સાહેબ, મને ભૂત દેખાય છે.. (વાર્તા) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 20


“And the paramount award for the outstanding research in parapsychology goes to Dr. Sitanshu Vora” ૨૪ કલાક પહેલા બોલાયેલ આ શબ્દો ફરી એક વખત ડો. વોરાને મનમાં સંભળાયા.

“સિત, આ એવોર્ડ અને સર્ટિફિકેટને ક્યાં મૂકીશું? મારી ઇચ્છા તો ડ્રોઇગરૂમમાં એના માટે સ્પેશિયલ જગ્યા બનાવવાની છે. તને શું લાગે છે? કે પછી ક્લિનિક લઇ જઈશ એને?” નિત્યાનો આનંદ સમાતો ન હતો.

“જાડુ (વ્હાલથી નિત્યાની કમર પર હાથ વીંટાળી તે બોલ્યો) Certificate means document testifying to the truth of something જે મારા વિષે સનાતન સત્ય છે તે છે મારું સર્ટિફિકેટ. હું વિચારું છું કે એને આપણી બાથરૂમની દિવાલ ઉપર લગાડું કારણ કે એ એકજ એવી જગ્યા છે જ્યાં હું સંપૂર્ણપણે નગ્ન થઇ શકું છું. મારા વિષેનું સર્ટિફિકેટ ત્યાં જ શોભે જ્યાં હું સંપૂર્ણપણે ‘હું’ હોઉં.

“સિત, સાચું કહું? હું ગાંડી થઇ ગઇ છું. I need a good psychologist. એક psychologistની પત્નીએ હંમેશા બીજા કોઇ psychologistને વખતોવખત બતાવવું જોઇએ… છે કોઇ ધ્યાનમાં ?”

“ડો.સિતાંશું વોરા, પેરામાઉન્ટ ડોક્ટર પેનલ રિસર્ચ એવોર્ડ વિજેતા, ૨૭, ઇગલ વ્યુ બિલ્ડિંગ, સી.જી રોડ, અમદાવાદ. હમણાં ૪ મહિના સુધીની અપોઇન્ટમેન્ટ ફિક્સ્ડ છે. એટલે પછી આવજો, જોઈશું. મગજની બધી બીમારીનો સંપૂર્ણ ઇલાજ. ઢેન ટે નેન..”

પત્નીને વહાલ કરીને ડો. વોરા પોતાના ઘરની બહાર નીકળી ગાડીમાં બેસવા જાય છે ત્યાં જ એક વ્યક્તિ તેમની સામે આવીને કહે, “હલ્લો ડોક્ટર, કેમ છો? Congratulations for the award..”

ડોક્ટર તેને ઓળખવાનો પ્રયત્ન કરતા આંખ ઝીણી કરીને થેન્ક યુ કહેવા જાય ત્યાં જ એ માણસ પોતાના ખીસ્સામાંથી રિવોલ્વર કાઢીને ડૉકટર પર ગોળી ચલાવે છે. અચાનક થયેલ હુમલાથી હેબતાઈ ગયેલા સિતાંશુની આંખ સામે આજથી થોડા વર્ષો પહેલાનું એક દ્રશ્ય તરી આવે છે.

“સાહેબ મારા દીકરાને બચાવી લો. એ લગભગ ગાંડો થઇ ગયો છે. તમને બે હાથ જોડું છું. કંઇ કરો સાહેબ કંઇ કરો..” રતનકાકા બે હાથ જોડીને સિતાંશુના પગે પડવાની જ તૈયારીમાં હતા.

“જુઓ કાકા, એ તો મારી ફરજ છે. પણ વૈભવના કેસમાં મારે થોડો સમય જોઇશે” કાચની કેબિનની બીજી બાજુ બેઠેલ એક નવજુવાન તરફ એકીટશે જોતા ડો.વોરા બોલ્યા.

લગભગ ૮૦ વર્ષના રતનકાકાના બા એ ડો. વોરાને જરા જોરથી અરજ કરી, “ભઇ દાકતર, હું તો કહું છું, મારો દિકરો ગાંડો નથ. ઇ ને હાચે હાચ ભૂતડા દેખાતા હશે તંઇ આટલી બધી રાડ્યું નાખે છે ને આ મારો રતન અને તું કાંઇ હમજતા નથ. ઇને હોસ્પિટલમાંથી રજા આલ. કાલે ચીમડયાવાળી વાવે ભુવા પાંહે લઇ જવું તો એક ‘દિ માં હાજો થઇ જાય મારો છોકરો.”
“જુઓ બા, વૈભવનું કહેવું છે કે એને ચારે તરફ મરેલા માણસો દેખાય છે. એ અમારી મેડિકલની ભાષામાં રોગ જ કહેવાય અને હું તમને ખાતરી આપું છું કે તમારા વૈભવને હું સાજો કરીને મોકલીશ અને સાજો ન થાય તો એને અને મને બન્નેને ભુવા પાસે લઇ જજો, બસ!” સિતાંશુએ નિખાલસતાથી ડોશીને સમજાવ્યા.

એ દિવસથી વૈભવ, ડો. વોરા માટે એક રિસર્ચનો વિષય બની ગયો. નાનકડા ગામડામાં મોટો થયેલો વૈભવ આખી યુનિવર્સિટી માં એમ.કોમમાં પ્રથમ આવે પણ અચાનક જ સુન્ન થઇ જાય, એનો દાવો હતો કે એને આસપાસ મરેલા માણસો દેખાય છે. એ એમની સાથે વાતો કરે છે. સતત ૬ મહિનાથી અનેક ડોક્ટરોને બતાવ્યા પછી આ કેસ સિતાંશુ પાસે આવેલો. વૈભવની માંદગી એ ડો. વોરા માટે એક ચેલેન્જ હતી.

“સર, તમે સમજતા કેમ નથી. I can see the ghosts. ઉઠતા, બેસતા, ચાલતા, ફરતા. In fact અત્યારે આ રૂમમાં પણ આપણે બન્ને સિવાય ત્રીજી વ્યક્તિ પણ છે.” વૈભવે લાલઘૂમ આંખો વડે ખૂણાની બારી પાસે ત્રાટકતા કહ્યું.

“ઓહ, એમ! સરસ.. અને કોણ છે એ?” ડો. વોરાએ એકીટશે વૈભવની આંખમાં જોઈ રહેતા કહ્યું.

બે મિનિટ સુધી બારી તરફ જોઇને એ બોલ્યો “એનું નામ કાન્તા છે. કહે છે કે આ બિલ્ડિંગ બનતું હતું ત્યારે એ આ બારીમાંથી કામ કરતા કરતા પડી ગયેલી. ત્યારથી એ અહીં જ છે.”
“ગુડ, છાપું વાંચવું અને એની ખબરોને લાંબા ગાળા સુધી યાદ રાખવી એ પણ એક કળા છે હોં વૈભવ.. આ સમાચાર એ વખતે ન્યુઝ પેપરમાં ખૂબ ગાજ્યા હતા. ગુડ કે તને નામ સાથે યાદ છે. બાકી ભૂત જેવું કંઇ જ હોતું નથી” ડો. વોરા શાંત ચિત્તે બોલ્યા.

“ભૂત હોય છે.. અને આ બધી વાતો મને યાદ નથી. મને આ કાન્તા જ અત્યારે કહી રહી છે. તમે સમજતા કેમ નથી?” ખૂબ જ મોટા અવાજે ચીસ પાડીને વૈભવે પોતાની અકળામણ રજૂ કરી. સિતાંશુએ આ જોઇ તરતજ એને ટ્રાન્કવિલાઇઝર ઇન્જેકશન આપ્યું અને વૈભવ બેભાન થઇ ગયો.

વૈભવની ટ્રીન્ટમેન્ટ લગભગ બે મહીના ચાલી. ડો. વોરાના મતે એ હેલ્યુઝીનેશનનો કેસ હતો. સામે છેડે વૈભવ સતત એમ જ કહેતો કે એને ચોતરફ મરેલ વ્યક્તિઓના ભૂત દેખાયા કરે છે. હવે તો ઇન્જેકશન્સની સાથે સાથે વૈભવને રોજ અનેક ઇલેક્ટ્રીકના શૉક પણ આપવામાં આવતા. સ્થિતિમાં કોઇ જ ફરક પડતો ન હતો. વૈભવ ગાંડાની જેમ હાથ જોડીને સતત બોલતો હતો કે ડોક્ટર સાહેબ મને ખરેખર ભૂત દેખાય છે આ ફરિયાદ સિવાય તે બૌદ્ધિક અને શારીરિક રીતે એકદમ તંદુરસ્ત હતો.

બે મહિના પછી એક દિવસે ખબર નહીં અચાનક જ વૈભવે ડોક્ટર સામે સ્વીકારી લીધું કે તે ગપ્પાં મારી રહ્યો હતો. એને ભૂતપ્રેત કે કોઇ મરેલા માણસો દેખાતા ન હતા. કદાચ એ ગપ્પું ધીમે ધીમે એના માટે એક માન્યતા થઇ ગઇ હતી. ડૉકટરની દવાઓ અને ટ્રીટમેન્ટથી હવે એ તદ્દન સારો થઇ ગયો છે.

વૈભવના આખા કુટુંબે ડો. વોરાનો ખાસ આભાર માન્યો હતો. રતનકાકાના ઘરડા બાએ તો સિતાંશુના બે હાથે ઓવારણાં લીધા હતા અને આ ઉંમરે માન્યું કે ભૂતબૂત જેવું કંઇ હોય નહી.
વર્ષો વીતતા ગયા. વૈભવ જેવા અનેક મનોરોગીઓને દર્દમાંથી સાજા કરીને દિવસે દિવસે સિતાંશુ એક પ્રખ્યાત ડોક્ટર તરીકે સમગ્ર ભારતમાં તરી આવ્યો. એના રિસર્ચ પેપર ભારતમાંજ નહીં, વિદેશોમાં પણ પ્રદર્શિત થતા ગયા અને સમય આવ્યો કે પેરામાઉન્ટ રિસર્ચ નો સૌથી પ્રખ્યાત એવોર્ડ ડો. સિતાંશુ વોરાને ફાળે આવ્યો. ગઇકાલે જ રાષ્ટ્રપતિના હાથે એ સન્માનિત થયો હતો.
છેલ્લા ૨૪ કલાક આનંદ અને ઉત્સાહમાં પરિપૂર્ણ થયા. આજે પત્નીને વહાલ કરીને ડો. વોરા પોતાના ઘરની બહાર નીકળી ગાડીમાં બેસવા ગયા ત્યાં જ એક વ્યક્તિ તેમની સામે આવીને કહ્યું.
“હલ્લો ડોકટર, કેમ છો? Congretulations for award..”

ડોક્ટર તેને ઓળખવાનો પ્રયત્ન કરતા આંખ ઝીણી કરીને થેન્ક યુ કહેવા ગયા ત્યાં જ એ માણસ પોતાના ખીસ્સામાંથી રિવોલ્વોર કાઢીને ડૉકટર પર ગોળી ચલાવી. અચાનક થયેલા હુમલાથી હેબતાઈ ગયેલા સિતાંશુની આંખ સામે આજથી થોડા વર્ષો પહેલાની આ બધીજ ઘટનાઓ તરી આવી.

બીજી જ ક્ષણે સિતાંશુ પોતાની જાતને એકદમ જ હવા કરતા પણ વધુ હલકી અનુભવવા માંડ્યો. એની નજર નીચે પડી તો તે સ્તબ્ધ થઇ ગયો. પોતાના પગની પાસે એણે લોહીથી રંગાયેલ પોતાની જ લાશ જોઈ.

અચાનક એની નજર સામે રિવોલ્વોર પકડેલ વૈભવ પર પડી.

વૈભવ બોલ્યો.. ”ડોક્ટર, હું હજી તમને જોઇ શકું છું. સાહેબ મને ભૂત દેખાય છે…”

– ડૉ.હાર્દિક યાજ્ઞિક


Leave a Reply to SubodhbhaiCancel reply

20 thoughts on “સાહેબ, મને ભૂત દેખાય છે.. (વાર્તા) – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  • Subodhbhai

    ખરેખર ભુત કે એવુ કઇંક હોય છે.
    ફર્સ્ટકલાસ કંપાર્ટમેન્ટ મા માત્ર બે જ વ્યક્તિ/પ્રવાસી સફર કરી રહ્યા હોયછે.
    પહેલીવ્યક્તિ – (બીજી ને) કહે છે કે તમે ભુતપ્રેત મા માનો છો.
    બીજો પ્રવાસી કહે- ના…
    પહેલો પ્રવાસી કહે છે- હુઁ પણ નહી…..
    અને એ તરતજ અદ્રશ્ય થઇ જાયછે.
    *વર્ષો પહેલાં વાઁચેલ મીની વાર્તા*

  • Dharmesh ravaliya

    મારા વડીલો અને મિત્રો મને ટૂકી વાર્તા લખવા અને વાંચવા નો શોખ છે સાઇટ ઉપર ખોડા આતા નિ પ્રેમ કથા મસ્ત વર્તા છે

  • jesal

    Just for your information, Main hero in ‘Sixth Sense’ was a doctor and also treating that child. First time Aksharnaad e mane nirash kari.

  • Dr.Hardik Yagnik

    મિત્રોની લાગણીઓ કોમેન્ટ સ્વરુપે મળી.. ખુબ મઝા આવી .. કોઇ વાચકને કોપી લાગી હોય તો માફી પણ એક વખત્ સમજણ સાથે ફિલ્મ સિક્સ્થ સેન્સ જોઇ અને પછી કોઇજ પુર્વાગ્રહ વગર વાર્તા ફરી એક વારવાંચી જવા સાદર અનુરોધ્. કદાચ ફરિયદ નહી રહે અને કશુ નવુ મળશે..
    ડૉ.હાર્દિક

  • nirav

    yes I know there is a similar movie name sixth sense but the only similarities is that kid can see dead people there was it and the main hero neither a doctor nor treating a boy.
    I liked the twist at the end just to make Doctor believe that he can really see the ghost.

    thanks for sharing

  • Murtaza

    સીધી બાત….આ વખતે વાર્તા હાર્દિકભાઈ એ નિરાશ કર્યા. સોરી. પણ કશુંયે મૌલિક ન લાગ્યું. મૂળ વાર્તા મનોજ શ્યામલનની ફિલ્મ ‘ધ સિકસ્થ સેન્સ’ (મૂળ સ્લોગન: આઈ સી ધ ઘોસ્ટ) નો જાણે અનુવાદ.

    જો કે..ખોટું કશુય નથી. અંગ્રેજીમાં પબ્લિશ થયેલી આવી અદ’ભૂત’ વાર્તાઓ આપણી ભાષામાં જાણવા મળે તો સારું. પણ વાર્તાને અંતે ‘ક્રેડિટ સોર્સ’ મુક્યો હોત તો લેખે લાગત.

    વિદેશી ભાષાને દેશી ભાષામાં ફેરવી મુકવું એ ઇન્ફો-ટ્રેન્ડ છે.

  • Ravi AHir

    હિરલ, તારી વાત સાચી છે SIxth Senseને આ વાર્તા ઘણી મળતી આવે છે. કે પછી………

  • M.D.Gandhi, U.S.A

    સુંદર પણ કરૂણ વાર્તા……………..
    નિમિષાબેનનું સુચન સરસ છે અને અપનાવવા જેવું છે..

  • Deejay

    It’s good story but I have request to Palak Shah to mention the name of English movie as I am interested to watch it. My wife had suffered in her life and after recoupment she wrote the history of her experience.

  • Palak Shah

    I’m sorry to say but I had watched the english movie with the same story. Its just a copy of it. Story still continues. The Dr. Helps a child with the same problem without knowing he’s dead. And then he notices that he is no more. Sorry but its just a copy of the same movie

  • નિમિષા દલાલ

    ખૂબ સુન્દર વાર્તા..

    સર હું છેલ્લા ત્રણેક વર્ષથી સાહિત્યકારોનું વાર્તાલેખન માટેનું માર્ગદર્શન લઈ રહી છું.. તેમાં જાણીતા લેખકશ્રી મધુરાયજીના શિબિરમાં એક વખત જવાનું થયેલું.. એ વખતે એમણે જે માર્ગદર્શન આપેલું, આ વાર્તા વાંચી તેમાં તેમણે કહેલી બે વાત મને અહીં કહેવાનું મન થાય છે.

    ૧) તમારી વાર્તામાં કદી અંગ્રેજી વાક્યો નો પ્રયોગ ન કરવો..
    પરંતુ આજે આપણે મોર્ડન કે એજ્યુકેટેડ ફેમિલી બતાવવું હોય તો એમ કરવું આવશ્યક બને છે.. આવા સંજોગોમાં એમની બીજી વાત લાગુ કરી શકાય કે,

    ૨) જો અંગ્રેજી વાક્યોનો ઉપયોગ કરવો પડે એમ હોય તો એને ગુજરાતીમાં જ લખવું .. જેમકે “કોંગ્રેચ્યુલેશંસ ફોર એવોર્ડ”.. “આઈ કેન સી ધ ઘોસ્ટ”…..

    આમ તો આ નાના મોઢે મોટી વાત જેવું થયું પણ મને અહીં આ કહેવું જરૂરી લાગ્યું.. માફ કરજો હર્દિકભાઈ અને જિજ્ઞેશભાઈ..

    જો આ કોમેન્ટ અહીં પોસ્ટ થશે તો આપની આભારી થઈશ..

    નિમિષા દલાલ..

    • Murtaza

      નિમિષાબેન, તમારું સૂચન મજાનું છે. પણ તમે જોશો ઘણાં યુવાન લેખકો આવું ‘ગુંજરેજી’ માં વર્ષોથી લખતા આવ્યા છે.

      • નિમિષા દલાલ

        મુર્તુઝાભાઈ મેં કોઇ સૂચન નથી આપ્યું.. મેં સાહિત્યકાર મધુરાયજીની શિબિરમાં અમને માર્ગદર્શન આપેલું તેનો ઉલ્લેખ માત્ર કર્યો છે.. એ દરેક લેખકની પોતાની મરજી અને શૈલી હોય છે.. એમાં આ પ્રકારનું કોઇ સૂચન આપવું મને યોગ્ય પણ નથી લાગતું અને સાચું કહું તો મારી એટલી લાયકાત પણ નથી કે કોઇ પણ લેખકને એના લેખન માટે કોઇ સૂચન આપી શકું..