ઈન્ટરનેટ ઓફ થીંગ્સ : જમાનો આજ છે આવ્યો… – સંજય પિઠડીયા 2


આજનો યુગ એ ખરા અર્થમાં ઈન્ટરનેટનો યુગ છે. એકબીજા સાથે જોડાયેલા રહેવામાં આજે ઈન્ટરનેટનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ફેસબુક, વ્હૉટ્સ-ઍપ, ટ્વીટર, સ્કાઈપ, લાઈન, વી-ચૅટ જેવા રમકડાં આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. ખાતા-પીતા-સૂતા-ઊઠતા કોઈ પણ દિનચર્યા કરતી વખતે લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવામાં સંતોષ અને સુખ અનુભવે છે. આજની તારીખે દુનિયામાં પાંચ અબજ જેટલા “સ્માર્ટ” કનેક્ટેડ ડીવાઈસ (ડીવાઈસ એટલે સાધન કે ઉપકરણ) વ્યવહારી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ આંકડો પચાસ અબજે પહોંચે એવી નિષ્ણાંતોની અને વિશ્લેષકોની આગાહી છે. આજની ટેકનોલોજીના ડગલે ને પગલે સાથે ચાલનારાઓ માટે “IoT” શબ્દ નવો નથી. શું છે આ IoT? IoT નો અર્થ છે ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ’! થીંગ એટલે વસ્તુ, પદાર્થ કે જેનામાં જીવ નથી એવું. કોઈપણ વસ્તુને ઈન્ટરનેટ સાથે જોડીને એમાંથી કંઈક કામ લઈ શકીએ એને ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ’ કહેવાય! પેલી ઓનિડા કંપનીની ‘એસ.એમ.એસ. ગોન, એ.સી. ઓન’ વાળી જાહેરાત યાદ છે? એમાં ઘરે પહોંચતા પહેલાં જ તમારા મોબાઈલ-ફોનથી એ.સી. ચાલુ કરવાનો સંદેશો મોકલી આપો અને તમે ઘરે પહોંચો એ પહેલા એ.સી. ચાલુ થઈ જાય. એ જ પ્રમાણે એકાદી કાર પાર્ક થયા પછી ડ્રાઈવરને જાણ થાય કે કારની લાઈટ તો ચાલુ જ રહી ગઈ છે અથવા તો ઘરેથી બહાર જવા નીકળો પછી ખબર પડે કે ટી.વી. બંધ કરવાનું તો ભૂલાઈ ગયું – આવા સમયસર રીપોર્ટીંગ થાય તો કેવું સારું? જો કે આવું રીપોર્ટીગ IoTનો એક ટચૂકડો ભાગ છે પણ વિસ્તૃત અર્થમાં IoT એના કરતાં ઘણું વધુ છે. ખરું મેજીક એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ IoT (ભવિષ્યમાં) સંભવિત પરિસ્થિતિઓને પારખી લે અને કોઈ આવનારા ફોલ્ટને જાણીને તેને નિવારક ઉપાયો સૂચવી દે છે. તો આવો માણીએ આજના જમાનાની અવનવી શોધ અને IoT ટેકનોલોજીને.

કાર એંજીન ખરાબીની આગાહી: કાર બનાવનારી અગ્રગણ્ય રોલ્સ રોય્સ (Rolls Royce) કંપનીએ સાત અલગ અલગ પેઢીઓ સાથે ભાગીદારી કરીને એક એવો રોબોટ બનાવવાની યોજના ઘડી છે જે ફક્ત સવા સે.મી. (એટલે લગભગ અડધો ઈંચ) નો હશે અને કાર એંજીનની અંદરની બાજુ ફીટ થશે. જરૂર પડે એ રોબોટ એંજીનના આંતરિક ભાગોના ફોટા પાડીને રીમોટલી (દૂરથી જ) કંપનીના નિષ્ણાંતોને મોકલશે. આ રીતે એંજીનના નિષ્ણાંતો ઝડપભેર કોઈ પણ પ્રકારની ખામી કે ફોલ્ટ પકડી પાડશે. આ સીસ્ટમ થકી એંજીનની જાળવણી અને તેનું સમારકામ-પત્રક સમયસર તૈયાર કરી શકાય, જે ગ્રાહક (એટલે આપણે)ની સલામતી અને ઉત્તમ ગ્રાહકસેવામાં પરિણમે. મર્સીડીસ-બેન્ઝ અને મહિન્દ્રા કંપનીની ‘રેવા’ નામની કારમાં છેલ્લા ઘણાં સમયથી IoT નો વપરાશ થઈ રહ્યો છે. સૌ પહેલાં કારમાં રેડિયો કે સીડી સાંભળવાની સુવિધા હતી. પછી માણસની અભિલાષાને કારણે એમાં જી.પી.એસ. (એટલે દુનિયાના દરેક ખૂણે ભ્રમણ કરવા માટે વપરાતું અને રસ્તા દર્શાવતું યંત્ર) અને બ્લૂટૂથ કનેક્શન જોડવામાં આવ્યું.

બાદમાં પોતાની કારમાં વાઈ-ફાઈ દ્વારા ગીત કે સંગીત ડાઉનલોડ કરવાની સુવિધા આવી જેને ‘થીંગ્સ ઓન ઈન્ટરનેટ’ કહેવાય છે. આજે દ્રશ્ય કંઈક જુદું જ છે. આજે “આડાસ (ADAS)” એટલે કે ઓટોમેટિક ડ્રાઈવર અસિસ્ટંટ સિસ્ટમને કારણે તમારી કાર પોતે પોતાને ચલાવી શકે એ પણ કોઈ ચાલક વગર! ડ્રાઈવર વગરની કારમાં કોઈ અકસ્માત થવાનું હોય તો કાર પોતે જ એ અકસ્માતને અટકાવવા જરૂરી પગલાં લઈ લે. એ સિવાય તમારા મુસાફરીના રસ્તામાં ટ્રાફિક કે ભીડ હોય તો તમારી કારમાં એવા સેન્સર બેસાડેલા હોય કે જે દૂરથી જ આવી ભીડને પકડી પાડે અને પુનઃદિશામાન થઈ જાય. જો તમે ડ્રાઈવર-સીટ પર બેસવાના હોય તો જેવા કારમાં બેસો કે તરત જ તમારા સ્માર્ટ ફોનનો તમારી કાર સાથે સમન્વય (સિન્ક્રોનાઈઝેશન) થઈ જાય. તમારી સીટ અને કારના અરીસા તમારા શરીર (કદ) પ્રમાણે આયોજિત થઈ જાય. છે ને IoT ની કમાલ?

ઊર્જા વ્યવસ્થાપન: કોઈ બિલ્ડીંગ કે સોસાયટીની ઊર્જા કાર્યક્ષમતા (Energy Efficiency) વધારીને એને ‘સ્માર્ટ બિલ્ડીંગ’ તરીકે પ્રચલિત કરવામાં પણ IoT એ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. નેસ્ટ લેબ નામની કંપનીએ ‘સ્માર્ટ થર્મોસ્ટેટ’ (ચાલાક તાપમાન નિયંત્રક સાધન) બજારમાં મુક્યું છે જે વાઈ-ફાઈથી જોડાયેલું, સેન્સર વડે ચાલતું, પ્રોગ્રામ કરી શકાય એવું અને સ્વ-અનુકૂલિત (સેલ્ફ-અડેપ્ટીંગ) છે. આ સાધન દિવસ-રાતના સમય મુજબ, આજુબાજુના હવામાન મુજબ અને ઘરમાં થતી લોકોની પ્રવૃત્તિ મુજબ ઘરનું તાપમાન સંતુલિત કરી શકે. વાઈ-ફાઈને કનેક્ટેડ હોવાથી શહેરના હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ પોતે જ ઘરનું તાપમાન સમાયોજન કરી દે. આ સિવાય ઘરમાં લાગેલા ઈલેક્ટ્રીસીટી મીટર (વિદ્યુત માપયંત્રો)ને પણ વાઈ-ફાઈ વડે પ્રોગ્રામ કરી શકે અથવા દૂરથી મીટર-રીડીંગ પણ લઈ શકે. આ જ રીતે સૌરઊર્જા અને પવનઊર્જા વડે ચાલતા કારખાનામાં મોટે પાયે IoT નો ઉપયોગ લઈને કોઈ ઘટકોની નિષ્ફળતા અગાઉથી જ જાણી શકાય છે.

કન્ઝ્યુમર ઈલક્ટ્રોનિક્સ અને યુઝર ઈંટરફેસ : ધારો કે તમારા ઘરના દરેક ઉપકરણો જેવા કે ફ્રીજ, ટી.વી., ડીશવૉશર કે વૉશિંગ મશીન દિવસ-રાત ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ફ્રીજમાં દૂધ કે શાક-બકાલું પ્રૂરું થવાની અણી પર છે. એ જ વખતે તમારું ફ્રીજ તમને ચેતવણી આપે અને કદાચ તમે એ ન ચકાસો અથવા ભૂલી જાઓ તો ફ્રીજ પોતે ‘અમૂલ’ કે ‘બીગ-બજાર’ની વેબસાઈટ પરથી ખૂટી ગયેલી વસ્તુ ઑર્ડર કરી દે તો? બીજી વાત, ધારો કે તમારી પાસે ૮ થી ૧૦ ડેબિટ અને ક્રેડીટ કાર્ડ છે અને તમને દરેક કાર્ડ હંમેશા પોતાની સાથે રાખવા નથી. તો પછી એક જ એવું બ્લૂટૂથવાળું ઈલેક્ટ્રોનિક કાર્ડ રાખો જેમાં તમે તમારા બધાં જ કાર્ડ સ્કેન કરીને જાળવી રાખો. દરેક કાર્ડના પાસકોડ તમારા સ્માર્ટફોનની કાર્ડ-એપ્લિકેશનમાં રાખો. જ્યારે પણ તમે બહાર જાઓ અને કાર્ડ વાપરવાનો વખત આવે ત્યારે તમારા ફોનમાં કાર્ડ પસંદ કરો અને બ્લૂટૂથથી એને પેલા ઈલેક્ટ્રોનિક કાર્ડ સાથે જોડી દો. જેવું આ કનેક્શન થાય કે તરત જ એ ઈલેક્ટ્રોનિક કાર્ડ તમારા સાચૂકલા ડેબિટ કે ક્રેડીટ કાર્ડમાં પરિવર્તિત થઈ જશે, જેને તમે સાચા કાર્ડની જેમ સ્વાઈપ પણ કરી શકશો. બ્લૂટૂથ કનેક્શન તૂટે કે તરત જ પેલું કાર્ડ ફરી એક સાદું ઈલેક્ટ્રોનિક કાર્ડ બની જાય.

જીવવિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન: છેલ્લા ઘણાં વર્ષોથી કાર્ડિયોગ્રામનો ઉપયોગ કરીને લોકોના હ્ર્દયના ધબકારાં અને આંતરભાગની હાલચાલ જાણવા માટે મોટા મોટા તાર (કે વાયર) વાળા ઉપકરણો છાતી પર, હાથના કાંડે અને પગમાં ક્લીપ જોડવામાં આવે છે. આ જ વસ્તુ કોઈ નાનકડી હાથની આંગળીમાં બેસી જાય એવી ક્લીપ વડે થાય તો? અને એ ક્લીપ તમે ઘરે બેઠાં પોતાની જાતે જ લગાડીને પોતાનો કાર્ડિયોગ્રામ માપી જુઓ. જરૂર પડે એના પરિણામ ડોક્ટરને એસ.એમ.એસ. વડે કે વાઈ-ફાઈ દ્વારા એમના સ્માર્ટ ફોન એપ્લીકેશનમાં મોકલી આપો. અમદાવાદમાં આવેલી અઝોઈ નામની કંપનીએ થોડા સમય પહેલાં ‘વેલો’ (Wello) નામનું એક મોબાઈલ ફોન જેવું દેખાતું નાનકડું ગેજેટ બહાર પાડ્યું છે. વેલો એક સમર્થ આરોગ્યની દેખરેખ રાખનાર યંત્ર છે. એમાં છૂપાયેલા સેન્સરો દ્વારા એ શરીરનું તાપમાન, હ્રદયના ધબકારા, લોહીનું દબાણ (બ્લ્ડ પ્રેશર), લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ, શ્વસન, હ્રદયમાં રહેલા તણાવ (સ્ટ્રેસ) નું પ્રમાણ અને કાર્ડિયોગ્રામ માપી શકે છે. અંગ્રેજીમાં કહેવત છે કે Prevention is better than cure. આ વાતને ધ્યાનમાં રાખીને IoT નો વપરાશ મેડીકલ ક્ષેત્રે પણ એટલો જ વધ્યો છે. BCI (Brain Computer Interface) પણ થોડાં સમયથી જીવવિજ્ઞાનમાં ચર્ચાતો વિષય છે. એમાં તમારા મગજને કોઈ મશીન સાથે જોડીને તમારા વિચારો વડે કોઈ પણ ઉપકરણ કે સાધનને નિયંત્રણ કરી શકો. આપણા ચેતાતંતુમાંથી આવતાં સંકેતોને પકડવા અને તેમનું અર્થઘટન કરવા માટે એક વિશેષ મોડ્યુલ વપરાય છે. આવી શોધ દર્દીની વિકલાંગતાને નવો રસ્તો બતાવે છે અને તેમના અસામર્થ્યને કોરે મૂકી શકે છે.

કેવી મજાની વાત!! આવા માહિતીવિશ્વમાં રહેવાની વાત જ નિરાલી અને અદ્ભૂત છે. આ ઉદાહરણો કંઈ ૪-૫ વર્ષ પછી જ અસ્તિત્વમાં આવશે એવું નથી. આ વસ્તુઓ દુનિયામાં કોઈક જગ્યાએ ક્યારનીએ અસ્તિત્વમાં છે! સન ૨૦૨૦ સુધીમાં કદાચ એવી વસ્તુઓ પણ ઈન્ટરનેટ સાથે જોડાઈ જાય જેનું આજે ઝાઝું માન નથી. પણ આવી ક્રાંતિ અને પ્રગતિ રાતોરાત નહીં થાય. IoT સાથે કેટલાક પડકારો પણ ઊભા છે. સૌથી મહત્ત્વનો પડકાર છે – સુરક્ષા કે સલામતી! વાયુના માધ્યમથી થતાં કોઈ પણ પ્રકારના વ્યવહાર કે કોમ્યુનિકેશન (જેમ કે વાઈ-ફાઈ) માટે સુરક્ષિતતા એ ખૂબ જ મોટો પડાવ છે. કાર્યક્ષમતા અને સુરક્ષિતતા એ બંને એકબીજાના પૂરક છે પણ બંને વચ્ચે તાલમેલ અને સંતુલન હોવું જરૂરી છે. જે રીતે ઈન્ટરનેટનો રોજબરોજના સાધનોમાં વપરાશ વધશે તેમ એમાં લોકોની વ્યક્તિગત માહિતી કે વસ્તુઓને સાચવવી થોડી અઘરી બનશે. તે સાથે દરેક જણ ઈન્ટરનેટ વાપરશે તો માહિતી(ડેટા)નો જથ્થો ખૂબ જ વધી જશે જેને સાચવવાનો પણ એક પડકાર છે. એ સિવાય ગ્રાહકોને સુરક્ષા લક્ષણો વિશે જાગૃત અને શિક્ષિત કરવા એ પણ એક મોટી જવાબદારી છે. IoT ની આ હોડમાં કોઈ એક પ્રકારનું જોડાણ (કનેક્ટીવીટી) જીતી ન શકે અને જીતી જાય તો કદાચ કામમાં પણ ન આવે. બ્લૂટૂથ, બી.એલ.ઈ. (બ્લૂટૂથ લો-એનર્જી), વાઈ-ફાઈ, રેડિયો ફ્રીક્વન્સી ડિવાઈસ દરેકની કામ કરવાની રીત અને વિગતવર્ણન જુદા જુદા છે, એ દરેકને એક સાથે જોડવામાં, એક જેવી માહિતીના આદાન-પ્રદાનમાં ખૂબ મોટી કસોટી છે. આપણા ફોનની બેટરી આજે એકાદ દિવસ ચાલે છે, પણ જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ વધશે એમ સ્માર્ટફોન અને ગેજેટની ક્ષમતા (પાવર) પણ વધુ વપરાશે. આ માટે ઊર્જાનો વધુ અને યોગ્ય ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. બીજી એક મહત્ત્વની વાત કે IoT એ સતત બદલતી અને વિકસતી ટેકનોલોજી છે. રોજેરોજ આમાં નવા નવા સાધનો ઉમેરાતા જાય છે. એ સાથે જ નવા પડકારો પણ ઉમેરાય છે, માટે ભવિષ્યનો વિચાર કરીને જે કંપની બજારમાં પોતાનું સાધન મુકશે એ જ કદાચ લાંબેગાળે ફાયદામાં રહેશે.

અને આ તો ફક્ત ટ્રેલર છે, ઝાંખી! આગે આગે દેખિયે હોતા હૈ ક્યા…. ખરો જીવવા જેવો જમાનો તો હવે આવવાનો છે!

– સંજય પિઠડીયા


2 thoughts on “ઈન્ટરનેટ ઓફ થીંગ્સ : જમાનો આજ છે આવ્યો… – સંજય પિઠડીયા