ભોપાનો ભાઈબંધ.. – મિતુલ ઠાકર 13


ભોપો
અને
“હું”….

હાર્યે ભણ્યા હોં… હાં !
સાતમાં ધોરણ સુધી માં તો ભોપો થાકી ગ્યો,
અને આ બંદા તો શહેરમાં જઈને ખૂબ ભણ્યાં
સૌથી પે’લા તો ભાડાના ઘરમાં એ.સી. નખાવ્યું
પછી વસાવી ગાડી, અને આખરે દિવસરાત એક કરીને લીધો બંગલો,
સફળતા કોને કેવાય ઈ મને પૂછો કે ભોપાને…. તમને ખબર પડી જશે

‘મારો ભાઈબંધ ક્યાંનો ક્યાં પુગી ગ્યો, સાબ્ય બની ગ્યો સાબ્ય’ – ભોપા ઉવાચ
અને ખુદ ભોપો ?
એય…ને મોડે સુધી સુઈ રહે કશું કામ ના હોય તો, મને હમેશાં એક વાત નથી સમજાતી કે
કશું કામ ના હોય એવો માણસ હોય ?

હોય ને! જુઓ અમારો ભોપો
આખો દી’ ગામના કામમાંથી જ ઉંચો ના આવે, કોઈ એવું કામ નહિ હોય કે ભોપા થી ના થાય
પણ છતાં માન કેટલું એનું ? એક ફદીયા જેટલું !!!

નાનું છોકરુંય કશું કામ હોય તો એને ‘ભોપો’ કહી ને બોલાવી લે બેધડક
પણ જયારે આપડે ગામમાં જઈએ ને
ત્યારે ચોરે બેઠેલ વડીલો પણ મને જોઈ ઉભા થઇ જાય
અને
એક વાર હું ઓચિંતો મરી ગયો,
ચાર ચાર વરસ પછી પણ ગામના લોકો હજી મને યાદ કરે છે
કે ..

ભોપાનો ભાઈબંધ બહુ વહેલો ગુજરી ગયો
ઉપર બેઠો બેઠો
હું વિચારું છું કે
દિવસ રાત એક કરી ને આટલું પૈસા કમાયા પછી પણ
હું “ભોપાનો ભાઈબંધ”
મારી ઓળખ આ જ… !

– મિતુલ ઠાકર


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ભોપાનો ભાઈબંધ.. – મિતુલ ઠાકર