સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી 6


૧)

ચોકડી મૂક્યા પછીની વાત છે,
આંગળી છૂટ્યા પઈની વાત છે.

થડ અડીખમ મૂળસોતું ગુમ થયું,
ડાળખી તૂટ્યા પછીની વાત છે.

લ્યો હવે શું હારવું કે જીતવું!
કાંકરી ચૂક્યા પછીની વાત છે.

જણ અચાનક રણ થયો કોને કહું?
લાગણી ખૂટ્યા પછીની વાત છે.

છે જણસમાં એક એનું નામ બસ,
ચીંથરી ખુલ્યા પછીની વાત છે.

સૂર થઈ પડઘાય છે એ આજ પણ,
વાંસળી ફૂંક્યા પછીની વાત છે.

ધૂળ છે આ માન-અકારમો બધા,
પાઘડી ઝૂક્યા પછીની વાત છે.

રાહમાં ખીંટી અને ઉંબર હજું,
ઓઢણી ઉડ્યા પછીની વાત છે.

– પારૂલ ખખ્ખર

૨)

સફળતાનો મફત રસ્તો તને ઈશ્વર નહીં આપે,
સરળ એનો કોઈ નકશો તને ઈશ્વર નહીં આપે.

નથી પડતુંય, છપ્પર ફાડી કૈં આકાશથી એમ જ
ફીંટે દળદર એવો દલ્લો તને ઈશ્વર નહીં આપે.

ભલેને ફૂલ નૈ ને ફૂલની પાંખડી ધરતો.
છતાં ખોબા બદલ દરિયો તને ઈશ્વર નહીં આપે.

તું ખુદના ઠીક, બીજાનાય આંબા કાપ કાયમથી,
સજાવી ફૂલોનો ગજરો તને ઈશ્વર નહીં આપે

હવાની વાત કેવી? કદ મુજબ ફૂલે બધા ફુગ્ગા,
નથી જો દમ, કોઈ દરજો તને ઈશ્વર નહીં આપે

તું માણી લે મળેલી ક્ષણ મજેથી જીવલા આજે જ,
ગયેલો સમય – કટકો તને ઈશ્વર નહીં આપે.

જો નડશે તો તને નડશે તારા કરમ ‘મેહુલ’
કરી લે નોંધ કે ફટકો તને ઈશ્વર નહીં આપે.

– મેહુલ ભટ્ટ

૩)

સંબંધની કરચે, ઉઝરડા અપાશે,
વહી વેદના તો સરોવર ભરાશે.

નસીબે કહાની ક્યાં પૂરી લખી છે?
પછી પ્રણયની નહિ અગનથી લખાશે.

તમે જે રમતને અધૂરી મૂકી છે,
સમય દાવ લેશે પછી ના રમાશે.

ભલે એ સજા સંભળાવીને ચાલ્યા,
અમારા મતે, ફેર અરજી કરાશે.

બની દૂર મંજિલ મારી તમારી,
મજલ જિંદગીની હવે શેં કપાશે.

તમે છેહ આપ્યો બની સાવ અંગત,
હવે બસ ગઝલને સહારે જિવાશે.

હશે એ જ કારણ, મળી છે અધૂરપ,
તરસ જો બુઝાશે તો મૃત્યુ ગણાશે.

– ભાવેશ શાહ

૪)

ક્યાં હું કહું છું કે કિનારો જોઈએ,
પણ તણખલાનો સહારો જોઈએ.

દિલના આ જખ્મોને પણ વેચી શકાય,
ક્યાંક એવાં પણ બજારો જોઈએ.

કંટકો પર ચાલવા હું રાજી છું,
ને તું કહે છે કે ઉતારો જોઈએ.

હું વિચારીને હવે થાકી ગયો,
આપના થોડા વિચારો જોઈએ.

તારા હાથે આવી ગઝલો ના લખાય,
હાથ ઓ ‘સાહેબ’ મારો જોઈએ.

– ટેરેન્સ જાની

૫)

એકડો શૂન્યની આગળ લખી જો,
ફૂલ ઉગશે નવાં, કૂંપળ લખી જો!

કર્મ, સિદ્ધાંતને ઉપદેશ સમજી,
રોજ ખાટ્ટાં કે મીઠાં ફળ લખી જો!

આ ધરાની તરસ છીપાશે, ચોક્કસ,
તુ જરા મેહુલો વાદળ લખી જો!

મેલ, મેસેજનો વ્હેવાર છોડી,
કામ કર, પ્રેમનો કાગળ લખી જો!

વેદનાની બધી વાતો ગણાવીશ,
એમનું નામ લઈ બાવળ લખી જો!

કોશિશો લાખ કરશો, હારશો ત્યાં,
ફક્ત આરંભમાં નિષ્ફળ લખી જો!

આંખ ચોળ્યા પછી સપના મરે છે,
તો એ આંખ ખોલ્યા વગર સૌ પળ લખી જો!

‘યોગ’, માંગીશ તે મળશે ગઝલમાં,
એટલે મુક્તિ કે સાંકળ લખી જો!

– યોગેન્દુ જોષી

(ગઝલસંગ્રહ ‘લઈને… અગિયારમી દિશા’માંથી સાભાર)

ફેસબુક પર ગુજરાતી ગઝલસર્જનમાં રત એવા મિત્રોના એક સમૂહ દ્વારા તેમના ગઝલસર્જનને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરાયું. ‘ગઝલ તો હું લખું’ ફેસબુક ગૃપના ગઝલકાર મિત્રો પારૂલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ, ભાવેશ શાહ, ટેરેન્સ જાની, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, કાંતિ વાછાણી, યોગેન્દુ જોષી અને અનંત રાઠોડની ગઝલરચનાઓનું સંકલન એટલે સુંદર ગઝલસંગ્રહ ‘લઈને. અગિયારમી દિશા’. આજે પ્રસ્તુત છે તેમાંથી પાંચ સુંદર ગઝલો. અક્ષરનાદને ગઝલસંગ્રહ પાઠવવા બદલ શ્રી કાંતિ વાછાણીનો ખૂબ આભાર અને સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ. સોશિયલ મિડીયાના સુંદર અને સાર્થક ઉપયોગની આ પદ્ધતિ અનેકોને ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી