તૃતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૯ – અમિતા ધારિયા 11


૧. ગતિ

પૂરપાટ ચાલતી ગાડી સાથે મન પણ ગતિ કરતું હતું. ક્યાંક બહુરંગી વાદળાં સાથે વાતો કરતું, તો ઘડીકમાં પર્વતોની હારમાળા જોઈ ખુશ થતું અને વળી આકાશમાં ઉડતાં પક્ષીઓની સાથે ઉંચે ઉડવાનો આનંદ માણતું મન અચાનક ગાડીની બ્રેક લાગવાથી સ્થિર થઈ ગયું અને હ્રદય જોરદાર ગતિ સાથે ધબકવા લાગ્યું.

ગાડીની સામે રસ્તા પર એક વ્યક્તિ પડેલો હતો અને થોડે દૂર એક બાઈક.

૨. કાશ

ખૂબ જ આનંદ આવી રહ્યો હતો, આકાશને આંબતા જાયન્ટ વ્હીલમાં બેસીને વાદળાઓની સાથે સૈર કરવાનો, રંગબેરંગી ફૂલોથી મહેકતા નાનકડાં ટાપુ પર બેસી પગ પરથી સરકતા પાણીની ભીનાશને માણવાનો, પર્વતોને ચીરીને પસાર થતાં એક સીટર પ્લેનમાં બેસી હવા સાથે વાતો કરવાનો.

અચાનક કોઈકના સ્પર્શનો અહેસાસ થયો, મુખ મલકી ઉઠ્યું. ત્યાં તો જોરથી અવાજ આવ્યો, ‘આઠ વાગ્યા, ઉઠવાનું નથી?’

૩. સુખ

અડધી રાત્રે ધરતીકંપના જોરદાર આંચકાથી ઘર ધુજી ઉઠ્યું. આફ્ટરશૉકના ભયે બિલ્ડીંગમાંથી બધા લોકો બહાર આવી ખુલ્લા મેદાનમાં ધડકતા હૈયે પહોંચી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા. આ જોઈ મેદાનના એક ખૂણે સૂતેલા પતિ પત્નીએ નીંદમાંથી ઉઠીને એકબીજાની સામે જોયું. પતિએ પત્નીને કહ્યું, ‘તું પૂછતી હતી ને કે સુખ શાને કહેવાય? જો આજે આપણે કેટલા સુખી છીએ!’

૪. મમ્મી

હોસ્પિટલના બિછાના પર અર્ધબેભાનાવસ્થામાં કેન્સરથી પીડિતાની ચકળ વકળ થતી આંખો છેલ્લા બે દિવસથી કોઈકને શોધી રહી હતી. સાંજે તેનો ચાર વરસનો દીકરો પપ્પા સાથે હોસ્પિટલના નિયમ વિરુદ્ધ એની પાસે આવ્યો, ‘મમ્મી, ઘરે ચાલને, હું તને લેવા આવ્યો ઉં.’ મમ્મીની આંખો સ્થિર થઈ ગઈ, મુખ પર મંદ સંતોષનું સ્મિત આવ્યું.

બે કલાક પછી મમ્મી ઘરે જ હતી પણ આત્મા..

– અમિતા ધારિયા

માઈક્રોફિક્શનનો આગવો ઉપયોગ છે એક વાર્તાતત્વને ખૂબ ટૂંકાણમાં ઉપસાવી વાચકોને તેના ભાવવિશ્વમાં વિહરવાનો અવસર આપવો અને એમ વાચકોની સર્જનશક્તિને આગળ વધવામાં મદદ કરવી. અમિતાબેન ધારિયાની આજની સુંદર વાર્તાઓ આ જ વાતને સાબિત કરે છે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ કાંદીવલી, મુંબઈના અમિતાબેનનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

11 thoughts on “તૃતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૯ – અમિતા ધારિયા