તમારી ભાષાની હત્યા કરશો નહીં.. – સુઝાન ટોલ્હોક, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 2


સુપ્રભાત, શું તમે જાગો છો?

એમણે મારા નામનો ટેગ મૂક્યો છે, હું તમને પૂછવા માંગુ છું, શું અહીં કોઈએ અહીં પોતાના નામનો ટેગ અરેબિકમાં લખ્યો છે? કોઈ પણ? કોઈ નહીં? ઠીક છે, વાંધો નહીં.

એક વાર, થોડાક જ સમય પહેલા, હું એક રેસ્ટોરન્ટમાં મારા મિત્ર સાથે બેઠી હતી, ઓર્ડર આપવા મેં વેઈટરને કહ્યું, ‘શું તમારી પાસે મેન્યૂ છે? (અરેબિકમાં)’

એણે મારી સામે આશ્ચર્યથી જોયું, એમ વિચારીને કે એણે કંઈક ખોટું સાંભળ્યું છે. એ બોલ્યો, ‘સોરી'(અંગ્રેજીમાં)

મેં કહ્યું, ‘મેન્યૂ પ્લીઝ’ (અરેબિકમાં)

એણે જવાબ આપ્યો, ‘તમને ખબર નથી તેને શું કહેવાય?’

‘મને ખબર છે’

‘ના, એને મેન્યૂ (અંગ્રેજીમાં) અથવા મન્યુ (ફ્રેન્ચમાં).’ હું ફ્રેન્ચમાં બરાબર બોલી ને?

તેણે બીજાને મારો ઓર્ડર લેવાનું કહ્યું. એ મારી સાથે વાત કરતા જાણે સૂગ ચડતી હતી. જાણે એ પોતાની જાતને કહેતો હોય કે ‘જો આ પૃથ્વી પરની એ અંતિમ છોકરી હશે તો પણ હું તેની તરફ ન જોઉં.’ અરેબિકમાં મેનુ બોલવાનો શો અર્થ છે?

બે શબ્દોએ એક લેબેનીઝ યુવાનના મનમાં એક છોકરીને પછાત અને અજ્ઞાની ઠેરવી દીધી. એ આવું કઈ રીતે બોલી શકે? એ ક્ષણે મેં વિચારવાનું શરૂ કર્યું, એ વિચારે મને પાગલ કરી મૂકી, આ વાત તકલીફ આપે છે, મારા પોતાના દેશમાં મારી પોતાની ભાષા બોલવાના મારા હકને અમાન્ય કરાઈ રહ્યો છે. આવું ક્યાં થઈ શકે? આપણે એવા સંજોગો સુધી કેમ પહોંચ્યા? આજે અહીં મારા જેવા ઘણાં લોકો છે, જે જીવનના એવા સ્તરે કે સમયે પહોંચી ચૂક્યા છે જ્યાં તેમના ભૂતકાળ સાથે સંકળાયેલી વાતોને તેઓ અનિચ્છાએ પણ છોડી રહ્યાં છે, જેથી તેઓ એમ કહી શકે કે તેઓ મોર્ડન અને સંસ્કારી છે, નવી પેઢીના છે. શું મારે મારી સંસ્કૃતિ, વિચારો, વિવેકબુદ્ધિ અને યાદો છોડી દેવી? બાળપણમાં સાંભળેલી વાર્તાઓ કદાચ અમારા માટે યુદ્ધના સમયની સર્વશ્રેષ્ઠ યાદો છે, શું હું અરેબિકમાં જે શીખી એ બધુંય મારે ભૂલી જવું, ફક્ત તેમનામાંના એક હોવાની સાબિતી પૂરી પાડવા માટે? એમાં કયો તર્ક છે?

પણ આ બધાં છતાં મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. હું તેને એ જ ક્રૂરતાથી માપવા ન માંગતી હતી જે ક્રૂરતાથી એણે મને નાણી હતી. અરેબિક ભાષા આજની જરૂરતોને સંતોષતી નથી. એ વિજ્ઞાનની ભાષા નથી, સંશોધનની ભાષા નથી, એનો આપણે વિશ્વવિદ્યાલયોમાં ઉપયોગ નથી કરતા, કામના સ્થળે તેનો ઉપયોગ નથી કરતા. એ એક ભાષા નથી જેના પર આપણે રિસર્ચ કરતા હોઈએ ત્યારે ઉપયોગ કરીએ, અને એરપોર્ટ પર તો તેનો ઉપયોગ આપણે હરગિઝ કરતા નથી. જો આપણે એવું કરીએ તો તેઓ આપણાં કપડા ઉતરાવે. તો હું તેને ક્યાં વાપરી શકું એમ આપણે બધાં પૂછી શકીએ.

તો તમારે અરેબિક ભાષા વાપરવી છે? એ આપણે ક્યાં કરી શકીશું?

આ હકીકત છે.. પણ એનાથી પણ વધુ અગત્યની એક અન્ય હકીકત એ છે જેના વિશે આપણે વિચારવું જોઈશે. અરેબિક આપણી માતૃભાષા છે, સંશોધન એમ કહે છે કે અન્ય કોઈ પણ ભાષામાં પ્રભુત્વ મેળવવા તમારે માતૃભાષામાં નિપુણ હોવું જરૂરી છે. માતૃભાષામાં નિપુણતા એ અન્ય ભાષાઓમાં સર્જનાત્મક અભિવ્યક્તિ માટેની પ્રાથમિક શરત છે. કઈ રીતે? ખલિલ જીબ્રાન, જ્યારે તેમણે લખવાનું શરૂ કર્યું ત્યારે તેમણે અરેબિકમાં લખ્યું. તેમના બધા જ વિચારો, કલ્પનાઓ અને ફિલસૂફીની પ્રેરણા તેમને બાળપણથી એ ગામડામાંથી મળ્યાં હતાં જ્યાં તેઓ મોટા થયા, એ વાતાવરણની અનોખી સુગંધને માણતા, એ રોજીંદા પણ મનોરમ્ય અવાજને સાંભળતા અને એ વિશેષ વિચારને વાગોળતા. તો, જ્યારે તેમણે અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું ત્યારે તેમની પાસે પૂરતું ભાથું હતું. તો ભલે તેમણે અંગ્રેજીમાં લખ્યું, પણ જ્યારે તમે તેમના લખાણોને વાંચો છો ત્યારે, તમે એ જ અનોખી સુગંધને અનુભવી શકો છો, તેમની એ જ લાગણી તમને સ્પર્શે છે. તમે આસાનીથી કહી શકો કે અંગ્રેજીમાં લખાયેલું એ લખાણ તેનું છે જે છોકરો પહાડોમાંના એક ગામથી આવ્યો હતો. તો આ ઉદાહરણ છે જેને કોઈ પણ નકારી શકે નહીં. બીજી વાત, એમ કહેવાય છે કે જો તમારે કોઈ દેશને મિટાવી દેવો હોય, તો સંસ્કૃતિને નાબૂદ કરવાનો એકમાત્ર રસ્તો છે તેની ભાષાને મારી નાંખવાનો. આ હકીકતની વિકસિત દેશોને સારી પેઠે જાણ છે, જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ અને ચાઈનીઝ. આ બધાજ રાષ્ટ્રો આ હકીકતથી વાકેફ છે. એથી જ તેઓ પોતાની ભાષાને સુરક્ષિત રાખવા કાયદા બનાવે છે. તેઓ ભાષાને પવિત્ર માને અને રાખે છે, તેઓ પોતાની ભાષાનો ઉપયોગ ઉત્પાદનોમાં કરે છે, ભાષાના વિકાસ માટે ખૂબ નાણાં પણ ખર્ચે છે. શું આપણે તેમનાથી વધારે જાણીએ છીએ?

તો, આપણે વિકસિત વિશ્વમાંના એક નથી, આ સમયથી આગળની વિચારસરણી હજુ આપણા સુધી પહોંચી નથી અને છતાં આપણે વિકસિત રાષ્ટ્રો સાથે સ્પર્ધા કરવા માંગીએ છીએ. એવા દેશો જે એક સમયે આપણા જેવા હતાં, જે વિકાસ માટે તરસતા હતાઁ, તેમણે સંશોધન કર્યા, અને વિકસિત દેશોની હરોળમાઁ ઉભા થયાં, તુર્કી, મલેશીયા અને એવા અન્ય દેશો વિકાસની સીડી પર પોતાની ભાષાને પણ આગળ લેતા ગયા, એક હીરાની જેમ તેને સાચવી. તેમણે પોતાની ભાષાને પોતાની નજીક રાખી. કારણકે જો તમે તુર્કીની કોઈ વસ્તુ ખરીદો અને તેનું લેબલ તુર્કીશભાષામાં ન હોય તો એ ત્યાં બનેલી નથી. ત્યાં એવી વસ્તુને પોતાના દેશમાં બની છે એવું કોઈ માનશે નહીં. ત્યાંના લોકો તેને સ્વીકારશે નહીં, ગૂંચવાયેલા કે છેતરાયેલા ગ્રાહક જેવી લાગણી તેમને થશે, જેવી આપણને હંમેશા થાય છે. એટલે ત્યાં નવા આવિષ્કાર માટે કે ઉત્પાદન કરવા માટે પોતાની ભાષાને જાળવી રાખવું આવશ્યક છે.

જો હું કહું, ‘ફીડમ, સોવરેન્ટિ, ઇન્ડિપેન્ડન્સ’ (અરેબિકમાં) તો એ તમને શું યાદ કરાવે? કોણ, કેમ અને શા માટે જેવા પ્રશ્નો છતાં, એ ખાસ અસર ઉપજાવતા નથી. ભાષા ફક્ત સંવાદ માટે નથી, એ ફક્ત બોલાયેલા શબ્દો નથી, એ આપણા જીવનના વિશિષ્ટ તબક્કાને પ્રસ્તુત કરે છે, એ આપણી લાગણી સાથે સંકળાયેલી પરિભાષા છે. તો જ્યારે હું કહું, ‘ફીડમ, સોવરેન્ટિ, ઇન્ડિપેન્ડન્સ’ (અંગ્રેજીમાં) તમારામાંના દરેકના મનમાં એક વિશેષ છબી ઉપસે છે, ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાના ચોક્કસ દિવસ માટેની ચોક્કસ લાગણીઓ હશે જ! એક કે બે કે ત્રણ શબ્દો સાથ મૂકવાથી ભાષા બનતી નથી. એ એક અંદરનો વિચાર છે જે આપણે જે રીતે વિચારીએ છીએ તેની સાથે, આપણે અન્યોને અને બીજાઓ આપણને કઈ રીતે જુએ છે એવી બાબતો સાથે સંકળાય છે. આપણી વિવેકબુદ્ધિ શું છે? કોઈ આપણને સમજે છે કે નહીં એ કઈ રીતે કહી શકાય?

મારી એક મિત્ર છે, જેના લગ્ન એક ફ્રેન્ચ સાથે થયા છે અને એ ફ્રાન્સમાં જ રહે છે. મેં તેને પૂછ્યું, ‘કેવું ચાલે છે?’ તેણે કહ્યુઁ, બધું બરાબર છે, પણ એક વાર મેં આખી રાત મારા પતિ માટે toqborniનો અર્થ શોધવામાં અને તેને સમજાવવામાં વિતાવી. તેણે બિચારીએ તેના પતિને toqborni કહ્યું હશે અને પછી આખી રાત તેનો અર્થ સમજાવવામાં વિતાવી. (toqborni નો અરેબિકમાં અર્થ મહદંશે ‘તું કેટલો/લી સુંદર છે’, પણ તેના પતિએ અંગ્રેજીમાં સાંભળ્યું ‘યૂ બરી મી’) એ વિચારમાં પડી ગયો, કોઈ આટલું ઘાતકી કઈ રીતે થઈ શકે? એ આત્મહત્યા કરવા માંગતી હશે? મને દફનાવી દો? (બરી મી?) આ તો ફક્ત એક ઉદાહરણ છે.

આ સાંભળીને આપણને એવી લાગણી થાય કે તે પોતાના પતિને એ શબ્દનો અર્થ સમજાવવા અસમર્થ છે, કારણકે તે સમજશે નહીં, અનેે એ સાચો પણ છે, કારણકે શબ્દોના અર્થઘટનની અને વિચારવાની તેની પદ્ધતિ અલગ છે. મારી મિત્રએ મને કહ્યું, ‘ એ મારી સાથે ફૈયરૂસ (ખ્યાતનામ અરેબિક ગાયિકા) ને સાંભળે છે. અને એક રાત્રે તેને માટે મેં એક ગીતની પંક્તિઓનો આવો અનુવાદ કર્યો, ‘મેં મારો હાથ લંબાવ્યો અને તેમની પાસેથી તને ચોરી લીધી..’ જ્યારે અરેબિકમાં તેનો અર્થ થાય છે, ‘કારણકે તું તેમની હતી, મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને તને છોડી દીધી.’ હવે આનો મારા માટે અનુવાદ કરી આપો…

તો… અરેબિક ભાષાને બચાવવા અમે શું કર્યું? આપણે તેને સભ્ય સમાજને ચિંતા કરવા માટેનો વિષય બનાવી. અમે અરેબિક ભાષાને બચાવવાની ઝુંબેશ આદરી. જો કે ઘણાં લોકોએ મને કહ્યું, ‘તમને શું ફરક પડે છે? આ માથાકૂટ છોડો અને મજા કરો.’

કાંઈ વાંધો નહીં, અરેબિકને સુરક્ષિત રાખવાની આ ઝુંબેશની જાહેરાત માટે એક સૂત્ર હતું, ‘હું તમારી સાથે પૂર્વમાંથી વાત કરું છું અને તમે મને પશ્ચિમમાંથી જવાબ આપો છો.’

‘અમને આ સ્વીકાર્ય નથી કે તે ન થવું જોઈએ.’ એ પ્રકારની વાત અમે નથી કરતાં, કારણ કે એ બળજબરીની કે નકારાત્મક રીતે લોકો અમને કદી નહીં સમજી શકે. અને જ્યારે આપણા જ લોકો એ પ્રકારની જબરદસ્તી કરે છે, હું અરેબિકને ત્યારે નફરત કરી બેસું છું. આપણે કહીએ છીએ કે આપણે આપણી હકીકતને બદલવી છે, અને આપણે સંમત છીએ કે એ રસ્તે આપણી ઇચ્છાઓ, સ્વપ્નો અને રોજીંદા જીવનને એ પ્રતિબિંબિત કરે છે. એ લોકો પણ આપણી જેમ જ વસ્ત્રો પહેરે છે અને વિચારે છે. તો ‘હું તમારી સાથે પૂર્વમાંથી વાત કરું છું અને તમે મને પશ્ચિમમાંથી જવાબ આપો છો.’ એ લોકોના મર્મસ્થાન પર ઘા કર્યો. એ ખૂબ સરળ હતું, પણ છતાંય સર્જનાત્મક અને મનમાં ઉતરી જાય એવું સચોટ અને પ્રભાવી હતું. એ પછી અમે બીજી ઝુંબેશ ઉપાડી જેમાં મૂળાક્ષરો જમીન પર પડ્યાં હોય, તેને ફરતે કાળી અને પીળી પટ્ટીઓ વીંટાળેલી હોય અને ટેપમાં લખ્યું હોય, ‘તમારી ભાષાની હત્યા કરશો નહીં..’ તમે પૂછશો કેમ? કારણ કે ખરેખર તમારી ભાષાનું ખૂન ન કરશો, કોઈએ પોતાની ભાષાને મરવા ન દેવી જોઈએ. જો આપણે આપણી ભાષાને મરવા દઈશું તો આપણી નવી ઓળખ શોધવી પડશે, નવું અસ્તિત્વ શોધવું પડશે. આપણે ફરીથી શરૂઆત કરવી પડશે. અને આ કિંમત આધુનિક કે સભ્ય સમાજના હિસ્સા હોવા માટેની શક્યતા માટેની કિંમતથી ક્યાંય વધુ હશે.

ત્યાર બાદ અમે યુવાનો અને યુવતિઓના અરેબિક મૂળાક્ષરો પહેરેલા ફોટા બહાર પાડ્યા. ફોટા, જેમાં દેખાતા યુવાનો અને યુવતિઓ ‘cool’ હતા. અને જે મને કહે, ‘અરે, તમે તો અંગ્રેજી શબ્દ વાપર્યો!’ હું કહીશ, ‘ના, મેં એ શબ્દ સ્વીકાર્યો.’ તેમને જેમ યોગ્ય લાગે તેમ વાંધો લેવા દો, પણ મનેે એવો શબ્દ આપો જે તેનાથી વધુ સારો હોય અને હકીકતને વધુ સક્ષમ રીતે રજૂ કરતો હોય. હું વાતચીતમાં ‘ઇન્ટરનેટ’ બોલ્યા કરું છું, હું એમ નહીં કહું કે હું વર્લ્ડ વાઈડ વેબમાં જઈ રહી છું કારણ કે એ યોગ્ય નહીં લાગે. આપણે આપણી જાત સાથે રમત ન રમવી જોઈએ. પણ આ સ્તર, આ યોગ્યતા સુધી પહોંચવા માટે આપણે બધાએ એ માનવું જોઈશે કે આપણાથી વધુ શક્તિશાળી કે જેઓ એવું વિચારતા હોય કે તેમની પાસે આપણી ઉપર પૂર્ણ અધિકાર છે, તેમને ભાષાના વિષયમાં આપણને નિયંત્રિત કરવા કે તેઓ જે ઇચ્છે એવું વિચારવા કે અનુભવવાની આપણને ફરજ પાડવાની પરવાનગી આપણે ન આપવી જોઈએ. સર્જનાત્મકતા જ વિચાર છે. તો આપણે સ્પેસમાં ન જઈ શકીએ કે રોકેટ ન બનાવી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આપણે સર્જનાત્મક બની શકીએ. અત્યારે તમારામાંથી દરેક એક સર્જનાત્મક યોજના છે. તમારી માતૃભાષામાં સર્જનની ક્ષમતા એ જ માર્ગ છે. ચાલો, આ ક્ષણથી જ શરૂ કરીએ, ચાલો નવલકથા લખીએ કે એક શોર્ટ ફિલ્મ બનાવીએ. એક માત્ર નવલકથા પણ આપણને વિશ્વવ્યાપક બનાવી શકે છે. એ અરેબિક ભાષાને ફરીથી પ્રથમ ક્રમાંકે લાવી શકે છે. તો, કોઈ ઉપાય જ નથી એ વાત સાચી ન હોઈ શકે. ઉપાય તો છે, પણ આપણે તેને જાણવો પડશે, આપણે એ સમજવું અને માનવું પડશે કે ઉપાય છે, અને આપણે એ ઉપાયના ભાગ બનવાની ફરજ નિભાવવી જ રહી.

અંતે, આજે તમે શું કરી શકો? હા, ટ્વિટ્સ, તમારામાંથી કોણ ટ્વિટ કરે છે? હું તમને હાથ જોડું છું, અરેબિક, ઈંગ્લિશ, ફ્રેન્ચ કે ચાઈનીઝ, ગમે તેમાં ટ્વિટ કરતા હો, પણ અરેબિકને લેટીન નંબરો સાથે ભેળસેળ કરીને ન લખશો! એ ભયાનક દુર્ઘટના હશે. એ કોઈ ભાષા નથી, તમે એક અપ્રત્યક્ષ વિશ્વમાં એક અવાસ્તવિક ભાષા સાથે પ્રવેશી રહ્યા છો. એવા સ્થળેથી પાછા આવીને ઉઠવું એ ખૂબ મુશ્કેલ હશે. એ આપણે પહેલા કરી શકીએ. બીજું ઘણું કરી શકીએ, શું ન કરવું એ વિશે એક બીજાને સંમત કરવા આજે આપણે ભેગા નથી થયા, આપણે ભેગા થયા છીએ આપણી આ ભાષાની જાળવણી અને જતન કરવા માટેની જરૂરતો પ્રત્યે સજાગ થવા.

હું તમને એક ખાનગી વાત કહું, એક બાળક તેના પિતાને સૌપ્રથમ વખત ભાષાથી ઓળખે છે. જ્યારે મારી દીકરી જન્મશે ત્યારે હું તેને કહીશ, ‘જો આ તારા પિતા છે.’ પણ હું તેને ‘જો આ તારા ડૅડ છે.’ એમ નહીં કહું.

ચાલો આ સાંસ્કૃતિક ડર અને સંકોચને છોડીએ.

– સુઝાન ટોલ્હોક, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

વૈશ્વિક રીતે વધતા અંગ્રેજીના પ્રભાવ અને તેને આધુનિક ભાષા તરીકેના વિકાસ અને ઉપયોગ સામે અન્ય ભાષાઓ કઈ રીતે બાથ ભીડી રહી છે તે સમજાવતી સુઝાન ટોલ્હોકની આ વાત ટેડ.કોમ પર પ્રસ્તુત થઈ હતી તેની ટ્રાન્સ્ક્રિપ્ટમાંથી આ અનુવાદ પ્રસ્તુત કર્યો છે. ભાષાને પાછળ મૂકીને આપણે આગળ વધીએ ત્યારે શું ગુમાવીએ છીએ તેની વાત અહીં છે. સુઝાન અહીં તમારી ભાષાને શા માટે પ્રેમ કરવો જોઈએ તેના કારણો આપે છે, સમજાવે છે. મૂળે લેબેનિઝમાં હોવાને લીધે અરેબિકની થોડી ખુશબુ તેમાં નિહિત હોવાની જ! (Filmed at TEDxBeirut.)


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તમારી ભાષાની હત્યા કરશો નહીં.. – સુઝાન ટોલ્હોક, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

  • vimala

    માતૃભાષાનું મહત્વ દર્શાવતો લેખ્.આપણી સંસ્કૃતિને જીવાડવા આપણી માતૃભાષાને જિવિત રાખવિ જોઇએ. બહુ સરસ લેખ્