શકુનીની રોજનીશી (ભાગ ૧૦) – મેઈક ઈન ઇન્દ્રપ્રસ્થ 6


(શકુનીજીની ડાયરીનું પૃષ્ઠ ૪૨૧)

ગત દિવસોમાં દ્રૌપદીની સાથે લગ્ન બાદ પાંડવો હસ્તિનાપુર આવ્યા એ વત્સ દુર્યોધનને ન ગમ્યું, વળી પ્રજાજનોએ તેમનું જે રીતે સ્વાગત કર્યું એ જોઈને પણ વત્સ દુર્યોધન, કર્ણ અને વત્સ દુઃશાસન ખૂબ એન્વી થયાં. દરમ્યાનમાં પાંડવોના રાજ્યમાં ભાગ માંગવાના અને જીજાશ્રીએ તેમને યોગ્ય રાજ્ય આપવાના આપેલ વચનથી એ વ્યથા વધી. દુઃશાસને તો જો જીજાશ્રી પાંડવોને હવે કોઈ વચન આપે તો ધરણા પર બેસવાની ધમકી પણ આપી દીધી.

આખરે અમે રાત્રે મીટીંગ કરી, લેન્ડ રેકોર્ડ્સ, જીડીપી ગ્રોથ, ઇન્ડસ્ટ્રીઝ, પોપ્યુલેશન, લીટરસી અને ઇવન એગ્રીકલ્ચરની રીતે હસ્તિનાપુર સ્ટેટનો સૌથી બૅકવર્ડ અને અન્ડર ડેવલપ એરીયા હતો ખાંડવપ્રસ્થ, એટલે અમે એકમતે એ એરીયા પાંડવોને ફાળવવાનું નક્કી કર્યું. રાત્રે જ જીજાશ્રીને એ બાબતની ઇન્ફોર્મેશન અપાઈ ગઈ.

એ પ્રમાણે બીજા દિવસે જીજાશ્રીએ પોતાની દરિયાદીલીનો પરિચય આપતા પાંડવોને ખાંડવપ્રસ્થ અલૉટ કર્યું છે એ વાત તેમના ખાતામાંથી સંજયે કરેલા ટ્વિટ દ્વારા જાહેર કરાઈ અને પાંડવોને તરત જ ત્યાં સેટલ થવાનું સૂચન થયું. જો કે સહદેવે ગૂગલ મેપ્સમાં એ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેને જંગલના લીલા ધાબા સિવાય કાંઈ દેખાયું નહીં, વિકિપિડીયામાં પણ એ વિશે માહિતી નહોતી. કૃષ્ણએ તેમને સૂચન કર્યું કે તેમણે વહેલી તકે ખાંડવપ્રસ્થ જવા નીકળી જવું જોઈએ. ગૂગલ નેવિગેશનમાં રસ્તો નહોતો મળતો છતાંય એક જૂના સારથીના વડપણ હેઠળ રથ તૈયાર કરાયા અને એ બધાં ત્યાં જવા નીકળ્યા. વત્સ દુર્યોધન માટે આ દિવસ બહુ લાંબા સમયે આવ્યો હતો, એટલે તેણે પાર્ટી થ્રો કરી. તે દિવસે રાત્રે અમે ખો ખો ગનીસિંહને બોલાવ્યો, ચાર બોટલ મદ્યની… આજ નીલવર્ણી છે જળ જળ જળ… અધોવસ્ત્ર નૃત્ય અધોવસ્ત્ર નૃત્ય…. જેવા અનેક ગીતો સાથે મદ્યમાં અને નૃત્યાંગનાઓમાં અમે મગ્ન થઈ ગયા. સમય પસાર થતો રહ્યો.. વત્સ દુર્યોધન, દુઃશાસન અને પચીસેક બીજા ભાણીયાઓ ગ્લાઈડિંગ અને ટ્રેકીંગ માટે ગયા અને હું પણ હસ્તિનાપુર પ્રીમીયર લીગની બીજી સીઝન માટે ગાંધાર ગ્લેડીયેટર્સની ટીમ સિલેક્ટ કરવા ગયો. મારે જમાઈ તો હતો નહીં, એટલે કોને ટીમની રિસ્પોન્સિબિલિટી આપવી અને ટીમમાં કોને સિલેક્ટ કરવા એ એક મોટી કન્ફ્યૂઝન…. ખેર..

ત્રણેક મહીને અમે બધાં હસ્તિનાપુર પાછા ફર્યા તો ઇન્ટેલીજન્સ સર્વિસે આપેલા ન્યૂઝ ડિપ્રેસીંગ હતા. પાંડવોએ ખાંડવપ્રસ્થને ઈલીગલી પચાવીને બેઠેલ તક્ષક અને મયાસુર વગેરેને મેન્યુપલેટ કરીને – ‘મનાવીને’ ખાંડવપ્રસ્થમાંથી ‘સ્માર્ટ સીટી’ ઇન્દ્રપ્રસ્થ ઍસૅપ ડૅવલપ કર્યું. અહીં હસ્તિનાપુર સરકારની એ જ યોજનાઓનો ઉપયોગ કરાયો હતો જેમાં હસ્તિનાપુર કરપ્શનને લીધે પછાત રહી ગયું હતું. ઇન્દ્રપ્રસ્થમાં ફ્રી વાઈફાઈ, બધે જ ડિસ્ટીલ્ડ ડ્રીંકીંગ વોટર, ઓનલાઈન ડૉક્યુમેન્ટેશન વ્યવસ્થા વગેરે લોકોને આકર્ષક લાગી, હસ્તિનાપુરથી ઘણાં લોકો ત્યાં રહેવા ગયા. ઇન્દ્રપ્રસ્થના ઇનોગ્રેશનની વાતો ચોતરફ ફેલાઈ ગઈ, જો જીજાશ્રી તેમાં જાય તો દુઃશાસને ધરણા પર બેસવાની ધમકી આપી.

ઇન્દ્રપ્રસ્થની ઓપનીંગ સેરેમનીમાં રાજસૂય યજ્ઞની પોતાની ઇચ્છા સાથે ઇનોગ્રલ સ્પીચમાં યુધિષ્ઠીરે એક અનોખી ‘મેઈક ઈન ઇન્દ્રપ્રસ્થ’ યોજનાની જાહેરાત કરી. મેન્યુફેક્ચરીંગ માટે સરકારી લોન અને ટેક્સફ્રી ઈનકમ જેવી અનેક વાતો હતી. ખાંડવપ્રસ્થ જંગલ હતું ત્યારે અહીં કોઈ વિકાસ નહોતો, એટલે તેને ડિમેલીશન માટે અગ્નિદેવ સાથે ઇન્દ્રના આર્કિટેક્ટ અને મયાસુરના સિવિલ એન્જીનીયરો પાસેથી પ્રોજેક્ટ્સ દ્વારા સ્માર્ટ સિટી તરીકે ડૅવલપ કર્યું. ત્યાર બાદ જીડીપી ગ્રોથ વધારવા યુધિષ્ઠીરે અન્ય રાજ્યોના કુશળ કારીગરોને ઇન્દ્રપ્રસ્થ બોલાવી પ્રોડક્શન વધારવા અને એ રીતે લોકોના જીવનને ઉંચુ લાવવા આ સ્કીમ લૉંચ કરી. આવી જ સ્કીમ જો હસ્તિનાપુરમાં લૉંચ ન કરાય તો ધરણા પર બેસવાની ધમકી વત્સ દુઃશાસને આપી.

આ પહેલા પાંડવોના ભ્રમણ દરમ્યાન વત્સ દુર્યોધને હસ્તિનાપુરમાં બલ્ક પ્રોડક્શન શરૂ કરાવેલું, ‘મેઈડ ઈન હસ્તિનાપુર’ વસ્તુઓ તકલાદી ગણાતી, એટલે તેની સામે યુધિષ્ઠીરે શરૂ કરેલું આ આયોજન વધુ નોટીસમાં આવ્યું. એક પછી એક નવી સ્કીમ લૉંચ કરતા યુધિષ્ઠીરે વાઈબ્રન્ટ ઇન્દ્રપ્રસ્થ ઇવેન્ટનું પણ આયોજન કર્યું. ડિફેન્સ મિનિસ્ટર બનેલા અર્જુનની ઇનહાઉસ ડિફેન્સ વેપન પ્રોડક્શનની યોજનાને લઈને જરાસંઘ, વત્સ દુર્યોધન, વત્સ કર્ણ અને ઇવન જીજાશ્રીને પણ સપ્લાય અને પ્રોડક્શન માટે લલચાવ્યા. કીંગ દ્રુપદ, કીંગ વાસુદેવ, કીંગ શલ્ય, કીંગ વિરાટ વગેરેને વાઈબ્રન્ટ ઇન્દ્રપ્રસ્થની અનેક શક્યતાઓ જોઈને ઇન્વેસ્ટમેન્ટમાં રસ જાગ્યો અને વારાફરથી એ બધા ઇન્દ્રપ્રસ્થ ફરી ગયા. કૃષ્ણએ મિસાઈલ પ્રોડક્શનમાં, બલરામે એગ્રીકલ્ચરમાં, મયાસુરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, કીંગ વાસુદેવે એનિમલ હસ્બન્ડરીમાં, વત્સ દુર્યોધને મદ્યઉત્પાદન માટે અને વત્સ દુઃશાસને સ્પોર્ટ્સ ડૅવલપમેન્ટમાં એમઓયુ કર્યા, બીજુ કાંઈ કરી શકે તેમ ન હોય એવા લોકોએ પણ એમઓયુ તો કર્યા જ.

ખાંડવપ્રસ્થના ગવર્મેન્ટ રેસિડન્સમાં થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે એવી વાતો પણ વહેતી થઈ છે અને ત્યાંનું લિવિંગ સ્ટાન્ડર્ડ હસ્તિનાપુરથી ખૂબ ઉંચુ છે એવી ટ્વિટ એક એન આર એચ (નૉન રેસિડન્ટ ઑફ હસ્તિનાપુર) દ્વારા થઈ છે. અને ત્યારથી જ વત્સ દુર્યોધનની એ જોવાની ઇચ્છા જોર કરી રહી છે, ઑફીશીયલ ઇન્વિટેશનની રાહ જોવાઈ રહી છે. જો ઇન્વિટેશન ન આવે તો ધરણા પર બેસવાની વત્સ દુઃશાસને ધમકી આપી છે. લાગે છે એ ધરણા માટે કાયમ સ્ટેન્ડબાય જ રહેશે.

જો કે ખાનગી રીતે હું પણ ત્યાં જવાના મૂડમાં જ છું, વિઝા ઑન અરાઈવલ માટે અપ્લાય કરવાની પ્રોસેસ જાણવા ઓનલાઈન જઈ રહ્યો છું.. વિલ કન્ટીન્યૂ ધીસ લેટર…

– શકુનીજી

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજના પૃષ્ઠમાં શકુનીજી ઇન્દ્રપ્રસ્થ વિશે, કૌરવોની તે માટેની વાંચ્છના વિશેનો આત્મકથાનક વિચાર મૂકે છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૧૦) – મેઈક ઈન ઇન્દ્રપ્રસ્થ