શકુનીની રોજનીશી (ભાગ ૧૧) કોણ બનશે શતકોટીપતિ ? – જીજ્ઞેશ અધ્યારૂ 2


રીયાલીટી ટીવી શો નું વિશ્વ અજબ છે.. અમે બનાવેલ લાક્ષાગૃહને પણ આંટી મારે એવા ભવ્ય પણ હંગામી સેટ્સ પાછળ લોકો કરોડો ખર્ચે છે. એક એક સીરીયલના ચાર-પાંચ કરોડના સેટ હોય છે અને એ જોવાવાળા ભાડાનાં ઘરોમાં બેસીને તેમની કમઅક્કલ નકલ કરવાના તુક્કા લડાવ્યા કરે છે. સીરીયલમાં વપરાતી વસ્તુઓનો ક્રેઝ ગાંડપણની હદ સુધી વિસ્તરે છે તો એની ઉજાણી, પ્રસંગો, ઘટનાઓ અને સ્ટાઈલની કૉપી કરતા લોકો જોવા મળે છે. આવા જ એક રીયાલીટી ગેમ શોનું આયોજન વૈકલ્પિક દૂરદર્શિતા ટોની ટીવી પર પ્રસ્તુત કરવા માટે થયેલું, અને તે – કોણ બનશે શતકોટીપતિ ? – નો એક વિશેષ અંકમાં મને એઝ અ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે રમવા માટે આમંત્રિત કરવામાં આવેલો. શોના સંચાલક બમિતાભ અચ્ચન અને રમત સાથેનો મારો અનુભવ…

આમ તો શતકોટીપતિ રમવા માટે ફોન – એસએમએસનો મારો સતત કર્યા કરવો પડે છે, શતાધિસહસ્ત્રોમાં એક જેટલી શક્યતા રહે છે કે તમે ગરમાસન સુધી પહોંચી શકો. પણ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે મને રમવા બોલાવાયો હતો, યુ નો… ગાંધારના યુવરાજકુમારના આવવાથી શો ના ટી.આર.પી ઉંચકાશે એવી આશાથી મારી આ રમત રમવાની જાહેરાત કરવામાં આવી. હું રમું એ દિવસનો એપિસોડ પ્રસારીત કરવાની જાહેરાત મહીના પહેલાથી શરૂ થઈ ગઈ, મોટા હોર્ડિંગ્સ અમે ગાંધાર મહાનગરપાલિકાની પરવાનગી વગર મૂકાવ્યા, યુ નો… એફ એમ રેડીઓ ચેનલ ૪૨.૧ પર જાહેરાતોનો મારો ચલાવાયો, ખનિજતેલની ઉપપેદાશ વડે ચાલતા અભિયાંત્રિક ત્રિચક્રી ચતુર્સવાર વાહનોના પૃષ્ઠ ભાગ પર જાહેરાતો લગાડાઈ. આમ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. શો ના રેકોર્ડિંગ વખતે શું થયું એ મેં કોઈને પણ કહ્યું નહીં જેથી ઉત્સુકતા વધી શકે. યુ નો…

પ્રસારણના દિવસે શોના બે-ત્રણ કલાક પહેલાથી રસ્તાઓ સૂમસામ થઈ ગયા, દુકાનો બંધ થઈ ગઈ, ચારેય તરફ જાણે કોણ બનશે શતકોટિપતિનો ડંકો વાગી રહ્યો. (જો કે શો પત્યા પછી ખબર પડેલી કે એ દિવસે થયેલા તોફાનો ને લીધે સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાગ્યો હતો અને વીજકાપ પણ મૂકાયો હતો.)

શો શરૂ થયો એ સાથે બમિતાભભાઈએ મારા માટે મારા એક સહ્રદય ફેન દ્વારા લખાયેલી કવિતા વાંચી (જે ખરેખર રાજમહેલમાંથી જ પોસ્ટ થયેલી!) આખી તો મને યાદ નથી પણ શબ્દો કાંઈક આમ હતા..

ગાંધારની શાન શકુનિ..
હસ્તિપુરની જાન શકુનિ…. યો યો શકુનિ, હો હો શકુનિ..
દ્યુતની પહેચાન શકુનિ..
અઠંગ વિદ્વાન શકુનિ…. યો યો શકુનિ, હો હો શકુનિ..

તાળીઓનો ગડગડાટ થવાને બદલે છૂટ્ટાં છવાયાં ફોરાં થયાં એટલે “ક્લેપ” નું સ્ક્રોલ ઑડીયન્સ માટે બે ત્રણ વખત ફેરવવું પડેલું. બમિતાભજીએ મારી ઓળખાણ આપી અને ત્યારબાદ પહેલા પ્રશ્ન તરફ વધ્યા..

પહેલા પ્રશ્નમાં તેમણૅ પૂછ્યું, ‘દ્યુત શેનાથી રમાય છે?’ વિકલ્પો હતા લખોટી, ગિલ્લી, પાસા અને બેટ
મને, શકુનિને આવો સવાલ? મેં પાસા પર તાળું મરાવ્યું, જવાબ સાચો પડ્યો અને તાળીઓના મલ્ટિપલ સ્ક્રોલ ફરવા લાગ્યા છતાંય થોડાંક તાલબદ્ધ તાલી ફોરાં વચ્ચે હું સહસ્ત્ર કાષાર્પણ જીતી ગયો.

બીજો પ્રશ્ન આવ્યો, ‘ધૃતરાષ્ટ્રના ૧૦૨ ક્રમના સંતાનનું નામ શું છે?’
મેં તરત જવાબ ન આપ્યો યુ નો… કારણ કે ભગિનિ ગાંધારીના સંતાન સિવાયનાને હું યુવરાજકુમાર ગણતો જ નહીં, પણ જીજાશ્રીની એક સેવિકા સુઘદા સાથેની સુંવાળી મતિએ તેમને ૧૦૦ પુત્રો અને ૧ પુત્રી સિવાય પણ એક સંતાન થયું હતું, યુ નો… ઉત્તરના વિકલ્પો હતા દુઃશાસન, વિકર્ણ, ચિત્રાક્ષ અને યુયુત્સુ.
મેં યુયુત્સુ પર તાળુ મરાવ્યું, મારું ચાલે તો ખરેખર તેને તાળુ મરાવું, જવાબ સાચો પડ્યો અને હું દ્વિસહસ્ત્ર કાષાર્પણ જીત્યો.
આ સવાલે મને નિભ્રાંત કરી મૂક્યો. અણગમતી વાત થઈ હોય એમ મારુ મોં બગડેલું જોઈ બમિતાભે વિજ્ઞાપન માટેની સમયાવધિ ઘોષિત કરી.

વચ્ચે મેં જ્યૂસ પીધું, સમયાંતર પછી ફરી આવ્યા ત્યારે ત્રીજો પ્રશ્ન તૈયાર હતો, ‘વૈશાલીનું સામ્રાજ્ય કઈ રાજકીય વ્યવસ્થાથી ચાલે છે?’ વિકલ્પો હતા ગણતાંત્રિક, રાજાશાહી, આપખુદશાહી અને એકપક્ષસત્તાશાહી
ઉત્તર મને જ્ઞાત નહોતો, મેં વિચાર કરી જોયો, વૈશાલીના રાજાનું નામ મને યાદ ન આવ્યું, એ વિશે મેં ક્યાંક સાંભળ્યુ હતું યુ નો… પણ હું ચોક્કસ નહોતો એટલે મેં ‘મિત્રને દૂરભાષ દ્વારા સંપર્ક કરો’ વાળો વિકલ્પ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું, અને વત્સ કર્ણને ફોન લગાડવામાં આવ્યો. આવી બાબતો તેને જ જ્ઞાત રહેતી, અમને એવા સા.બુમાં રસ નહોતો.
કર્ણના ઘરે વૃષાલીએ ફોન ઉંચક્યો, સંવાદ આ મુજબ થયો
વૃ. – હલો
બઅ. – હલો હું બમિતાભ અચ્ચન બોલું છું કોણ બનશે શતકોટિપતિમાંથી
વૃ. – આર્યપુત્ર અભી ઘેરહાજર નહીં હૈ, જૌનકો શતકોટિપતિ બનના હો સૌનકો ચંપા નદીકે તટ પર આર્યપુત્ર સૂર્યસ્નાન કોર રહે હોંગે, ઉધર ભેજ દો, અભી ઉનકા દોન દેનેકા સમય હુઆ હૈ…
આમ કહેતા ફોન મૂકાઈ જાય એ પહેલા મેં દોર હાથમાં લીધો, ‘વૃષાલી વત્સ, હું શકુનિ બોલું છું, હું એઝ અ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ રમું છું યુ નો… અને એક વ્યાધિના ઉત્તર માટે વત્સ અંગરાજનું કામ હતું.
વૃ. – ઓહ, પ્રોનામ્ શકુનિદા, નોમોસ્કાર, આર્યપુત્ર તો ઉપલબ્ધ નહીં હૈ, જે હોમ તુમ્હારા કૈસે મોડડ કોર સોક્તા હે?
મેં કહ્યું, તું વત્સ બમિતાભે મને પૂછ્યો છે એ સવાલનો જવાબ આપવાનો ટ્રાય કર..
હવે બમિતાભે કહ્યું, ‘વૃષાલીજી, આપકે કઝિન દેવર્સ કે રીયલ મામાસસુર શકુનિજી હમારે સામને આજ…
વૃ. – હોમકો વો સબ બેકગ્રાઉન્ડ પોતા હૈ, ટુમ અપના બોલો…’
મેં કહ્યું ‘વૈશાલીનું સામ્રાજ્ય કઈ રાજકીય વ્યવસ્થાથી ચાલે છે?’ વિકલ્પો છે ગણતાંત્રિક, રાજાશાહી, આપખુદશાહી અને એકપક્ષસત્તાશાહી,
વૃ. – ‘ઓરે ભોગબાન, બૈશાલીમેં ગણતાંત્રિક વ્યવસ્થા આછે. જે તુમી શોક્તિ બોઘા આછે.’
બમિતાભ કે હું ‘આર યૂ શ્યોર..’ પૂછીએ એ પહેલા તો તેણે ફોન મૂકી પણ દીધો. આખરે મેં તેના જવાબ સાથે જવાની વાત કહી એટલે ગણતંત્રને લોક કરવામાં આવ્યું, જે સાચું પડ્યું અને હું પાંચસહસ્ત્ર કાષાર્પણ જીત્યો.

ચોથો સવાલ હતો થોડોક મૂંઝારા જેવો, ‘ગાંધારમાં સર્વિસ ટેક્સ કેટલા ટકા છે?’ સવાલ પૂછીને બમિતાભ અટક્યો, એ કહે, ‘તમને તો ખબર જ હશે, તમે સંથાગારમાં છો ને?’
હું ઘણાં લાંબા સમયથી સંથાગારમાં ગયો નહોતો, વળી આવા કોઈ ટેક્સ મેં કદી ચૂકવ્યા નથી એટલે મને જેન્યુઇનલી ખ્યાલ નહોતો. એણે વિકલ્પો આપ્યા ૧૦%, ૧૨.૩૬%, ૧૪% કે ૧૭%
મેં તરત જ પબ્લિક ઓપિનિયન લેવાનો વિકલ્પ પસંદ કર્યો જેમાં લોકોએ ૧૪% ને ૯૯% વોટ આપ્યા એટલે એ જવાબને તાળુ મરાવ્યું અને એ સાચો પડ્યો, હું દસ સહસ્ત્ર કાષાર્પણ જીત્યો.

હવે ફરીથી એક બ્રેક લેવાયો, પાછા આવ્યા ત્યાં સુધીમાં મેં બમિતાભને આગળના સવાલોની હિન્ટ આપવા વિનંતિ કરી પણ એ ‘આંય….’ બોલી રહ્યો ત્યાં બ્રેક પતી ગયો.

આગળનો પ્રશ્ન હતો, ‘મગધ સમ્રાટના મહામંત્રી શકટારનો મોટો પુત્ર સ્થૂલભદ્ર કોના પ્રેમમાં છે?’ વિકલ્પો હતા રાજકુમારી, રાજનર્તકી, મિસ મગધ કે રાજનટી
મને સ્થૂલભદ્રનું લેટેસ્ટ સ્ટેટસ અપડેટ મળ્યું નહોતું એટલે આ પ્રશ્નનો જવાબ પણ હું આપી શકું એમ નહોતો. ટ્વિટર પર એને ફોલો કરવો જોઈશે.. મેં ત્રીજો અને અંતિમ વિકલ્પ ૫૦ – ૫૦ ઉપયોગમાં લીધો. રાજકુમારી અને મિસ મગધ નીકળી ગયા અને બચ્યા ફક્ત રાજનર્તકી અને રાજનટી. રાજનટી કામુક્તા બર્મા ‘મગધ મીડીએટર્સ’ના સ્ફોટક ખેલાડી વિનાશ ખોપડી સાથે ‘ટચ’ માં હોવાની વાતો સાંભળી હતી એટલે મેં રાજનર્તકી કોસા પર તાળુ મરાવ્યું અને એ ઉત્તર પણ સાચો પડ્યો. બમિતાભે જણાવ્યું કે રાજનર્તકી કોસા શકટાર પુત્ર સ્થૂલભદ્ર પ્રથમ મિલને જ પ્રણયાલિંગને બંધાયા હતા અને તેમના અભિયાંત્રિક વાયુરથ વિરામસ્થળ પરના અનેક પાપરાઝીઓએ પાડેલ ચિત્રો ચમક્યા કરતા હતા, જો કે હવે તેઓ બંને એક સાથે રહેવાના સંબંધે બંધાયેલા છે. આમ હું વીસ સહસ્ત્ર કાષાર્પણ જીત્યો.

તરત નવો સવાલ આવ્યો, ‘હસ્તિનાપુર પ્રીમીયર લીગ’માં ઉતરેલી ‘પરફેક્ટ પાંડવાઝ’ ને નામે એચ.પી.એલમાં કેટલા મહત્તમ રન બનાવવાનો રેકોર્ડ છે? વિકલ્પો હતા ૫૩૦, ૩૫૦, ૨૮૦ અને ૪૨૦. અનેક વિચારોને અંતે મેં ૪૨૦ કહ્યું, પણ બમિતાભભાઈએ જેવું તાળું માર્યું કે ચાવી ખોટી નીકળી, રેકોર્ડ હતો ૫૩૦નો. આમ હું ફક્ત વીસ સહસ્ત્ર કાષાર્પણ સુધી જ રહ્યો. એ મેં મારા જ એનજીઓ ગાંધાર ઇન્ટરનેશનલ ડાઈસ ગેમિંગ અસોશિએશનને દાનમાં આપ્યા.

છાપાંઓએ મારા અધૂરા સામાન્ય જ્ઞાન અને ઓછી ચતુરાઈની વાતો ચગાવી, મજાક પણ બનાવી પરંતુ તેથી શું! સહસ્ત્રશતકોટિપતિ તો હું જન્મથી જ છું. આવા ખેલ તો ક્ષૂદ્ર અને સ્તરની નીચેના લોકોને જ ખુશી આપી શકે એમ મારું માનવું છે. વત્સ દુર્યોધનના મતે મેં આ રમતમાં ભાગ લઈ મારા સ્ટાન્ડર્ડને નીચું કર્યું છે. વત્સ દુર્યોધન બીજા સાત કૌરવો સાથે ‘ખતરોંકી બિલાડી’ રમવા જવાનો છે.. તો આ રિપોર્ટ અહીં જ પૂર્ણ. આજકાલ લખવા જેવી ઘટનાઓ જૂજ બને છે, એટલે ઓછું લખાય છે! પણ પાંડવો અને કૌરવોની ઇર્ષ્યા જોતા બહુ વખત શાંતિ રહે એમ લાગતું નથી.

શુભમ અસ્તુ..

– શકુનીજી

મને મળેલી (અને મારા કૉપીરાઈટ વાળી) શકુનીજીની રોજનીશી વિશે તો આપ સૌને જાણ છે જ! એ સમયમાં પણ ‘કોણ બનશે શતકોટીપતિ ?’ રમાતું અને ગાંધારની વૈકલ્પિક દૂરદર્શિતા ટોની ટીવી પર પ્રસારિત થતું. બમિતાભ અચ્ચન સાથે તેમણે રમેલી એ જ રમત વિશેનો શકુનીજીનો વૃતાંત આજે પ્રસ્તુત કર્યો છે. મહત્વ ઘટના કે રમતનું નથી, એ રમતની પાછળ શકુનીજીની મંશા અને તેના પરિણામ વિશેનું છે. આશા છે શકુનીજીને આપનો પ્રેમ મળતો રહેશે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૧) કોણ બનશે શતકોટીપતિ ? – જીજ્ઞેશ અધ્યારૂ