વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 5


જીવન એટલે, શું શ્વાસોનું ધબકતા રહેવું? જીવન એટલે, શું મેં ઘડેલી મારી જીવન કુંડળીમાં મારે અલમસ્ત રહેવું? જીવન એટલે, શું લોકોમાં મારી રીતે મારી વાહ… વાહ… ઉભી કરી મારે મસ્ત બનીને રહેવું? લોકો મારી તકલાદી અને તકવાદી પીઠ થાબડે એમાં આનદ લેવો?

ના… એ જીવન નથી. જે દેખાય છે, એ જીવનની પાછળ પણ એક જીવન છે. આ તો મેં ઘડેલું મને ગમતું, મારી વાહ વાહ વ્યક્ત કરતુ જીવન છે. મારા પ્રભુએ આપેલું જીવન નથી. બસ આટલું સમજવામાં નાદોએ એના કેટલાય શ્વાસો વ્યર્થ કર્યા, કેટલાય દિવસો ગુમાવ્યા. પ્રત્યેક ચહેરાની પાછળ પણ એક ચહેરો છે, એ સમજવામાં કેટલાય વર્ષો શહીદ થઇ ગયા.

નાંદો હવે જાણી ગયો છે, આ જે દેખાય છે તે માણસ નથી! એ તો એની વાહવાહીની છડી પોકારતો લેબલવાળો માણસ છે. એની અંદર પણ એક માણસ છે. જે દેખાતો નથી. દેખાય છે, એ તો એના વાઘા છે.

સમય અને માણસને નહિ ઓળખી શકવામાં નાંદોએ સમયની ઘણી ઝાપટો ખાધી છે. છતાં.. સમયના સથવારે એ ધબકતો રહ્યો, અને વહેતો રહ્યો, કારણ એ માત્ર એના માટે જીવતો ન હતો. પણ એના પરિવાર અને કુળના સંસ્કાર અને તેના જતન માટે પણ જીવતો હતો. છે. એ હવે… નાદાન નથી. એની ડહાપણની દાઢ હવે ફૂટવા આવી છે. અને એટલે જ, એના હૈયાનો પમરાટ યુવાનોથી સહેજ પણ ઉતરતો નથી. પરમેશ્વર પાસે એને કોઈ વસ્તુ માંગવાની આદત નથી. પણ, ખુદ પરમેશ્વરને જ કઈને કઈ આપવાની ટેવ પડી ગઈ છે. અને એટલે જ ખુમારીના ખોળે બેસી કુદરતની આંગળી ઝાલીને એ વિહરતો રહ્યો છે.

એને આકાશ ખૂબ ગમે છે. એ માને છે કે, આકાશ એ ઈશ્વરનું ઘર છે. અને એટલેજ આકાશ એનો માઈલસ્ટોન છે. એને પણ આકાશની માફક ભવ્ય બનવું છે. પવિત્ર બનવું છે. વાદળોની એને ઓળખ છે. એટલે વાદળોની એને પરવા નથી. એ પણ પેલા જીવ બળેલા માણસ જેવા છે. ભલે માર્ગ આડા આવે, ભલે.. આકાશને ઢાંકવાનો પ્રયાસ કરે, એ બધું જ એના ધ્યાનમાં છે. એની એને પરવા નથી. અને, એટલે જ એ બેપરવાહ બનીને આકાશને માણે છે. અને અનંત આકાશનો અંત શોધવા એ પણ.. મથામણ કરે છે. એને ખબર છે, ઈશ્વર આકાશથી મોટો નહિ હોય. જ્યાં, સ્વયં સૂર્ય – ચંદ્ર – તારા – ગ્રહો – નક્ષત્રો અને આકાશ ગંગાએ જેના પટ પર કરોડો વર્ષથી કબજો જમાવ્યો હોય, એ આકાશ જ સ્વયં ઈશ્વર છે. એ એની આસ્થા છે.

નાંદોને એક જ વાતનું આશ્ચર્ય છે, આકાશ અનંત છે. છતાં એને એકપણ ટેકણીયું કેમ નથી? જેને એક પણ ટેકો ના હોય, એ કરોડો વર્ષથી કેવી રીતે ટકેલું હશે? જે એનો એક કોયડો અને નિરુતર પ્રશ્ન પણ છે. એનો ઉતર શોધવા એ આકાશ તરફ મીટ માંડીને જોયાં કરે. એની ભવ્યતાને નિરખ્યા કરે. ક્યારેક એને ક્ષણિક સમાધાન પણ મળે, છતાં ખબર નહિ કેમ પણ સંતોષ થતો નથી. એ સમાધાનમા એને તથ્ય નથી લાગતું. જો તથ્ય હોય જ તો, ખુમારીથી જીવનારાને કોઈના ટેકાની જરૂર નથી એ હકિકત સત્ય ઠરે. એવાં ભારેખમ લાગતાં વિચારોને કારણે એ કયારેક એ વિવશ પણ છે, અને ઉતરની અપેક્ષામાં એ બીજાનો આધાર બનીને જીવવામાં પરગજુ અને પાંગળો બન્યો છે.

જેનામાં આવી આકાંક્ષા અને ઊંડી સમજણ હોય, એ નાંદો નાદાન તો હોય જ નહિ એ સમઝી શકાય એવી વાત છે. એના વિચારોમાં યુવાની છે, પ્રેમની સરવાણી છે. કુટંબ પરત્વે આદર અને મલાજો છે, પણ, એ વાતથી એ સભાન નથી, મર્યાદાવાળો અજ્ઞાન છે. ગઈ કાલ સુધી દેખાડો કરનારા આભા – શોભા – ખુમારી કે અભિમાન – સ્વાભિમાન જેવાં શબ્દો એને શણગાર લાગતાં, હવે એ એનો અર્થ પણ સમઝે છે.

તુલસીના પરિચય અને પરિણયમાં આવ્યા પછી એટલું સમજી શક્યો કે જીવનની પેલે પાર પણ એક જીવન છે. પરગજુ રહેવું એના કરતાં ખુમારીના પડખે જીવી સ્વાભિમાનના માળખામાં રહેવું બહેતર છે, જે એનો હવે આદર્શ બની ગયો. અનેક ધંતુરાઓ ની થપાટ ખાઈ ખાઈને, ધબકતી તુલસીનો એને સથવારો મળી ગયો. કહો કે બંનેની સરખી વિચારધારાઓને પોતીકો સંગાથ મળી ગયો. માનવી પાસે ભલે નેલ્સન મંડેલાથી માંડી ગાંધી અને હિટલર સુધીનો અભ્યાસ હોય, છતાં કંઈક ખૂટે છે વાળી વિચારધારા જ્યારે એને કોરી ખાય છે, ત્યારે માનવું કે એની દૌડ ખોટી દિશામાં નથી, પણ.. સાચી દિશામાં છે.

ભગવાનશ્રી કૃષ્ણ સમર્થ હતા. યુગપુરુષ અને સર્વસતાધિશ પણ હતાં. પ્રેમની એને તરસ હતી. પ્રેમ વિના પરિપૂર્ણ ના હોય એમ, તેઓ, અનેક પ્રેમમૂર્તિના બંધને બંધાયેલા હતા. જીવનમાં માત્ર સમર્થ હોવું એ પૂર્ણવિરામ નથી. પણ જ્યાં પ્રેમને પણ વિરામ હોય ત્યાં કાર્યસક્ષતાના વાવેતર વધુ ખીલે છે. નાદોમાં કંઇક આવું જ હતું. આકાશ તરફ મીટ માંડીને બેઠેલો નાંદો, સમયની ઝાપાટમાં તુલસીના સ્નેહમાં એવો તો ખોવાય ગયો કે, બંને એકબીજાના અધૂરા અંગ બની ગયા. બંને જાણે અગમ – નિગમના પ્રેમ – પ્રવાસી અને પ્રેમ તરસ્યા હોય એમ અભંગ બની ગયા.

નાંદો ભલો છે, ભોળો પણ છે. વન વગડાના ઉછેર જેવી તુલસીની મનોવ્યથાએ એને એવી અકળામણ આપી કે જાણે તુલસી જ સ્વયં આકાશ હોય એમ, તુલસીની મનોવ્યથા એની પણ મૂંઝવણ બની ગઈ. જેના કુળમાં પવિત્રતા છે. લાલન પાલનમાં સ્નેહની સરવાણી છે. લજ્જા છે, મર્યાદા છે, મલાજો અને સંબંધોની સામે આદરભાવની સરવાણી પણ છે. છતાં તેની કદર નથી થઇ. બદલામાં મળ્યા.. અનેક ઝંઝાવાતો! એનો મલાજો જાણે શ્રાપ હોય તેમ અનેક ઠોકરો ખાધી. છતાં તુલસીના ગુણધર્મને જાળવવા માટે એણે અનેક પરિબળોનો સામનો કર્યો છે. આ બધું જ્યારે નાંદોએ જાણ્યું ત્યારે એના હૈયામાં જાણે એક ભૂકંપ આવી ગયો. સૌભાગ્યના સેંથાના ઉમંગવાળીએ મળેલી અનેક અનુભૂતિ સામે એને ચપટી સહાનુભૂતિની ખોટ હતી. એનો સેંથો માત્ર શરીરનો શણગાર બની રહે, અને ચાંદલો માત્ર કપાળ શોભાવવાનું સાધન બની જાય એમાં એનો આનંદ ન હતો. છતાં તુલસીના જીવનમાં સેંથો માત્ર શણગાર હતો. કોઈ સરસ મઝાના કુંડામાં છોડની માફક આળપંપાળ વાળા હાથે ઉછેર થવાનું એના નશીબમાં ન હતું.

નાંદોની આંખોમાં એને આ તોખાર દેખાયો. એ ભૂલી ગઈ કે, હું વનવગડાની તુલસી છું. આધાર વિનાની તુલસી છું. સુગંધ છું, છતાં, સુંઘનાર વિનાની તુલસી છું. હું અદ્રશટા છું. કૃષ્ણને પ્રિય છું, પણ માનવજાતની હું અસ્પૃશ્ય છું. મને સ્વમાન છે, પણ માન નથી. મારૂ કુળ છે પણ કુળની હુંફ નથી. હું બધું જ છું, છતાં હું કંઈ નથી. છતાં સ્વમાન મારી આભા છે.

સ્વાભિમાનીની આ જ તો આભા છે. એને શોભાના શણગાર કરતાં આભાના આસવમા રસ છે. સૂરજ-ચંદ્ર-તારા-ગ્રહો-નક્ષત્રો અને આકાશગંગા પણ એ જાણે છે કે, શોભાના શણગાર તો ચાર દિવસના હોય, જ્યારે આભા તો ચિરંજીવ હોય. તેથી રાત હોય કે દિવસ, પૂનમ હોય કે અમાસ, ગ્રહણ ચંદ્રનું હોય કે સૂર્યનું, ગ્રહો આડા પડે કે અવળાં, સીધી લીટીમા હોય કે વાંકી લીટીમાં… જેની આકાશને કોઈ અસર થતી નથી, એમ નાંદો પણ તુલસીના પ્રેમપ્રવાહમા સમયના પલટાતા પ્રવાહથી ટેવાય ગયો છે. એને આનંદ છે કે, કોકની જિંદગીને એણે એના પવિત્ર ભાવથી નવપલ્લવિત કરી.

તુલસીને એની ઓળખ પાછી મળી. સેંથાના સિંદુર અને ચાંદલાની ટીકી એ શોભા નથી પણ એની આસ્થા છે, એવી વિભાવના ફરી જાગૃત બની. એની આસપાસના કુંડામાં ખીલતા પ્રત્યેક લવંડર રંગના ફૂલો એની ઉર્જા વધારવા આજે પણ નાંદો બનીને ખીલે છે. આજે એને એક વાતનો વિશ્વાસ છે કે, પ્રેમ આપવાનો અધિકાર ઈશ્વરે માત્ર માનવીને જ નથી આપ્યો, પણ કુંડાના ફૂલો કુંડામાં ભલે ખીલતાં હોય, પણ એની સુંગધ સામાના હૃદયમાં એ ઠાલવી દે છે.

નાંદોને હવે આકાશનો પ્રશ્ન મૂંઝવતો નથી. જાણે આકાશને એણે ધરતી પર ઉતારી પ્રશ્નનું પ્રેમમાં પરિવર્તન કર્યું હોય એવો એને આનંદ છે. અને એટલે જ તો નાંદો અને તુલસી એક બીજાના પર્યાય બની ગયા. સમયના પલટાતાં પ્રવાહથી બંને ટેવાય ગયાં. બંને એકબીજામાં એ રીતે ઓતપ્રોત છે કે, એ સંબંધને શું નામ આપવું એ પણ પેલા અનંત આકાશ જેવડો કોયડો છે. જેમણે જીવનભર મહાત્મા ગાંધી અને વિવેકાનંદજીને વાંચ્યા હોય, એને રોમિયો જુલિયેટના અભ્યાસની ક્યાંથી ખબર પડે?

એક વાત છે કે, એ બંને એકબીજાના સારા પૂરક મિત્રો જરૂર કહી શકાય. કારણ બંને એકબીજાની ભૂલ બતાવીને એકબીજાને માનવધર્મ સમઝાવવાની તક છોડતા નથી. આવી પવિત્ર પ્રતિક્રિયાને પ્રેમની મહોર લગાવવી એ તો અણઘડ માનવીની માનસિકતા છે.

આજે પણ બંને મન મુકીને વાતો કરે છે, ભૂલો પણ કરે છે, અને ભૂલનો એકરાર કરીને ફરી નહિ થાય એનું ચિંતન પણ કરે છે. તુલસીને એના શબ્દ પ્રમાણેનું જીવન જ્યારે પાછું મળે છે ત્યારે જનમ આપનાર ભગવાન કરતાં પણ, જન્મારો સુધારનાર નાંદો એનો ભગવાન છે, એની એને પ્રતીતિ થાય છે, કે જીવનમાં મળેલા ગ્રહણોએ જ મને જીવનનો રાહ અને નાંદો જેવો હમસફર આપ્યો છે. કોઈ કવિ સરસ લખે છે કે..

સારું થયું આભા કે, આ સૂર્યગ્રહણ થયું
ભરબપોરે પ્રેમ કરવાની સાંજ તો મળી

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

રમેશભાઈ ચાંપાનેરીની કલમે અનેક હાસ્યલેખ આપણે માણ્યા છે, તો આજનો આ ચિંતનલેખ કહો, વાર્તા કહો કે સાહિત્ય લેખ કહો… મનનીય સર્જનને ગમે તે પ્રકારમાં બાંધો, એ સદાય વિચારપ્રેરક જ હોય છે. રમેશભાઈ તેમની કલમનો આજનો આ સુંદર પ્રયાસ અક્ષરનાદની સાથે વહેંચી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


Leave a Reply to HEMAL VAISHNAVCancel reply

5 thoughts on “વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’

  • જયેન્દ્ર પંડ્યા

    રમેશભાઈ ને અભિનંદન
    એક હાસ્યલેખક ની કલમે કૈંક જુદોજ અનુભવ કરાવ્યો. હાસ્ય લેખક ના હૃદય માં પણ ભાવનાઓ નો સંગ્રહ હોય છે અને તેનું પ્રતિબિંબ આ લેખ દ્વારા સુંદર રજુવાત કરેલ છે. જો કે મને તો તેમની હાસ્ય રચનાઓ જ માં આનંદ આવે છે.

    આશા કરીએ કે રમેશભાઈ ની કલમ આવી જ રીતે આપણ ને નિત નવી રચનાઓ પાઠવતા રહેશે

    જીગ્નેશભાઈ નો પણ સસ્નેહ અભાર