‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના સર્જક અભિષેક જૈન સાથે મુલાકાત.. (Audiocast) 6


Abhishek Jain

Courtesy Abhishekbhai’s Facebook Page

સંપાદક: અક્ષરનાદ.કોમ વેબસાઈટ અને તમામ વાચકો તરફથી તમારુ સ્વાગત છે.

અભિષેકભાઈ: થેન્ક યુ.

સંપાદક: ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર..’ જેવી સરસ ફિલ્મો તમે ગુજરાતી ભાષાને આપી છે, તેની પાછળ મૂળભૂત વિચાર કયો હતો? શું ધારણા હતી?

અભિષેકભાઈ: ફિલ્મસ્કૂલમાં હોવાને લીધે ઘણાંબધા અલગ અલગ પ્રાંતોની ફિલ્મ જોવાનો મોકો મળે, કોઈક દિવસ કોરીયન ફિલ્મ જોવા મળે, કોઈક દિવસ યુરોપિયન, ક્યારેક પંજાબી કે તમિલ ફિલ્મો જોવા મળે પણ ગુજરાતી ફિલ્મો નો જ્યારે ઉલ્લેખ આવે ત્યારે એક બે ફિલ્મો નું જ નામ આવે અને તે પણ વધારે લોકો પસંદ કરતા નહોતા. અને ગુજરાત એક વિકસતુ, શિક્ષિત અને સુખી રાજ્ય ગણો તો તેમ હોવા છતાં અમારા જેવા યંગસ્ટર્સ માટે અમારી જ ભાષામાં કોઈ સર્જન કે મનોરંજન ન હોય તો એ સૌથી વધુ શરમજનક વાત છે. તો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો કે એવી ફિલ્મો બનાવીએ જે કદાચ અમને જોવાની ગમે અને અમારા જેવા અન્ય લોકો એ ગુજરાતી મનોરંજનને માણી શકે, એ પહેલો હેતુ હતો.

સંપાદક: બે યારને સો દિવસની ઉપર પૂર્ણ થયા, અને ઘણાં દેશોમાં એ પ્રદર્શિત થઈ છે, કદાચ ઘણી ઓછી એવી ગુજરાતી ફિલ્મો છે જે ભારતની બહાર પ્રદર્શિત થઈ છે, તેમાં ભારતની બહાર વસતા ગુજરાતીઓને એવું શું જોવાનું ગમે છે કે તે ભારતની બહાર પણ ચાલી રહી છે?

અભિષેકભાઈ: ગુજરાતની અંદર હોય કે ગુજરાતની બહાર હોય કે દેશની બહાર હોય, બધા જ ગુજરાતીઓ પોતાની ભાષા સાથે જોડાયેલા છે જ, સંકળાયેલા છે જ, એક સંસ્કૃતિ તરીકે આપણે પતંગ જેવા છીએ, આસમાને ઉડવાની આપણી બહુ આશા હોય, બધું જ છોડીને આપણે ઉડી જઈએ પણ આપણી દોરી તો નીચે જ બંધાયેલી છે. જ્યારે મેં વિદેશમાં રહેતા ગુજરાતીઓ સાથે વાતચીત કરી ત્યારે જાણ્યું કે એ લોકોને ફિલ્મ જોયા બાદ ફિલ્મ વિશે જે વસ્તુ ગમી હોય એ છે લોકેશન્સ, એ છે લોકલ ભાષા. એ લોકો કહે છે કે અમે એ બધું યાદ કરીએ છીએ, જે માણેકચોક કે આશ્રમરોડ કે સીજી રોડ, એ બધું અમે મિસ કરીએ છીએ. એ વિયોગની લાગણી કામ કરી જાય છે, એ એમને સૌથી વધુ આકર્ષિત કરે છે. અને બીજુ ભાષા, કે આવી કેઝ્યુઅલ ભાષા અમેલોકો પણ એક જમાનામાં બોલતા હતાં, હવે અહીંયાં બોલાતી નથી. તો આ બંને વસ્તુઓ મારે હિસાબે વધારે કામ કરે છે.

સંપાદક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી શરૂઆત કઈ રીતે થઈ?

અભિષેકભાઈ: મૂળે તો હું અમદાવાદનો રહેવાસી છું, અહીં જન્મ થયો અને ઉછેર પણ અહીં થયો, ગ્રેજ્યુએશન સુધી હું અમદાવાદમાં હતો, એ પછી હું ફિલ્મમેકીંગ ભણવા મુંબઈ ગયો અને વ્હિસ્લિંગ વુડ્સમાં ફિલ્મમેકીંગનો કોર્સ કર્યો અને પછી હું ત્યાં બે અઢી વર્ષ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું સહાયક દિગ્દર્શક તરીકે. તો કહી શકાય કે ફિલ્મ સ્કૂલ મારા માટે ફિલ્મ બનાવવાની શરૂઆત કરવાનો દરવાજો હતો, ત્યાંથી શરૂઆત થઈ.

સંપાદક: ફિલ્મનિર્માણની ટેકનીકલ જાણકારીઓની સાથે સાથે તમે પબ્લિસિટી પણ સંભાળો છો, ફિલ્મ માટે લેખન પણ કરો છો, એ બધા ક્ષેત્રોને ન્યાય આપવાની ક્ષમતા તમને ક્યાંથી મળે છે?

અભિષેકભાઈ: જ્યારે ‘કેવી રીતે જઈશ’ બનાવી રહ્યા હતાં ત્યારે અને અત્યારે પણ હું મારી મરજીથી તો દિગ્દર્શક જ છું, પણ એ સાથે સાથે હું એક પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર, માર્કેટીયર, રાઈટર સંજોગોને લઈને બન્યો. ‘કેવી રીતે જઈશ’ બનાવી રહ્યા હતાં ત્યારે મને આઈડિયા હતો, મારે કોઈક સારો લેખક જોઈતો હતો. પણ એ વખતે સંજોગોવશાત એવું થયું કે લોકોને મળવાનું થાય – તેઓને ગળે આ વાત ન ઉતરે અને ઘણાં લોકોને ગુજરાતી ફિલ્મ લખવામાં રસ ન હોય ત્યારે પછી મેં વિચાર્યું કે હું આવી રીતે કૉન્સેપ્ટને દબાવી નહીં શકું પણ મારે આને બહાર લાવવી જ પડશે તો મેં લખવાનું શરૂ કર્યું. એ પછી જ્યારે પ્રોડ્યુસર પાસે જઈએ તો પ્રોડ્યુસરોને કોઈ રસ ન હોય ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં, ત્યાર પછી મારે પોતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવી પડી. અને પછી માર્કેટીંગ કહો કે ડીસ્ટ્રીબ્યુશન, બધું જાતે જ કરવું પડ્યું. અને એ જેમ મેં કહ્યું કે આ સંજોગોવશાત થયું પણ અંતે મને લાગ્યું કે હું એ કરી શકીશ. મૂળભૂત હું મારવાડી છું અને બિઝનસ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, મારું ગ્રેજ્યુએશન પણ માર્કેટીંગમાં જ, બિઝનસ મેનેજમેન્ટમાં થયું છે. તો મારા માટે થોડુંક સહેલું હતું કારણકે કોન્સેપ્ટ્સ ક્લીયર હતાં. તો એક બિઝનસ સ્કૂલમાંથી હોવાને કારણે મારા માટે આ બધી વસ્તુઓ થોડી સહેલી પડી. પણ હજુએ પસંદગીના ધોરણે હું એક દિગ્દર્શક જ હોઉં, સંજોગોને લીધે હું એક પ્રોડ્યુસર બનું, પણ બે યાર બાદ હવે એવું છે કે અમે પોતે એક એવું સેટ અપ ઉભું કર્યું છે કે જેથી અમે લોકો પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટીંગ પણ કરી શકીએ, પણ જરૂરી નથી કે હું મારી જાતને સંપૂર્ણરીતે શામેલ કરું, અમે આખી ટીમ તૈયાર કરી છે જે આ કામ હાથ ધરી શકે છે.

સંપાદક: ગુજરાતી ફિલ્મના પ્રમોશનમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ થયો હોય એવી કદાચ ‘કેવી રીતે જઈશ’ પ્રથમ ઘટના હતી, યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવાયેલ ફિલ્મમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ થવો જ જોઈએ, એની શરૂઆત અને પ્રતિસાદ તમારે મતે કેવો રહ્યો?

અભિષેકભાઈ: અમારી પાસે સોશિયલ મિડીયા સિવાય બીજા કોઈ વિકલ્પ જ નહોતા, ટેલિવિઝન પર જો અમે અમારી ઍડ દેખાડીએ તો જે પ્રેક્ષકો સુધી અમે પહોંચવા માંગીએ છીએ એ વર્ગ ટેલિવિઝન જોતો જ નથી જે અમે દેખાડવા માંગીશું, એ પછી રેડિયો પર ફિલ્મને પ્રમોટ કરવું અઘરું પણ પડે, અને પ્રિન્ટ ઍડ અમારા માટે બહુ મોંઘી હોય તો સોશિયલ મિડીયા એક એવું માધ્યમ હતું કે જેથી અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ, અને યુવાનો ભલે દિવસમાં એક વખત છાપું ન જુએ કે ટીવી ન જુએ કે રેડીયો ન સાંભળે પણ એક વખત ફેસબુક તો ચોક્કસ ખોલશે જ! તો એ વિકલ્પ બહુ સ્પષ્ટ હતો કે અમે સોશિયલ મિડીયા થકી લોકો સુધી પહોંચીશું. ટ્રાયલ એન્ડ એરર કરતા ગયા અને ‘કેવી રીતે જઈશ’ ને લોકોનો પ્રતિસાદ સારો મળ્યો. તો હવે થોડી સ્ટ્રેટૅજી અમને પણ ખબર પડી જેને અમે ‘બે યાર’ માં ઉપયોગ કરી. અને લોકોનોૂ પ્રતિભાવ સોશિયલ મિડીયા જોઈને, જેમ તમે કહો છો એમ યુવાનો ઘણાં આવ્યા પણ સાથે સાથે એવા પણ યુવાનો હતા જેમણે ફિલ્મ જોઈને બીજાઓને કહ્યું છે, તો સોશિયલ મિડીયા અને ‘વર્ડ ઑફ માઉથ’ (મૌખિક પ્રસિદ્ધિ) એ બે એવા તત્વો હતાં જે સૌથી વધુ કામ કરી ગયાં.

સંપાદક: ‘કેવી રીતે જઈશ’ ની નાણાંકીય સ્થિતિ કેવી રહી? તમારે માટે એ ફાયદાકારક રહી, નુકસાનકારક રહી?

અભિષેકભાઈ: અત્યારે કારણ કે હું ‘બે યાર’ બનાવી ચૂક્યો છું તો હું કહી શકું કે ‘કેવી રીતે જઈશ’ માં અમને રિકવરી નહોતી થઈ. પણ માત્ર પ્રોત્સાહન એટલું હતું કે અમે પ્રેક્ષકોમાં સ્થાન બનાવી શક્યા અને અમને ફિલ્મથી જે પ્રતિસાદ મળ્યો અને થયું કે એક પ્રેક્ષકવર્ગ ઉભો થયો છે, તો એમના માટે ફરીથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન તો કરી જ શકાય. અને અમે ‘બે યાર’ કરતાં થયાં અને એમાં અમે અમારી રીતે ચોક્કસ વસ્તુઓનું ધ્યાન રાખ્યું કે આ એવા તત્વો છે જેથી આપણે ફિલ્મમાંથી રિકવરી કરી શકીએ છીએ.

સંપાદક: તમને ખ્યાલ હશે કે નહીં મને ખબર નથી પણ, ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ એવી પહેલી ગુજરાતી ફિલ્મો છે જેની પાયરેટેડ સીડી મેં મુંબઈમાં વેચાતી જોઈ છે..

અભિષેકભાઈ: બિલકુલ, બિલકુલ એનો અંદાજો છે..

સંપાદક: એક રીતે એ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે પાયરસી થઈ રહી છે તો બીજી તરફ એ સારી વસ્તુ પણ કહેવાય કે ગુજરાતી ફિલ્મોની એવી માંગણી ઊભી થઈ છે કે લોકો પાયરેટેડ સીડી ખરીદીને પણ તેને જુએ.

અભિષેકભાઈ: હા, જો સારી વસ્તુ ત્યારે જ કહેવાય કે અમે અમારા પૈસા એમાંથી બનાવી શકીએ અને લોકો હજુ પણ તેને જુએ, પણ જો અમે અમારા પૈસા ન બનાવી શકીએ અને પાયરસી અમારા પૈસાને નુકસાન પહોંચાડતી હોય તો એ પાયરસી ફિલ્મમેકરને હતોત્સાહ કરે છે. બીજી વાર હું જ્યારે ફિલ્મ બનાવીશ ત્યારે મારે અચૂક ધ્યાન રાખવું પડશે કે હું ફિલ્મને એટલી સસ્તી બનાવું કે પાયરસી થાય તો પણ મારી ફિલ્મની રિકવરી થઈ જાય, પણ સસ્તી બનાવવાના ચક્કરમાં તો આપણે બધા અટવાયા છીએ.

Bey Yaar

Courtesy Abhishekbhai’s Facebook Page

સંપાદક: અન્ય ગુજરાતી ફિલ્મો જે આજકાલ રીલીઝ થઈ રહી છે, અને ‘કેવી રીતે જઈશ’ તથા ‘બે યાર’ નું જે સ્તર છે, એમાં તમને મૂળભૂત ફરક શું દેખાય છે?

અભિષેકભાઈ: જે ફિલ્મોને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ નથી મળતો, ત્યાં હું વિચારું છું તો મને લાગે છે કે જે વસ્તુ ચાલી જાય છે એનું ક્લોનિંગ કરવામાં આપણે બહુ વિશ્વાસ રાખીએ છીએ. તો ઘણાં લોકો ક્લોનીંગના ફોર્મ્યુલાને વાપરે છે, કે મેથીના ખાખરા ચાલી ગયા તો મેથીના ખાખરા જ બનાવો. એ મને સાચા ધ્યેયનો અભાવ લાગે છે. જ્યાં સુધી તમારી પાસે કોઈ વાર્તા ન હોય, જ્યાં સુધી તમારી પાસે કોઈ વાત ન હોય જે તમારે લોકો સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી ફિલ્મ બનાવવી ન જોઈએ એમ મને લાગે છે. અને કારણ કે કોઈ એક ફિલ્મ ચાલી ગઈ, કોઈ એક ફિલ્મનૂં માર્કેટ ઉભું થઈ ગયું એ ઉદ્દેશથી ઘણાં લોકોએ ફિલ્મ બનાવી છે એના કારણે….. ઑનેસ્ટી અને ઇન્ટેન્ટની તકલીફ થઈ છે એમ મને લાગે છે.

સંપાદક: ‘કેવી રીતે જઈશ’ રીલીઝ થયા પછીની તમારે માટેની સૌથી હ્રદયસ્પર્શી ક્ષણ કઈ રહી?

અભિષેકભાઈ: રીલીઝ જ સૌથી હ્રદયસ્પર્શી ક્ષણ હતી કારણ કે અમને ખબર નહોતી કે અમારી ફિલ્મ રીલીઝ પણ થશે કે નહીં, અને બે કે ત્રણ સ્ક્રીન પણ મળી જાય, બે કે ત્રણ શો મળી જાય એટલી જ આશા હતી પણ જે રીતે લોકોએ એને આગળ વધારી અને ફિલ્મને આટલા બધા દિવસ સુધી ચલાવી ત્યારે એ સૌથી હ્રદયસ્પર્શી ક્ષણ હતી કે સામેથી થિએટર વાળા અમને કહેતા હતા કે તમે આ ફિલ્મ હવે અમને આપો અને અમારે લગાડવી છે.

સંપાદક: ‘બે યાર’ મેં વડોદરામાં જોઈ, કારણ કે હું મહુવામાં છું અને મને એ અહીં જોવા ન મળી એટલે મારે વડોદરા જઈને એ જોવી પડી, મલ્ટિપ્લેક્સ સિવાય કે મોટા શહેરો સિવાય નાના ગામડાઓ સુધી તમે કઈ રીતે પહોંચવા માંગો છો? કારણ કે જો તમારે હવે આગળ ફિલ્મને વધારે માર્કેટ કરવી હશે તો નાના સેન્ટરને પણ ટાર્ગેટ કરવા જ પડશે.

અભિષેકભાઈ: બિલકુલ, અમે લોકો હવે સિંગલ સ્કીન થકી નાના સેન્ટરમાં પહોંચવાના છીએ, પીકે પછી હવે કોઈ મોટી રીલીઝ છે નહીં, એટલે અમે લોકો હવે સિંગલ સ્કીન થિયેટર પર ધ્યાન આપીશું પણ ત્યાં તકલીફ એ છે, પહેલા પણ અમે કોશિશ કરી પણ ત્યાં તકલીફ એ છે કે એ મિનિમમ ગેરેંટી લે છે, એટલે કે તમારે ભાડા પર થિયેટર ચલાવવું, એ પ્રથા હું ચલાવવા નહીં દઉં, મેં આજ સુધી કોઈને ચલાવવા નથી દીધી, એને તમે દાદાગીરી ગણો કે મારો કઠોર નિર્ણય ગણો.. કારણ કે ભાડા પર થિયેટર લેવું એટલે કેન્સર જેવી બીમારી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એમ હું માનું છું, એ હું ચલાવવા નહીં દઉં અને ઘણાં એવા સેન્ટર છે જ્યાં લોકો કહે છે કે ભાડા સિવાય અમે નહીં ચલાવીએ તો એ એમની રીતે અડગ છે અને અમે પણ અમારી રીતે અડગ છીએ કે અમે પણ આવું નહીં ચલાવીએ કારણ કે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તંદુરસ્ત સ્પર્ધા નથી. ભાડા પર થિએટર ચલાવવું એ પ્રોડ્યુસર માટે સૌથી આકરું કામ કહેવાય.

સંપાદક: સિંગલ સ્ક્રીન માટે એ પ્રથા તોડવા તમને શું લાગે છે, તમને કેટલો પ્રયત્ન જોઈશે?

અભિષેકભાઈ: પ્રયત્ન ચાલુ જ છે, એક બે સિંગલ સ્ક્રીન માને છે, કોઈક નથી માનતા, ન માને તો અમે કહીએ છીએ કે તમારે નથી ચલાવવી તો ભલે ફિલ્મ ન ચલાવો, અને નિખાલસપણે કહું તો હું માનું છું કે જો સિંગલ સ્કીન વાળા જો આમ જ અડીને રહેશે તો તેમને તકલીફ ઉભી થશે, કારણ કે હિન્દી ફિલ્મો પાસેથી તો એ લોકો ભાડાં નથી માંગતા તો કેમ ગુજરાતી ફિલ્મો માટે ભાડા માંગે છે? ઉલટું હિન્દી ફિલ્મ પાસે તેમણે ભાડું માંગવુ જોઈએ, ગુજરાતી ફિલ્મને તો તેમણે સપોર્ટ કરવો જોઈએ.

સંપાદક: આ કારણને લીધે સરસ ફિલ્મો જોવાથી લોકો રહી જાય એવું તો અમે કોઈ નહીં ઈચ્છીએ, આશા રાખીએ કે જે સ્ટેન્ડ તમે લીધું છે તેમાં તમે સફળ ઉતરો અને બધાં સિંગલસ્ક્રીનવાળા પણ એ વસ્તુ સમજે..

અભિષેકભાઈ: આજના જમાનામાં મલ્ટિપ્લેક્સ વાળા જે રાષ્ટ્રીય સ્તર પર કામ કરે છે, જો એ ઇચ્છે તો આપણી ફિલ્મ ન પણ ચલાવે, જો એ સપોર્ટ કરી શક્તા હોય તો આપણા લોકલ થિયેટરવાળાઓએ તો સપોર્ટ કરવો જ જોઈએ.

સંપાદક: અભિષેકભાઈ દુબઈમાં તમારી ફિલ્મ રીલીઝ થઈ એ અનુભવ કેવો રહ્યો?

અભિષેકભાઈ: બહુ સારો રહ્યો કારણ કે દુબઈ એક એવી જગ્યા છે જ્યાં મેં એવું વિચાર્યું નહોતું કે આટલા બધા ગુજરાતીઓ હશે કારણ કે મને એમ હતું કે ઓસ્ટ્રેલીયા અને અમેરીકામાં ઘણાં ગુજરાતીઓ છે અને સોશિયલી એક્ટિવ પણ છે પણ દુબઈમાં સોશિયલી આટલા એક્ટિવ હશે એનો અંદાજો નહોતો. બહુ સારોપ્રતિસાદ મળ્યો, ત્યાંના લોકોનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો અને અમારો ઉદ્દેશ્ય એ જ હતો કે વધુમાં વધુ દેશોમાં, વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ અને એ લોકો ગુજરાતી ફિલ્મો જોતા થાય. બીજી વખત જ્યારે અમે કે કોઈપણ ફિલ્મ રીલીઝ કરે ત્યારે લોકો એ ફિલ્મને સ્વીકારે અને ચલાવે. એમના પ્રતિસાદને કારણે બીજા ઘણાં નવા સેન્ટર ખૂલ્યા, જેમ કે મસ્કત હતું, સિંગાપુર હતું, થાઈલેન્ડ હતું. થાઈલેન્ડ જેવી જગ્યામાં ક્યાં ગુજરાતીઓ ભેગા થશે અને ફિલ્મ જોશે પણ ત્યાં પણ… તો એ બહુ સારૂ કહેવાય.

સંપાદક: બે ફિલ્મો બનાવીને તમે સારી ફિલ્મ બનાવી એ તો છે જ, પણ એક આખી ઘરેડને તોડી છે, ગુજરાતી ફિલ્મો માટેની બધાંના મનમાં જે માનસિકતા હતી તેને તોડીને એક ચીલો પાડ્યો છે. એ રસ્તે આગળ વધવા માટે તમારી શું યોજના છે?

અભિષેકભાઈ: અત્યારે તો મૂળ પ્લાન એ જ છે કે આ બે ફિલ્મોથી ઘણાં લોકોનું ધ્યાન આકર્ષાયું છે, પ્રેક્ષકો સિવાય ઘણાં યુવાનો, ઘણાં મેકર્સ, ઘણાં ઇન્ડસ્ટ્રી અને બોલીવુડમાં કામ કરતાં લોકો એ બધાંનું હવે ધ્યાન ખેંચાયુ છે તો આ લોકોને કઈ રીતે ઇન્વોલ્વ કરવા એ અગત્યની વાત છે, કારણ કે અત્યાર સુધી જે ખૂટતું હતું એ હતું બધાનું ઇન્વોલ્વમેન્ટ. ઑડીયન્સનું ઇન્વોલ્વમેન્ટ આવી ગયું તો આ લોકો જો ભાગ લે તો મજા આવે, ઘણાં યુવાનો એવા છે જેમને ફિલ્મ બનાવવી છે, ઘણાં યુવાનો એવા છે જેમની પાસે વાર્તાઓ છે અને તેમને વાત કહેવી છે, ઘણાં યુવાનો છે જેમને એક્ટિંગ કરવી છે, પણ આ બધાંને એક વસ્તુ નડે છે કે અમે ફિલ્મ બનાવી તો દઈશું, અમને પ્રોડ્યુસર પણ મળી જશે પણ અમને ડિસ્ટ્રીબ્યૂટ કરવા કે માર્કેટીંગ કરવા જો માધ્યમ નહીં હોય તો અમે શું કરીશું? એ જ વિચારીને એ લોકો અચકાય છે અને ફિલ્મ બનાવતા નથી તો અમે વિચાર્યું છે કે આ આખુંય વર્ષ ૨૦૧૫ અમે લોકો ડીસ્ટ્રીબ્યુશન અને માર્કેટીંગ પર ધ્યાન આપીશું, જે પણ લોકો પાસે સારી વાત હોય કે સારી ફિલ્મ હોય એ અમારી પાસે આવે અને અમે તેને ડિસ્ટ્રીબ્યૂટ અને માર્કેટ કરી આપીએ . એ સિવાય અમારી પ્રોડક્શન કંપની હેઠળ એક ફિલ્મ પ્રોડ્યૂસ કરીશું જે મારો મિત્ર નિખિલ ડીરેક્ટ કરશે.

સંપાદક: મેં ગયા વર્ષે દિશાબેન વાકાણીનો ઇન્ટર્વ્યુ કર્યો હતો અને એમને એક પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતી ફિલ્મો ચાલતી નથી કે લોકો જોવા જતા નથી એનું મૂળભૂત કારણ શું? એમણે કહ્યું કે સારી ફિલ્મો બને છે, જેમ કે ‘કેવી રીતે જઈશ’ કે ‘બેટરહાફ’ પણ પ્રેક્ષઓનું ઇન્વોલ્વમેન્ટ ઘટે છે. તમને શું લાગે છે?

અભિષેકભાઈ: મને લાગે છે કે હવે એ વાત પણ નથી, પ્રેક્ષકો હવે ઇન્વોલ્વ છે અને એ સારી રીતે માહિતિગાર પણ છે, એ લોકો એક સારી ફિલ્મ આવે તો જોવા જાય જ છે, તમે લિંગા ના શો જુઓ, આજે મેં જોયા, આજે શનિવાર છે અને અમદાવાદમાં તમે લિંગાના શો જુઓ, લિંગા હિન્દી ડબ છે, તમિલ લિંગા આવી હતી ત્યારે તેના લગભગ અડતાલીસથી પચાસ શો હતા અમદાવાદમાં, એટલે લોકોને સારી મનોરંજક ફિલ્મ હોય તો તમિલ ફિલ્મ જોવામાં પણ તેમને છોછ નથી, એ કોરીયન ફિલ્મ પણ જોવા જાય છે, એ સારી ફિલ્મ જોવા માંગે છે. તો એ પછી ભાષાનું કોઈ બંધન નથી, અને સારી ફિલ્મ જો ગુજરાતી હોય તો એના જેવુ બીજુ શું? એ તો કેક પર આઈસિંગ જેવુ છે.

સંપાદક: આશા રાખીએ કે ભવિષ્યમાં ખૂબ સારી ગુજરાતિ ફિલ્મ બનાવી તમે અમને આમ જ મનોરંજન આપતા રહો, અક્ષરનાદ ગુજરાતી ભાષા માટે સદાય ઉભી જ છે અને અમે કોઈ પણ રીતે જો મદદરૂપ થઈ શકીએ તો સદાય હાજર છીએ. અમારી બધાની ખૂબ શુભેચ્છાઓ અને ‘બે યાર’ ની સફળતા માટે આપને અભિનંદન. થેંક યૂ

અભિષેકભાઈ: થેંક યુ.

– અભિષેકભાઈ જૈન સાથે અક્ષરનાદ સંપાદક જીજ્ઞેશ અધ્યારૂની (તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ) ટેલીફોનીક મુલાકાતના સંકલિત અંશ.

‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સફળ ગુજરાતી ફિલ્મોના સર્જક અભિષેકભાઈ જૈનને ગત વર્ષે મળવાનું થયેલું, તેમના વિશે વધુ જાણવાનો અવસર પણ ત્યારે મળ્યો હતો, થોડા દિવસો પહેલા વડોદરામાં હાઉસફુલ જતી ‘બે યાર’ જોવાનો અવસર મળેલો ત્યારે એ મુલાકાત તાજી થઈ અને અભિષેકભાઈની માતૃભાષા ગુજરાતીમાં સર્વસ્વીકૃત થાય અને ઉત્સાહપૂર્વક જોવાય તેવી ફિલ્મો બનાવવાની ધગશને લઈને તેમનો ઇન્ટર્વ્યુ અક્ષરનાદ માટે કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની શરૂઆતથી લઈને ‘કેવી રીતે જઈશ’ને મળેલ અપાર લોકચાહના, ‘બે યાર’ ની સફળતા સાથે ગુજરાતી ફિલ્મો અને સિનેમાઘરો માટેના તેમના વિચાર અને આયોજન વિશે ખૂબ વિગતે વાત થઈ એ મુલાકાત ઑડીયો અને લેખિત સ્વરૂપે આજે પ્રસ્તુત કરી છે. આટલો લાંબો સમય ફાળવવા બદલ અને તેમના અભિપ્રાય તથા મંતવ્યો સ્પષ્ટપણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ અભિષેકભાઈનો ખૂબ આભાર, અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના સર્જક અભિષેક જૈન સાથે મુલાકાત.. (Audiocast)

  • Rajnikumar Pandya

    ખૂબ જ રસપ્રદ આ મૂલાકાત રહી. ભાઇ અભિષેકે તો ગુજરાતી ફિલ્મોની કરવટ બદલી આપી છે. આ પહેલા આશિષ કક્કડે બેટર હાફ દ્વારા આ કરી બતવ્યું હતું, પણ એ “બહુ વહેલા ઉઠી ગયા હતા ” એટલે એમણે મળસ્કું જોયું, સુર્ય પ્રકાશ્ ના જોઇ શક્યા . પણ ગમે તેમ તેમને યાદા કર્યા વગર ના ચાલે

  • PRAFUL V SHAH

    Congratulation to both of you, He dare to do for Gujarati film, and doing all he can, and You brought this to our knowledge, How hard he worked for Gujarati film..He is very hard against HIRING THEATERS. CONGRATULATIONS FOR HIS GOAL AND TO SUFFER FOR THE SAME. WE ALL GUJARATIES HAVE TO SUPPORT SUCH YOUNG ONES, JUST TO MAKE GUJARATI FILM MARKET..
    IT IS SHAME IF WE DO NOT DO ANY THING FOR OUR GUJARATI FILM INDUSTRY =PROMOTION IS VERY ACUTELY NEEDY. GOD BLESS YOU BOTH WORKING FOR GUJARATI…********

    • Viranchibhai. C. Raval.

      શ્રી અભિષેકભાઈ ને શુભેછા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે તમારી જેવા યુવાન ને આવી સફળતા મળે અને ફિલ્મ ઉદ્યોગ નામના કાઢે તેવી શુભ કામના .

  • P.P.Shah

    Very informative interview of a young daring producer,Director and doing job of all segments of film making of a very good impressive Gujju film a movie i happen to watch for the first time in USA being a Gujarati film after a very long period of 10/15 years. Congrats to both interviewer and interviewed.