ફીનિક્સ (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – અશ્વિન ચંદારાણા 2


ઘણા બધા પ્રશ્નો, એકેયનો જવાબ નહીં!

જીવનના વિવિધ તબક્કાઓ દરમ્યાન રસ્તામાં આવેલા અનેક ત્રિભેટાઓને વ્યક્તિ કઈ રીતે ભેટે છે, આવકારે છે અને અસમંજસની એ વેળાએ ક્યા રસ્તે જવાનું પસંદ કરે એ તેના પરથી એ વ્યક્તિનું વ્યક્તિત્વ છતું થઈ જાય છે. કિસન સોસા યાદ આવે છેઃ

એવા મુકામ પર હવે પહોંચ્યો છે કાફલો,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…

કોઈપણ મહાનુભાવના વ્યક્તિચિત્રમાંથી પસાર થવાનું આવે ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થાય એ બહુ સહજ બાબત છે. અને એમાં પણ, આટઆટલાં ક્ષેત્રો મધ્યેથી પસાર થઈને આટલી સુદીર્ધ જાહેર કારકિર્દી જેણે ઉજાળી હોય એ વ્યક્તિ અંગે સો ઉપરાંત જાણીતા-અજાણ્યા મહાનુભાવોએ પોતપોતાના અંદાઝ અને અંદાજ મુજબ આળખેલાં વ્યક્તિચિત્રોમાંથી પસાર થતી વેળાએ પ્રશ્નોની એક લાંબી વણઝાર ખડી થઈ જાય છે!

શિવભાઈના મિત્રો, ચાહકો, સહકાર્યકરો, વાચકોએ પોતપોતાના દ્રષ્ટિકોણથી લખેલા આ પત્રો, સંસ્મરણો વાંચતાં તેમનું જે ચિત્ર ખડું થઈ રહ્યું છે એ અમે, હું અને મીનાક્ષી જેમને અંગત રીતે ઓળખતાં હતાં એ શિવભાઈનું નથી કદાચ!

અશ્વિન ઝિંઝુવાડિયા તો એમ લખે છે કે, “નોખી માટીના, માથાના ફરેલા તથા ખુમારી ભરેલા શિવ આચાર્ય વિશે લખવાનું આમ હાથીને સ્પર્શી અભિપ્રાય આપતા પેલા આંધળાઓની દ્રષ્ટાંતકથા જેવું છે.”

તો શું આટઆટલાં વર્ષોના અંગત પરિચયના અમારા શિવભાઈ એ ખરેખર અમારી કલ્પના માત્ર હતા? અને હકીકતના શિવકુમાર આચાર્યની ઝાંખી અહીં, આ પુસ્તકમાં આલેખાયેલાં સંસ્મરણોમાં આળખાયેલાં શબ્દચિત્રોમાંથી મેળવવાની રહી?

હજુ પણ શું રહી જાય છે એમના વિશે જાણવાનું? અમે જાણીએ છીએ તે, અને અહીં આલેખાયેલા શિવભાઈ સિવાય પણ કોઈ શિવભાઈ જીવે છે હજુ ક્યાંક કચ્છની નિષ્ઠુર રેતાળ ગલીઓમાં?

કે પછી સગપણની સળો ઉકેલતાં-ઉકેલતાં વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યાંક મિત્રો, ચાહકો, સહકાર્યકરો, વાચકોએ આલેખેલાં આ સંસ્મરણોનાં તાણાવાણાઓને ગૂંથતાં જઈશું ત્યારે છેક, કોણ જાણે ક્યારે છેક, આ શિવ આચાર્યને ઓળખી શકાશે?

અને તે છતાં પણ, સંપાદન કરવા ધાર્યું છે તો એમ ઓળખાણ સાવ રેઢી પણ મૂકી નહીં શકાય ને? એમને ઓળખવા તો પડશે જ! ઓળખાશે નહીં તો આલેખાશે કેમ કરીને!? છેવટે પ્રયત્ન તો કરવો જ પડશે. નાસ્તિક ન હોત તો કદાચ કોઈ ચમત્કાર સર્જાય તેની રાહમાં સરસ્વતીવંદના કરીને હાથમાં કલમ પકડીને પ્રેરણાની રાહ જોવાનું પ્રયોજન પણ કરી જોવત!

અહીં તો આ બધી રેખાઓને ભેગી કરીને મનમાં એક ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મહામહેનતે મળેલી એઅ આછીપાતળી જૂની તસવીર પરથી શિવભાઈની મુખરેખાઓને ઉકેલવાનો સફળ પ્રયત્ન કરી સવજીભાઈએ જેમ સુંદર રેખાચિત્ર દોરી આપ્યું તેમ કદાચ અહીં મારો પ્રયાસ સફળ થાય.

અને એ માટે સહારો લેવો છે કેટલાક પ્રશ્નોનો. એ પ્રશ્નો, જે અમારા સગપણની સળોના શિવભાઈ, અને અહીં આલેખાયેલા સંસ્મરણોના શિવભાઈને સરખાવતાં – સરખાવતાં ઊભા થયેલા છે.

સહુથી પહેલો અને બહુ જ મુદ્દાનો પ્રશ્ન અહીં ઊભો થાય એમણે સામે ચાલીને પસંદ કરેલા એ રણ તરફ જતા રસ્તાનો, કે પછી રસ્તાઓનો?

જ્યાં-જ્યાં નજર કરીએ છીએ ત્યાં ત્યાં દેખાય છે એ વાત કેમે કરીને સમજાતી નથી!

ઘણા લેખકો ફિલ્મની વાર્તાઓ લખે છે, તેમની વાર્તા ઉપરથી ફિલ્મો સર્જાય પણ છે અને સફળ પણ થાય છે. તો શું પોતાની વાર્તા પરથી ‘લાખો ફૂલાણી’ ફિલ્મ બનતી હોય ત્યારે ‘ફૂલછાબ’માંથી રજાઓ ન મળવાના કારણે રાજીનામું મૂકવાનું તેમનું પગલું વ્યાજબી ઠેરવી શકાય છે? આ વાત કોઈનાયે સંસ્મરણોમાં આ લેખાયેલ નથી. દિગંત ઓઝા, બાબુભાઈ થીબા, જીતુદાન ગઠવી જેવા એ ફિલ્મ સાથે સંકળાયેલા મિત્રોએ પોતાના સંસ્મરણમાં, અમે જે વાત જાણીએ છીએ તે તેમની પ્રતિબદ્ધતાની આ વાત એમ આલેખી નથી?

મીનાક્ષી સથેની વાતો પરથી જાણવા મળેલું કે ‘ફૂલછાબ’ના તંત્રીએ ‘બેગમ અખ્તર કોણ છે?’ કહીને બેગમ અખ્તરની મૃત્યુનોંધ પ્રથમ પાને લેવાનો વિરોધ કરતાં એવા તંત્રીના હાથ નીચે કામ કરવાને બદલે ‘ફૂલછાબ’માંથી રાજીનામું મૂકી દેવાની ઘટના પણ જાણીતી બનેલી!

‘લાખ ફૂલાણી’ જેવી સફળ ફિલ્મ પછી પણ તેમની લખેલી અન્ય ચાર ફિલ્મો આવી, અને ત્યાર બાદ તેમણે ફિલ્મોને રામરામ કર્યા. અહીં પણ જે કારણો આલેખયાં છે તે સહજ રીતે ગળે ઊતરતાં નથી. પોતાની અણછાજતી શરતે પણ વર્ષો સુધી સતત કામ મેળવતા કલાકારોની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. તો પોતાના લેખન અંગે આટલા પ્રતિબદ્ધ એવા એક લેખક શા માટે સાવ મેદાન છોડી ગયા? એ સમયના રમેશ મહેતા જેવા એમના મિત્રો અને સહલેખકો આ અંગે વધારે પ્રકાશ પાડી શકે.

એક બીજો પ્રશ્નો પણ આ સંદર્ભે ઊભો થાય છે. એમના મિત્રોના લખવા મુજબ તેઓ બહુ સારા વાર્તાકાર પણ હતા. એમણે લખેલી કેટલીયે રસપ્રદ વાર્તાઓ ચાંદની, આરામ વગેરે સામાયિકોમાં વખણાયેલી. વાર્તાઓ સિવાય તેઓ એક સમયે કાવ્યો પણ લખતા. એમના નાટ્યલેખન અંગે તો રાજેન્દ્ર શુક્લ સહિત ઘણાએ ઘણું લખ્યું છે. અને છતાંયે પોતાના કાવ્યો, વાર્તા એ નાટકોને ગ્રંથસ્થ કરવામાં તેઓ તદ્દન બેદરકાર રહે છે, અરે તેમની હસ્તપ્રતો પણ તેમણે વ્યવસ્થિત સાંચવી હોવાનું ધ્યાનમાં આવતું નથી. તેમનું એક નાટક ‘ખોરડાનું ઢાંકણ’ રેડિયો પરથી પ્રકાશિત થવું ત્યારે તેમણે તેની છપાયેલી પ્રતો વહેંચી હશે, જેની એક નકલ વર્ષોથી અને સાચવી રાખી હતી, અને અન્ય એક નાટકની ટાઈપ કરેલ પ્રત હમણાં શ્રી હસમુખ રાવળ પાસેથી પ્રાપ્ત થઈ, બસ આ બે નાટકો જ મળ્યા છે. એમણે લખેલી અને પ્રકાશિત થયેલી એઅ નવલકથા ‘કાળભૈરવ’ની પ્રત શોધવાનું કામ એમણે મને સોંપેલું. અમદાવાદ પુલ નીચેની દુનિયામાં એ પુસ્તક શોધવાના નિષ્ફળ પ્રયાસો મેં કરેલા. છપાયેલા અક્ષરની દુનિયાનો માણસ આમ પોતાના સર્જન કાર્ય અંગે આટલો બધો બેદરકાર રહે એ બીના પણ સમજાતી નથી.

તેમના ઘણા મિત્રોએ એ હકીકત પણ નોંધેલી છે, કે અખબારની દુનિયા સાથે સંપૂર્ણ વફાદારીથી સંકળાયેલા શિવભાઈ, કુટુંબ પ્રત્યે એટલા પ્રતિબદ્ધ રહી શક્યા ન હતા. આ કદાચ તેમના જીવનનું એક સૌથી કરુણ અર્ધસત્ય હતું.

વર્ષ ૨૦૦૬માં માંડવી ખાતે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાંથી પાછા વળતાં હું ભુજ ઊતર્યો હતો. શિવભાઈ ‘આજકાલ’માં છે એટલી જાણકારી માત્ર હતી. પૂછતાં-પૂછતાં ‘આજકાલ’ પ્રેસ્ર પહોંચીને શિવભાઈ વિશે પૃચ્છા કરતાં તેમનો મોબાઈલ નંબર મળતાં તેમની સાથે વાત કરી. જાણે દરરોજ મળતાં હોય એવા સહજ લહેજામાં વાત કરીને એમણે ‘આજકાલ’ ઑફિસે કલાકેક રોકાવા કહ્યું, અને છતાં સાંજના સાડાપાંચ સુધી રાહ જોઈને મારે ભુજથી વડોદરાની બસમાં તેમને મળ્યા વગર જ રવાના થઈ જવું પડ્યું! કદાચ એમને કોઈનો મોહ જ ન હતો! દીકરી નામનો ભીના-ભીના કરી મૂકતો શબ્દ પણ એમને ક્યારેય ભીંજવી શક્યો નહીં!? મીનાક્ષીને એમ હતું એ અભિયાનના ‘દીકરી વહાલનો દરિયો’ દીપોત્સવી વિશેષાંકમાં તેઓ મીનાક્ષીની ખુમારીની, કે પછી દહેજમાં કંઇ ન લીધાની વાત કરશે, કે પછી એના સાહિત્યરસની વાત કરશે. એને બદલે…. એમણે શું નું શું લખી નાંખ્યું, ત્યારે પરિસ્થિતિ સંભાળવી અઘરી બની હતી. એ સમે શિવભાઈને સમજવા બહુ જ અઘરા લાગ્યા હતા! ત્યારે પ્રશ્ન એ થાય એ આટઆટલા મિત્રોની સારસંભાળ લઈ, આટલા લોકપ્રિય થનાર શિવભાઈ પોતાની જ દીકરીની લાગણીઓને આટલી હદે કઈ રીતે ઠેસ પહોંચાડી શકે? ત્યારે ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડે એ સમયે ભાંગી પડવાના અને એ સંદર્ભે રાજકોટથી જડેશ્વર સુધીનું લગભગ સીતેરેક કિલોમીટરનું અંતર દંડવત પ્રણામ કરતાં જવાની બાધા લોહીલુહાણ અવસ્થામાં એકાધિક વખત પૂરી કરવાના દાખલા પણ મોજૂદ હોય ત્યારે કેટલાયે પ્રશ્નો અનુત્તર રહીને ઉત્તર આપી જતા જણાય છે.

આવા કેટલાક પ્રશ્નો તેમની અંગતતાની સમાંતરે પરપોટાની માફક બનતા અને ફૂટતા રહે છે; તો સામે કિનારે કેટલાક પ્રશ્નો, તેમની પ્રતિબદ્ધતા અને સામજિક નિસ્બતની સામે સમાજે તેમને ચૂકવેલ ઋણની સમાંતરે પણ સપાટી પર આવતા રહે છે. જે પરપોટા જેટલી સહજતાથી ફૂટી જતા નથી.

‘ફૂલછાબ’માંથી ‘કચ્છમિત્ર’ અને ‘કચ્છમિત્ર’માંથી પાછા ફૂલછાબમાં. આ બંને તો’જન્મભૂમિ’ જુથના જ અખબારો હતા તેથી એકમાંથી બીજામાં જવું કે પાછા આવવું એ સહજ પ્રક્રિયા હતી. પણ નિવૃતિની વય વટાવ્યા પછી ‘ફૂલછાબ’માંથી છુટા થયા પછી ફરીથી કચ્છમાં જવાનું એમણે શા માટે પસંદ કર્યું હતું? વિવિધ લેખકોના લખવા મુજબ તેમને કચ્છ સાથે ઘરોબો-પ્રેમ થઈ ગયો હતો. તો પછી એક પ્રશ્ન એ પણ થાય છે કે કચ્છ એમના પ્રેમ, એમની લાગણી, એમના ઘરોબાનો પ્રત્યુત્તર વાળવામાં કેવુંક આગળ રહ્યું હતું?

‘કચ્છમિત્ર’માં રહીને ભૂજિયો ડુંગર, કચ્છના દાણચોરો એ અન્ય અસામાજિક તત્વોનો વિરોધ, વગેરે કચ્છવિકાસના કિસ્સાઓમાં જાનની બાજી લગાવીને લોકહિત માટે લખવાના મુદ્દે નમતું ન જોખનાર શિવભાઈને ‘કચ્છમિત્ર’માંથી પાણીચું પકડાવવામાં આવ્યું ત્યારે તેની વિરુદ્ધ કચ્છમાંથી લોકજુવાળ જાગ્યાનું ક્યાંય નોંધાયું નથી!

એ જ રીતે ‘કચ્છમિત્ર’માંથી છુટા થઈને અન્ય અખબારો દ્રારા કચ્છમાં પગભર થવા મથતા શિવભાઈને મદદરૂપ થવામાં ગણ્યા-ગાંઠ્યા મિત્રોએ સહાય કરી હતી, અને તે છતાં પણ તેઓ પારકા ઓટલે ભૂખ્યા સૂતા રહેવાના દાખલા પણ નોંધાયા છે! પણ એ સમયે પણ કોઈ લોકજુવાળરૂપે ‘કચ્છભારતી’ને પગભર કરી દેવાની મદદ કચ્છની આમજનતા દ્રારા મળી હોવાનું પણ નોંધાયું નથી. આવું કેમ થયું હશે? શું કચ્છની આમ જનતા પણ પોતાના એક વખતના ‘નાયક’ માટે, અન્ય વિસ્તારોની આમજનતા જેટલી જ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ નહોતી?

અને આ બધાથી એક વેંત ઉપર રહેતો યક્ષ પ્રશ્ન.

મોટાભાગના મિત્રો જેનો આદર અને ગર્વથી ઉલ્લેખ અને સ્વીકાર કરે છે તે. ‘ધિલજી ગાલ્યું’ કોલમને ‘કચ્છમિત્ર’માં શરૂ કરવામાં શિવભાઈના હાથનો પ્રશ્ન! ભલે શિવભાઈએ ‘કચ્છમિત્ર’નું તંત્રીપદ માત્ર દોઢ વર્ષ સંભાળ્યું હોય અને ભલે ‘શિવભાઈને કચ્છમિત્રમાંથી કાઢો’ જેવા ઘા ખમીને તેમણે ‘કચ્છમિત્ર’ છોડવું પડ્યું હોય, ભલે એ પછી પણ આજે આટઆટલા વર્ષો સુધી ‘ધિલજી ગાલ્યું’ કોલમ પોતાના અને કચ્છી ભાષાના બળપર જ અવિરત ચાલતી રહી હોય; પણ એ કોલમના રજત જયંતી વર્ષની ઉજવણી ભૂજમાં થતી હોય, બસો પાનાનું પુસ્તક એ કોલમને આવરી રહ્યું હોય, અને છવ્વીસ સભ્યોની ઉજવણી સમિતિ અને સંપાદકમંડળમાં એ કોલમના લેખક સહિત કેટલાયે મહાનુભાવો અને આ પુસ્તકમાં શિવભાઈને આદર આપનાર લેખકો પણ સામેલ હોય; એ પુસ્તકના બસ્સો પાનામાં શિવભાઈનો નામોલ્લેખ પણ ટાળવામાં આવ્યો હોય, એ કેવું? અને એથી પણ કરુણાભરી વાત એ, કે એ સમયે શિવકુમાર આચાર્ય ખુદ ભુજમાં હાજર હતા અને એમને આ સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ પણ મળ્યું હતું ન હતું! મેં જોયેલા ‘અભિષેક’ કે ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકોમાં અપાયેલા આ કાર્યક્રમના અહેવાલોમાં પણ શિવભાઈનો ઉલ્લેખ ન હતો..!!!

કચ્છમાંથી પ્રગટ થતા ગુજરાતી અખબારમાં ૧૯૮૦માં શિવભાઈએ જયંતી જોષી ‘શબાબ’ના સંપાદન હેઠળ શરૂ કરાવેલી આ કોલમમાં સંપાદકે કચ્છના માણસો, ઘટનાઓ, ઈતિહાસ, ભૂગોળ, વગેરે અને અ વિષય વ્યક્તિઓ વિશે અત્યાર સુધીમાં લગભગ ૨૦૦૦ લેખો કચ્છી ભાષામાં લખી લખાવી કચ્છી ભાષા અને સંસ્કૃતિને એક બુલંદ ઊંચાઈ પર મૂકી આપી છે, ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે એ ૨૦૦૦ લેખોના લેખક- સંપાદકને ‘શિવકુમાર આચાર્ય’ નામનો હાથવગો વિષય દેખાયો જ નહીં હોય? આટલા વર્ષોમાં જયંતી જોશી ‘શબાબ’ને શિવકુમાર આચાર્ય વિશે કંઈ જ લખવાનું મન કેમ થયું નહીં હોય?

‘કચ્છમિત્ર’ના શિવભાઈના અનુગામી તંત્રી શ્રી કીર્તિ ખત્રીના જ તંત્રીપદ હેઠળ, ૨૦૦૮માં બહાર પડેલ ‘કચ્છમિત્ર’ના હીરક જયંતી વિશેષાંકમાં શ્રી બાબુલાલ ગોરે લખેલા લેખની અંદર ૧૯૫૧ થી ૨૦૦૫ સુધીની કચ્છીભાષાના વિકાસની તવારીખમાં ફળો આપનાર એકસોને પિસ્તાળીસ મહાનુભાવોની યાદીમાંયે શિવભાઈના નામનો ઉલ્લેખ નહીં! કે નહીં શ્રી બાબુલાલ ગોરના ટૂંકાને ટચ સંસ્મરણમાં આ બાબતનો ઉલ્લેખ કે કોઈ અફસોસ!

ઘાયલ યાદ આવે છેઃ

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઇમારતનો હુંય પાયો છું.

જ્યારે એક મોટો બુદ્ધિજીવી વર્ગ સામૂહિક રીતે હકીકતને છૂપાવવાની ચેષ્ટામાં રત રહીને એક આખા પ્રદેશને ગેરમાર્ગે દોરતો હોય અને સંન્નિષ્ઠને સાચી અંજલી પણ ન આપતો હોય, ત્યાં સરસ્વતી વહેવાનું છોડીને ક્ષોભની મારી રણમાં જ સમાઈ જાયને!

પ્રશ્ન એ થાય કે આવું કેમ થયું હશે? ઓઈને પણ આ બાબતનો ખુલાસો પૂછતાં એને શરતચૂક ગણાવાય છે. “સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાના છે.” (જલન માતરી)

આ સંસ્મરણગ્રંથ કરવાનું નક્કી કર્યા બાદ એક પછી એક લોકોના ફોન પર સંપર્ક કરવાનું શરૂ ક્કર્યું ત્યારે મોટાભાગના લોકોએ બહુ સું દર પ્રતિસાદ આપ્યો હતો. પણ તેમના કેટલાક મિત્રોએ માત્ર ફોન દ્રારા નહિં પણ લેખિતમાં અરજી જેવું મંગાવ્યાનું યાદ છે, જે મોકલી આપવા છતાં એ મિત્રોના સંસ્મરણો તો નથી જ મળ્યા! તો કોઈએ વળી ઓળખવાની જ ના પાડી દીધાનું એ પછી શિવભાઈનો બાયોડેટા મંગાવ્યાનું પણ સ્મરણ થાય છે.

કચ્છમાં છેલ્લે સ્થાયી થયા પહેલાં શિવભાઈને જોયાનું યાદ આવે છે. અને પછી તેમના મૃતદેહને જોતાં અવાચક થઈ જવાયું હતું. એ પછી તો કૃશ કાયામાં ‘આજકાલ’ પ્રેસની અગાસીમાં લેવાયેલ એમની તસવીરો પણ જોઈ હતી. સવાલ એ થાય છે કે શું એમની આવક એટલી ઓછી હતી કે આમ સાવ કૃશ દેહે તેમણે આમ કરવું પડે? એમની એ પરસ્થિતિની મને – અમને જાણ ન થાય એટલે જ શું તેમણે મને ‘આજકાલ’ પ્રેસ પર મળવા આવવાનું ટાળ્યું હશે કે?

ખબર નથી, પણ એમણે મને ટાળ્યો હતો એ તો નક્કી!

અને છતાં આ, અને આવા કેટલાયે પ્રશ્નો એમ ટાળ્યા ટળવાના નથી. શિવભાઈ પોતે જે રીતે ફીનિક્સ પંખીની જેમ ફરી-ફરીને ઊભા થતા રહ્યાનું આ સંસ્મરણોમાં નોંધાયું છે તેમ, આ પ્રશ્નો પણ ગમે તેટલી વાર અનુત્તર રહેવા છતાં ફરી-ફરીને સપાટી પર આવતા રહેશે. અને આ પ્રશ્નો કંઇ પાણીમાંના પરપોટા નથી એ એમ જ ફૂટી જાય!

– અશ્વિન ચંદારાણા

‘બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય પ્રકૃતિના અલગારી જીવ એવા સ્વ. શિવકુમાર ભાઈએ પત્રકારત્વ ઉપરાંત લોકસાહિત્ય, નાટ્ય, ટૂંકી વાર્તા, તેમન ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ મહત્વનું કામ કર્યું છે.’ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો જે પુસ્તકના ચોથા પાને છે એ અનોખું સ્મૃતિગ્રંથ સમું પુસ્તક ‘અહીંથી ગયા એ રણ તરફ..’ – એક મલંગ શિવ આચાર્યનાં મરશિયાં’ જે શ્રી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણાની બેલડી દ્વારા સંપાદિત થયેલું છે તેનો પ્રસ્તાવનાસમ શ્રી અશ્વિનભાઈનો આ લેખ પુસ્તક વિશેની અનેક બાબતો ઉઘાડી આપે છે. અક્ષરનાદને પુસ્તક ભેટ કરવા બદલ તેમનો આભાર.


2 thoughts on “ફીનિક્સ (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – અશ્વિન ચંદારાણા

  • Muni J Bhatt

    જે પુસ્તક નેી પ્રસ્તવના આવેી પ્રભાવક હોઇ તે પુસ્તક વાન્ચવુ જ જરુરેી લાગે તે સ્વભવિક થૈ પદે.

    આશ્વિન ભૈ અને મિનાક્ષિબેન ને હાર્દિક અભિનનદન. તેઓ બન્ને ખુબ સારા સહિત્યકાર બનેી રહ્યા.
    They both are very creative in writing proses and poems. Minaxiben also writes very sensitive gazals.
    We awaits from them”dil mange more:!!
    Muni J Bhatt,