ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ 7


આજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.

૧.

વિચારોમાં સતત તારા સ્મરણની આગ રાખીને,
જીવું છું હું પ્રિયે તારો અલગ વિભાગ રાખીને.

હજી રાખો છો દૂરી કેટલી, સાબિત કર્યું આપે,
મને દીધી વસંત પણ પાનખરનો ભાગ રાખીને.

હવા શોધી રહી છે ક્યારની શિકારને એના,
તમે ના આવતા અહીં હાથમાં ચિરાગ રાખીને.

મને મારી રીતે કોઈ આપવા દેતું નથી અહીંયાં,
ફરું છું હું ય મારામાં નહીંતર ત્યાગ રાખીને.

હવે તો હું અને આ ચંદ્રમાં બંને છીએ સરખાં,
સફેદ પહેરણ મને આપ્યું છે કાળો ડાઘ રાખીને.

૨.

હોઠથી ઇસ્સો પડ્યો
આંખમાં પડઘો પડ્યો.

સર્પ માફક ક્ષણ સરી,
ભાગ્ય પર લીટો પડ્યો.

ટેરવાં ભોંઠા પડ્યા,
શબ્દ જ્યાં ખોટો પડ્યો.

છત કરી સંપૂર્ણ તો,
આભને વાંધો પડ્યો.

વૃક્ષથી પત્તાં ખર્યાં,
વૃક્ષ પર સોપો પડ્યો.

૩.

પડ્યું પાનું નિભાવી લઈશ એવી હામ રાખું છું,
રમત રમવામાં મારું એ રીતે હું નામ રાખું છું.

જુઓ, અજવાસનો હું આમ કૈંક અંજામ રાખું છું,
હવાની ઝૂંપડીમાં જ્યોતનો આરામ રાખું છું.

તને મળવું ગઝલ લખવી અને નોકરી કરવી;
મને ગમતાં અહીં બે ચાર કાયમ કામ રાખું છું!

નથી દેતો મફતના ભાવે અહીંયાં પાનખરને હું;
પવનના વેગ ઉપર પાંદડાના દામ રાખું છું!

ધરમની વાત હો તો છે ગણિત મારું જરા જુદું;
નજરમાં ઈસુને અલ્લાહ, આંખે રામ રાખું છું!

– જિતેન્દ્ર પ્રજાપતિ


Leave a Reply to vipul aswarCancel reply

7 thoughts on “ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ