ઓહવાટ – દીના પંડ્યા (કેતન મુન્શી વાર્તાસ્પર્ધા ૨ માં પ્રથમ આવેલ વાર્તા) 9


નર્મદ સાહિત્ય સભા, સુરત આયોજીત કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨ (૨૦૦૯-૧૦) માં કુલ ૩૧૭ વાર્તાઓ આવેલી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને પ્રા. સતીશ ડણાક તેના નિર્ણાયકો હતા. તેમાંથી પ્રથમ આવનાર દીનાબેન પંડ્યાની વાર્તા ‘ઓહવાટ’ને ૨૫૦૦૦/-નું પારિતોષિક મળ્યું હતું. ‘છાલક’ સામયિકમાં આ સ્પર્ધાની કેટલીક વાર્તાઓ પ્રગટ થઈ હતી એ અંક મને શ્રી જગદીપભાઈ ઉપાધ્યાય તરફથી ભેટ મળ્યો હતો. તેમાંથી ‘છાલક’ અને ‘નર્મદ સાહિત્ય સભા’ના આભાર સાથે આજે ‘ઓહવાટ’ અહીં પ્રસ્તુત કરી છે. વાર્તા ઘણા સમયથી ટાઈપમાં હતી, પણ આ એક એવી વાર્તા છે જેને ટાઈપ કરતા અને પ્રૂફ કરતા અક્ષરનાદની કોઈ પણ પોસ્ટ કરતા મને મહત્તમ સમય લાગ્યો, કારણ છે તેની ભાષા. બકુલેશ દેસાઈ આ વાર્તા માટે લખે છે તેમ, ‘ધુમ્રસેર હોય કે ધુમાડાના ગોટેગોટા, કેવાં નિરારકા હોય છે, સામાન્ય માનવીની ઇચ્છા આશા અપેક્ષા જેવાં! ઇચ્છા પૂરી થાય તો પણ તેની ઝંખના અને પ્રાપ્તિની વચગાળાની પળો કાંઈ ઓછા અકળાવનારા નથી હોતા! ‘ઓહવાટ’ ની નાયિકા સોમલી આવી બડભાગી છે. જે વિશિષ્ટ સંજોગોમાં બબ્બે દીકરીઓ પછી.. વાર્તાની લોકબોલી સભર સંવાદો તેને ઉજાળે છે, પુત્રપ્રાપ્તિની દડમજલ અને ગડમથલ આલેખતી આ વાર્તા તેની વિશિષ્ટ સંકલ્પના, વિલક્ષણ કથાબીજ અને સંવેદનશીલ સંયમિત નિર્વહણથી હ્રદયસ્પર્શી બની છે.’

* * *

બોરપર ગામની ધૂળ – ઢેફાળી ગલી છોડી ત્રણ ઓળાઓ સીમપાદર વળોટી ચલ્યા જાય છે. સૌથી આગળ, દોરડા જેવી હાથપગવાળી, સીસમિયા રંગની, ગાગર જેવડું પેટ લઈને માંડ ત્રીસેકની લાગતી સ્ત્રી નામે સોમલી ચાલી રહી છે. એણે લીલું પોલકું, મોરપીંછી ઓઢણી ને પીળી ઘાઘરીનો કછોટો વાળ્યો છે. એના હાથમાં બંગડી, કાનમાં સોનેરી રંગ ખોઈ બેઠેલી બુટ્ટી, ડોકમાં માળા છે. એના જમણા હાથમાં મોર-પોપટ ભરેલી થેલી ને માથા પર એક પોટલુ છે. એની પાછળ દસેક વર્ષની હિણી છોકરી નામે મીણા ચાલી રહી છે. એણે ઝાલરવાળી, જાંબલી-પીળાં ફૂલો ચીતરેલી ઘાઘરી ને રાતા રંગનું છેલ્લા બે બટન ખોઈ બેઠેલું પોલકું પહેર્યું છે. નાકમાં લાલ ચુની, કાનમાં લટકણિયાં, હાથમાં પ્લાસ્ટિકની બંગડીઓ ને માથે મીંડલા ગૂંથી ચોટી વાળી છે. એ ઉઘાડા પગે ચાલી રહી છે. એના હાથમાં વાદળી રંગ ઉપટેલી થેલી છે.

એની જમણેરી કોર માંડ આઠેક વર્ષની લાગતી ડીલે જરા ભરેલી કાળી છોકરી નામે રાધા ચાલી રહી છે. એણે ગુલાબી રંગનું લાંબુ પહોળું ઘઘા જેવું ફ્રોક, હાથમાં બેત્રણ રંગની સામટી ચુડીઓ ખડકી છે. માથા પાછળ કડક ગુંથણીને કારણે સોટી જેવી લાગતી અડધા વેંતની ચોટી, એને છેડે લાલ બોપટ્ટીથી ફૂમતું વાળ્યું છે. નાકે સુડૂડૂડૂ સુડૂડૂડૂ ચારેક વાર કરે પછી એકાદ વાર નાક પર ઊંધો હાથ ફેરવી લીંટ લો’તી, બીજા હાથે માની ઓઢણીનો છેડો ઝાલી એની પાછળ દોરાતી જાય છે. પગમાં એણે બ્લ્યુ-ધોળા રંગની સ્લીપર પહેરી છે. ત્રણે ઓળાઓ હાઈવેની સમાંતર કેડી પર ચાલ્યા જાય છે.

છેલ્લી બસ ગઈ – નો અફસોસ સોમલીને હૈયે છે, તો સાથે ટિકિટના પૈસા બચી ગયા – નો મનમાં હરખેય છે.

‘- હો નભ્ભાઈઓ! ઝટ ઢીંઢા ઉપારો. સામે ટીંબે ઓ’રીયું મામાનું ઘર, કાંઈ છેટું થોરું સેં? પાણો નાઇખો કે પરબારો ટીંબે પોગે.’

‘પણ મા, આપરે આમ હું લેવા ધોડ્યા જાઈએ સીએ? મારી ઇસ્કુલ-‘

‘મીણ્કી, ઇ હંધાય તારા બાપુના કારસ્તાનું, માડી, રુંવારે રુંવારે મુને કળતર દીધી સે…’

‘બાપુએ કિયો કારસ્તાન કીધો મા?’ રાધીએ અવળા હાથે નાક લૂછી, ગાળોવેલની જેમ વીંટાતા પૂછ્યું.

‘આઘી રે આઘી… જોતી નથ આ પેટને… એની વેઠ. દીચરો… દીચરો જાણે કારો ભૂતડિયો વરગિયો, ઈને ઈ… ઈ કારસ્તાનું કે’વાયને..’

‘ના કીધી તોય ગાભા-ચીંથરાના બાચકા હાર્યે ને માથે લીધા છે સે… એક મારી ઢીંગલી ને રાજ કુમાર, ઘોડો ને ઘોલકી… ઓ તુને જરાય અરઘ્યા નૈઈ, માડી!’ શુક્રતારા પેઠે આંખો ચમકાવતી રાધી બોલી.

‘તે મૂઈ, તારી મા ઘરઘવા નૈઈ જાતી – કે જાન જોડી રૂડો વરઝોડો કાઢીએ ને માથે આસરવાદ – ઇમ કાંઈ સટ પાર ઊતરે બધું? લીયો પગમાં ઠામુકી વીજરી બાંધો લગીર…’ સોમલીએ છણકો કર્યો ને છૂટો હાથ કેડે મૂકી ચાલવા લાગી. એનો બબડાટ ચાલુ છે, ‘અસ્ત્રીનો ઓંતાર (અવતાર) એટલે આખ્ખાય જલ્મારાની પીડા લમરે ને લમરે વરગી ભૈ. બ્રમ્માને તો લગીર અદકી ફોરાશ હૈશે. અસ્ત્રીઓ, જાવ, દનિયાની બધ્ધીય ને દૈઈનો બોરકૂટો કરો..’

‘માડી, સેટું સે? બસ ગઈ તો ગઈ. પન કાલ્ય નેંકળ્યા હોત તો.. તુને ચણીબોરનો બોરકુટો કરી મેંઠુ ભભરાવી આલત…હા’ ઊંચી ડોકે, નિષ્પલક માને તાકી રહેતા મીણા બોલી.

‘આઈસ – મોટી ગવંડર. આટલું હેંડતા જોર આવે સે? તારા જેવરી ઉં હુતી તૈઈ ઇંધણા ભેગા કરવા હાટું, પાંસ-હાત ખેતરવા ચપટીમાં હેંડી નાંખતી… હા! આ હામા ગામે ટીબે મામાનું ખોરડું કળાય સે તો. ગામમા ગરવું હોય ઇને ટીંબે ઘહાયને જાવું પરે. બાચી તું કાલ્યની વાતુ નો કરતી. કીધું સે ને કે આભ ને ગાભ નું કાંઈ ઠેચાણું નૈઈ. વરી કરમ ભમરાળાને વેઠ લમરે લખાઈ લાયેલી સું… તે આ ખોળિયાને ધમરોર્યા વગૈર સુટકો સે? ટાંટિયામાં જોર સે તે…. અતારથી નૈઈ હંચરીએ તો કરાફાટ જલ્મારો પૂરો ચ્યમનો કરીહું, દીચરી?’

‘માડી, તુ બવ બકે સે, પરથમ ભિસ્કૂટ ને પાણી દે. નીંકર હેંડવાનું હપુચું બંધ.’ રાધીએ માનો છેડો પડતો મૂકી, એને આંતરીને સત્યાગ્રહ જાહેર કરી દીધો. સોમલીની ભર્યા તળાવ જેવી હેતીલી નજર ઘડીક રાધી પર ખોડાઈ… બીજી પળે એ બગડી – ‘તૈઈ પરી રે આંઈયા. વગરાનું જનાવર તું ને કાસીને કાસી ખાઈ જાહે, મારે હું?’

રાધ બી ગઈ. માનો છેડો ઝાલી આસપાસ નજર કરતી ચાલવા લાગી. એને કેડી પરથી ડાળખી મળી. અને ચારે બાજુ વીંઝતી ચાલી. એને ઉદ્યમ મળી ગયો.

‘ઓય મારે…’ એકાએક સોમલીએ ચીસ પાડી. ઝાડી-ઝાંખરા,વૃક્ષ-વેલા સાથે હવાય મુંગી મંતર છે. દૂર સુધી કેડી નિરવ છે. હા, દસ હાથ છેડે હાઈવે પર ધમધમાટ છે. સાથે ચાલતી મીણા અને પાછળ સોટીથી રમતી રાધી, માની ચીસ સાંભળી એની સામું એક નજરે જોતાં ઊભા રહી ગયાં.

‘હું થીયુ મા?’ મીણાએ થેલી નીચે મૂકી, માના હાથમાંથી થેલી-પોટલું લઈ લીધાં. સોમલી વળ ખાતી નીચે બેઠી. દેહ પરની પીળાશ થથરી ઊઠી હોય એમ રંગ કાળો ઝાંખો થયો, આંખો ફાટેલી ને મોં ખુલી ગયું છે.

રાધીએ માની આગળ આવી કચકચ શરૂ કરી.

‘પેટમાં ચૂંક આવે સે? તો તો મામાના ટીંબે કીયારે પોગીશું? ઉં તો કેતી’તી કાલ્ય બહમાં બેહીયે કે વાત પતે. બેઠાં ભેગા ભૂરરર કરતાં મામાના બાયણે..’

‘કાલી થાતી મુંગી મરને રાધલી! આપરા રૂપારા મૂંઢા જોઈને ઈ બેહારવાનો ઉતો? ફદિયાય જોઈએ ને? હવ્વે તમાર બેયુની ટિકિટુ લાગે સે.. ઓય માડી રે!’ સોમલીએ પેટ પકડ્યું. આસપાસ નજર કરી. ડાબી કોર અડધે ગોળાકારે માટીયાળી પથરીલી આડશ ઉપર ઝાંડીઝાંખરા જામ્યા છે. કેડી છોડી વાંકી ચાલે સોમલી એ ઝાડી તરફ ચાલી. પાછળ થેલાં-પોટલું ઘસડતી છોકરીઓએ પગ ઉપાડ્યા.

‘ઘડીક બેહીએ મીણા.. હે મા જોગણી! દિયા કરજે. ઘીરે પૂગાડી દેજે. ચ્યાં છેટું સે? પાણો નાઈખો કે હામા ગામે! લે હવ્વે હારું વરતાય સે.’

સોમલી ઉઠી, પોટલું માથે મૂક્યું. થેલી ઝાલી, રગડતાં બે ડગલાં ભર્યા ન ભર્યા ને વેણ ઉપડી – ‘ઉ – મા’ કહેતાં ધબાક દઈને નીચે બેસી પડી. દીકરીઓ મૂઝાઈને માના મોં પર આંટા લેતી પીડા જોઈ રહી.

‘માડી, તુંને ગ્યાસ થીયો હૈસે. ચાર રસ્તા પાર કીધે… લગીર સોડાવારો હોયે ખરો..’ રાધીએ માને ધરપત આપી.

પીડાથી ધલવલતી સોમલી રાધીની ગેસની વાત સાંભળી દાઝે ભરાઈ.

‘ડાયલી થા મા છોરી, મીણા… મીણ્કી, મામાને ન્યાં નૈઈ પોગાય. પણે ઝાડી પાર લઈ જા મુને. પગમાં જાણે સીસુ ભઈરું હોઈ ઈમ ભારે સલ્લ થૈઈ ગિયા સે, દીચરી! જલમવેરી નેંકળ્યો આ તો! અધવચારે ઉતાવરો થીયો ને મારું માણહ પાહેં નૈંઈ. તારા બાપુને ચેટલું કૈંઈ વારેલું કે મુંથી આ ફેર નૈંઈ વેઠાતું. તમેય હંગાથે… પન સેઠિયાની દિ’નીતો ઠીક રાતનીય ચોકીદારી. દનિયાનો પાછો ખોડા પારે… તે રોજ પેટને ખાવા તો જોઈસેને મીણા! આ પેટની પીંજણ ને કામની હાયવોયમાં દીચરો, દીચરો કરી હું કરવા ધલવલતો હૈસે તારો બાપુ ઈ મુને હમજાતુ જ નથ…’

મિણા-રાધી માને ઝાડીની આડાશે લઈ ચાલ્યાં. ત્યાં કોરી માટીનો પટ હતો. હાડકાંનો માળો બની ગયેલી સોમલીથી બેસાયું નહીં. એ ચત્તી પાટ સૂતી ને ડાબે-જમણે અમળાવા લાગી.

‘આ તમે બેય કૂંખેથી આવી ગૈઈ ખબરેય નો પરી. પન આ વેરવી તો મારો જીવ એંઠવા આયો લાગેસ… મિણા, ભંભલીમાંથી બે ટીપાં પાણી દે ને થેલીમાંથી બે ગાભા બા’ર કાઢ્ય..’

‘ગાભા હાર્યે લીધા ને મારી ઢીંગલી તુને નડી ગૈઈ? ઘોડો – રાજકુમારની વાતુ તો જાવા દે.’

‘રાધીબુન જોતી નથ, માને પેટમાં બવ દુઃખે સે? નાનકો ભઈલો આબ્બાનો નૈઈ તીયારે?’

‘ચ્યોંથી આવહે ભઈલો? ઉં તો દેખ જરા. આપરે તો કોઈ દાણ દેખ્યું નથ.’ રાધી ગોઠણભેર બેસી પડી.

‘મીણા…. ગાભા.. જલદી ઓય મારી જોગણી..! અઇયા પાથરણું.. ઓ રે બ્રમ્મા! આ તો તારું કામ લેખાય. લગીર મડડમાં આવો પરભુ! બચ્ચારી આ છોડિયું.. ઇમ નૈઈ મીણા, પાથરણું મારી નેચે લે. ઉ ઢીંઢો ઉંસો કરી વાળુય સુ, રાધલી જરા ટેકો કરતાં કાંઈ મરી નૈઈ જાય. અસ્તરીનો અળવીતરો ઓંતોર, એક દણ વેઠવું પડહે તમારે તે.’

‘આપરે તો વેઠે મારી બલારાત.’ રાધીએ કોણીથી હાથ વાળી બીજા હાથની હથેળીમાં સંપૂટ બનાવીને મૂક્યો. પછી ટચૂકડા હાથ મા તરફ આગળ કર્યા. મિણા ઓછાડના બે છેડા ઝાલી તૈયાર છે. રાધીના હાથમાં તો શું જોર હોય? પણ સોમલી માટે બે ટચુકડા હાથોનો ટેકો શારિરીક કરતા માનસિક રીતે વધુ કામ કરી ગયો. એણે બે પગ વાળી જોર કરતા ઢીંઢો ઊંચો કર્યો ને મીણાએ પાથરણું નીચે સરકાવી દીધું. પછી માનું લૂંગડું સરખું કરવા મથી.

‘કભારજા, ઉંસુ લે… કૈડ હુધી ઘાઘરી હરકાવી દે. બગરશે તો બ ઈજા લુગરાં ચ્યાંથી લાબ્બાના, છોરી? અસ્તરીની જાત હાવ નઘરોળ.. વેઠ ને ઉઘારાપણું લમરે સોંટી ગિયું હમજો! ઈના વગર્ય સરસ્ટ્રીએ સીંધ્યું કામ કુણ કરવા નવરું સે? બ્રમ્માએ પોતાને જોહટવાનું કોંમ પ્રથ્વીની અસ્તરી માતરને માથે ધરાર થોંપી દઈ… ઓ રિરાંતવા સરગાપૂરીમાં ઘોરે સે..’

મીણા કંઈ સમજ્યા વગર માના સનેપાતને ઝીલતી રહી ને એ કહે તેમ કરતી રહી. સોમલી પેટ દબાવતી દીકરીઓ આગળ જરા શરમાણી. મીણા-રાધી બધું કુતૂહલથી જોતી રહી. હવે શું થાશેની અવઢવમાં એમના બાળહૈયા ભારે મુંઝવણ અનુભવી રહ્યાં છે. ઊંચા મને મામાને ઘેર જવાની રાહ જોઈ રહ્યા છે. ત્યાં લીંમડે બાંધેલો ટાયરનો હીંચકો સે. ફિલમ જોવા હાટુ ટી.વી. ય ખરું. પણ મા! એ તો અહીં ચત્તીપાટ પડી છે.

‘ઓ મા રે..’ સોમલીને ફરી વેણ ઊપડી. ‘ચિલ્લાઓ મત સા… અપને મરદ કે પાસ જાતી તબ કુછ સોચતી ક્યા? દરદ ક્યાં તેરે બદલે તેરે મરદ કો બ્રહ્માજી ઉધાર દેને વાલે થે? વહ તો તેરે હી ભાગ્ય મેં..’ સોમલીને એની નણંદ જસીને સરકારી દવાખાને લઈ ગયેલા ત્યારે ડોળા કાઢતી નર્સબેનનો… જસીને બરાબરનો મળેલો ઠપકો યાદ આવી ગયો. તૈણ દિ કષ્ટાઈ પછી જસીને દવાખાને લઈ ગયેલા. દીચરો નો બઈચો… ‘હે મા જોગણી! મારી હાર્યે કાંઈ ઈવું નો કરતી. કિરપા કરજે માડી! દેહમાટીએ તો જાણ્યે હાથી સઢી બેઠોસ. મિણ્કી ચ્યાં ધ્યાન સે? લગીર મારા ટાંટીયા પો’રા કર્ય. બવ જોરુકા ઈવડા ઈ… પન આજ મુથી હલાવાતા નથ. વગરો ખુંદનારા ટાંટિયા આ જ કે પછેં બીજા… મનમાં એવું થાય સે, મીણા! ઈમાં સૂરજડાડો જાસે તો… રાધલી સે જ દાધારંગી… નેકરતાં નેકરતાં તૈઈ જાવું ને ઐંઈ જાવું… લોટો જોવું ને ખાવું, પન… પન… માલિપા આ બેટો ઉતાવર કરહે… ઈ થોરી ખબર્ય હોય તે માસિયા ગૈણ, મિણકી! પશાભાઈને ન્યાં પાટ બેહેલી ઈ તારીખિયું ને પછેંનો માસિયો ગૈણ… રૂપારી ઈસ્કૂલે તો જાસ..’

મીણાની આંગળીના વેડે વૈશાખ પર અંગૂઠો સ્થિર થઈ ગયો. ‘મા! હાત પુરા પન આઠ પુરા નો કે’વાય.’

‘દીચરી, જબાપ દે.. આવી દેખીતી બ્રમ્માની અળવીતરાઈમાં કોઈ હું કરે હેં? આ વગરે બચ્ચારી દીચરીઓ હાર્યે એકલી સોમલી હું કરહે એવો વચાર્ય બ્રમ્માને નૈઈ આયવો હોય? ઠીક, લે બેટા ઉં તો ઠાલું બોલું સું. જનમ.. મરણના કારસામાં માણહુનું કોઈ જોર નો હાલે… હા.’

‘મા તુ બવ બોલતી સે.. એટલે હારું જ હોવાનું તું ને.. ઉઠ હવે!’ રાધી મોં ફૂલાવી બોલી.

‘માડી, ભિસ્કુટ ખા.. તો ટાંટિયામાં જોર આવહે. હુરત ગિયા પાલીફોઈના ઘિરે લગન પર… તિયારે આપરે ચેટલું હેંડ્યા’તા? ઈના હિસાબે તો આ ઢબૂકડું હોવાનું સે. ઊભી થા. ટીંબે પૂગીએ પછેં તું જાણ ને મામા જાણે. ઉં તો ચંદા ને ભનકા હાર્યે પશાભૈની વાડીએ જાવાની. મામાએ નવી બકરી લીધી સે તે દૂધ હો પીવાની.’

‘ને પોપટ હો રાયખો સે. ભનકો ઘિરે આવેલ તીયારે નો’તો કેતો? નામ નારણ રાયખું સે.’

‘ઓય રે આ ઘિરે ભનકો કિયા આયવો સે? આય બોરપર તો આપરને માંડ તૈણ વરહ થીયા હૈસે, મીના!’

‘ઉં કચ્છડાની તો વાત કરું સુ માડી! બાપુને અગરિયા થાતામાં જબ્બર માંદગી આઈને બધું છોરીને બોરપર આઈવા. થીયું હવાફેર થાહે તો બાપુને..’

‘દિચરી, ઈયાં કે નીયાં રોટલા હાટુ પગ ઘહીએ… ઈ મોટી વાત સે. બે રૂપારી દીચરીઓ સે.. ઈમાં હાંડલા રહોડે કુસ્તી કરતા હોય… ન્યાં દીચરાની ખાંખત કરવી કાંઈ પોહાય? ઉપરેશન… મીં કીધું..’ સોમલી દીકરીઓ આગળ બહુ બોલાઈ ગયું માની જરા ઢીલી પડી. ‘પન તારા બાપુને સરગાપૂરી પોંગવાની લ્હાય… ને ન્યાં પુગાડે કોણ? તો કે’સે કે દીચરો… ઈવડી ઈ ધખના હૈંડે ઊંડે હુધી ધરબાયેલી હોય… ઇમાં કોઈ હું કરે, બોલ? લાગે સે મીના ટીંબે પૂગાશે. લે, બેઠી કર મુને, બે’ક ભિસ્કુટ આપ.. તમેય ખાવ.. બટા’

રાધીએ માની વાતનો તુરત અમલ કર્યો. પોટલામાંથી પેકેટ કાઢી સોમલીને, મીણાને આપી પોતે ખાવા લાવી. બિસ્કીટ ખાતાં સોમલી બોલી, ‘મીણા, આ ફેરે નક્કી દીચરો જ… ભુવાએ એનું ડાલુ માથ્થું ઝબોટતાં દાણા જોઈ વાળી ઓચરેલું – કે તારી કુંખે દીચરો જા… તારા ખોરડે ચાંદા હુરજના તેજ તપ્યાં જાણ. પનર કીલો જુવાર ને નવું ચાઈના સિલકનું પે’રણ લેવાનો હા.. તારી માટીએ જીભ કચરી સે.. આ થાનકે માનું બેહણું… આઈયા સત ઝગારા મારે સે, બુન.’

‘મીણા, તીયારે તો હવા રૂપિયો ને બશેર ગોર મેલીને આયેલી. ને દનિયા ગનતિ બેઠી. કિયારે દૈઈમાં જીવરો સબોટાય ને કીયારે દીચરો..’

સોમલી પાછા પગે ચાલતી અતીતને આંબી જતાં ભાન ભૂલી ગઈ કે સામે કોઈ સમોવડિયણ સખી નહિં પણ દસ વર્ષની દીકરી છે.

‘હાઉ માં, વાતું કરવાનું પડતું મેલ ને ઉભી થા, પગ ઉપાર.’

‘ઈ વાત હાચી મીણી!’ સોમલી પેટ સંભાળતી ઊભી થવા ગઈ ને કેડમાં કડાકો બોલ્યો – ‘ઓય માં..’ કરતી દર્દથી અમળાઈને બેસી પડી, બીજી પળે ચત્તીપાટ.

‘મા, કાબલી થાતી વળી પેટ ઝાલીને હુતી પડી સો? ન્યાં ટીંબે પોગીને તું તારો દીચરો જને… તો ઈમાં હું ખાટુંમોરું થૈઈ જાવાનું સે મા..’ રાધી બોલી.

‘મુઆ ધણીએ તો ભુવા હામુ રાતીચોળ આંખ્યે ઓચરી દીધું કે ગમે ઈ કર્ય… મારે દીચરો જોઈએ એટલે જોઈએ. બે બે છોરીઓનો હું બોરકૂટો કરવો સે? મારી ગોમી મા… મારા દીચરાનું મોં જોયા વગર મરહે તો અવગતે જાહે.. ઈની મનસાનું હું..? અલી હાંભર મિણા, તારી ગોમીમાએ હડબડમાં સૂટકો જાહેર હો કરી વાળ્યો કે આ ફેરે સોમલી સૂટી થાવા ભાઈને ન્યાં ટીંબે જાહે. નીંયા નક્કી દીચરો આવહે. દીચરીના ચાનસ જરાય જરાય નૈઈ. હાઉં! તારા બાપુએ મુને ધક્કો જ દૈઈ વાળ્યો. ‘જાવ ભાઈને ઘિરે’. ગોમીમા મારા હાચુ જ કિયે. તારા ભાઈના ભૂંગળે ઉં તો દીચરો ભાળું.’

‘ઓય મા… મીણા! પાણી દેસ? ગળુ હુકાય સે.. લાગે સે ઓરો હેઠો સરક્યો… પડખા ખાલી વરતાય સે.. બવ વાર નૈઈ.. મૂંઢુ ખુલી ગીયુસ.’

મીણાને આ નવતર ને ઉભડક અવસર જોવાનો થયો. એ માના મોં સામે જોવા લાગી. એ તો બંધ સે.

‘મુને ખીચરી હાકની ભૂખ લાગી સે. ક્યાં લગણ મા આમ હુતી રેસ, ભૈસા’બ? ઊભી થૈઈને ધોડવા માંડ.. હમણાં ટકોરાબંધ થૈઈ જાવાની. આવરું મોટું પેટ કરી મેલ્યુસ.. તે લગીર પેટ તારું નો દુઃખે તો હું મારુ દુઃખે? પરથમ મારી ખીચરીનું કૈંક કરો ભૈસા’બ.’

‘ગોંમના હાહુકારની જ્યમ ઉઘરાણી કરસ… તે હારી લાગસ? માને સુવાણ્ય નથ… ભાળતી નૈઈ? આંધરી સો? પણે પોટલીમાં ટોસ, દારિયાય ખરા. જાવ ઓચરો.’ મીણા રાધી પર બગડી.

‘ઓ મા.’ સોમલીના કંઠે ચીસ ઘૂમરાઈ. દેહ ધ્રુજવા લાગ્યો, મોં પર પરસેવાના રેલા હાલ્યા જાય છે. શ્વાસ લેતાં ફુગ્ગાની જેમ છાતી ફૂલે છે. આંખોના ડોળા ઊંચા ચડી ગયા છે.

મીણા માની દશા જોઈ ગભરાઈ ગઈ. સામે રોડ પર ભમભમાટ વાહનો દોડ્યા જાય છે. મીણા અહીંતહીં નજર કરતી રોતી રોતી બોલે છે, ‘માને દીચરો આબ્બાનો સ.. બવ દુઃખે સે. કોઈ મડડ કરો.’

મીણા એ મોટર હાલી ગૈઈ તોય રીહમાંને રીહમાં પાછા પગ નો દીધા.

‘મુને હતુ વગરાની કેડી પર તમારી હંગાથે ઉં ચેટલી વાર હાલી સુ ઈનો હિસાબ નૈંઈ, પન પેટ લઈને હાલવું ઈ ભારજલ્લી વાત થઈ હોં! ઓ મા રે, ઓ મારી જોગણી.. પણ રાંડ્યા પછેનું ડહાપણ મીણ્કી, હું કામનું? તારા બાપુએ રૂપિયા ભેગા કઈરા સે પણ દીધા નૈંઈ. ઈમને મુબાઈલ લેવાના ઓરતા સે બોલ. માડી રે મારી જોગણી..’

‘બવ બોલ્ય મા માડી! થાચી જૈસ. લે ઊઠ!’ મીણા બોલી.

‘આપણે તો ગોમીમાને માથું ઝટકાવીને કૈંઈ દેવાના આ રાધીબુન દીચરો નૈઈ જનવાના એટલે નૈઈ જનવાના.’ માની વાત સાંભળીને રાધીએ ગોમીમા સામે મોરચો માંડી દીધો.

‘મીણ્કી, આજ તું મારી મા, માયલો જીવ સખડડખળ કરે સે. ધરા ઉપર આબ્બા ઉતાવરો થઈયો સે. ઉં તો ગોમીમાને કૈઈ વરી’તી પન ડારો દૈઈ મુંગી કરી વાળી મુને કે, ‘અમે ચેટલાય જણતર જોઈ વરિયા. તારા રખ્ખી હુંશિયારિ અમ્મારામાં ના આઈ. તારી વેજા લૈઈ જાવ સાનમાન ભાઈને નીંયા.. મારો દીચરો આઈઆ દાના પાની વોરતાં ગધેડો બને સે.. ભાળતી નથ? હવ્વે દીચરો લૈઈને જ આ ખોરડે ટાંટિયો મેલજે, નૈઈ તો..’ પછેં, તો ઓરડાની કોરે બેઠેલા તારા બાપુય વિફર્યા.. હેંડતી જ થા.. દીચરો ના લાઈ તો આ ખોરડાના તુંને રામ રામ!’

‘ઉં તો જાણ્યે અહલ્યા હૈ ગૈઈ, બટા દીચરો નો આયો તો? વરી તિકાભાઈ-ભાભીને ન્યાં વસ્તાર વધ્યો સે.. ઇય હું કરે? ભાભીય હો દાડીએ જાતી સે.. ઈ તો હારુ સે ગામ બા’રુ ટીંબે ભૂંગળ વાળી મેલ્યું સે તે રે’વાની આપદા ટલી. કચ્છડામાં તો અમાર બાપુએ મજ્જાનું ખોરડું કરેલું હોં.. મીણા, બટા, દીચરો જ આવહે ને?’

‘આવહુ હૈસે તો આવહે.. આટલો વલોપાત હાને કરસ માડી?’ રાધી બોલી

માને એકધારો બબડાટ કરતી જોઈ મિણાય ગભરાઈ ગઈ, ‘મા, બવ લૂલી હલાવસ..’

‘માડી, ગોમીમા ને બાપુને તરકે મેલ્ય હવે. દાંડાઈ કરતી ઊભી થા. જો મા, મામાના ટીંબે પોગવું સે ને?’ રાધી પંખીઓને જોતાં કંટાળીને મા પાસે બેસી પડી.

ત્યાં સામેથી મોટરસાઈકલને આવતા જોઈ રાધી બોલતાં અટકી. કેડી પરથી ધમધમતું બાઈક નીકળ્યું. આગળ ધૂધના બે કેન બાંધ્યા છે. માથે ફાળિયું વીંટેલી આધેડ વ્યક્તિએ ઝાડીમાં સળવળ જોઈ નજર કરી.

‘મા, ટીંબા કોરથી ભટભટિયું આયુ લાગેસ!’ રાધી રાજી થતાં બોલી.

‘કુણ સે ન્યાં? હું વપત પરી?’

‘આઈયા મામલો બાયુનો સે, વીરા. તું તારે કૂટર હંકારી જા. સુટકો થાય એટલે હાઉ. ટીંબે તિકાભાઈનું ખોરડું સેને ઈની બુન ઉં સોમલી સું.’ સોમલીએ ઝાડીની આડશે જરાતરા બેઠી થૈઈ જવાબ આપ્યો.

‘તિકો તો બકાલાની હેરફેરે ગીયો સે.. છકરો લૈઈને, બુન-‘

‘કૈઈ નૈઈ.. વીરા, તું હેંડતો થા. આ તો બાયુનું કામ. મિણા, મીણાડી, તું આગળ બેહ, ન્યાંથી ભઈલો આવહે.’

બાઈક ધીરેથી આગળ ચાલ્યું અને એ આધેડે મોબાઈલ કાઢ્યો.

-‘તો પછેં બુન ચ્યાંથી આવે, મા?’ રાધીએ પૂછ્યું.

‘નીયાંથી જ.. હંધાય માટે એક જ મારગ બનાયવો સે પરભુએ.’

‘ધુમાડિયો અજવાસ નિઃશબ્દ છે. હાઈવે સજીવ છે. મોટી બેનનું જોઈ નાની મદદ કરવા મા પાસે બેઠી. કંઈ ન સૂઝતાં એ આજુબાજુની જમીન સાફ કરવા લાગી. માંનું પાથરણું સરખું કર્યું. માના દુઃખે દુઃખી થાતી મીણા અને રાધી માને ઓશિયાળી નજરથી જોઈ રહ્યા. સોમલી જાણે અભાન છે. એને મુંગી થઈ ગયેલી જોઈ મિણા રોવા લાગી. મા મરી ગૈઈ હશે એ શંકા જાગી. મોટીને જોઈ નાનીએ ભેંડડો તાણ્યો.

સોમલીએ આંખ ખોલી. ધીમા સાદે બોલી, ‘રોવાનું નૈઈ. મુને કાંઈ નથ થીયું. મીણા ઘાઘરો ઉંસો સે ને, લગીર પગ પો’રા કર્ય.’

મીણા શરમાઈ, રાધી કુતૂહલથી જોઈ રહી.

‘ઓય મારી દીચરીઓ! આપરી એક જાત્ય ને એક ધરમ. આજ મારો, કાલ્ય તમારો વારો.’

‘ના હો માડી! મુને ઈ નૈઈ ફાવે. આ તારી કષ્ટી જોને!’ રાધી ડહાપણ ડોળતી બોલી.

સોમલી હસી – ‘તારે કીધે થીયું નો થીયું થાવાનું સે કાંઈ? ઈ તો ઓલ્યા બ્રમ્માના કારસ્તાનું, બધીય અસ્તરિયો હાથ પીરા કરે પછેં એક દિ’ દીચરો કે દીચરી!’

‘તૈય મારેય તારી જ્યમ પગ આઘાપાસા કરી, ઉઘાડ ડિલે હાથમાં સીપર લૈઈ પછેં દીચરો કે દીચરી… ભોંગવાનની મરજીની ઈ રમત્યું રમવાની ઈમને?’

સોમલી રાધીની નિર્દોષતા જોઈ રહી. દીચરીઓ ચેટલી વ્હાલી લાગે સે! રેડિયો ટી.વી. વારાય ગાંગરે સે… દીચરા કે દીચરી બે બસ.. ઈ તો હમજી ગીયેલી, પન ધણી ને ગોમીમા દીચરો દીચરો કરતાં ધુણે સે ઈનું હું?’

‘ઓ મારી જોગણી! ચ્યારની મથુ સુ. કાં તો આવરો આ જીવ લેહે મારો..’

સોમલીની એકલતાનો બળાપો બે દીકરીઓ વચ્ચે થઈ અજવાસ અંધકારના સંધિકાળમાં વેરાઈ ગયો. અમળાતી, હાથ પછાડતી સોમલી દીકરીઓને રોતી જોઈ રહી. સોમલીને ઝડપી શ્વાસ શરૂ થયો. પીડાની સીમા વળોટી દેતાં મોંમાં ફીણ ઊભરી આવ્યા. ડોળા ફાટી ગયા. કાયા ધ્રુજવા લાગી.

મીણા આપસુઝથી માની નજીક ગઈ પેટ પંપાળવા લાગી. ઉપરાઉપરી આવેલી વેણના દર્દથી અશક્ત થઈ ગયેલી સોમલી મંદ સ્વરે બોલી, ‘દીચરી, આજ તું મારી મા! કઉં ઈમ કરતી રે.’

ટપ ટપ અવાજ

‘રાધલી, હું કામ ટપકારો કરસ? ઈ ચકમકિયા પણ નથ.’

‘મોટા પાણા પર નાનો પાણો મારી અણીદાર સીપર બનવું સું. ઉ મા બનીસ તીયારે સીપર જોઈહિને?’

‘મૂઈ અંગૂઠા જેવડી સે. પન વાતુ ભડભાદર હરખી કરે સે.’ સોમલીથી નિઃસાસો નંખાઈ ગયો. ભાયગના ચોપરે દીચરીઓના કીયા લૈઈખા હૈસે.. રામ જાણે! ઈની જેમ વગરામાં અસુરા ટાણે, પોતાના માણહ વગર્ય, પૈહા વગર, જણતર આમ.. ઓ જોગણી મા.. આ..’

મીણાએ માનો હાથ દાબ્યો. રાધી મા સામુ જોતાં.. સોટી વીંઝતા બોલી, ‘આપરે તો દીચરો જૈઈ જનીએ.. પછે એ દઃખી હાનો કરે? ઇવરી ઈ ધખના આજથી આ છાંડી.. જા.’

‘મા, આ હું? પાણી.. પાણી..’

‘છાની મર મીણ્કી, દેખ માથું આગર સે, જરા હાથ દે મુને.. ઓ.. મા..’

‘માથું? કોનું માડી?’

‘રાધલી, તું વચ્ચે બોલ બોલ નો કર.’ મીણા નીચી વળીને માના બોલને સમજવા મથી.’

‘મા, તુને લોઈ.. લોઈ..’

‘હે પરભુ! આ છોડીને કાંક હુઝાડ… રાધલી, પોટલીમાંથી સાલ્લો કાઢ્ય, રોડની પડખે પરડાની આડશ કરી વાળ્ય.’

રાધીએ જરી ગયેલા સાડલાનો ડૂચો થેલીમાંથી બહાર કાઢ્યો. હાઈવેની સાઈડે આડશ થાય એમ સાડીના બે છેડા ઝાલી ઊભી રહી. અને બાઘી નજરે બધું જોતી રહી.

‘બળ્યા મોંની.. બલાડાની જેમ આંખ્યું ફાડીને આઈયા જોવે સે! લગીર પરડો ઉંસો કર્ય.’

‘મા, મા પગ સે, નાની આંગરી – પંજો તો પછેં ભઈલાનું માથું નૈઈ હોવાનું?’

‘ગાંડી પાસીની મીણ્કી, માથા વગર્ય કોઈ જીવી હકે?’ રાધીએ પોતાનું જ્ઞાન ઠાલવ્યું ને આડશ મજબૂત કરી.

‘મીણા, નક્કી એ દીચરો.. ભુવાએ ડમડમ ડાકલી વગારતાં કીધુંસે.’ સોમલીએ ભુવાના શબ્દો સંભારતા નવી ઊર્જા મેળવી ને બાળજન્મની ઘડીઓ ગણાવા લાગી. બરાબર એ ટાણે રાધીને ગાવાનું વેણ ઊપડ્યું.

‘ઝેંણ વાગે ઝેંણ મેહુલ્યો ગાજે સે, મારે આંગર મોરલિયો નાચે સે.’

‘બુન ગાંડી સો? અત્તારે ઝેંણ વગારવા કાં બેઠી? જો, મા ને તો જો ! જાણે મડું, હવ્વે હું કરહું?’

વાદળું હટ્યું, સૂરજે અસ્તાચળે જતા પહેલા ફાંટ ભરીને પ્રકાશનું પોટલું ધરા પર છોડી મેલ્યું. રાધી અબોલ માને જોઈને હિબકે ચઢી. મીણાએ ભંભલીમાંથી પાણી છાંટ્યું ને બોલી, ‘લે, મા! જણી લીધોને દીચરો! હવ્વે ઊઠ ઊભી થા.’

‘અમુને વગરામાં મેલી મરી નો જાતી, મા! તારા વગર્ય અમે હું કરીહું? નૈઈ જોતો ભઈલો.’ રાધી રડમસ સૂરે બોલી.

બેચાર પળમાં સોમલીનું ચેતન પાછું આવ્યું. શરીરમાંથી લોહી બહુ વહી ગયું છે. દીચરીઓનું કુણ એ ચિંતા સાથે એણે જાતને સંભાળી. બીજી પળે ‘ઓય માડી રે-‘ની ચીસ સાથે બાળજન્મ થઈ ગયો. ‘અલી સીપ – મીણાએ માનો રઘવાટ જાણ્યો. વીજળીવેગે છીપર આપી. સોમલીએ નાળછેદન કર્યું. પાછી પટકાઈ. ‘મુઈ ગધેરી, ઈને ઊંંધુ કરીને ટપકાર્ય, રોતું નથ.’

મીણા પીંડને અવળો કરી બરડામાં ધબ ધબ મારવા લાગી, બીજી પળે ઊંવા ઊંવાના તીણા સાદથી દિશાઓ ભરાઈ ગઈ. નવસર્જનની ખુશીમાં પ્રકૃતિએ સંધિકાળને પૂરેપૂરો પારદર્શી બનાવી દીધો. ઝાડી, ઝાંખરા, વૃક્ષો, હાઈવે પરની ચહલપહલ આછા તેજે ઝળહળ ઝળહળ.

‘મીણા, પરથમ ઈ તો કે, દીચરો કે દીચરી? મારી જોબ્બાની હેંમત નૈઈ હાલતી.’

મીણા મુંઝાઈ, લોચાને ચીંથરાથી સાફ કરતી, જવાબ ન આપી શકી.’

‘અલી, હાંભરતી નથી? મોંમાં મગ ઓર્યાસ?’

‘પન અમુને ચ્યમ ખબર્ય પરે કે આ ભાઈલો સે કે બુન સે?’ મીણાને બદલે રાધીએ જવાબ આપ્યો.

‘ગાંગલી નૈઈ તો! બે પગ વચાળે લોચો હોય તો ભઈલો જાણ્ય.’

રાધીએ માના કીધા ભેગું પીંડનો પગ ઊંચો કર્યો ને જોતી રહી.

‘છી! ગોબરું કે’વાય, આમ કરાતું હૈશે? મીણા શરમાઈ.

‘પન મારે જાણવું સે કે ભઈલો સે કે તારી રખ્ખી નીંભર બુન સે?’

બંને બહેનોએ સાથે મળીને બહેન છે કે ભાઈની જાતતપાસ શરૂ કરી. રાધી તાલી પાડતા બોલી.. ‘મા, લોચો.. લોચો, આ તો ભઈલો સે, મીણા માના પેટમાં લપસણી હૈસે ભઈલો સરરર સટ કરતો બા’ર. ઝેંણ વાગે ઝેંણ.’

સંધ્યા નવજાત બ્રહ્મઅંશનું સ્વાગત કરવા એને રંગોથી વધાવતી ઊભી છે. ઘડી ધણીને ભાંડતી, ઘડીક દીકરીઓને ધમકાવતી સોમલી ‘દીચરો આયો’ – ની વધામણી હૈયે ઝીલતી ઊર્જાવાન, ક્રાંતિવાન બની ગઈ છે. એણે અંગો સંકોર્યા. પીઠ વાળી કાયા લૂછી. શિશુને હાથમાં લઈ ઊભી થઈ. બાળક માના મેલાદાટ છાયલ તળે ઢબુરાયું. સોમલી આગળ અને પાછળ દીકરીઓ ચાલી. સોમલીનો બબડાટ શરૂ થયો, ‘આ ટાણાસર ધણી નો આયવો, ને ટાણાસર મોટર નો મળી, ટાણાસર ટીંબે નો પોંગ્યા. પન પીટ્યા દીચરાને દી’વાર, ચોઘડિયાં લૈઈને ટાણાસર જલમવું જ ઊતું.. એનું હું? રામધણીના દરબારે હંધુય ટાણાસર થાય, મીણા!

‘માડી, આ હાંકરી જગામાં મામાનો છકરો આવહે? ભટભટીયાવારાએ મામાને મુબાઈલ માયરો’તો હોં! મીં દેખ્યું તું.’

‘મામા નક્કી આવહે કે આવ્યા જાણ્ય. ઈની પાહે મુબાઈલ સે. સેલ્લી વાર ઘિરે આઈવા તીયારે કેતા’તા તમુને ભઈલો આવહે તો ચાંદીની જણસ પાક્કી. ઉં તો જૈઈને કે’વાની જણસ નૈઈ, મુબાઈલ ખપે. મુનેય મારગ વચાળે માની જ્યમ કષ્ટી પડી.. દીચરો આબ્બાનો થાય તો ઉં હંધાયને ભટભટીયાવારાએ’ મામાને મુબાઈલ કયરો ત્યમ મુબાઈલ ઠપકારી દઉં હોં!’

રાધીની વાતે સોમલી હસી પડી. હસતાં હસતાં, પછી નવજાત શિશુને જોતાં જોતાં આગળ ચાલી. પાછળ મીણા છે. એની જમણી કોર માની ઓઢણી ઝાલી જીવનમાં છલોછલ આનંદ-શ્રદ્ધાને સીંચતી રાધી ચાલતી થઈ. સામેથી જરા આઘે લાઈટ જોઈ રાધી રાજીપાથી બોલી ઊઠી, ‘મા, મા, નક્કી એ મામાનો છકરો. આપનને લેવા હાટુ આયવો લાગે સે.’

હરખમાં રાધી નાચતી નાચતી ગાવા લાગી, ‘ઝેંણ વાગે ઝેંણ મેહુલ્યો ગાજે સે, મારે આંગર મોરલિયો, નૈઈ નૈઈ ભઈલો નાચે સે.’

– દીના પંડ્યા


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 thoughts on “ઓહવાટ – દીના પંડ્યા (કેતન મુન્શી વાર્તાસ્પર્ધા ૨ માં પ્રથમ આવેલ વાર્તા)

 • Umakant V.Mehta.(New jersey)

  જનની ની જોડ સખી નહિં જડે રે લોલ !સુંદર હ્રદય સ્પર્શી વાર્તા.ખરેખર વાર્તા સ્પર્ધાને લાયક. રચયિતાને તથા વાર્તાના નિર્ણાયકોને ધન્યવાદ સાથે અભિનંદન.
  ઉમાકાન્ત વિ.મહેતા (ન્યુ જર્સી)

 • jagdish

  what a excellent story..
  I could not wait to finish story and waiting to know the end.
  What a superb character of RADHA. Innocence and cute…
  many congratulations for such great story.

  keep it up.

 • Sanjay Pandya

  ખરેખર રસપ્રદ શૈલી …દીકરા જ જન્મે એ માટે પતિ અને સાસુની વાહિયાત જીદની સામે એક માતાના હ્રુદયના ભાવ તળપદી આખી ભાષામાં ઉજાગર થાય છે .નાની દીકરીઓ સાથેના સંવાદમાં સ્નેહ , સામાજિક વિષમતા, આર્થિક સંઘર્ષ તથા બાળ જન્મ સુધી દીકરીઓ પાસે કામ કઢાવવાની માની કાબેલિયત આલેખવામાં દીનાબેન સફળ રહ્યાં છે . વિષયવસ્તુ , શૈલી , પાત્રાલેખન , સંવાદ બધું જ ઉત્તમ ..
  મજા પડી !!

 • vidyut

  વાહ….!!!! શુ સુદર…!!! સ્ત્રીની… હિમત, દરિયાવ દિલ, અને સમતા સમજનુ હ્રુદયસ્પર્શી પ્રાગટ્ય.. ધન્યવાદ -વિદ્યુત ઓઝા