શે’ર બહાર – સંકલિત 7


વિમાસણ વધી ગઈ છે ટોચે ચડીને,
છે ચડવાથી ઝાઝી ઉતરવાની તકલીફ – પ્રફુલ્લ નાણાવટી

પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ,
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ. – રતિલાલ ‘અનિલ’

ત્યાં મિત્રતાનો અર્થ ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર. – હેમેન શાહ

ઘણું સારું થયું મારા સુધી આવ્યા તમે સાંઈ,
ચરણ લઈ ચાલવા જેવું નહોતું જોર મારામાં! – હરજીવન દાફડા

અમારી ચુપકીદીએ માત્ર આમન્યા જ પાળી છે,
નહીં તો જીભ છે, હાજરજવાબી જોઈ લીધી છે! – જમીઅત પંડ્યા ‘જિગર’

‘નૂર’ ના જીવનની ચાદર તો બહુ ટૂંકી હતી,
જો કફનમાં એના પગ લંબાય તો ખોટું નથી. – ‘નૂર’ પોરબંદરી

ઓ સુરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ,
આ ધરતી પર ચાલી તો જુઓ જ્યાં સાંજ સવારે ચાલું છું! – ગની દહીંવાલા

અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે! – મરીઝ

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ! – જલન માતરી

ભલેને આંખ મીંચાઈ છતાંય ધબકું છું,
તને હો શક તો ધીરેથી પુકાર, જીવું છું! – સુરેન ઠાકર ‘મેહુલ’

આ ખાલી ખાલીપાની ખલક લઈ હરીભરી,
કૈં ફાટફાટ થતી ફકીરાઈમાં ઊભા! – મનોજ ખંડેરિયા

ન ભેગું કર્યું કંઈ, લુંટાવી જ જાણ્યું,
ફકીરી અમીરાત વચ્ચે ઊભો છું! – આહમદ મકરાણી

અકબંધ ટકોરાઓ હાથમાં જ લઈને,
દ્વારેથી ઘણીવાર હું પાછો ફરેલ છું! – અશરફ ડબાવાલા

મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી! – મકરંદ મુસળે

નજરની એક ચૂકે હાથ ઘસતી રહી જશે દુનિયા,
આમારા કાફલાની ધૂળના ગોટે સવારી છે. – શૂન્ય પાલનપુરી

ચડાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિન્તુ
ખુદા લાચાર થઈ જાયે નથી મંજૂર એ મુજને! – શૂન્ય પાલનપુરી

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શક્તી,
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે! – અમર પાલનપુરી

નામ બદલી નાખ્યું તેથી શું?
વેદના તો એ જ પુરાણી છે! – માવજી મહેશ્વરી

ચડાવે છે કોઈ બે ચાર ફૂલો કબ્ર પર આવી,
વધે છે કેટલો મરનાર પર કોઈ ભાર શું જાણે? – આશિત હૈદરાબાદી

આપણું આઘાપણું છે એક આંગળ, ચાર દોરા, બે તસું,
તે છતાં મળવાપણું છે એક આંગળ, ચાર દોરા, બે તસું. – કૈલાસ પંડિત

નિત્યલીલા એ પછી તાદશ્ય થાશે આંગણે,
હાથ બળવાની તને પણ હોય ના સહેજે ખબર! – દિલીપ જોશી

શ્વાસ છોડી જિંદગી ચોમેર ચર્ચાતી થઈ,
‘હું બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ! – મુકેશ જોશી

છે યુગોથી બંધ સમજણનું મકાન,
ખૂબ કોશિશ… પણ ન ખૂલ્યું બારણું! – દિલીપ મોદી

દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે. – અમૃત ઘાયલ

શા કામના ખાલી દિલાસાઓ, એનાથી ન ફેર કશો,
એ દર્દ શું એનાથી ઘટશે, જે દિલમાં દબાવી બેઠો છું? – ‘અનલ’ કુતિયાન્વી

(શ્રી આશિત હૈદરાબાદી દ્વારા સંકલિત પુસ્તક ‘વાહ! ક્યા અંદાઝેબયાં..’ માંથી તારવીને)

બિલિપત્ર

અક્ષરોની ધાર પર છે જિંદગી,
કલમની તલવાર પર છે જિંદગી,
એ વહે છે આંખથી પણ તે છતાં,
સ્મિતના ઉધાર પર છે જિંદગી
– જીજ્ઞેશ અધ્યારૂ


Leave a Reply to HarshadCancel reply

7 thoughts on “શે’ર બહાર – સંકલિત