, એ સમજાય છે. કેરળના ઓગણીસમી સદીના લુંગીધારી અને લાંબા વાળવાળા યુવાનનું સૌંદર્યનું રાજાને મળ્યું હોય કે નહી, રાજાની અંદર એવો જ કલાકારાશેતો હોય એ અનુભવાય.

જે વિવાદ થયો હતો એ પ્રમાણે રવિ રાજા પ્લેબોયની ઈમેજ ના ધરાવતા હોય તો પણ કોઈનું સંત જેવા ના હોવું એ અભિશાપ નથી. કામુકતા કોઈ આધ્યાત્મિક રૂપાંતરણ માટે છે એવી ભ્રાંતિથી મુક્ત થવું જરૂરી એ ત્યારે કથામાં કામ અને કલાનું સમાયોજન થાય છે ત્યારે સૌંદર્યનો જે સાક્ષાત્કાર સંભવિત બને છે એને જ મનુષ્યતાનું ચરમોત્કૃષ્ટ બિંદુ હોવાનું વર્ણવાયું છે.કલાકાર માટે જાતિ, નીતિ, કુલ, ગોત્ર જેવા ભેદો તિરોધાનના અને દેહ તથા આકારોનું વૈવિધ્ય આનંદના વિષય સિદ્ધ થાય છે.

ફિટ્સ અને ફ્રેનીના પાત્રોને જીવતાં કરનારા જીમ અને ફેરીના, તોમ ઓલ્ટર અને વિક્રમ ગોખલેનો દમદાર દેખાવ, પરેશ રાવલ અને દર્શન જરીવાલાના પાત્રોનું એમાં વણાઈ જવું, સેવક અને બંધું તરીકે અનુક્રમે વિપિન અને ગૌરવ, આશિષ વિદ્યાર્થી અને સચિન ખેડેકર જેવા ક્રમાત રાજા અને દિવાન તથા સુહાસિની મુલેનો અભિનય પણ ફિલ્મના જમા પાસાં જ છે.

અભિનય સાથે રંગ અને રોશની, પ્રકૃતિદર્શન અને કૃત્રિમ સજાવટ, બધું જ સૌંદર્યલક્ષી અભિગમ અને એસ્થેટીક સેન્સથી પ્રચૂર, સિનેમેટોગ્રાફી અને સંગીતસહિત ફિલ્મનું બધું જ અનુપમ અને મનોહારી. દેવતાઓને જે રીતે કલાસાધના દ્રારા રાજા જગાડે છે એમ કેતન મહેતા આ ફિલ્મમાં આપણી સમક્ષ રવિવર્માને અંદરથી ઉઘાડે છે.

ધર્મ રક્ષાનો ઠેકો લેનાર ઈચ્છે છે કે ચિતારો એના સંગઠનમાં જોડાઈને સુખી થાય પન એ તો સ્વતંત્રતાને જીવનનું પ્રધાન મૂલ્ય માને છે ત્યારે શરૂથાય છે તકરાર. રામાયણ અને મહાભારતનો સાહિત્યિક વાર્તાઓ તરીકે જેના મનમાં અપાર પ્રેમ છે તેવો એ કલાકાર ગાયકવાડના વિદેશપ્રવાસના પ્રસ્તાવને સવિનય નકારી તેઓનાં અનુરાગપૂર્ણ સહયોગથી ભારતયાત્રાએ નીકળે છે, પણ એને ધાર્મિકો દ્રારા પાશ્વાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવેલા મનવાળો અને અત્યારે જેને એ જ લોકો ‘પેઈડ્ કહે છે એવો જ માનવમાં આવે છે.

વર્મા ભારતને નખશીખ ચાહે છે પન તેઓનો અભિગમ સંપૂર્ણ સર્જનલક્ષી કે કલાલક્ષી જ છે. પ્રજા ધર્મ્યહદયથી કલાકારને આવકારે છે, રાજા કલામર્મજ્ઞતાથી એને નવાજે એ પણ ધર્મ એને ઉભયથી વધુ ધિક્કારે એ, મારે છે અને પ્રતાડિત કરે છે. ફિલ્મમાં આ દર્શાવાયું છે કારણકે જો વિશ્વને ભ્રમણાઓ અને માન્યતાઓથી મુક્ત કરીને વિશુદ્ધ કલ્પનાના કેન્દ્રમાં જીવતું રાખવું હશે તો કળા જ ભાવિ ધર્મ હશે એ તેમાં કહેવામાં આવ્યું છે.

નાયક સૌદર્યબુદ્ધ છે એથી કામી પણ છે, નહિ કે કામી હોઈ સૌદર્યપૂજક. તે રસિક છે માટે રંગરસીયો છે, તે સ્વપ્ર દ્રષ્ટા છે અને સ્વપ્રસેવી પણ છે. તે ચિત્ર દોરે છે, એમાં રંગ ભરે છે, એને પ્રસિદ્ધિ ગમે છે પણ મુક્તિના ભોગે નહિ, એ મશીન દ્રારા ચિત્રની છાપો તરફ આકર્ષાય છે અને જીવનના સૂર્યાસ્ત સમયે એક નવી ઉજાગર થતી કળા સિનેમા માટે સ્વપ્ર જોઈ રહે છે.

ફિલ્મમાં કલાને ધર્મના વિકલ્પ તરીકે જોવાનું સૂચન છે, સૌંદર્યબોધ છે, પ્રેમ છે પણ એ બધાં સાથે નારીવાદની એક ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે. આ બધામાં નારીનું અસ્તિત્વ કેવળ પુરુષના પડછાયા જેવું નથી તો કલાકારની કલ્પનાપૂરતું મર્યાદિત પણ નથી જ. રવિની છવી કલાકાર તરીકે ઉત્તમ હોય તો પણ તે નાયક તરીકે નારીનું મૂલ્ય આંકવામાં ઉણો ઉતરે છે એ સારી રીતે બતાવ્યું છે. જોમ કે એને સ્વદોષ દર્શન થતાં અનુભવપક્વતા સાથે નિખાર પામી છે તે કલાસમુદ્રમાં વધુ ગહન તરણ માટે આશાવાન બને છે, પણ ત્યાં સુધીમાં બધું નષ્ટ થઈ ચૂક્યું છે. અને એ વિસર્જન પછી જાણે કે કલાની એક નૂતન વ્યખ્યા સાથે નવસર્જનની નવી દ્રષ્ટિનો રવિ ઉદિત થવાની વાત એ ફિલ્મનો અંત છે.

નાયકને એવી પ્રેરણાનાયિકા દેવતામુક્ત એવી સંપૂર્ણપણે માનવીય સંવેદનાઓની અભિવ્યક્તિરૂપ ચિત્ર કલાના નવા શિખરો તરફ ઉન્મુખ કરે છે. અને મોર્ડન ઈન્ડીયન આર્ટના પિતા કલાધિરાજના સૂર્યાસ્ત સાથે નવી કળા ઉષા તરફ ભારત મીટ માંડે છે.

– કર્દમ આચાર્ય

(અસ્તિત્વદર્શન સામયિક, એપ્રિલ ૨૦૧૫ અંકમાંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય