બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ 9


૧. વૃદ્ધાશ્રમ

નિલેશ નાનો હતો ત્યારે મા આગળ કાયમ પેલા ગીતની પંકિતઓ ગાતો, ‘તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, તું કિતની પ્યારી હૈ…’ પણ લગ્ન પછી બધું બદલાવા લાગ્યું. પિતાના મૃત્યુ પછી દીકરા વહુએ માને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું નક્કી કર્યુ. દીકરો માને કહેતો કે અમે બન્ને જણ આખો દિવસ બહાર કામ કરતા હોવાથી તારી વૃદ્ધાશ્રમમાં ઘર કરતાં સારી કાળજી રખાશે. આશ્રમના સંચાલક મારા પરિચિત છે એટલે તારું ખાસ ધ્યાન રાખશે અને ત્યાં સરખે સરખા ની કંપની મળી રહેશે, બધા સાથે તારો સમય ભજનકીર્તનમાં આનંદથી જશે. વહુ માને આશ્વાસન આપતી કે દર અઠવાડિયે તેઓ નિયમિત આશ્રમની મુલાકાત લેશે અને તમને કંઈ ઓછું નહીં આવવા દઈએ. જે માળો માએ છેલ્લા સાહીંઠ વર્ષથી અથાગ પરિશ્રમ ઉભો કરેલ તેને છોડવાની ઈચ્છા ન હતી, પરંતુ હવે માની પસંદગીનો તો કંઈ સવાલ નહોતો. દીકરો કહે તેમ જ કરવાનું હતું અને આમ મા વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ.

એક દિવસ વૃદ્ધાશ્રમમાં મા ખૂબ બીમાર પડી ગઈ. ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા કે હવે બચવાની આશા બહુ ઓછી છે આથી આશ્રમના વ્યવસ્થાપકોએ દીકરાને બોલાવ્યો. માએ દીકરાને છોકરા વહુ બધાની ખબર અંતર પૂછી અને જણાવ્યું કે તે હવે થોડા દિવસની મહેમાન છે, લાંબુ નહીં જીવે. તેણે દીકરાને પોતાની એક ઈચ્છા પૂરી કરવા જણાવ્યું. તેણે કહ્યું. ‘દીકરા આ આશ્રમમાં પંખા – સીલીંગ ફેનની વ્યવસ્થા નથી. ઉનાળાની ગરમીમાં વૃદ્ધો અહીં ખૂબ હેરાન થાય છે. તારી પાસે સગવડ હોય તો અહીં પંખા નખાવી આપ તો એક સેવાનું કામ થશે.’

દીકરો આ વાત સાંભળી થોડી વાર વિચારમાં પડી ગયો એવુ લાગ્યું. પછી તે મોટેથી કહેવા લાગ્યો, ‘મા આટલા વખત તુ પંખા વગર રહી, હવે નાખવાનો શું અર્થ?’

માએ જવાબ આપ્યો, ‘દીકરા, મેં તો અત્યાર સુધી ચલાવી લીધું. મેં તો જીવનમાં અનેક હાડમારી જોઈ છે અને તેનાથી ટેવાઈ ગઈ છું. પણ શક્ય છે કે તારા પુત્રો કદાચ તને કાલે અહીં મૂકી જાય તો તુ પંખા વગર નહીં રહી શકે. તું એ.સી.માં રહેવા ટેવાયેલો છે.’ દીકરો આ વાત સાંભળી ચૂપ થઈ ગયો.

૨. ભાઈ હો તો ઐસા

એક ભાઈ પોતાની નવી ગાડી લઈને બહાર ગામ જવા નીકળ્યા હતા. ગામ બહાર હાઈવે પર પાનની દુકાન આગળ પાન ખાવા ગાડી ઊભી રાખી. ત્યાં દુકાન આગળ નાનો ગરીબ જેવો દેખાતો છોકરો બહારગામ જવા કોઈ વાહનની રાહ જોતો ઉભો હતો. પાન ખાતાં ખાતાં છોકરા સામે તે ભાઈની નજર પડી. છોકરો પણ ગાડી સામે ટગર ટગર જોઈ રહ્યો હતો. તેમણે છોકરાને પૂછ્યું, ‘ક્યાં જવું છે?’ છોકરાને જ્યાં તેને જવાનું હતું ત્યાં જ ભાઈને જવાનું હતું એટલે ભાઈએ તેને પોતાની સાથે બેસી જવા કહ્યું. છોકરો આટલી મોટી ભવ્ય ગાડીમાં બેસતાં અચકાતો અને શરમાતો હતો. પણ ભાઈના આગ્રહને વશ થઈને ગાડીમાં બેસી ગયો. આમ પણ તે ક્યારનો બસની રાહ જોતાં કંટાળી ગયો હતો.

ભાઈ સમય પસાર કરવા છોકરા સાથે વાતે વળગ્યા. છોકરો શું ભણે છે, ઘરમાં કોણ કોણ છે, બહાર કોને ત્યાં અને કેમ જાય છે વગેરે પૂછપરછ કરી. છોકરાને પણ બહુ સારુ લાગ્યું અને ભાઈની વાતોથી આનંદ થયો. તે પણ વાતો કરવા લાગ્યો.. તેણે પૂછ્યું, ‘આ ગાડી બહુ મોટી અને ખૂબ જ સુંદર છે. પણ બહુ મોંઘી હશે?’

ભાઈએ કહ્યું, ‘હા, ગાડી બહુ જ મોંઘી છે અને લેટેસ્ટ મોડેલ છે એટલે સુંદર તો હોય જ ને બીજી સામાન્ય ગાડીઓ જેવી નથી.’ પછી તે છોકરાને ગાડીની ખૂબીઓ સમજાવવા લાગ્યા. આવી ગાડી ગામમાં કે આજુબાજુ બીજા કોઈની પાસે નથી. ગાડી મારા મોટા ભાઈ જે મુંબઈમાં રહે છે તેમણે મારા જન્મદિવસ પર થોડા દિવસ પહેલાં ભેટ આપી છે.’

છોકરો આ સાંભળી થોડા વિચારમાં પડી ગયો. આથી પેલા ભાઈ બોલ્યા, ‘સાચું કહે, તારી પાસે પણ આવી સુંદર મોટી ગાડી હોય તો મજા પડી જાય ને? શું વિચારમાં પડી ગયો?’

છોકરો કહે ‘ના, મને વિચાર આવે છે કે મારે પણ તમારા ભાઈ જેવા બનવું જોઈએ. મારે પણ નાના ભાઈઓ છે.’

– ગોવિંદ શાહ

(માતૃદેવો ભવઃ ના આ દેશમાં મા વિનાનું ઘર અને ઘર વિનાની મા એક મોટી કરુણતા છે)

‘તારે સિતારે ભાગ ૨’ માંથી સાભાર


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ