મરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન 16


ઊંચી કેડરના પોલીસ અધિકારીનો પોતાને અત્યંત ગમતો ગણવેશ એ પહેરવા જતો હતો ને ફોનની ઘંટડી રણકી ઊઠી હતી. એણે કૉર્ડલેસ ઊઠાવ્યો. સામે છેડે એના પરમ શુભચિંતક ફ્રેન્ડ, ફિલૉસોફર અને ગાઇડ એવા ફાધર લેન્સી લોબો બોલી રહ્યા હતા, ‘તારાં માતુશ્રીનો સ્વર્ગવાસ થયો છે. એમની અંતિમ ઇચ્છા હતી કે તું જ એમની માટી વાળે. જીપ લઈને નીકળે તો સાંજના ચારેક વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. ગોડ બ્લેસ યુ માય ડિયર સન. માય ડીપ સિમ્પથી વીથ યુ. એઝ સૂન એઝ પોસિબલ રીચ ધેર!’

અને એ કાંઈ કરે – કહે એ પેલા ફોન મૂકાઈ ગયો હતો. સામેના આદમકદ અરીસા ભણી અનાયાસે જ એની દ્રષ્ટી ગઈ. એની આંખો અને નાક બરાબર એની મા જેવા જ હતાં. એણે ઝાટકા સાથે મોં ફેરવી લીધું. હજી તો ભળભાખળું જ થયું હતું. ડ્રેસ સજાવી એ માથે હૅટ મૂકવા જતો હતો ને દૂર ક્યાંકથી કોઈ મરઘો કૂકડેકૂક કરી ઊઠયો. એ સાંભળતા જ એના આખાય દેહમાં કશોક આછો પ્રકંપ ફરી વળ્યો.

બહાર આવી એ જીપમાં બેઠો. ચાવી ફેરવી. જીપ ગરમ થવા ઘરઘરી રહી હતી અને એને ‘મા’ સાંભરી આવી. નિઃસહાય, નિરાધાર, પ્રતાડિત, ચૂસાયેલ ગોટલા સમી, લાચાર નિરાધાર, શોષિત હાડપિંજર શી મા. છેલ્લે ક્યારે જોઈ હતી એને! કેટકેટલું કરવા ધાર્યું હતું એને માટે ને એ જ ચાલી નીકળી?

‘મારે જીવતે જીવ તારું મોઢું જોવા ન પામું તો મારી માટી વાળવા જરૂર આવજે બેટા, તારા હાથની માટી મારી છાતીએ અડશે તોય મારો ભવ-ભવનો તપારો ટાઢો પડી જશે ભઈ!’

માના છેલ્લા શબ્દો એને યાદ આવ્યા ને એનો પગ એખ્સિલેટર પર જોરભેર દબાઈ ગયો. જીપ જાણે ઊછળી ઊઠી ને પછી ધડધડાટ ગતિ કરવા લાગી.

આ ‘મા’ નામના શબ્દે -શબ્દો એને કેટકેટલો સંતાપ આપ્યો હતો. ક્યારેક નહીંઃ મોટેભાગે એના અબોધ મનમાં પ્રશ્ન પડઘાયા કરતો કે શા કાજે ઘડાયો હશે આ સંસાર? આ નર-માદાના ભેદ!

છેક નાનો હતો ત્યારથી, તીરની માફક વછૂટતા અને કિકિયારીઓ કરી નાસી છૂટવા તરફડિયાં મારતી કૂકડીને ભોંયસોતી ધરબી દેતા કૂકડા પર તો ભયંકર કઢાપો ઉભરાઈ આવતો. પેલા મરઘાની ડોકી મરડી નાંખવાનું એને ઝનૂન ચડી જતું. અને એ જ ક્ષણે એ લાખ ના ચાહતો તોયે એને મા યાદ આવી જ જતી!

બોડિઁગવાળી સ્કૂલના સાતમા ઘોરણના વર્ગની સામે જ થોડેક દૂર મરઘાં પાળવાનો ખડો હતો. એમાંની મરઘીઓ દરરોજ પાદરીઓનાં ઈંડા પૂરાં પડતી. એ ખડામાં ભૂંડા દૈત્ય સરીખો ડબ્બલ કલંગી કાળોમંઝાર મહાકાય મરઘો હતો. દિવસ આખોએ મરઘીઓને રંજાડ્યા કરતો. એની ચપેટમાં આવી ભોંયભેળી થઈ ગયેલી મરઘી ખાસ્સી વારે ચેતમાં આવતી. આવી વેળાએ એને ભયંકર ચીડ આવતી કૂકડાપર. એની ઘેઘૂર ડોક મચડી નાંખવાના એને હેવા ઉપડતા. ને એ કાળમુખા કૂકડાને જોતાં વેંત એને પોતાનો કહેવાતો બાપ સાંભરી આવતો. આવી વેળાએ ગમે એટલું મહત્વનું ભલે શીખવાનું હોય એનું ધ્યાન ન્યૂટનના નિયમ કે ગુરુત્વાકર્ષણમાં ન રહેતા બહાર ફંટાઈ જતું. એકવાર વિજ્ઞાનના માસ્તરે એને રંગીન આંખે કુક્કુટલીલા નીરખતો પકડી પાડેલો. અને નેતરની સોટી વડે બરાબરનો ઠમઠોરેલો. છોગામાં શીખ દીધેલી, ‘ખોટું જોઈએ એટલે ખોટું કરવાનું મન થાય. આ ઉંમરે એ ભૂંડુ કૃત્ય જોઈને તે દ્રષ્ટી વિરુદ્ધનું પાપ કર્યું છે. એ છઠ્ઠી આજ્ઞાનો ભંગ કહેવાય. (વ્યભિચાર ન કર) તું આજે જ ચર્ચમાં જઈ કન્ફેકશન કરી લેજે.’

અસમંજસમાં પડી ગયેલો એ મહાપ્રયાસે બોલેલો, ‘સર! કાં તો આપણો કલાસ બદલો, કાં તો આ ખડાને આઘો કરવો, કાં મારી જગા બદલાવો. મારાથી અહીં બેસીને નહીં ભણાય!’

માસ્તરે એને ફરી ફટકારેલો અને આખા વર્ગમાં હાંસીપાત્ર ઠરી ગયેલો.

એ પાંચેક વરસનો હતો ત્યારથી એની આ પીડા આરંભાઈ હતી. માના હૂંફાળા પડખા વિના એને નીંદર ના આવતી. પણ એ ભર ઊંઘમાં હોતો ને એની જગા બદલાઈ જતી. એ અચેતનમાંય તરત એને ભાન પડતું કે માની હૂંફ દૂર થઈ છે. એ પછી માનો ખાટલો હચમચતો હોય એવો અભ્યાસ થતો ને એ જાગી ઊઠતો. અંધારની એને ભારે બીક લાગતી. બેઠો થઇ જઈ એ બૂમો પાડી ઊઠતો, ‘મા આ…. ઓ… ઓ મા આ…’

કળશી માટીના બોજ તળે ચગદાઈ હોય એમ મા દબયા-ચંપયા સુરે એને ઘીરાં બંધાવતી, ‘બત્તી ઓલવંઈ ગઈ છ બેટા! દીવાહરી નથી મલતી. જરાક વાર જંપ્ય. ફાનસ ચેતાઈનં તનં લઈ લે છ!

આ ‘જરાક વાર’ ક્યારેક જરાક વારમાં પૂરી થઈ જતી, ક્યારેક ખાસ્સી લંબાઈ જતી. ડોળા ફાડીને અંધારામાં ફાંફા મારતો. એક કાળમેશ આકાર બાપના ખાટલામાં સમાઈ જતો. પછી ફાનસ ચેતાવાતું. વહાણમાં લોચવાઈ ગયેલી ગોદડી મા હરખી કરતી અને એને પડખે લઈ લેતી. એ માની છાતી એ બાઝી પડતો ત્યારે ખેરા જેવી થઈ ગયેલી માની કાયા ઊંડા શ્વાસ લેવા માંડતી અને બાપ ભીંત ભણી પડખું ફેરવી લેતો.

ક્યારેક એવુંયે બનતું કે એ ઓચિંતો ઝબકી પડતો. એ પછી એનો ‘મા… મા… આ’ નો પોકાર ભેંકડામાં ન પલટાઈ જાય એટલા ખાતર જ ઝટ ફાનસ ચેતવાઈ જતું. આવું થયા પછી એ આખી રાત ઊંઘી ન શક્તો, ન માનું ગળું છોડી શકતો ને એ પછીનો આખોય દિવસ એનો બાપ ધૂંધવાયેલો રહેતો.

‘હાહરાજમરા! મરતોય નથી નં માંચો મેલતોય નથી!’ બાપ ખૂન્નસભરી આંખે ઉકળાટ ઠાલવતો. આવો કઢાપો દીકરાનું અમંગળ ના નોતરે એના વારણરૂપે જ માએ એને સાંજની વેળાએ દૂધ સાથે કશીક કાળી ગોળી ગળાવવાનું શરૂ કર્યું હતું. આ ગોળી ખાધા પછી એ સૂતો એક સવારે જ જાગતો. માથું એને ભારેખમ લાગ્યા કરતું અને આંખોમાં બળતરા થતી.

એ નિશાળમાં જતો થયો એ પછી માએ એને જુદો સુવાડવા શાંશાં વાનાં કરેલા પણ એની એકેય કારી ન’તી ફળી. હારણભરી માનું ઓશિયાળું, અસહાય અને કાંઈક લાજ અનુભવતું મોં જોઈ એ માની કોટે વળગી પડીને ના છૂટકે બોલેલો, ‘ઊં તારાથી જૂદો હુઈશનં મા, એ જ ઘડીએ ભૂત આઈનં તનં ગળે ભેંહો દેઈનં મારી નાંખશે. ત્યોની રાત્યો ઊં જાગી જા છ તાર તારી પથારી ઉપર્ય મનં ભૂત ભમતું કળાય છ..! હેં લી’ મા… હૂતી વેળા ઊં તારી ભેળો હોછ નં અંધારામાં મનં તારાથી આઘો કોણ કરી દે છ?’

સમજણની આ કળી ઉઘડ્યા પછી એને ઘરવટો દેવાઈ ગયો હતો. મા ચોધાર આંસુડે રોતી રહી હતી. કકળતી આંતરડીએ કલપતી રહી હતી ને બાપ કહેવાતો એ નર સુદૂર આવેલ શહેરની મિશનરી બૉડિઁગ સ્કૂલમાં મેલી આવ્યો હતો. ‘ભણશે, ગણશે તો એનું ભવિસ સુધરશે. નાનો છ તે શું થયું? અક્કલનો કાંઇ ઊણો નથી!’

બૉડિઁગમાં એક વિશાળ ખંડમાં ત્રીસ-પાંત્રીસ જણ ભોંય પથારીએ સાથે સૂઈ જતા. અહીં અંધારનો ભો ન’તો. એક ઊંચા પોઈંન્ટે પચ્ચીસનો ગોળો ટમટમ્યા કરતો. પણ અહીં એને બો ડર સતાવ્યા કરતો. એની આંખ મીંચાતાં જ એને માનો ખાટલો હચમચતો હોય, પેલી મરઘીની માફક બાપડી મા છટપતાતી હોય અને હાંફ-હાંફતી હોય એવો ભાસ થતો. બ્રધરે શીખવાડેલું એમ ઊંઘ લાવવા એ પ્રેયર બોલ્યા કરતો ને પડખાં ઘસ્યા કરતો. શમણામાં કાળાડિંબાંગ આકાર ઉપસતા ને માના ખાટલાની આસપાસ નાચ્યા કરતા. પોતે ડરનો માર્યો કાંપવા લાગી જતો ને ચીસ ના પડાઈ જાય એ માટે મોંઢામાં ચાદરનો ડૂચો ઠાંસી દેતો!

પડખાં ઘસતાં ઘસતાં આં તંદ્રામાં અર્ધ નીંદરમાં રાત વહી જતી ને મળસ્કા મોર તો પેલો ખડામાંનો કાળમુખો મરઘો દુનિયા આખીને જગાડવાનો ઈજારો લેઈ બેઠો હોય એમ ઘેઘુર નાદે કૂઉ… ઉકડે… કૂક પોકારી ઊઠતો અને એને કાળમીંઢ ખડક જેવો બાપ દેખા દેતો. એના દિમાગમાં આંધળું ઝનૂન ઊભરાઈ આવતું. હાથ હવામાં વીંઝાવા માંડતા, હોઠ અને દાંત ભીડાઈ જતા, મુઠ્ઠીઓ વળી જતી ને એની રગેરગમાં લોહિયાળ ખૂન્નસ ફરી વળતું. પછી બંધ મુઠ્ઠીઓમાં પરસેવો વળી જતો, અંગાંગ ઢીળાં પડી જતાં, હતાશ ભાવે એ હાંફવા માંડતો. આવી વેળાએ સાથીઓની નજરે એનું અવશપણું ન ચડી જાય એ માટે એને ખૂબ સાવચેત રહેવું પડતું.

પણ એક પ્રાગટ એવું ફૂટી નીકળ્યું હતું કે પેલા કાળા મરઘાની બાંગ સ્ત્રોતો જ એ સફાળો બેઠો થઈ ગયો હતો. દિવાલ પરના ઘડિયાળમાં એ ઝાંખા અજવાસમાંય સાડાચાર વાગ્યાનો સુમાર એને વંચાયો હતો. લોલક પર મરઘાકાર ટક-ટક ઝૂલી રહ્યો હતો. વિદ્યુતગતિએ એ બહાર નીકળીને ખડા પાસે જઈ પહોંચ્યો હતો. ખડાના બારણા પાસેના ઊંચા પાટિયા પર ઊભેલો ઘોઘર મરઘો હજી તો ગળામાં જ ઘરઘરવા જતો હતો ને એને ઝાલીને બેં ઢિંચણ વડે દબાવી બેય હાથે બળ ભીંસીને એની ડોક મરડી નાંખી હતી. મરડાતા ગળામાંના મરણાંતક ચિત્કાર સમાણી કેટલીયે મરઘડીઓએ કકરાણ કરી મેલ્યું હતું. પણ જરાય થડકાયા વિના કશાક ભીષણ બોજમાંથી છૂટકારો મેળવી લીધો હોય એમ એ પાછો આવીને પથારીમાં લાંબો થઈ ગયો હતો. પોપચાં નમતાં હાશકારો લાવી ગયો હતો. લાગતું હતું કે જાણે માની પથારી પર ભમતું ભૂત પોબારા ગણી ગયું હતું.

સવારે આખાય છાત્રાલયમાં મરઘો હણાયાની વાત ફરી વળી. ગૃહપતિ બ્રધર ડોક્ટર પણ હતા. મરઘાના દેહને તપાસી એમણે જણાવ્યું કે કશા રોગથી મરઘો નથી મર્યોં. ઝનૂનપૂર્વક એની ડોક મરડી નાખવામાં આવી છે. કમ્પાઉન્ડના રખેવાળ પર બ્રધરને શક ગયો. એ યારેક જીભની ચળ ઉપડે તો એકાદ મરઘી પર રાતના ટાણે હાથ અજમાવી લેતો. પરિણામે મરઘો હલાલ ગણાયો અને બપોરના ભોજનમાં એની જ વાનગી પીરસાઈ. એ મુખમાં ગ્રાસ ન’તો લઈ શક્યો. પડખે બેસનારાએ એને પૂછ્યું હતુંઃ ‘આ કાળમુખો મરઘો તો તને દુશ્મન જેવો લાગતો હતો. પછી ખાતો કેમ નથી?’

‘એટલે જ. દુશ્મનનું માંસ ન ખવાય.’

એ જ સાયંકાળે એ ફૂટબોલ રમી રહ્યો હતો ને કોઈક અજાણ્યો જણા એને મળવા આવ્યો હતો. ખુબ જ હેતથી એ આગંતુકે એને માથે – બરડે હાથ પસવાર્યો હતો. કહેતો હતો, ‘તું નાનો હતો ત્યારે તને ખૂબ રમાડેલો. નકરા ગલગોટા જેવો હતો તું. પેલી વારતામાં આવે એ ને એવો – અણમાનીતી રાણીના બતરીલખણા કુંવર જેવો. ખૂબ ધ્યાન દેઈને ખૂબ જ ભણજે બેટા. ગાંઠે વિદ્યા હશે તો કર્ણની જેમ પોંખાઈશ.’

કહેતાં-કહેતાં રોકડા રૂપિયા પાંચ એના ગજવામાં સરખાવીને ચાલતો થયો. કમ્પાઉન્ડમાં ઝાંપા સુધી પહોંચતાં સુધીમાં એણે ત્રણ વાર પાછા ફરીને એને આંખ-અંતરે ભરી લીધો હતો. જ્યારે આની ટકટકી એની પૂંઠે બંધાઈ રહી હતી. કોણ હતો એ? કશા સગડ એ અજનબીએ ન’તા આપ્યા. એને કદી જોયાનુંય આને યાદ ન’તું.

બોડિઁગના નિયમ પ્રમાણે એક પૈસોય પાસે રખાતો નહીં. ગૃહપતિને કને એ પાંચ રૂપિયા જમા કરાવવા ગયો ત્યારે – એ કાળે ઘણા બધા લેખાય – એવડા રૂપિયા જોઈને એ સાવ સહજભાવે જ બોલી ઊઠ્યા હતા, ‘તારા બાપુજી આપી ગયા એમ ને? તું લ્યા અદલ તારા બાપ પર પડ્યો છે. કે’વતમાં કીધું છે ને, બાપ એવા બેટા ને વડ એવા ટેટા!’

અનાયાસે જ ગૃહપતિની દિવાલે લટકતા આદમકદ અરીસામાં એનાથી જોવાઈ ગયું હતું. પેલા અજાણ્યા જણનો ચહેરો ક્યાંક જોયા હોવાનો ભાસ કેમ થતો હતો! લમણામાં ઘણ ઠોકાય એ પહેલાં એ ફરી રમતમાં જોડાવા દોડી ગયો હતો. એને ખબર નહોતી પડતી એ કીકથી ફૂટબૉલ ફંગોળાતો હતો કે એ ખુદ?’ છેલ્લી કીક મારીને એ ધરાશયી થઈ ગયો હતો. વિજયનાદ પોકારથી એની ટીમે એને ઊંચકી લીધો હતો ત્યારે એ અદ્ધર અવકાશે ફંગોળાઈ રહ્યો હતો!

શીતળજળથી સ્નાન કર્યા પછી સહેજ ચેતન અનુભવાતું હોવા છતાં એનું માથું ઘુમરાતુ હતું. એના સાથી વિદ્યાર્થીએ સાયંકાળના વાળુની થાળી એના હાથમાં પકડાવતા સહજેભાવે એને સમાચાર આપ્યા હતા, ‘તે સાંભળ્યું લ્યા? બપોરવાળા મરઘાની જગ્યાએ બીજા બે મરઘા આવી ગયા. દેશી કાળો અને વિલાયતી લાલ! બાકી વાનગી ટેસ્ટી હતી!’ અને ખણણણ કરતી એના હાથમાંથી થાળી સરકી પડી હતી. એ રાત એની મહાપરાણે વીતી હતી. અને વળતી સવારે છાત્રાલય છોડી નાસી છૂટ્યો હતો.

ક્યાં જવું એના કશાં દિશાદોર ન હતાં. બે ટંકનો ભુખ્યો હતો અને લમણાં લખલખતાં હતાં. એ ક્યારે અને ક્યાં લથડિયું ખાઈ ગયો એનુંય ભાન ન’તું રહ્યું. પણ હોશમાં આવ્યો ત્યારે એ મિશન હૉસ્પીટલમાં હતો અને સ્પિરીચ્યુઅલ ફાધર એના મથે પ્રેમાળ હાથ ફેરવી રહ્યા હતા. પરિતાપના આવેગમાં કન્ફેશન કરતાં એણે કાળા મરઘાની હત્યાનું પાપ સ્વીકાર્યું ત્યારે ફાધર હેબતાઈ ગયેલા. એ કેવળ આધ્યાત્મિક પથપ્રદર્શક પાદરી જ નહોતા, મનોચિકિત્સક ને પરિચારક પણ હતા. એના તુમુલ વલોપાતના અણસાર પામ્યા પછી તત્કાળ એને એવી બૉડિઁગમાં બદલવામાં આવ્યો હતો જ્યાં એને પેલી રોજની ભૂતાવળ ઓછી પીડાદાયક નીવડે. એનાં દિલોદિમાગની પણ ઠીક-ઠીક સફાઈ કરવામાં આવી હતી.

આ બૉડિઁગમાં જ મા એને છેલ્લી વાર મળવા આવી હતી. કાયા કંતાઈ ગઈ હતી. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. પણ એને ખૂબ જ ગમતું માનું મુખડુ એ જ દીપ્તિ ધારી રહ્યું હતું. મા એના મોઢા સામે તાકતી ક્યાંય લગી બેસી રહી હતી. ‘ભઈ; બેટા…!’ સિવાય એના હોઠોએ ઝાઝું વેણ ન’તું સર્યું.

‘પોતાને મળવા આવનાર, ખૂબ જ પ્રેમથી પાંચ રૂપિયા આપનાર ને ખૂબ ખંતથી ભણવાની શીખામણ આપનાર પેલો અજાણ્યોમાણસ તે કોણ?’ એ માને પૂછી જોવાનું એને અત્યંત કૂતુહલ હતું. પણ કશીક અકળ ભીતિ એ પ્રશ્ન હોઠે આવવા ન’તી દેતી.

જતી વેળાએ માએ મહાપ્રયાસે કીધું હતુંઃ ‘ભઈ; મારી વશે અ’વે ફરી મલવા અવાય કે નાય અવાય. બઉ થાચી ગઈ ઓ બેટા આ મનખો વેંઢારીને. હારી રીતે ભણજો ભઈ, અનં કદીક હાંમરો કે તમારી મા અ’વે નથી ર’ઈ તો મારી માટી વાળવા આવજો બાપ!’ કહેતાં-કહેતાં મા ધ્રુજી ગઈ હતી ને પોતે રડમસ બની ગયો હતો.

એ પછી પોતે મોટો થતો ગયો હતો. માની અનહદ યાદ આવતી તોયે પેલા બાપનું મોઢું જોવું ના પડે એટલા માટે એ રજાઓ ફાધર લેન્સી સંગાથ આબુ કે અન્યત્ર જઈ અભ્યાસમાં ગાળતો.

બનવું હતું એન્જીનિયર પણ કશીક અંતઃપ્રેરણાએ એણે આઈ.પી.એસ. માં ઝંપલાવ્યું હતું અને હવે એની છાતીએ અધિકારપદનો બિલ્લો શોભી રહ્યો હતો.

એ ગામ પહોંચ્યો ત્યારે સાયંકાળના ચાર વાગી ગયા હતા. કદાચ એની જ વાટ જોવાઈ રહી હતી. લોકો એને ઓળખી ન શક્યા. કેટલાકને ભય પેઠો કે કશીક પોલીસ તપાસ તો નહીં આવી હોય! એનો દમદાર દેખાવ સાચે જ ભય પ્રેરતો હતો.

પડસાળ ચીરી એ ઓરડામાં ગયો. ગોદડીના ગાભા નીચે માની કાયા જાણે ધરબાઈ ગઈ હતી. ધીરે રહી એણે માનું મુખ ખુલ્લું કર્યુંં. અમરત વરસાવતી આંખો પર મરણનો પહાડ છવાઈ ગયો હતો છતાં એ મુખડા પર ઓજસ હતું. હૅટ ઉતારી એણે આંખો મીંચી. પછી નમીને માના કપાળે અડાડ્યું. મૃતદેહને સૌભાગ્યવતીના શણગાર સજાવવામાં આવ્યા હતા. માના કપાળમાંનું કંકું એના કપાળેય ચોંટ્યું. ઊભા થઈ એને ઘરભરમાં નજર ફેરવી. અચાનક એને માન ખાટલો હચમચતો હોવાનો આભાસ થયો. એ ત્યાંથી બહાર નીકળી ગયો.

થોડીકવાર પછી ડાઘુઓ મૃતદેહને સ્મશાને લઈ ચાલ્યા. માને આંઢ દેવા એ આગળ ધસ્યો. અનાયાસે એની નજર જમણી ગમ ગઈ. ત્યાં એનો બાપ નહોતો. પણ પેલો પાંચ રૂપિયા સાથે પ્રેમ વરસાવી જનાર હતો. પડખેનો જવાનિયો એની આંધ બદલાવવા આગળ આવ્યો કે તરત એણે કૉફિનની કાંધ છોડી દીધી.

માના દેહને કબરમાં ઉતાર્યા પછી સૌ પ્રથમ એને જ માટી વાળવાનું કહેવામાં આવ્યું કારણ હવે એ માના પુત્ર લેખે ઓળખાઈ ગયો હતો. હૅટ ઉતારી એણે પાંચ ખોબા માટી માના મૃતદેહ પર નાંખી. એ જ હાથ માથે અડાડ્યા અને પછી ત્યાંથી આઘો ખસી ગયો. ચાલુ મુજબ કબરની શગ વળી રહે પછી એને ફૂલની ચાદર ઓઢાડી છેલ્લી મીણબત્તી ધરીને જ એ ત્યાંથી વિદાય લઈ શક્તો હતો.

કબર પૂરાઈ રહે ત્યાં સુધી એકાંતે ઊભવા એ ચબૂતરાવાળા પીપળા નીચે જઈને ઊભો રહ્યો. ચબૂતરાની ઓથે બેઠેલા બે ડાઘુ વાતો કરતા હતાઃ

‘આ ખાખી લુગડાંવારા સાયેબને ઓળખ્યો?’

‘ના ભઈ. પણ લાગ છ મોટો માંણહ!’

‘એ આ મરનારીનો પહેલા ઘરનો છૈયો!’

‘શું કે’છ? એ આ માધવાના પેટનો નહીં?’

‘ના. આ મરનારી આણે ગઈ નં ચાર મહિના ય થયલા નહીં નં એના ધણીનં લડાઈમાં જવું પડ્યું. આનો જન્મ થયો નં ખબર્ય આઈ કં પેલા લડઈમાં કામ આઈ જ્યો. એ પછીના ચોથા જ મહિને આ માધિયો છૈયા હોતી એનં લેઈ આયો. રૂપારી હતી એટલ મોં માંજ્યા રૂપિયા માધિયે વેરેલા.’

‘બઈ બાપડી બઉ વે’લી ઉકલી ગઈ.’

‘ઉકલી શાની ગઈ? હાહરો માધિયો મા’નફ્ફટ. નર્યો કામી. ચચ્ચાર તો કાચા મંદવાડ થયા આ બઈનં. ખવીશ થઈ જ્યો એની કાયાનં!’

‘તાર પેલો છેક મહાણાં હુધી એની જમણી કાંધે રહેનારો નવતર કોણ છ?’

‘મરનારીનો પહેલો. હાચો ધણી. એ માર્યો ન’તો જ્યો. હાંમા લશકરે પકડી લીધેલો. તો દહ વરસે છૂટીન આયો. પણ પછી શું કરે? પણ હાચો ભાવ તો આનો જ. જો ધણી દેવાની એ જમણી કાંધ દીધી એનો અરથ એ જ કં આજ સુધી એણે બીજું બૈરું નથી કર્યું ને અ’વે કરશેય નહીં. અનં જો કપાતર માધિયો. ફરી ઘોડે ચડવા મરનારીની માટી વાળવાય નથી આયો!’

‘કળજગ! જળજગ!’

એ વધારે સાંભળી ના શક્યો. કબરની શગ વળી રહી હતી. એ એ તરફ ચાલ્યો. ચાદર ઓઢાડી. પેલા નવતરને માથું નમાવ્યું. પાછો આવીને એ ઘર ચીરી વાડામાં આવ્યો. માધિયો નાહીને કપડાં બદલી બેઠો હતો. વાડાની પેલી કોર બાળપણના કાળા મરઘાની જગાએ બીજો મરઘો આવી ગયો હતો. અચાનક એનો હાથ કમ્મરે ગયો, કાનમાં તમરા બોલાવી દે એવો ધડાકો થયો. મરઘાનાં પીંછાં હવામાં ઊડી રહ્યાં ને એણે બહાર નીકળી જીપ મારી મેલી…!

– જૉસેફ મૅકવાન
(‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી ગદ્યવિશેષાક, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૮માંથી સાભાર)

કેટલીક વાર્તાઓ સમગ્ર ચિત્તતંત્રને હચમચાવી મૂકે એવી રચાઈ હોય છે, સર્જકની કલમે જ્યારે જીવનને નજીકથી નિરખવામાં આવે ત્યારે માનવજીવનના અનેક વણઓળખ્યા વિશેષો ઝબકી જતાં હોય છે. શ્રી જૉસેફ મૅકવાનની ‘મરઘો’ આવી જ એક અનોખી વાર્તા છે. પોતાની માતા અને સાવકા બાપ વચ્ચે ગૂંચવાયેલા એ કિશોર બાળકનો મનોપ્રકોપ ઉભરી શક્તો નથી અને સહન પણ થઈ શક્તો નથી એવા સંજોગોની વાત સાથેની અને ધારદાર અંત સાથેની વાર્તા વાચકના મનોવિશ્વમાં વિચારની અનોખી ચિનગારી પ્રગટાવી જાય છે. પ્રસ્તુત લેખ ‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી ગદ્યવિશેષાક, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૮માંથી સાભાર લેવામાં આવ્યો છે.


Leave a Reply to sanjay pandyaCancel reply

16 thoughts on “મરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન

  • Jigar Mehta

    ગમિ કદાચ ગુજરતેી સાદિ ભાશા વધુ સારેી બને…..

    i read and understand but on such few way on internate, very few people understand the kathiayadee language THOUGH you are verymuch perfact on the same but on understand part little bit tough….
    i like the same as well as your all episode of the said person life…specially from childhood to till the death of his mother no one more word, but just only a GOLIBAR….ON MARGHA……
    very good …. hope you make people enjoy more and more….on internet….through INNERNET….BY HEART…..

    JIGAR MEHTA / JAIGISHYA

  • jyoti hirani

    હ્રુદય સ્પર્શિ ક્રુતિ. સર્જક્ને સલામ્. અક્શર્નાદ નો આભાર આવિ સુન્દર ક્રુતિ મુક્વ બદલ્.જ્યોતિ હિરાનેી

  • M.D.Gandhi, U.S.A.

    બાળમાનસનું સુંદર નીરુપણ….
    બહુ કરૂણ પણ બાળમાનસને સમજવા માટેની સુંદર વાર્તા…..

  • Dhiraj G Parmar

    સાહિત્ય જગતની ઉત્તમોઉત્તમ કૃતિ અહીં વાંચવાનો લ્હાવો મળે છે.ખૂબ જ સરસ.

  • Deejay.USA

    મરઘો! સરસ વાર્તા પણ ભારતના ક્રીષ્ચીયન સમાજ અને ભાષાનો લય વર્તાઇજાય છે. મઝા આવી.

  • UMAKANT V. Mehta.(New Jersey)

    ” હાય ! નારી જીવન તેરી યહ કહાની,
    આંચલમેં દુધ, ઔર આંખોમેં આંસુ ”
    ખૂબ જ સુંદર હ્રદયસ્પર્શી અને મર્મસ્પર્શી વાર્તા.ધન્યવાદ સાથે અભિનંદન “હૅટ્સ ઑફ ટુ શ્રી જોસેફભાઈ “ઉમાકાન્ત વિ.મહેતા.

  • jacob

    ખુબ સરસ. મરઘાના પ્રતિકનો બખુબી ઉપયોગ કરી બાળકના ચિત્તતંત્રને વાચા આપી છે.