આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા 7


સ્નેહભીનો સાદ છે બસ એટલું પર્યાપ્ત છે,
સ્વાર્થ સઘળાબાદ છે બસ એટલું પર્યાપ્ત છે.

થઈ નિખાલસ જેમનાં દિલમાં પ્રવેશી હું શકું,
એ સ્વજન એકાદ છે બસ એટલું પર્યાપ્ત છે.

જિંદગી નામે ગઝલ છે શેરિયતથી તરબતર;
શ્વાસ આપે દાદ છે બસ એટલું જ પર્યાપ્ત છે.

સ્મિત નકલી લઇ ફરે છે માનવી હરકોઈ પણ,
શખ્સ આ અપવાદ છે બસ એટલું પર્યાપ્ત છે.

આપણો સંબંધ જાણે ગોળનો છે ગાંગડો,
ગળચટ્ટો સ્વાદ છે બસ એટલું પર્યાપ્ત છે.

– જિજ્ઞા ત્રિવેદી

‘વાયમ રસાત્મકમ કાવ્યમ’ – રસભર વાક્યની અભિવ્યક્તિનું નામ કવિતા છે. જ્યારે સંવેદનતંત્રની એરણપર લાગણી ચડે ત્યારે શબ્દની જીત છે. શબ્દ અને અર્થની સંયુક્ત અસર ભાવકના ચિત્તને ઝંકૃત કરી દે.

ભાવનગર સંસ્કારનગરી તરીકેની ઓળખ ઊભરી રહ્યું છે. આ ભૂમિ પર અનેક કવિઓ સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિને માનવતાની મહેકને જિવંત રાખી છે. પસ્તુત ગઝલ કવિયિત્રિ શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી છે. જેમણે ‘અર્થના આકાશમાં’ સંગ્રહથી ભાવઓનું ધ્યાન ખેચ્યું છે. અનેક સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં પણ તેની સર્જકતા પુરસ્કૃત થઈ છે. તેમની કવિતામાં ભાવસંવેદનની ગહેરાય અને અર્થની અગણિત શક્યતાઓ પડી છે.

‘બસ એટલું પર્યાપ્ત છે’ – રદીફને લઈ આવતી ગઝલમાં આટલું પામવાની મથામણ પછીનો પરિતોષ વ્યકત થયો છે. ભીતરથી સંવેદનતંત્રની ઝંકૃતિ અને તેમાંથી ઉઘડેલ આહલાદ પ્રેમાભિવ્યક્તિની નાંદિ છે. પ્રથમ શે’રમાં જ સ્નેહથી સાદગીસભર અભિવ્યક્તિ આંખે વળગે તેમ છે. પ્રેમની ગલીમાં સ્વાર્થ માટે સ્વયં – ‘પ્રવેશ નિષેધ છે’ – ત્યાં ‘No entry’ નું બોર્ડ લગાડવું પડતું નથી. કબીરજીએ પણ એમ જ કહ્યું છે… “પ્રેમ ગલી અતિ સાંકરી તાં મેં દો ના સમાયે” સમર્પણ અને સ્વાર્થની હરીફાઈમાં સમર્પણની જીત થાય ત્યાં જ પ્રેમની શરૂઆત થતી હોય છે.

આધુનિક સમયમાં લોકોને fresh થવાનો સમય છે, relax થવાનો સમય છે પણ નિખાલસ થવાનો સમય જ ક્યાં છે? કોક અપવાદ પ્રેમી જ નિખાલસ હદયથી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. ગાલિબે સાચું જ કહ્યું છે…

“ઇશ્કને મુજે નિકમ્મા કર દિયા ‘ગાલિબ’
વર્ના હમતો આદમી થે બડે કામ કે”

પ્રેમ પદારથ ઝંખના લઈ દર-બ-દર ભટકતી મીરાં પોતાની જાતને પ્રેમ દિવાની તરીકે ઓળખાવે છે. જગતને નિખાલસતા સામે જ્ન્મજાત દુશ્મની જ રહી છે, તેથી નિખાલસ પ્રેમીને વ્યવહારુ જગતે પાગલ જ ગણ્યાં છે. આધુનિક સમયમાં સ્વજનને અને સ્મરણને સંતાડી રાખવા જેવો ખજાનો ગણાવી શકાય છે. બીજા શે’રમાં આવા મતલબની વાત વ્યક્ત કરી છે.

આમ તો ગઝલ શબ્દનો અર્થ જ થાય છે ‘ગુફતગુ’. કોઈ સ્મરણની ગુફતગ સ્વજન સાથે કરીએ ત્યારે જ જીવનનો સાચો અર્થ સમજાય તેવી ફિલસૂફી ત્રીજા શે’રમાં વ્યક્ત થઈ છે. Modern Age માં આપણે ન તો આપણે આપણા આંતરિક મનોભાવોને સાચવી શક્યા કે ન તો સાચા સગપણને સાચવી શક્યા ત્યારે કરસનદાસ લુહારનો એઅ શે’ર યાદ આવે છે;

“હું આખું વૃક્ષ વાચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
પ્રયત્ન ખૂબ કરું ત્યારે ફક્ત એક પાંદ વાચું છું.”

ક્યારેક તો હર્ષદ ત્રિવેદીના શબ્દો ઉછીના લઈ કહેવાનું મન થઈ આવેઃ

“એક ક્ષણ માટે તું થઈ જા વૃક્ષ તું,
પાંદડાની જેમ હું ફુટું તને.”

જિંદગીની ગઝલને સ્નેહની શેરિયતથી જ તો રળિયાત કરી શકાય તેમ છે. પ્રત્યેક શ્વાસે પછી સ્મરણનું ઘોડાપૂર ઉપડે અને ભીતરમાં કરોડ દિવાઓ થતા હોય ત્યારે સાચા અર્થમાં પ્રેમ પાંગર્યો કહેવાય.

ચોથા શે’રમાં આપણને આધુનિક સમયના સિન્થેટીક સંબંધોમાં પણ ક્યાંક આશાવાદ રાખી જીવનાર એક વિશ્વાસુ પ્રેમીની સચ્ચાઈનો રણઓ સંભળાય છે. માનવ જીવનના આરંભથી જો સૌથી મોટી શોધ હોય તો તે છે સત્યની શોધ, પ્રેમની શોધ. જીવનના એક મુકામ પર આ બન્ને તત્વો એકાકાર થઈ જાય છે, બન્નેની ઝંખના મિલન સુધી પહોચે ત્યારે દાન વાધેલા સહજ યાદ આવે…

“સાદ પાડીને ય તું બોલાવ ને,
હું ય તત્પર છું અહીંયા આવ ને.”

આજના બારબાઈ ચોવીસના ઓરડામાં 2GB કે 4GB જેટલાં માં જીવન વ્યતિત થાય છે ત્યારે નિર્દોષ હાસ્યનો સ્વર્ગવાસ નક્કી જણાય છે. ત્યારે એકાદ સ્વજનની નિર્દોષ નાચતી બત્રીસી – જીવનમાં બત્રીસ કોઠે દિવા પ્રગટાવવા માટે પર્યાપ્ત બની રહે છે.

કોઈપણ સગપણ ગળપણથી સહેજેય ઉતરતું નથી પરંતું સગપણને સંબંધ સુધીની યાત્રા કરવી પડે છે. ક્યારેક નિરાશારૂપી રાત્રિમાં સંબંધના આગિયા અજવાસ માટે પર્યાપ્ત થાય છે. આમ, નાજુક નમણા મર્મસ્થાનો સંવેદનતંત્રને સ્પર્શ કરતી આ ગઝલ ભાવકોને જરૂરથી ગમશે. જિજ્ઞાબેનને તેમનાં બીજા સંગ્રહ માટે અગાઉથી હદયાભિનંદન. લીલીછમ શુભકામના સહ…

– તરુણ મહેતા

બિલિપત્ર

પ્રેમ એ નાનકડા જીવનની અનંત ખોજ છે.


Leave a Reply to tarunCancel reply

7 thoughts on “આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા

  • jigya trivedi

    ગઝલ અને તેનો આસ્વાદ અક્ષરનાદ.કોમ દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવા બદલ હૃદયપૂર્વક આભાર જિજ્ઞેશભાઈ .એ સાથે ગઝલનો આસ્વાદ કરવા બદલ યુવાન કવિ,લેખક તરુણભાઈ મહેતાનો પણ હાર્દિક આભાર.

  • મનીષ વી. પંડ્યા

    ગઝલમાં ‘નિહાલસ’ શબ્દની જગ્યાએ ‘નિખાલસ’ શબ્દ હોવો જોઈએ. બાકી ગઝલ “સ-રસ”.

  • bharat galani

    થઇ નિખાલસ જેમના દિલમાં પ્રવેશી હું શકું,
    એ સ્વજન એકાદ છે બસ એટલું પર્યાપ્ત છે. (એમ છે) અને
    ચોથો શેર આ પ્રમાણે છે..
    સ્મિત નકલી લઇ ફરે છે માનવી હરકોઈ પણ,
    શખ્સ આ અપવાદ છે બસ એટલું પર્યાપ્ત છે.
    અજાણતા ટાઈપની મિસ્ટેક જણાય છે ,આથી રસક્ષતિ ણ થાય તે માટે ભાવકો,કવિમિત્રોને ઉપર મુજબ શેરને માણવા નમ્ર નિવેદન છે.