ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 12 comments


Kshano ni Mehfil૧. નિરાકાર – આકાર

સહેજ એની યાદનો આધાર લઈને ચાલશું
એકતારાના અમે પણ તાર થઈને ચાલશુઁ.

કોઈ ચડાવે સરાણે, કોઈ બુઠ્ઠા પણ કહે,
કોઈને વાગે નહીં એ ધાર થઈને ચાલશુઁ.

સાર જો સમજો તમે, સંસાર સાગર ક્યાં રહે
એ ભલે ને હોય ઊંડો, પાર થઈને ચાલશું.

આમ પણ કોઈ એને ઓળખે છે ક્યાં ભલા?
એ જ નિરાકારને આકાર દઈને ચાલશુઁ.

છે ગઝલમાં છંદ અને દોષ માત્રાના ઘણાં
કોઈ લખે શબ્દ, અમે સાર થઈને ચાલશુઁ.

૨. મજામાં

સ્મરણોની વચ્ચે મજામાં રહ્યો છું,
વમળોની વચ્ચે મજામાં રહ્યો છું.

કદી સાવ ઓછો કદી ખૂબ ઝાઝો
રહ્યો છું સદા બસ મજામાં રહ્યો છું.

તમે જેને સપનું કહીને નવાજો,
હું એમાં વધારે મજામાં રહ્યો છું.

સમય સાથે થોડો ઘસાતો રહ્યો છું,
પરંતુ લીસ્સો થઈ મજામાં રહ્યો છું.

વહે છે નદી આંસુઓથી ભરેલી,
પર્વતની માફક મજામાં રહ્યો છું.

મહીં જો ને ઉછળે છે મોજાંઓ કેવાં
સમંદર સમો હું મજામાં રહ્યો છું.

કહેવું પડે છે ધરી મૌન સઘળું,
મહેફિલમાં તોયે મજામાં રહ્યો છું.

૩. શબ્દ

અર્થ પણ કેવો અનાડી, શબ્દ સામો થઈ ગયો,
જોતજોતામાં પછી ઝઘડો નકામો થઈ ગયો.

વાત બહુ આગળ વધે એમાંય શું મજા વળી,
એટલે ખામોશ છું તો શબ્દ નકામો થઈ ગયો.

શબ્દયાત્રામાં વળી ક્યાં થાક જેવું હોય છે!
માનતો મંજિલ જેને એ વિસામો થઈ ગયો.

કામની સાથે અહિં પણ નામ કાં બદલાય છે?
રામચંદ્ર નામ એનું એય રામો થઈ ગયો.

જે લખાયો છે નહીં એ શબ્દની તાકાત જો,
શબ્દ વિનાનો જુઓ કાગળ નનામો થઈ ગયો.

બોલવા હું જાઉં ત્યાં સૌ ચાલવા લાગી ગયા,
જુઓને મહેફિલમાં કેવો હંગામો થઈ ગયો?

૪. ઈશ્વરને..

યાર, હવે બહુ થયું, થોડોક વિરામ લે હવે,
તું ય થાક્યો તો હશે, થોડોક વિશ્રામ લે હવે.

આમ પણ ચાલે બધું સૌ કર્મને આધીન અહીં,
છોડને માયા બધી, થોડોક આરામ લે હવે.

કેટલાં બોલાવતા’તા માળાઓ જપ્યા કરી,
એક આસન પર બિરાજી, નામ તમામ લે હવે.

ભાલ પર એકાદ તિલક કે ત્રિપુંડ તાણીને,
હોય જાણે ભક્ત મોટો એવો દમામ લે હવે.

જે ગમે તેની મજાની મૂર્તિ એકાદી ઘડાવી,
ભીડમાં ઉભો રહીને કર પ્રણામ લે હવે.

જોઈને લાંબી કતારો, ના હતાશ થા હવે,
વિશેષ દર્શન માટેનાં તું જાણી દામ લે હવે.

સાંભળેલું તેં ભલે કાઢ્યું છે બીજા કાનથી,
બહાર આવી પાર કર, ભિક્ષુક તમામ લે હવે.

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘ક્ષણોની મહેફિલ’ ગત અઠવાડીયે મળ્યો. ખૂબ પ્રેમથી તેમણે એ મને પાઠવ્યો એ બદલ તેમનો આભાર. તેમની ઇ-મેલ દ્વારા મળતી ગઝલોમાંથી પસાર થવાનો અવસર તો ઘણી વખત માણ્યો છે, પણ તેમના સંપૂર્ણ ગઝલસંગ્રહમાંથી પસાર થવાની ખૂબ મજા પડી. તેમાંથી મને ગમી ગયેલી ગઝલોમાંથી ચાર આજે પ્રસ્તુત કરી છે. ડૉ. મુકેશભાઈને આ સંગ્રહ બદલ અભિનંદન અને તેમની કલમને ભવિષ્યમાં આવા અનેક સંગ્રહો માટેની શુભકામનાઓ.


12 thoughts on “ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી

 • ભુપેન્દ્ર પંચાલ

  શ્રી મુકેશ ભાઈ
  મેં તો મારા શિવ મહિમ્ન માટે અક્ષરનાદ ની site ખોલી .તામારી કવિતા વાંચવાનો અવસર મળ્યો ખરે ખર મજા આવી ગઈ.તમારા જેવા સેનીઓર વ્યક્તિનો પ્રતિભાવ વાંચી ઘણો આનંદ થયો.
  youtube પર શિવમહિમ્ન સ્તોત્ર ગુજરાતી માં તમને સાંભળવા મળશે.i will be happy if you listen it

 • natwarlal

  સંસાર આ અસાર છે તો શબ્દોનો વળી દોષ શું?
  દોષ ભૂલી જઈને અમે ‘સાર’માં જ મહાલશું

 • ashish

  These shers are awesome…
  સમય સાથે થોડો ઘસાતો રહ્યો છું,
  પરંતુ લીસ્સો થઈ મજામાં રહ્યો છું.

  કામની સાથે અહિં પણ નામ કાં બદલાય છે?
  રામચંદ્ર નામ એનું એય રામો થઈ ગયો.

  બોલવા હું જાઉં ત્યાં સૌ ચાલવા લાગી ગયા,
  જુઓને મહેફિલમાં કેવો હંગામો થઈ ગયો?
  Ahaha..

 • કિરીટ જોષી

  મૂકેશભાઈ, આનંદ થયો. સમજણ થી સ્વીકૃત જીવન ની રચનાઓ માણીને. લખતા રહો.

  “શબ્દ” તો ખૂબ સરસ.

  ઈશ્વર ને ઘણું બધું કહેવડાવા નું મન હોય છે આપણ ને. તમે શરૂઆત કરી એ માટે અભિનન્દન

 • Ashwin

  “છે ગઝલમાં છંદ અને દોષ માત્રાના ઘણાં,
  કોઈ લખે શબ્દ, અમે સાર થઈને ચાલશું.”

  વાહ કવિ, કહેવું પડે…!
  સમરથ કો નહીં દોષ ગુંસાઈ…!

Comments are closed.