કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત 12


પ્રમાણિકતા એટલે પોતાના સ્વાર્થ માટે બીજા સાથે ખોટું બોલવું નહિ કે કોઈ જાતની છેતરપીંડી કરવી નહીં. આ નિયમ જો આપણે કોઈપણ સંજોગોમાં અને ગમે તે સ્થળે જાળવી રાખીએ તો સમજવું કે આપણે પ્રમાણિક છીએ. સત્યધર્મની સ્થાપના માટે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કંઈક ખોટું બોલવું કે ખોટું કરવું પડે તો તે અપ્રમાણિકતા નથી. શરત માત્ર એટલી છે કે ખુદના સ્વાર્થ માટે એ ન થવું જોઈએ. કૃષ્ણ ભગવાન નાનપણમાં ગોકુળમાં ઘરે ઘરેથી માખણ ચોરી કરીને મિત્રોને ખવડાવતા. ગોકુળમાં થતું માખણ દાણ સ્વરૂપે મથુરામાં આપી દેવું પડતું હતું. તેના વિરોધ કરતા શ્રી કૃષ્ણ ભગવાનનું માખણ ચોરવાનું કાર્ય એ મથુરા નરેશ કંસ દ્રારા કરવામાં આવતી જોહુકમી અને અન્યાય સામેની લડત હતી. એવી જ રીતે ભારતમાતાની આઝાદી માટે ચંદ્રશેખર આઝાદે અંગ્રેજોની ટ્રેઈન લૂંટી હતી, તે અપ્રમાણિકતા ન હતી. પરંતુ ભારત માતાની આઝાદી માટે અંગ્રેજો સામેની લડત હતી.

પ્રમાણિકતાના રસ્તે ચાલવું શરૂઆતમાં થોડું કઠીન લાગે પણા લાંબાગાળે એનો જ વિજય થાય છે. ખોટું બોલનારને કદાચ ક્ષણિક લાભ થતો હશે પરંતુ તેના એક જુઠાણાં પાછળ તેને ઘણું ખોટું બોલવું પડે છે અને અંતે તેમાથી બહાર આવી શકતો નથી. બધાને ખબર છે કે પ્રમાણિકતાનું મુલ્ય ઘણું વધારે છે, છતાં બધાં પ્રમાણિક બની શકતા નથી અને દિવસે-દિવસે અપ્રમાણિકતા વધતી જાય છે. એનું કારણ માત્ર એક જ છે કે આજે માણસ કર્મથી વિમુખ થયો છે. કર્મનો સિદ્ધાંત એ સમજતો નથી. કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગીના ત્રણ પગલાંનું જ્ઞાન નથી. માણાસને જો કર્મ સમજાય અને એટલી સમજણ આવી જાય કે બીજાનું જે કંઈ ખોટું કરેલું છે કે છેતરપીંડીથી લઈ લીધેલું છે એ વ્યાજ સાથે પરત આપવું પડે છે, તો કર્મના સિદ્ધાંતનું જ્ઞાન હોવું જરૂરી છે.

વર્ષૉ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્રારા સમાજને કર્મના સિદ્ધાંતનું જ્ઞાન આપ્યું હતું, પરંતુ કાળચક્રમાં માનવ આજે કર્મથી વિમુખ થઈ ગયો છે અને કર્મફળ ન હોય એવું પણ પ્રાપ્ત કરવાની લાલસમાં અને દેખાદેખીમાં ઈર્ષ્યા ભાવથી પ્રેરાઈને બીજાનું બૂરું કરવામાં કે બીજાને લૂંટી લેવામાં પાછું વાળીને જોતો નથી. પ્રામાણિકતાને નેવે મૂકીને વર્તન કરે છે. આવી પરિસ્થિતિમાં પાયાનું જ્ઞાન એટલે કે કર્મની ગતિ સમજાવવા ખુદ ઉદાહરણ બનીને મહાપાત્ર કર્મજ્ઞાનનો પ્રકાશ ઘરે ઘરે ફેલાવવાનું ભગીરથ કાર્ય ચાલુ કરી દીધેલ છે. મહાપાત્ર સમજાવે છે કે ખુદનું કર્મ પોતે જ કરો અને એનું જે ફળ મળે એમાં સંતોષ માનો. બીજાનાં કર્મનું લઈ લેવાની લાલસા સાતમા પડદે પણ ન રાખો. અને જો કોઈનું છેતરપીંડીથી કે ફોસલાવીને લઈ લેશો તો વ્યાજ સાથે પરત આપવું પડશે કારણકે કર્મ સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ ચાલતી નથી. એકવાર કર્મ કર્યું એટલે એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું જ પડે. માણસ જો કર્મનો સિદ્ધાંત બરાબર સમજી લે તો પ્રમાણિકતા જીવનમાં ઉતારવી સહેલી થઈ જાય.

પ્રમાણિકતાનો ગુણ જીવનમાં ઉતારીને માણસ ધીરે ધીરે મહાનતા તરફ આગળ વધી શકે છે. અપ્રમાણિકતાથી કદાચ ધન કમાઈ શકાય પણ મહાન તો ક્યારેય બની શકાય નહીં કારણકે અપ્રમાણિક માણસોને હંમેશા અંદરથી ભય રહે છે અને જ્યાં સુધી માણસ સંપૂર્ણપણે નિર્ભય બનીને જીવે નહિ ત્યાં સુધી તે આધ્યાત્મિક પ્રગતિ કરી શકતો નથી.

એકવાર એક બાળક એનાં કુલી પિતાને રેલ્વેસ્ટેશને સામાન ઉંચકવમાં મદદ કરી રહ્યો હતો. એવામાં એક બિઝનેસમેનનો સામાન ઉંચકીને જતા હતા. વાતવાતમાં પેલા બિઝનેસમેને તેને પૂછ્યું કે તું આ ઉંમરે ભણવાને બદલે આવું કુલીનું કામ કેમ કરે છે? પેલા બાળકે કહ્યું કે હું પૈસાના અભાવને કારણે આગળ અભ્યાસ કરી શકું એમ નથી. નહિતર આગળ અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા છે. બિઝનેસમેને પૂછ્યું કે અભ્યાસનો ખર્ચ કેટલો આવે ? બાળકે જવાબ આપ્યો કે હોસ્ટેલ ફી, કોલેજ ફી બધું મળીને મહિને ત્રણસો રૂપિયાનો ખર્ચ આવે. તરત જ પેલાં બિઝનેસમેને અઢારસો રૂપિયા આપ્યા અને કહ્યું આ લે! છ મહિનાનો ખર્ચ, છ મહિના બાદ ફરીથી હું તને અઢારસો રૂપિયા તારા ઘરે મોકલાવી દઈશ. તું આગળ અભ્યાસ કર. પેલાં બાળકે બિઝનેસમેન તરફથી મળેલ મદદ સ્વીકાર કરીને આગળ અભ્યાસ ચાલું કરી દીધો. છ મહિન બદ પેલાં બિઝનેસમેને બીજા છ મહિનાનાં ખર્ચ પેઢે અઢારસો રૂપિયા મોકલી આપ્યા હતા. બાળકે બિઝનેસમેનને પત્ર લખ્યો, તેમાં હતું, ‘તમે જે રકમ આપી હતી તેમાંથી થોડી બચત થઈ, એક મહિનો કોલેજ બંધ હતી ત્યારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાના બદલે મેં ઘરે રહીને અભ્યાસ કર્યો તેના લીધે પાંચસો રૂપિયાની બચત થઈ છે જે હું આપને પરત મોકલી રહ્યો છું. કહેવાની જરૂર નથી કે આ છોકરો મોટો થઈને અમેરિકાનો નામાંકિત રાષ્ટ્રપતિ બન્યો. આવી પ્રમાણિકતા હોય ત્યાં મહાનતા સામેથી કદમ ચૂમતી આવે છે.

પ્રમાણિક જીવન જીવવાથી મનની શાંતિ મળે છે, નાહકની ચિંતા કે તનાવ હોતો નથી તેમજ મનમાં કોઈ જાતનો ભય પણ હોતો નથી તેથી તેઓનું મન હંમેશા શાંત રહે છે. પ્રમાણિકતાને કારણે લોકો અને સમાજ તેનાં પર વિશ્વાસ મુકે છે. આમ પ્રમાણિકતાથી બીજાનો વિશ્વાસ જીતી શકાય છે અને ખુદની નજરમાં આપણે ઉંચે જઈએ છીએ. આજે કોઈપણ ક્ષેત્રમાં નેતાઓ લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ જાય છે કારણકે નેતાઓના જીવનમાં પ્રમાણિકતા જોવા મળતી નથી. જેમ કર્મનો સિદ્ધાંત લોકો સમજતા જશે તેમ તેમ પ્રમાણિકતા ફરીથી વધતી જશે. માં કહે છે કે તમારા બાળકોને ધનદોલતનો વારસો ઓછો આપશો તો ચાલશે પણ કર્મનું જ્ઞાન, પ્રમાણિકતા, નિર્ભયતા જેવા સદગુણોનો વારસો જરૂર આપજો, જેથી બાળક મોટું થઈને સત્યધર્મની સ્થાપના કરી શકે.

– સંજય દૂધાત (‘ઘર એક તીર્થ’ સામયિકમાંથી સાભાર, ડિસેમ્બર ૨૦૧૪)

મારી સાથે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીમાં શિપ રિપેર વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત શ્રી સંજયભાઈ દૂધાત સુંદર લેખન કરે છે એવી ખબર થોડાક દિવસ પહેલા જ થઈ, તેમનો આ પેખ ‘ઘર એક તીર્થ’ સામયિકમાં પ્રસ્તુત થયેલો જે તેમણે પાઠવ્યો હતો. આજે એ જ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. પ્રમાણિકતાની અને કર્મના સિદ્ધાંતની વિશદ વાત તેઓ મૂકે છે. તેમની કલમને અનેક શુભકામનાઓ…


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત