બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 9


૧. ગીત

હું તેના નામની માળાઓ જાપતો
હું તેના નામની બાધાઓ રાખતો
આંખોએ વાતો કરી આંખથી,
બદનામ જગમાં અમે બે થયાં.

શરમાતી રાતો હતી,
વણકહી વાતો હતી,
કોઈથીયે સમજી નહીં,
મનની મુરાદો હતી,

હું તેના હાથમાં, ભાવિને વાંચતો
હું તેના સાથના સ્વપ્નોમાં રાચતો.. આંખોએ..

ઝાંઝર જો રણકે જરી,
શરમાતી ખોબો ભરી
મહેંદીની લાલી કહે,
ગુસ્તાખી કોણે કરી

હું તેની રાહમાં આંખો બિછાવતો
હું તેની ચાહમાં આયખું લૂટાવતો.. આંખોએ..

૨. વારતા..

અક્ષરોના આયખા સમ આ પ્રણયની વારતા
ને કતલના કાયદા જેવી ઉભયની વારતા.

બેય ઉભાં છે કિનારે, ધોમધખતા રણ વહે,
યાદ મઝધારો કરે ભીના સમયની વારતા.

એમને જોયાં અને તૂટ્યા સમયનાંં બંધનો
હારના તોહફા સમી તેના વિજયની વારતા.

છે ભરમની વાડ જેમાં, સંશયોની ભીડ છે,
ને ડણકતા ગર્વ જેવી આ અભયની વારતા.

પ્રેમમાં શું જય પરાજય, પ્રેમમાં શું પામવું,
કોઈને પણ જે ફળ્યો ના, એ વિલયની વારતા.

ન આશ જેના પ્રાપ્યની એ કર્મને કર્તા મળે
બાણના સંધાન, મુક્તિના પ્રલયની વારતા

વારતામાં વારતા, એ વારતા સમ જિંદગી,
તૂટીને પણ જે રડ્યું ના, એ હ્રદયની વારતા.

– જીજ્ઞેશ અધ્યારૂ

ઘણાં વખતથી ડ્રાફ્ટમાં રહેલ આ બંને રચનાઓ પ્રસ્તુત કરવાની લાલચ આજે રોકી શક્તો નથી. મેં સામાન્યપણે અનુભવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને ખેંચતાણ અત્યંત વધી જાય ત્યારે મારું સર્જન પણ વધતું જાય છે, એ રીતે છેલ્લા પાંચેક મહીનાની કપરી વ્યવસાયિક રાજકીય અવ્યવસ્થાને લીધે થયેલ સર્જનો હવે બહાર નીકળવા તક શોધશે. આજે પ્રસ્તુત છે મારી બે પદ્ય રચનાઓ, એક ગીત છે અને એક ગઝલ (જેવું, જો ગઝલ ન લાગે તો!) છે. આશા છે મિત્રોને ગમશે. આપના અભિપ્રાય જાણવા ગમશે.


Leave a Reply to sanjay thoratCancel reply

9 thoughts on “બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ

  • Darshana Bhatt

    પ્રેમમાં શું જય પરાજય, પ્રેમમાં શું પામવું,
    કોઈને પણ જે ફળ્યો ના, એ વિલયની વારતા.
    Sa……ras.

  • ramesh champaneri

    કવિતા ખૂબ ગમી જીગ્નેશભાઈ

    આપ તો અત્ર તત્ર સર્વત્ર જેવાં છો.

    મા સરસ્વતીની અસીમ કૃપા આપના ઉપર છે

    કવિતામાં લોક રુચિ વધારવાનો શ્રમયજ્ઞ અક્ષરનાદ જ કરી શકશે. કરીએ.

    એક સરસ કાર્ય કર્યાનો સંતોષ મળશે.

  • hansa rathore

    હું એના નામની…રચના, કુંવારા સોળ વરસની મુગ્ધતા દર્શાવી ગયું, તો
    બેય ઉભા છે કિનારે ..શબ્દો , પ્રણય પિપાસા નું ઉત્કૃષ્ટ બિંદુ ..
    તણાવ અને ખેંચતાણ નું ફળ અત્યંત કલામય છે. ખુબ સરસ .

  • sanjay thorat

    હુ તેના નામની માળા જપતો અને વારતા… બન્ને રચનાઓ માણવા જેવી… અભિનન્દન્…