શકુનીની રોજનીશી (ભાગ ૯) – વર્ચ્યુઅલ સ્વયંવર 10


તો આજે ફરીથી અમારા ધર્મની હાનિ થઈ… આઈ મીન, અમારે નીચાજોણું થયું.

જ્યારથી હિઝ હાઈનેસ લોર્ડ દ્રુપદની ફાયરબ્રાન્ડ ડોટર (અગ્નિકન્યા) દ્રૌપદીના સ્વયંવરની જાહેરાત થઈ ત્યારથી કૌરવ ટીમમાં હલચલ મચી ગઈ. ઇન્વિટેશનમાં આપશ્રી / આપશ્રી બંને / સહકુટુંબ માંથી પહેલા બંને વિકલ્પો છેકેલા હતા, એટલે મહારાજશ્રી ધૃતરાષ્ટ્ર અને ભગિની ગાંધારીએ સો પુત્રો અને કર્ણ સાથે મને અવસર શોભાવવા જવાનું કહ્યું. દ્રુપદે સ્વયંવર માટે મત્સ્યની આંખના પ્રતિબિંબને જોઈને સંધાનનું લક્ષ્ય રાખેલું એટલે એની પ્રેક્ટિસ કરવી અવશ્યંભાવી હતી. એ માટે અમે મહીના પહેલા તૈયારી શરૂ કરી દીધી.

સોએય ભાઈઓ માટે અનલોક કરેલા પ્લે-સ્ટેશન મંગાવવામાં આવ્યા, ‘વર્ચ્યુઅલ સ્વયંવર’ ગેમની પાયરેટેડ ડીવીડી પણ મંગાવવામાં આવી અને દરેકને પૂરતી પ્રેક્ટિસ માટે કહેવામાં આવ્યું જેથી સોમાંથી એકાદ એ કાર્ય પૂર્ણ કરી દ્રૌપદીને વરી શકે.

હસ્તિનાપુરના વિજ્ઞાન ભવનમાં આ પ્રેક્ટિસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. દરેક કૌરવને એક એક ચેમ્બર આપી દેવાયું જેમાં ‘વર્ચ્યુઅલ સ્વયંવર’ની પ્રેક્ટિસ માટે જરૂરત મુજબ પ્લે સ્ટેશન અથવા ડેસ્કટોપની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી. આ સમગ્ર કાર્યમાં કોચ તરીકે દ્રોણાચાર્યજીની નિમણુંક કરાઈ, કૃપાચાર્યજી બધાની ફિટનેસની વ્યવસ્થા જોવાની જવાબદારીએ બંધાયા, હાર્ડવેર મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સંજયને અપાયો અને સોફ્ટવેર ટ્રબલશૂટીંગ વિકર્ણને ફાળે ગયું. મારી તો હવે ઉંમર થઈ ગઈ હતી એટલે હું સ્વયંવરમાંથી સ્વેચ્છાએ ભાગ લેવાથી અલિપ્ત રહ્યો. દુઃશાસન સ્વયંવરના બે સ્ટેજ અનેક વખત પસાર કરી ચૂક્યો પણ તેનું તીર છૂટે એ પહેલા જ માછલી આંખ બંધ કરી લેતી, દુર્યોધનની ગેમ તો શરૂ જ ન થઈ શકી કારણ એનો ઇન્સ્ટોલેશન કોડ દુઃશાસને વાપરી લીધેલો. એક સેવકના ઘરમાં રહેલી ‘વર્ચ્યુઅલ સ્વયંવર’ની ડીવીડી આખરે તેને કામ લાગી. પરંતુ આ બધામાં કર્ણ સાવ વેગળો જ નીકળ્યો, તેણે તેના એન્ડ્રોઈડ મોબાઈલમાં જ ‘એન્ગી ફિશ’ અને ‘સ્વયંવર સર્ફર’ ઇન્સ્ટોલ કરી પ્રેક્ટીસ શરૂ કરી દીધી. પ્રેક્ટીસને લીધે દુર્યોધન રાજકાજમાં ધ્યાન આપી શક્તો નહોતો, અને રાજસભામાં એ ઉંઘતો હોય એવી ક્લિપ પણ વોટ્સએપ પર ફરતી થઈ. પણ બે દિવસ પછી ખબર પડી કે મોટાભાગના કૌરવો પોતપોતાના મોબાઈલમાં તીનપત્તી ઇન્સ્ટોલ કરી, તેમાં મગ્ન થઈ ગયા હતા, પ્રેક્ટિસ એક તરફ રહી અને…

આમ આખરે સ્વયંવર માટેના ત્રીસ સંભવિતોની યાદી જાહેર થઈ ત્યારે તેમાં અણધાર્યા નામ જ આવ્યા, દુર્યોધન તેમાં હતો પણ દુઃશાસન નહોતો, વિકર્ણ નહોતો અને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેમાં કર્ણનું નામ હતું..

સ્વયંવરમાં કર્ણની એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે સમયનો બહુ ફરક નહોતો કારણકે તેની એપ્લિકેશન ‘ક્રીમી લેયર’ની તકલીફને લીધે રિજેક્ટ થઈ, અને અન્ય કોઈ પણ ભાણીયાઓ શરસંધાન કરી શક્યા નહીં, આખરે એક જનરલ કેટેગરીના એપ્લિકન્ટના તીરે એઈમ હિટ થયું અને દ્રુપદપુત્રી તેની સાથે લગ્નબંધને બંધાઈ. પણ ભાણેજ દુર્યોધન સાથે કૌરવોની હારના સમાચાર તેમની પહેલા હસ્તિનાપુર પહોંચી ગયા.

હું મારા કક્ષમાં બેઠો બેઠો જ્યૂસ અને ન્યૂઝની સંગત માણતો હતો ત્યાં જ બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયા, ‘કૌરવોની નાલેશી, સ્વયંવર હાર્યા..’ મને મનમાં થયું, ધિક્કાર હો આર્ય, ધિક્કાર હો એ સ્વયંવર કરનાર પર… જેણે આટલી અઘરી શરતો રાખી, જેણે નિશાન આટલું ઝીણું રાખ્યું કે ચશ્માવાળા તો નિશાન જોઈ જ ન શકે.

મેં શીઘ્રગામી દૂત મોકલીને તપાસ કરાવી તો ખબર પડી કે વત્સ દુર્યોધન તો ધનુષને ઉંચકી જ નહોતો શક્યો, દ્રૌપદીના લગ્ન એક બ્રાહ્મણ સાથે થયેલા, સત્યનારાયણ ભગવાનની કથાનો એક ગરીબ બ્રાહ્મણ આટલો ઇમ્પ્રેસ કરી શક્યો એ અગત્યનું નહોતું, અગત્યનું હતું કે એ બ્રાહ્મણવેશમાં અર્જુન હતો એવી વાતો ફેલાઈ રહી હતી, જો એમ હોય તો વત્સ દુર્યોધન ફરીથી અકળાયેલો હશે, એટલે એના આગમન વખતે પૂરતા મદ્યની વ્યવસ્થા કરી રાખી. હસ્તિનાપુરની ફૉરેન પૉલિસી મુજબ ભીષ્મએ ત્યાં તરત જ અનુચર દોડાવીને સચિવ સ્તરની દ્વિપક્ષીય મંત્રણાઓની તૈયારી શરૂ કરી દીધી.

કૃપાચાર્યજીએ મીડીયામાં સ્ટેટમેન્ટ આપ્યું કે ‘કૌરવો પ્રેક્ટીસ દરમ્યાન તીનપત્તીમાં, મદ્યપાનમાં અને નૃત્યાંગનાઓમાં જ વધારે રસ દાખવતા જોવામાં આવ્યા હતા, એટલે તેમની હાર તો નિશ્ચિત જ હતી.’ તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે વત્સ દુર્યોધન રાજ્યને લાયક જ નથી, કેટલાકે તો ‘દુઃશાલા લાવો દેશ બચાવો’ ના પોસ્ટર પણ રાજમહેલ સામે લગાવ્યા. વિદુરજીએ પણ મીડીયામાં કહ્યું કે દુર્યોધને વધુ ધ્યાનથી પ્રેક્ટિસ કરવાની જરૂર હતી, તો આવી ફજેતી ન થઈ હોત. વત્સ દુર્યોધન, જેનો બધો જ આધાર કર્ણના જીતવા પર હતો, એ પણ ખૂબ નિરાશ વદને મદ્યસભા તરફ જતો હતો, રસ્તામાં એ મને પણ મળ્યો, હું પણ તેની સાથે જ ગયો હતો. ત્રણેક સુરાપાત્રો ખાલી કર્યા બાદ અને અનેક અગણિત ધુમ્રદંડિકાના સેવન બાદ હવે રોજનિશી લખવાનો કંટાળો આવે છે એટલે વધુ ફરી ક્યારેક.

– શકુનીજી

(શકુનીજીની ડાયરીનું પૃષ્ઠ ૪૧૯)

શ્રી શકુનીજી મહાભારતનું એક અનોખું પાત્ર છે. મહાભારતના સમગ્ર કથાસાગરમાં તેમનો ફાળો ઘણો મહત્વનો છે. શકુનીજીની એક ડાયરી ભૂતકાળમાં મહુવાના ભવાની મંદિરના દરીયાકાંઠે ફરતા ફરતા અચાનક મને રેતીમાંથી મળી આવી હતી, તેના અમુક વિશેષ પાનાંઓ હું સમયાંતરે અહીં ઉપલબ્ધ કરાવતો રહું છું જેમાં શકુનીજીની સંમતિ ગણી લઊં છું કારણકે ડાયરી મને મળી આવી છે. આજના પૃષ્ઠમાં શકુનીજી દ્રૌપદીના સ્વયંવર વિશે, કૌરવોની તે માટેની તૈયારી વિશેનો આત્મકથાનક વિચાર મૂકે છે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “શકુનીની રોજનીશી (ભાગ ૯) – વર્ચ્યુઅલ સ્વયંવર