મામેરું – ભારતી કટુઆ 13


લીલાએ બે વર્ષ પહેલાં ભરેલી મગની ટાંકી આડી કરી. છેક અંદર હાથ નાખી રેતી અને રાખમાં દાબેલા મગ પીપના મોં સુધી આણ્યા.ચાળણીમાંથી રેતી અને રાખ ચળાઈ ગયા પછી માંડ એકાદ કિલો જેટલા મગ વધ્યા હતા. રેતીમાંથી ઊડતી રાખથી આખા શરીરે ભભૂતી લગાવી હોય તેવું લાગતું હતું.

‘લે હવે તો મગેય ખૂટ્યા’ એવું વિચારતાં આકાશ સામે જોવાઇ ગયું. આંગણાંમાં દોડાદોડી કરતાં છોકરાને જોઇ તે મનોમન બોલવા લાગી, ‘આ બિચારાને ખબરેય નથી કે ઉપરવાળો સામું જોશે તો ઠીક, નહીતર રોટલા માટે દોડવું પડશે.’

લીલાએ સૂપડામાં મગ નાખ્યા એ વખતે જ ડેલીની સાંકળ ખખડી. ‘અત્યારે વળી કોણ આવ્યું.’ લીલાએ પગને વળગી પડેલા છોકરાને કાખમાં તેડ્યો અને ડેલી ખોલી.

રામજી વીલા મોઢે દાખલ થયો. ખેતરની માટી સાથે ભીંજાયેલું ખમીસ ઉતારી ખાટલા પર ધબ્બ કરતો બેઠો. તેના ચહેરા પર દેખાતો ઉચાટ કશીક નિષ્ફળતાની ચાડી ખાતો હતો. તેણે બેય હથેળી ગાલ પર મૂકી માથું ઢાળી દીઘું.

‘કાં સાવ સૂનમૂન થઈ ગ્યા છો? આપણે એકલાં નથી જ. બધાનુ થાશે તે આપણુ થાશે. હજી ભાદરવો બાકી છે? એકાદ ભુસાકો થાશે તોય વરસ કાઢી જાશું. આવતી સાલનું જોયું જાશે.’ છોકરાને જમીન પર બેસાડતાં લીલાએ રામજીને હૈયાઘારણ આપી.

વાત ફક્ત ખેંચાયેલા વરસાદની જ નહોતી. રામજીને બીજી ચિંતા પણ પેઢી હતી. રામજીની મોટી બહેનનું સાસરું વાગડ માં હતું. રામજી અને તેની મોટી બહેન વચ્ચે ઉમર નો ખાસ્સો તફાવત હતો. મોટી બહેનની દિકરી વળાવવા જેવડી થઈ ગઈ હતી. બહેને દીકરીનાં લગ્ન માંડ્યાં હતાં. હવે પંદરેક દિવસમાં જ લગ્ન લેવાનાં હતાં. રામજી ઊંચોનીચો થઈ ગયો હતો. ઉપર આકાશ ખાલીખમ્મ થઈ ગયું હતું અને નીચે રમજીનું ઘરેય નાદાર ચોમાસા જેવું ખાલીખમ્મ! સળ્ંગ સાતેક વર્ષ સારાં ગયાં ત્યારે એવુ લાગ્યું હતું કે હવે આ પંથક પર કદી દુકાળ નહીં પડે, પણ જૂનો રોગ ઊથલો મારે તેમ દુકાળે ફરી પોતાનું કાળું મોઢું છતું કર્યુ. આગલા વર્ષેય અધકચરો વરસાદ થયો અને આ વર્ષે તો છેક શ્રાવણ અડઘો પસાર થઈ ગયો ત્યારે થોડોક વરસાદ થયો. કદાચ ચોમાસું પાછોતરું હશે એમ માની વાવી દીઘુ, પણ એક વરસાદ પછી મેધરાજાએ પાછું વાળીને જોયું જ નહીં. અધકચરા વર્ષો દુકાળ કરતાંય દોહ્યલાં હોય છે એની રામજીને ખબર હતી. ધરમાં થોડી ઘણી બચત હતી તે વાવણી નીંદામણમાં વપરાઈ ગઈ. આવકનાં નામે વરસાદની આશા! અને જે હવે લગભગ પૂરી થવાના છેડે આવીને ઊભી હતી. મોટી બહેને ફોન કરીને કહ્યું તો ખરું કે, ભાઈ, પે’લું પેટ પરણાવું છું અને તારી એકની એક ભાણી છે. બહેને સીધું તો કશું ન કહ્યું, પણ રામજી સમજતો હતો કે બહેન શું કહેવા માગતી હતી. આમ તો રામજીને બીજી બે બહેનો હતી, પણ એ બહેનોને દીકરી નહોતી. એટલે બહેન સાચી પણ હતી કે આ દુનિયામાં તેની ભાણી એક જ તો હતી.

અત્યાર સુધી શ્રાવણ ભાદરવાના દિવસો ગણતો રામજી અચાનક શું આપું તો કેટલો ખર્ચ આવે તેની ગણતરીઓમાં પડી ગયો. તેને આજે મનોમન ચીડેય જાગી કે સમાજ આ વ્યવહારોમાંથી ક્યારે છૂટશે? કાંક ને કાંક ઊભું જ હોય. વ્યવહાર ન સાચવીએ તો લોકો બરાબર અણીના સમયે પોતાની જાત બતાવે. વળી ગમે તેટલું કરીએ તોય વાંધો પડવાનો જ હોય. વરસાદની રાહ જોવામાં જ બચત વપરાઈ ગઈ. હવે આવા વખતમાં નાનકડા ગામમાં ઊધાર આપે તોય કોણ આપે?

‘હવે નહાઈ લો તો ખાવાનો આરો આવે. છોરાં ભૂખ્યા થયાં છે.’

રામજી એ ઘરવાળી સામે જોયું. એ છોકરાના હાથ મોં ધોવડાવતી હતી. રામજી ને થયું, સ્ત્રીઓનો અવતાર કેવો સુખી! ન કમાવાની ચિંતા, ન વહેવારની, લગન કે તહેવાર હશે તો નવાં કપડાં ને દાગીના ઉપર મીટ માંડી બેઠી હોય? ઘરમાં બે ટંક રાંધવું, કપડાં ધોવાં, છોકરાં મોટાં કરવા, બસ! એમને કેમ સમજાવવું કે દુનિયા દેખાય એટલી સારી નથી. ઘરની બહાર નીકળો તો ખબર પડે કે લોકો કેવી કેવી રીતે જોખે તોલે છે. રામજી એ માથું ખંજવાળ્યું. વાળમાં ભરાયેલી રજ નખમાં ભરાઈ. તેણે ધ્યાનન આપ્યું. તેને ખબર હતી કે પોતાની ચોખલી ઘરવાળી નાહ્યા વગર ખાવાનું નહીં દે.ઘરવાળી કહે તે પહેલા જ ચોકડી તરફ ચાલ્યો ગયો.

શરીર પર જેમ તેમ પાણી નાખીને તે આંગણાંમાં આવ્યો તો એનું મોં બગડી ગયું તેની લીલા મંગુ સાથે વાતો કરતી ઊભી હતી. પોતાનો અણગમો દેખાય તે રીતે તેણે લીલા સામે જોયું મંગુ રામજી ને જોઈ જતી રહી. રામજીનો ઉકળાટ મંગુના બહાને બહાર આવ્યો. ‘તને ના પાડી છે કે આ બાઈ સાથે ઝાઝો વ્યવહાર ન રાખ. તને શી ખબર આ ઉતાર સાથે શી મજા આવે છે.’

લીલાએ રામજી સામે જુદી રીતે જોતાં કહ્યું, ‘તમને શી ખબર મંગુ સામે શેનો વાંધો છે. ગામ ગમે તે કહે એ બાઈનો માંહ્યલો ઊજળો છે.’ રામજી એ જવાબ આપવાને બદલે હોઠ વંકાવી પોતાની ચીડ વ્યક્ત કરી.

ગામમાં મંગુ ની છાપ સારી નહીં. તેને મંગુ કે મંગુ બહેન તો ભાગ્યે જ કોઈ કહે. એ મંગુડી તરીકે જ ઓળખાય. યુવાન વયે વિધવા થયેલી મંગુના બે છોકરાં યુવાન થવા આવ્યા હતા. મંગુને કદીયે મેલાં કે ફાટેલાં કપડાંમાં કોઈએ જોઈ નથી. ગામની સ્ત્રીઓ મંગુને વગોવવામાં બાકી ન રાખે. તેમ છતાં મંગુએ કોઈ સાથે ઝઘડો કર્યો હોય કે એને કોઈ સાથે અબોલા હોય એવું બન્યું ન હતું. રામજીના ઘરની પાછળ વાળી શેરીમાંજ રહેતી મંગુને રામજીની ઘરવાળી સાથે બહું બને. પણ મંગુ ને ખબર કે પોતે લીલાને મળવા જાય છે તે રામજીને ગમતું નથી એટલે મોટા ભાગે રામજી ન હોય ત્યારે જ તેના ઘેર આવતી.

રામજી ઓસરીમાંજ બેસી ગયો. તેની ઘરવાળી એ તેને પીરસ્યું. રામજીના મગજમાં ભરાયેલો ઉચાટ હજી શમ્યો ન હતો. તેણે લીલા સામે જોયા વગર જ કહ્યું, ‘એ બાઈને તો કોઈ ધંધો નથી. એનાં જુવાન છોરા કમાવે છે. તારા છોરા હજી નાના છે એની ખબર છે ને?’

‘તો તાણીને મોટા કરી નાખું? એ બાઈએ તમારું શું બગાડ્યુ છે? એ બિચારી પોતાનું કમાવી ખાય છે.’

‘એ જરાય બિચારી નથી. આખું ગામ ખોટું ન હોય, સમજી?’

‘ગામ કેવું છે તેની મને ખબર છે. આપણે કોઈની આંખે ન જોઈએ. ને અમે બે જણી વાતો કરીએ તેમાં તમને શું તકલીફ થાય છે?’

‘બેસને હવે તકલીફ વાળી. એ બાઈ અહીં આવે એટલે લોકો વાતો કરે ને! તને કોઈ ન કહે. બધા મને જ કહેવાના, સમજી?’

જવાબ દેવાને બદલે લીલા ઊભી થઈ રસોડામાં ચાલી ગઈ. રામજી મનોમન ધૂંધવાયો. મૂળ વાત તો કહેવાની બાકી રહી ગઈ. તેને ખબર હતી કે લીલા રિસાઈ જશે તો બે ચાર દી બોલશેય નહી. છે પાછો વટનો કટકો. ભાણીના લગનની વાત એને કહેવી તો પડશે ને! લીલા બહાર આવે તેની વાટ જોતો રામજી ખાવા લાગ્યો. તેણે જમી લીધું તોય તેની ઘરવાળી બહાર ન આવી. અધીરા રામજીએ છેવટે હાક મારી, ‘એય અહીં આવ તો..’

રામજીની ઘરવાળી મોં ફુલાવી ઓસરીમાં આવીને તેની બાજુમાં બેસી ગઈ. વાત કેમ મંડવી તેની અવઢવમાં ગુંચવાયેલા રામજીએ ધીમેથી કહ્યું, ‘બહેન કમુના લગ્ન કરી રહી છે.’

‘તો?’ ઘરવાળીના એકાક્ષરી જવાબથી રામજી વધુ ગૂંચવાયો. તેનો ઉચાટ બહાર આવી ગયો. ‘તો એટલે મામેરું મારો બાપો કરશે? જેની પાસેથી ઉધાર મળી શકે એમ હતું તેની પાસેથી તો લઈ બેઠો છું હવે ક્યાં જવું?’

‘તે મને શું ખબર નહીં હોય? તમારી બહેને પહેલા મને ફોન કરેલો.’

‘તને કોના ફોન પર કરેલો? અને તે કીધું કેમ નથી?’

‘કહી ને શું કરું? તમે કોઈ વાત સીધી રીતે કરો છો ખરા? તેણે મંગુના નંબર પર જ મને ફોન કર્યો હતો. મંગુ બિચારીએ સામેથી બહેનને ફોન કરીને વાત કરાવી.’

‘વળી એ બાઈ વચમાં આવી? તો જાવને તમારી બહેનો પાસેથી લ્યો. તમારા ભાઈ નથી, પણ બીજી બે બહેનો તો છે ને? એમની પાસેથી લ્યો. મારા માવતર પાસે પૈસા હોત તો હુ તમને પૂછત નહીં.’

રામજી ચૂપ થઈ ગયો. તેને ખબર હતી કે પોતાની નાની બહેનોના ઘર ખાતા પીતાં છે, પણ બનેવીઓ મદદનાં નામે હાથ ઊંચા કરી નાખવાના છે.

રામજી કોઈ નાના બાળકની જેમ પોતાની લીલા સામે જોઈ રહ્યો. લીલાની આંખમાં જુદા ભાવ આવ્યાં. તેણે રામજી સામે જોઈ રહેતા કહ્યું, ‘ચિંતા ન કરો. બઘું થઈ રહેશે. એમ સમજો કે થઈ જ ગયું છે.’

‘થઈ ગયું છે? કેવી રીતે થઈ ગયું છે? શું ભગવાન તને રુપિયા ની થેલી આપી ગયો?’

‘હા ભગવાન જ આપી ગયો બતાવું?’ લીલા ની આંખમાં ચમક આવી. તે છણકા થી ઊભી થઈ અને સાચે જ એક નાનકડી થેલી લઈ આવી. તેણે એ થેલીના કડાની ગાંઠ છોડી પાંચસોની નોટની નાની થોકડી બહાર કાઠતા કહ્યું, ‘જુઓ અડી જુઓ સાચા જ છે ને?’

રામજીની આંખો ફાટી રહી. તેને સમજમાં આવતુ ન હતું કે પોતાની ઘરવાળી પાસે રુપિયા આવ્યાં ક્યાંથી. તેની આંખોમાં લીલા સામે હારી ગયાના ભાવ તરી આવ્યા. તેણે નરમ અવાજે પૂછ્યું, ‘મને કહે તો ખરી આવડા રુપિયા ક્યાંથી આવ્યા. તેં બચાવ્યા હતા કે કોઈ પાસેથી લીધા છે?’

‘કહીશ તો તમે માનશો નહીં, ગુસ્સે થશો તે વઘારામાં. એના કરતા ન પૂછો એ જ સારું છે.’

રામજીની આંખો ચમકી. તેણે ઘરવાળીના હાથમાથી રુપિયા લઈ લેતા કહ્યું, ‘કેમ મને નહી ગમે?’

‘કેમકે તમારી આંખોને પટ્ટી બાંધેલી છે. તમને સાચું દેખાય તેમ નથી. આ રુપિયા તમારા બાપાએ એક સારું કામ કર્યુ હતું તેના બદલામાં આવ્યા છે. હા, મફતના નથી. આપણી પાસે થાય ત્યારે પાછા દેવાના છે.’

‘એક વાત પૂછું? આ મંગુનો ઘરવાળો કેવી રીતે મરી ગયો હતો?’

‘એ ખાણમાં દટાઈ ગયો હતો. કેમ તે એનું શું છે?’

‘મેં સાંભળ્યું છે કે એ ખાણમાં જવા કોઈ તૈયાર ન હતું, અને તમારા બાપાએ જીવના જોખમે એની લાશ બહાર કાઢી હતી. એ વાત સાચી છે?’

‘હા, મારા બાપા ન હોત તો આ મંગુડીના ઘણીનું મડદુંય હાથમાં ન આવત, પણ તું અત્યારે એ બધું શા માટે પૂછી રહી છો?’

‘ભલે, તમે એક કામ કરો. તમારા ભાઈબંધ દોસ્તારો કે સગાં-સબંઘીઓને વાત કરી જુઓ. એ ન આપે તો આ રુપિયા પડ્યા જ છે. હું હવે ખાવાભેળી થાઊં.’ એમ કહીને લીલા ઊભી થવા ગઈ. રામજીએ લાગલો ઘરવાળીનો હાથ પકડ્યો. પોતાનો કોઈ અંગત રાજીપો અઘવચ્ચે બટકતો હોય તેમ તેણે કહ્યું, ‘હવે બેસને દોઢી. મને કહે, તને આ રુપિયા કોણે આપ્યા?’

લીલા થોડી વાર રામજીની આંખોમાં તાકી રહી. પછી તેણે હોઠ વકાવીને કહ્યું, ‘આ રુપિયા મંગુએ આપ્યા છે. તેણે કહ્યું કે, તારા સસરાનો ઉપકાર તો હું વાણી શકું તેમ નથી. તારો વર નારાજ ન થાય તો આ રુપિયાથી તમારી ભાણીનું સારું મામેરું કરજો અને જ્યારે જોગ થાય ત્યારે પાછા આપજો. આ રુપિયા મારી પરસેવાની કમાઈનાં છે.’

રામજી જોઈ જ રહ્યો. ગામની મસ્જિદમાથી આજાનનો સ્વર વહી આવ્યો. તેણે કશું કહ્યા વગર આકાશ સામે જોયું. કોરા કાપડના તાકા જેવું આકાશ આખીએ દુનિયા પર ઢંકાયેલું પડ્યું હતું.

– ભારતી કટુઆ (‘મમતા’ સામયિક, ડિસેમ્બર ૨૦૧૪)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

13 thoughts on “મામેરું – ભારતી કટુઆ