Daily Archives: January 2, 2015


પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે 6

ઓસ્કાર વાઈલ્ડની ૧૮૮૮ માં પ્રથમવાર પ્રકાશિત ‘ધ હેપી પ્રિન્સ’, સચોટ અને હૃદયસ્પર્શી ઉત્તમ વાર્તાને અમુક ફેરફાર સાથે અહીં રજૂ કરી છે. વાચકોને મૂળ વાર્તા વાંચવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

* * *

ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક મોટો દેશ આખી દુનિયામાં એટલો બધો સમૃદ્ધ હતો કે એ ‘દૂધ અને મધના દેશ’ તરીકે જાણીતો હતો. એ દેશ તેનાં પ્રાકૃતિક સૌન્દર્ય માટે પણ બહુ પ્રખ્યાત હતો: હિમાચ્છાદિત પર્વતો તે દેશની મનોહર અજાયબીમાં ગણાતા હતા. આ પર્વતો બારે માસ વહેતી નદીઓનું જળસ્રોત હતા. તે નદીઓ ત્યાંની જમીનને ફળદ્રુપ અને ખેતીને લાયક બનાવતી હતી. આ દેશમાં લીલાછમ પર્વતો, વળાંકદાર ટેકરીઓ, સરોવરો, નિર્મળ સ્ફટિક જેવું નીર વહાવતાં ઝરણાં, ફૂલોથી લચી પડતી ખીણો અને વન્યજીવનથી ભરપૂર જંગલો કે જેમાં કેટલીક અસાધારણ ગણાતી જાતિનાં પક્ષીઓ પણ હતાં. ત્યાંના લોકો પ્રકૃતિની પૂજા કરતા અને ખૂબ જ શાંત અને સુખી જીવન જીવતા હતા. ત્યાં નાણાનું ચલણ ન હતું. તેઓ વસ્તુઓની અદલાબદલી કરતા હતા. ત્યાં સંપત્તિનો સંગ્રહ કરવાની હરીફાઈ ન હતી અને તેઓ એકબીજાને જરૂર પડ્યે સાથ આપતા હતા. તેમનામાં સૃષ્ટિના રહસ્યો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેઓ ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મનોમંથન કરતા હતા, જેવા કે……