કાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 13


મારી પાંચ વરસની પુત્રી મિની એક ક્ષણ પણ વાત કર્યા વગર રહી શક્તી નથી. દુનિયામાં આવીને તેને ભાષા શીખવામાં ફક્ત એક જ વર્ષ લાગ્યું હશે. ત્યાર પછી જ્યારે એ સૂતી ન હોય એવા સમયની એક ક્ષણ પણ એ બોલ્યા વગર નથી ગુમાવતી. તેની મા તેને ખીજાઈને તેની સતત ચાલતો વાણીપ્રવાહ બંધ કરાવે છે, પણ મારાથી એમ થતું નથી. મિનીનું મૌન મને એટલું અસ્વાભાવિક લાગે છે કે મારાથી એ વધુ સમય સહન થતું નથી અને એ જ કારણ છે કે મારી સાથે એના મનોભાવોનું આદાનપ્રદાન કાંઈક વધુ જ ઉત્સાહથી થાય છે.

સવારે મેં મારી નવલકથાના સત્તરમાં અધ્યાયને હાથમાં લીધો જ હતો, એટલામાં મિનીએ આવીને કહેવાનું શરૂ કરી દીધું – “પિતાજી, રામદયાલ દરવાન ‘કાગડા’ ને ‘કાગ’ કહે છે, એને કાંઈ ખબર નથી ને પિતાજી.” વિશ્વની ભાષાઓની વિભિન્નતા વિશે તેને હું કાંઈ કહું એ પહેલા જ એણે બીજો પ્રસંગ શરૂ કરી દીધો, “પિતાજી, ભોલો કહેતો હતો, આકાશમાં હાથી સૂંઢથી પાણી ફેંકે છે, એમ જ વરસાદ થાય છે. તો પિતાજી, ભોલો ખોટું બોલે છે, નહીં! ખાલી બક બક કર્યા કરે છે, દિવસ રાત બોલ્યા કરે છે.”

આ વિષયમાં મારા વિચારની સહેજ પણ રાહ ન જોઈને, તરત જ ધીમા સ્વરમાં એક જટીલ સવાલ પૂછી બેઠી, “પિતાજી, માં તમારી કોણ થાય?”

પછી એણે મારા મેજના પાછળના ભાગે પગ પાસે બેસીને પોતાના બંને ઘૂંટણ અને હાથ હલાવી હલાવીને ખૂબ ઝડપથી ‘અટકન બટબન દહીં ચટાકો’ બોલવાનું શરૂ કરી દીધું, ત્યારે મારી નવલકથાના અધ્યાયમાં પ્રતાપસિંહ એ સમયે કંચનમાલાને લઈને રાત્રીના પ્રગાઢ અંધકારમાં બંદીગૃહના ઉંચા ઝરૂખામાંથી નીચે કલકલ કરતી નદીમાં કૂદી રહ્યા હતાં.

મારું ઘર રસ્તાની કિનાર પર હતું, અચાનક મિની તેના અટકન બટબનને છોડીને બારી પાસે દોડી ગઈ અને જોર જોરથી બૂમ પાડવા લાગી, “કાબુલીવાળા, ઓ કાબુલીવાળા!”

ગંદા ગોબરા ઢીલા કપડાં પહેરેલો, માથા પર સાફો બાંધેલો, ખભા પર સૂકા ફળોની ઝોળી લટકાવેલ, હાથમાં વાડીની દ્રાક્ષનાં થોડા ખોખા લઈને, એક લાંબો જાડો કાબુલી મંદ ચાલથી રસ્તા પર જઈ રહ્યો હતો. એને જોઈને મારી નાનકડી દીકરીના હ્રદયમાં કેવા ભાવ જાગ્યા એ કહેવું અસંભવ છે. એણે જોરથી બોલાવવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું, ‘હમણાં બગલથેલો ખભા પર લઈને માથે એક મુસીબત આવીને ઉભી રહેશે અને મારો સત્તરમો અધ્યાય આજે અધૂરો રહી જશે.’

પણ મિનીની બૂમો સાંભળીને જેમ કાબુલીએ હસતાં હસતાં તેની તરફ મોં ફેરવ્યું અને ઘર તરફ આગળ વધ્યો કે તરતજ મિની ભયથી અંદર ભાગી ગઈ. પછી ખબર જ ન પડી કે ક્યાં છુપાઈ ગઈ. તેના નાનકડા મનમાં એ અંધવિશ્વાસ ઘર કરી ગયો હતો કે તેના મેલા થેલાની અંદર શોધવાથી જાણે કેટલીય જીવતી જાગતી છોકરીઓ નીકળી શકે છે.

અહીં કાબુલીએ આવીને હસતાં હસતાં, હાથ ઉઠાવીને મારું અભિવાદન કર્યું અને હું ઉભો થઈ ગયો. મેં વિચાર્યું, ‘વાસ્તવમાં પ્રતાપસિંહ અને કંચનમાલાની અત્યંત સંકટમાં છે, છતાં ઘરમાં આને બોલાવીને કાંઈ ન ખરીદવું એ બરાબર ન ગણાય.’

થોડુંક ખરીદવામાં આવ્યું, ત્યાર બાદ હું તેની સાથે આડી અવળી વાતો કરવા લાગ્યો, રશિયા, અંગ્રેજ, સીમાની રક્ષા વગેરે વિશે ગપશપ થવા લાગી. અંતમાં ઉભા થઈને જતાં એણે પોતાની મિશ્ર ભાષામાં પૂછ્યું, ‘બાબુજી, તમારી દીકરી ક્યાં ગઈ?’

મેં મિનીના મનમાંથી નાહકનો ભય દૂર કરવાના હેતુથી તેને અંદરથી બોલાવી લીધી. એ મારી તદ્દન પાસે ઉભીને કાબુલીના ચહેરા અને ઝોળી તરફ સંદેહાત્મક દ્રષ્ટિથી જોતી ઉભી રહી. કાબુલીએ ઝોળીમાંથી કિશમિશ અને જરદાળુ કાઢીને આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે ન લીધી અને બમણા સંદેહથી મારા ઘૂંટણમાં લપેટાઈ ગઈ. તેનો પહેલો પરિચય આ રીતે થયો.

આ ઘટનાના થોડા સમય પછી એક દિવસ સવારે હું કોઈક અગત્યના કાર્યથી બહાર જઈ રહ્યો હતો, જોયું તો મારી દીકરી દરવાજા પાસે બેંચ પર બેસીને કાબુલી સાથે હસી હસીને વાતો કરી રહી છે અને કાબુલી તેના પગ પાસે બેઠો બેઠો સ્મિત સાથે તેને ધ્યાનથી સાંભળી રહ્યો છે. અને વચ્ચે વચ્ચે પોતાની વાત મિશ્ર ભાષામાં વ્યક્ત કરતો જાય છે. મિનીને તેના પાંચ વર્ષના જીવનમાં બાબુજી સિવાય આટલો ધૈર્યવાળો શ્રોતા ક્વચિત જ મળ્યો હશે. જોયું તો એના ફ્રોકનો અગ્રભાગ બદામ કિશમિશથી ભરેલો હતો. મેં કાબુલીને કહ્યું, ‘આ બધું તેને કેમ આપ્યું? હવેથી ક્યારેય ન આપશો.’ આમ કહીને મેં ઝભ્ભાના ખીસ્સામાંથી એક આઠ આના કાઢીને આપી દીધા. તેણે કોઈ ખચકાટ વગર એ પોતાના ઝોળામાં મૂકી દીધાં.

થોડી વાર પછી ઘરે આવીને જોઉં છું તો એ આઠ આનાએ મોટું રમખાણ સર્જ્યું છે.

મિનીની માં એક સફેદ ચમકતો ગોળાકાર પદાર્થ હાથમાં લઈને ખીજાઈને તેને પૂછી રહી હતી, ‘તને આ આઠ આના ક્યાંથી મળ્યા, બોલ?’

મિનીએ કહ્યું, ‘કાબુલીવાળાએ આપી છે.’

‘કાબુલીવાળા પાસેથી તે આઠ આના લીધા કઈ રીતે, બોલ?’

મિનીએ રડવાનું શરૂ કરતાં કહ્યું, ‘મેં માંગી નહોતી, તેણે પોતાની મેળે જ આપી દીધી છે.’

મેં જઈને મિનીની એ અકસ્માત મુસીબતથી રક્ષા કરી અને તેને બહાર લઈ આવ્યો. ખબર પડી કે કાબુલી સાથે મિનીની આ બીજી જ મુલાકાત હતી, એટલે કોઈ ખાસ વાત નહોતી. એ દરમ્યાન તે રોજ આવતો રહ્યો અને પિસ્તા બદામની લાંચ આપીને મિનીના નાનકડા હ્રદય પર ઘણો અધિકાર કરી લીધો હતો.

મેં જોયું કે આ નવી મિત્રતામાં બંધાયેલી વાતો અને હાસ્ય પ્રચલિત છે, જ્યારે મારી દીકરી રહેમતને જોતી, હસતાં પૂછતી, “કાબુલીવાળા, ઓ કાબુલીવાળા, તારી ઝોળીમાં શું છે?” કાબુલી જેનું નામ રહેમત હતું, એક અનાવશ્યક ચન્દ્રબિંદુ જોડીને કહેતો, “હાથી”

તેમના પરિહાસનું રહસ્ય શું છે એ તો કહી શકાય તેમ નથી, પણ આ નવા મિત્રોની આ સહજ રમત જેવું અનુભવાય છે અને શિયાળાની સવારે એક સમજદાર અને એક બાળકનું સરળ હાસ્ય સાંભળીને મને પણ ખૂબ સારું લાગતું.

એ બંને મિત્રોમાં બીજી એક વાત પણ પ્રચલિત હતી. રહેમત મિનીને કહેતો, “તું સાસરે કદી નહીં જતી. બરાબર?”

આપણા દેશની છોકરીઓ જન્મથી જ ‘સાસરા’ શબ્દથી પરિચિત રહે છે, પણ અમે કાંઈક નવી પેઢીના હોવાને લીધે નાનકડી છોકરીને સાસરાના વિષયમાં વિશેષ જ્ઞાની બનાવી શક્યા નહોતા, એટલે રહેમતની વાત તે સ્પષ્ટપણે સમજી શકી નહીં, પરંતુ કોઈ પણ વાતનો જવાબ આપ્યા વગર ચુપ રહેવું એ તેના સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ હતું, ઉલટું એ રહેમતને જ પૂછતી, “તમે સાસરે ક્યારે જશો?”

રહેમત કાલ્પનિક સસરા માટે પોતાનો જબરજસ્ત મુક્કો ઉગામીને કહેતો, “અમે સસરાને મારીશું.”

સાંભળીને મિની ‘સસરા’ નામના કોઈ અજાણ્યા જીવની દુરાવસ્થાની કલ્પના કરીને ખૂબ હસતી.

જોતજોતામાં શિયાળાની સુંદર ઋતુ આવી પહોંચી. પૂર્વ યુગમાં આ સમયે રાજાઓ દિગ્વિજય માટે કૂચ કરતાં, હું કોલકાતા છોડીને કદી ક્યાંય ગયો નથી. કદાચ આ જ કારણે મારું મન બ્રહ્માંડમાં ઘૂમ્યા કરતું હતું. એટલે કે હું પોતાના ઘરમાં જ ચિરપ્રવાસી છું. બહારના બ્રહ્માંડ માટે મારું મન સર્વદા આતુર રહેતું. કોઈ વિદેશનું નામ આવે કે તરત મારું મન ત્યાંની ઉડાન ભરવા લાગતું. આ પ્રકાર કોઈ વિદેશીને જોઈને તરત જ મારું મન સરિતા – પર્વત – જંગલ ની વચ્ચે એક કુટીરનું દ્રશ્ય જોવા લાગે છે અને એક ઉલ્લાસપૂઋણ સ્વતંત્ર જીવનયાત્રાની વાત કલ્પનામાં જાગી ઉઠે છે.

આમ જુઓ તો હું એવી પ્રકૃતિનું પ્રાણી છું જેને પોતાનું ઘર છોડીને બહાર નીકળવું પડે તે અસહ્ય થઈ રહે છે. આ જ કારણ છે કે સવારના સમયે હું મારા નાનકડા ઓરડામાં મેજની સામે બેસીને એ કાબુલી સાથે ગપશપ કરીને ઘણું ભ્રમણ કરી લઉં છું. મારી સામે કાબુલનું આખું ચિત્ર આવી જાય છે. બંને તરફ ઉબડખાબડ લાલ ઉંચા દુર્ગમ પર્વત છે અને રણમાં રસ્તો છે, તેમાં ભારથી લદાયેલા ઉંટોની કતાર જઈ રહી છે. ઉંચા ઉંચા સાફા બાંધેલા સોદાગર અને યાત્રીઓમાં કોઈક ઉંટની સવારી કરે છે તો કોઈક તેની સાથે ચાલે છે. કોઈના હાથમાં બરછી છે તો કોઈક હાથમાં બાબા આદમના જમાનાની જૂની બંદૂક રાખીને ચાલે છે. વાદળોની ભયાનક ગર્જનાના સ્વરમાં કાબુલના લોકો પોતાની મિશ્ર ભાષામાં પોતાના દેશની વાતો કરી રહ્યા છે.

મિનીનીમાં ખૂબ વહેમી સ્વભાવની છે. રસ્તામાં થોડો અવાજ થયો નથી કે તેણે માની લીધું કે સંસારના બધા મસ્ત શરાબી અમારા જ ઘર તરફ દોડતા આવી રહ્યા છે. તેના વિચારોમાં આ દુનિયા આ છેડાથી પેલા છેડા સુધી ચોર, ડાકુ, મસ્ત શરાબી, સાંપ, વાઘ, રોગ, મલેરીયા, વાંદા અને અંગ્રેજોથી ભરી પડી છે. આટલા વર્ષોથી આ દુનિયામાં રહેવા છતાં તેના મનનો આ રોગ દૂર થયો નહોતો.

રહેમત કાબુલી તરફ પણ એ સંપૂર્ણપણે નિશ્ચિંત નહોતી. તેના પર વિશેષ ધ્યાન રાખવા તે મને ઘણી વખત વિનંતિ કરતી રહેતી. જ્યારે હું પરિહાસના આવરણથી ઢાંકવા મથતો તો મને તે એક સાથે ઘણાં ર્પશ્નો પૂછી બેસતી, ‘શું હમણાં કોઈનો છોકરો ચોરી થઈ ગયો નથી? શું કાબુલમાં ગુલામ વેચાતા નથી? શું એક લાંબા પડછંદ કાબુલી માટે એક નાનકડા બાળકને ઉપાડીને લઈ જવું અસંભવ છે?’ વગેરે

મારે માનવું પડતું કે તેની વાત નિતાંત અસંભવ હોય એમ નહોતું, પણ વિશ્વાસ કરી શકાય એવી પણ નહોતી. વિશ્વાસ મૂકવાની શક્તિ બધામાં સમાન નથી હોતી, તેથી મિનીની માંના મનમાં ભય રહી જ ગયો, પણ કેવલ એટલે જ કોઈ દોષ વગરના રહેમતને અમારા ઘરમાં આવવાથી હું રોકી ન શક્યો.

દર વર્ષે મહા મહીનામાં રહેમત પોતાના વતન જતો રહેતો. એ સમયે તે પોતાના વેપારીઓ પાસેથી રૂપિયા પૈસા વસૂલ કરવામાં તલ્લીન રહેતો. તેને ઘરે ઘર, દુકાને દુકાન ફરવું પડતું, પણ છતાંય મિનીને એ એક વાર તો જરૂર મળતો. જોઈને એમ લાગતું કે બંનેની વચ્ચે કોઈ પ્રકારના ષડયંત્રના શ્રીગણેશ થઈ રહ્યા હોય. જે દિવસે તે સવારે ન આવી શક્તો, એ દિવસે સાંજે હાજર થઈ જતો. અંધારામાં ઘરના ખૂણામાં એ ઢીલો ખુલતો પાયજામો પહેરેલા, ઝોળી વાળા, લાંબા પડછંદ માણસને જોઈને સાચે જ મનમાં અચાનક ભય છવાઈ જાય છે પણ જ્યારે જોઉં છું કે મિની ‘ઓ કાબુલીવાળા’ કહેતા હસતાં હસતાં દોડી આવે છે અને બે ભિન્ન ઉંમરના અસમ મિત્રોમાં એ જ જૂનો હાસ પરિહાસ ચાલે છે ત્યારે મારું હ્રદય પ્રસન્નતાથી છવાઈ જતું, જાણે નાચી ઉઠતું.

એક દિવસ સવારે હું મારા નાનકડા ઓરડામાં બેઠો નવા પુસ્તકનું પ્રૂફ જોઈ રહ્યો હતો. શિયાળો વિદાય લેતા પહેલા, આજ બે ત્રણ દિવસથી પૂરા જોરથી પોતાનો પ્રકોપ દેખાડી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં આ ઠંડીની જ ચર્ચા થઈ રહી છે. આવામાં બારીમાંથી સવારમ્પ તડકો મેજની નીચે મારા પગ સુધી આવી પહોંચ્યો. તેની ગરમી મને સારી લાગવા માંડી. લગભગ આઠ વાગ્યાનો સમય હશે, માથા પર મફલર લપેટીને ઉષાના કિરણો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતાં. એ જ સમયે ઘણો શોરબકોર સંભળાયો. જોયું તો આપણા એ રહેમતને બે સિપાહી બાંધીને લઈ જઈ રહ્યા હતા. તેની પાછળ ઘણાં પ્રેક્ષક બાળકોનું ઝુંડ આવી રહ્યું છે. રહેમતના ઢીલા કુરતા પર લોહીના ડાઘા છે અને સિપાહીના હાથમાં લોહીથી લથપથ છરી છે. મેં દરવાજાની બહાર આવીને પૂછ્યું, ‘શું વાત છે?’

થોડું સિપાહીઓ અને થોડું રહેમતના મોંએ સાંભળ્યું કે અમારા પડોસમાં રહેવાવાળા એક માણસે રહેમત પાસેથી એક રામપુરી ચાદર ખરીદી હતી. એના થોડા રૂપિયા પેલા પાસે બાકી હતા, જેને આપવાનો તેણે ચોખ્ખો ઇનકાર કરી દીધો. બસ, આ જ વાત પર બંનેમાં વાત વધી ગઈ અને રહેમતે તેને છુરો કાઢીને ઘોંપી દીધો. રહેમત તે જુઠ્ઠા બેઈમાન માણસ માટે ભિન્ન ભિન્ન પ્રકારના અપશબ્દ સંભળાવી રહ્યો હતો, એટલામાં ‘કાબુલીવાળા, કાબુલીવાળા” પોકારતી મિની ઘરમાંથી નીકળી આવી.

રહેમતનો ચહેરો ક્ષણભરમાં કૌતુક હાસ્યથી ચમકી ઉઠ્યો. તેના ખભે આજે ઝોળી નહોતી. તેથી ઝોળી વિશે બંને મિત્રોની અભ્યસ્ત આલોચના ન થઈ શકી. મિલીએ આવતાં જ પૂછ્યું, “તું સાસરે જઈશ?”

રહેમતે પ્રફુલ્લિત મનથી કહ્યું, “હા, ત્યાં જ તો જઈ રહ્યો છું.”

રહેમત સમજી ગયો કે તેનો આ જવાબ મિનીના ચહેરા પર હાસ્ય નહીં લાવી શકે અને ત્યારે તેણે હાથ દેખાડીને કહ્યું, “સસરાને મારતો, પણ શું કરું, હાથ બંધાયેલા છે. છુરો ચલાવવાના અપરાધમાં રહેમતને કેટલાય વર્ષનો કારાવાસ મળ્યો.

રહેમતનું ધ્યાન ધીરે ધીરે મનથી બિલકુલ ઉતરી ગયું. અમે લોકો હવે પોતાના ઘરમાં બેઠા, સદાની જેમ નિત્ય કામધંધામાં ઉલઝીને દિવસો વિતાવી રહ્યાં હતા, ત્યાં એક સ્વાધીન પર્વતો પર ફરવા વાળો માણસ જેલની દિવાલોની અંદર કઈ રીતે વર્ષ પર વર્ષ કાઢી રહ્યો હશે એ વાત અમારા મનમાં કદી ઉદભવી નહીં. અને ચંચળ મિનીનું આચરણ તો એથીય વધુ લજ્જાસ્પદ હતું. આ વાત તો તેના પિતાએ પણ માનવી પડશે. તેણે સહજ પોતાના એ જૂના મિત્રને ભૂલીને પહેલા તો નબી ઘોડારના રખેવાળ સાથે દોસ્તી કરી, પછી ક્રમશઃ જેમ જેમ તેની વયોવૃદ્ધિ થવા લાગી તેમ તેમ મિત્રની બદલે તેની સાહેલીઓ વધવા માંડી. વધુ તો શું, એ પોતાના બાબુજીના લખવાના ઓરડામાં પણ દેખાતી નહીં. મારો તો એક રીતે તેની સાથે સંબંધ જ ઓછો થઈ ગયો.

કેટલા વર્ષ વીતી ગયા? વર્ષો પછી આજે ફરી શરદ ઋતુ આવી છે. મિનીની સગાઈની વાત પાકી થઈ ગઈ છે. પૂજાની રજાઓમાં તેનો વિવાહ થઈ જશે. માતા કૈલાસવાસિની સાથે સાથે આ વખતે અમારા ઘરની આનંદમયિ મિની પણ માં-બાપના ઘરમાં અંધારૂ કરીને સાસરે જતી રહેશે.

સવારે દિવાકર ખૂબ સજી ધજીને નીકળ્યા. વર્ષો પછી શરદ ઋતુનો આ નવલ તડકો સોનામાં સુગંધ જેવું કામ કરી રહ્યો છે. કોલકાતાની સાંકડી ગલીઓમાં પરસ્પર જોડાયેલા જૂના ઈંટદાર ગંધા ઘરોની ઉપર પણ આ તડકાની આભાએ એક પ્રકારનું અનોખું સૌંદર્ય વિખેરી દીધું છે.

અમારા ઘરે સવારમાં દિવાકરના આગમન પહેલા જ શરણાઈ વાગી રહી છે. મને એમ લાગે છે કે જાણે આ મારા હ્રદયના ધબકારોમાંથી રડતી રડતી વાગી રહી છે. તેની કરુણ ભૈરવી રાગિણી જાણે મારી વિચ્છેદની પીડાને શિયાળાના તડકા સાથે બ્રહ્માંડમાં ફેલાવી રહી છે. મારી મિનીનો આજે વિવાહ છે.

સવારથી ઘરમાં વાવાઝોડું જામેલું છે. દરેક સમયે આવવા-જવા વાળાઓ સતત વધી રહ્યા છે. આંગણામાં વાંસનો મંડપ બની રહ્યો છે. દરેક ઓરડા અને ઓશરીમાં ફાનસ લટકાવાઈ રહ્યાં છે અને તેની ટક ટકનો અવાજ મારા ઓરડામાં પણ આવી રહ્યો છે. ‘ચલો રે’, ‘જલ્દી કરો’, ‘અહીં આવો’ વગેરેની તો કોઈ ગણતરી જ નથી.

હું મારા લખવા વાંચવાના ઓરડામાં બેઠો ખર્ચનો હિસાબ લખી રહ્યો હતો, એટલામાં રહેમત આવ્યો અને અભિવાદન કરીને એક તરફ ઉભો રહી ગયો.

પહેલા તો મેં તેને ઓળખ્યો જ નહીં, તેની પાસે ન તો ઝોળી હતી કે ન પહેલા જેવા લાંબા વાળ અને ન ચહેરા પર પહેલા જેવી દિવ્ય જ્યોતિ હતી. અંતમાં તેનું સ્મિત જોઈને ઓળખી શક્યો કે તે રહેમત છે.

‘કેમ રહેમત, ક્યારે આવ્યો?’ મેં પૂછ્યું.

“કાલે સાંજે જ જેલથી છૂટ્યો છું.” તેણે કહ્યું.

સાંભળતા જ તેના શબ્દ મારા કાનમાં ખટકો કરી ગયા. કોઈક ખૂનીને મેં કદી મારી સગી આંખે જોયો નહોતો. તેને જોઈને મારું સમગ્ર મન એકાએક સંકોચાઈ ગયું. મારી એ ઇચ્છા થઈ કે આજના આ શુભ દિવસે આ માણસ અહીંથી જાય તો સારૂં.

મેં તેને કહ્યું, “આજે અમારા ઘરમાં એક અગત્યનો પ્રસંગ છે, તેથી હું તેમાં લાગ્યો છું. આજે તું જા, ફરી આવજે.”

મારી વાત સાંભળીને એ તે જ ક્ષણે જવા તૈયાર થઈ ગયો, પણ દરવાજા પાસે આવી અહીંતહીં જોઈને બોલ્યો, “શું નાનકીને જરા પણ નહીં જોઈ શકું?”

કદાચ તેને એ વિશ્વાસ હતો કે મિની હજુ પણ એવી જ બાળકી છે. તેણે વિચાર્યું હશે કે મિની આજે પણ પહેલાની જેમ જ “કાબુલીવાળા, ઓ કાબુલીવાળા” પોકારતી દોડીને આવી જશે. એ બંનેના પહેલાના હાસ-પરિહાસમાં કોઈ પ્રકારની રૂકાવટ નહીં હોય. એટલે સુધી કે પહેલાની મિત્રતાને યાદ કરીને એ એક પેટી દ્રાક્ષ અને એક કાગળના ટુકડાઓમાં થોડી કિસમિશ અને બદામ કદાચ પોતાના દેશના કોઈ માણસ પાસેથી માંગીને લઈ આવ્યો હતો. તેની પહેલાની ગંદી મેલી ઝોળી આજે તેની પાસે નહોતી.

મેં કહ્યું, “આજે ઘરમાં બહુ કામ છે, તો કોઈને મળી શકાશે નહીં.”

મારો જવાબ સાંભળીને એ થોડોક ઉદાસ થઈ ગયો. એ જ મુદ્રામાં તેણે એક વખત મારા ચહેરા તરફ સ્થિર દ્રષ્ટિએ જોયું, પછી અભિવાદન કરીને દરવાજાની બહાર નીકળી ગયો.

મારા હ્રદયમાં કોણ જાણે કેવી વેદના ઉઠી. હું વિચારી જ રહ્યો હતો કે તેને બોલાવું, એટલામાં જોયું કે એ પોતે જ આવી રહ્યો છે.

તે પાસે અવીને બોલ્યો, “આ દ્રાક્ષ અને થોડીક કિસમિશ, બદામ નાનકી માટે લાવ્યો હતો, તેને આપી દેજો.”

મેં તેના હાથમાંથી સામાન લઈને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મારા હાથને પકડીને કહ્યું, “તમારી બહુ મહેરબાની સાહેબ, હંમેશા યાદ રહેશે, પૈસા રહેવા દો.” થોડી વાર અટકીને તે ફરી બોલ્યો, “બાબુ સાહેબ, આપના જેવી મારી પણ દેશમાં એક દીકરી છે. હું તેને યાદ કરીને તમારી દીકરી માટે થોડોક મેવો હાથમાં લઈ આવતો રહેતો. હું અહીં સોદો કરવા નહોતો આવતો.” એમ કહેતા એણે ઢીલા ઝભ્ભામાં હાથ નાંખીને છાતી પાસેથી એક મેલો ગંદો વાળેલો કાગળનો ટૂકડો કાઢ્યો અને ખૂબ સંભાળપૂર્વક તેને ચારેય તરફથી ખોલીને બંને હાથોથી ફેલાવી મારી મેજ પર મૂકી દીધો.

જોયું કે કાગળના એ ટુકડા પર એક નાનકડા હાથના નાના પંજાની છાપ છે. ફોટો નહીં, તૈલચિત્ર નહીં, હાથમાં થોડોક કોલસો લગાવીને, કાગળન ઉપર એનું નિશાલ લઈ લેવાયું હતું. પોતાની દીકરીના એ સ્મૃતિપત્રને છાતીએ લગાડીને રહેમત દરવર્ષે કિલકાતાની ગલીકૂચીઓમાં ધંધો કરવા નીકળે અને ત્યરે આ કોલસાનું ચિત્ર જાણે તેની દીકરીના હાથનો કોમળ સ્પર્શ તેના જુદાઈ ભોગવી રહેલ હૈયામાં જાણે અમૃત ઘોળતું રહેતું.

આ જોઈને મારી આંખો ભરાઈ આવી અને પછી હું એ વાતને બિલકુલ ભૂલી જ ગયો કે એ એક મામૂલી કાબુલી મેવાવાળો છે અને હું એક ઉચ્ચવંશનો મોભાદાર માણસ છું. પછી મને એવું લાગવા માંડ્યું કે જે એ છે એ જ હું છું. એ પણ એક બાપ છે અને હું પણ. તેની પર્વતવાસિની નાનકડી દીકરીની નિશાની મારી જ મિનીની યાદ અપાવે છે. મેં તત્કાળ મિનીને બોલાવી, જો કે એ માટે અંદરથી વિરોધ થયો, પણ મેં તેના પર ધ્યાન ન આપ્યું. વિવાહના વસ્ત્રો અને અલંકારોમાં લપેટાયેલી મિની લજ્જાની મારી સંકોચાઈને મારી પાસે આવીને ઉભી રહી ગઈ.

એ અવસ્થામાં તેને જોઈને રહેમત કાબુલી પહેલા તો હેરાન રહી ગયો પહેલાની જેમ તેનાથી વાત ન થઈ શકી. પછી હસતા બોલ્યો, “લલ્લી, સાસરે જઈ રહી છે કે શું?”

મિની હવે સાસરાનો અર્થ સમજવા લાગી હતી, તેથી હવે તેનાથી પહેલાની જેમ ઉત્તર ન આપી શકાયો. રહેમતની વાત સાંભળીને લજ્જાના માર્યા તેના ગાલ લાલ થઈ ઉઠ્યા, તેણે મોં ફેરવી લીધું. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે રહેમત સાથે મિનીનો પ્રથમ પરિચય થયો હતો. મનમાં એક પીડાની લહેર દોડી ગઈ.

મિની જતી રહી તે પછી, એક ઉંડો શ્વાસ લઈને રહેમત ફર્શ પર બેસી પડ્યો. કદાચ તેની સમજમાં એકાએક એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે તેની દીકરી પણ આટલી જ મોટી થઈ ગઈ હશે અને તેની સાથે પણ ફરીથી નવી ઓળખાણ કરવી પડશે. સંભવતઃ એ તેને પહેલા જેવી નહીં મેળવી શકે. આ આઠ વર્ષોમાં તેનું શું થયું હશે કોણ જાણે? સવારના સમયના શરદની સ્નિગ્ધ સૂર્યકિરણોમાં શરણાઈ વાગવા માંડી અને રહેમત કોલકાતાની એક ગલીની અંદર બેટો અફઘાનિસ્તાનના મેરુ પર્વતનું દ્રશ્ય જોઈ રહ્યો

મેં નોટ કાઢીને તેના હાથમાં આપી અને કહ્યું, “રહેમત, તું દેશ જતો રહે, તારી દીકરી પાસે. તમારા બંનેના મિલનથી મારી મિની સુખી થશે.”

રહેમતને પૈસા આપ્યા પછી વિવાહના હિસાબમાંથી મારે ઉત્સવ સમારોહના બે અંગ શોધીને ઓછા કરવા પડ્યા. મન હતું એક રોશની ન કરી શક્યો અને અંગ્રેજી બેંડવાજા પણ ન આવ્યા, ઘરની સ્ત્રીઓ ખૂબ ચિડાઈ ગઈ. બધુંય થયું છતાંય મારો વિચાર છે કે આજે એક અપૂર્વ જ્યોતિથી અમારો શુભ સમારંભ ઉજ્જવળ થઈ ઉઠ્યો.

– રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

રવિન્દ્રનાથ ઠાકુરની કલમે સર્જાયેલ કાબુલીવાલા એક સુંદર વાર્તા છે, વર્ષો પહેલા શાળા શરૂ થતાં પહેલા હિન્દી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકોની વાર્તાઓ હું વાંચી જતો, અને પછી શાળામાં અભ્યાસ દરમ્યાન એ ટેવ મદદરૂપ થઈ રહેતી. કાબુલીવાલા વાર્તાની વિશેષતા છે તેનું કથાનક, એક કાબુલી અને નાનકડી છોકરી મિની વચ્ચેની દોસ્તીની વાત, એ છોકરીમાં પોતાની દીકરીને જોતા કાબુલીના મનોભાવ અને મિનીના પિતા દ્વારા આલેખાતી આ વાત એટલી તો સુંદર થઈ કે તેના પર બંગાળીમાં (૧૯૫૭માં), હિન્દીમાં (૧૯૬૧માં) અને મલયાલમમાં (૧૯૯૩માં) ફિલ્મ પણ બની. કાબુલીવાળાનું પાત્ર સ્વદેશથી દૂર કામ કરતા એવા દરેકના સંવેદનોને વાચા આપે છે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહીને રોજગાર માટે મજબૂર છે. પ્રસ્તુત છે આ સુંદર વાર્તાનો અનુવાદ. હિન્દીમાં મળેલ કાબુલીવાલામાંથી કર્યો છે.


Leave a Reply to KAMAL BHARAKHDACancel reply

13 thoughts on “કાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

  • KAMAL BHARAKHDA

    પરમ શાક્ષી અવસ્થા. ઘણું અઘરું છે એ શાક્ષી ભાવમાં રહેવું. કાબુલીવાલા જેવી ઉત્કૃષ્ટ કાલ્પનિક વાર્તા પણ વાસ્તવિક પરિસ્થતિને ગૂંથીને જે માણસાઈનું કાપડ તૈયાર થયું છે એ અતિ મુલ્યવાન છે. ઠાકુરજીએ એમના જીવનના ક્ષણે ક્ષણનો ઉપયોગ સામાજિક અવસ્થાને શાક્ષી ભાવે રહીને સમાજને કામ લાગે એવી રચનાઓનું ચિત્રણ કર્યું છે. જેમ કે, આ કાબુલીવાલા જેવી રચનાથી માણસાઈ, વિશ્વાસ, પ્રેમ, અતિ તાલાવેલી, એક વિદેશી સાથે થવો જોઈએ એવો અને એક ભારતીય તરીકે શોભે એવો વ્યવહાર જેવી અમુલ્ય વસ્તુઓ બીજે ક્યાં મળવાની છે!

    એપિક કરીને ચેનલ પર હમણાં ઠાકુરજીની વાર્તાઓ પર અનુરાગ બસુ એ ખુબજ ચિવટતાથી દિર્ગ્દર્શન કર્યું છે. ત્યારેજ આ કાબુલીવાલાનો પ્રસંગ સાથે ભેટો થયો હતો એવો જ અનુભવ આજે પણ થયો આપના અનુવાદાનમાં.

    ધન્યવાદ.

  • Suresh Shah

    કેવી સંવેદના ભરી હશે એ પિતાના દિલમાં!

    ટૉગોરની આ અમર કથા – બે પેસા કમાવા વતનથી દૂર આવેલ. પોતાની નાનકી ની યાદ એક કાગળના ટુકડામા સાચવેલ. ફોટા અને વિડીયો થી ટેવાયેલા આપણા જીવને કોઈ હાથની ચ્હાપ જોઇ મન મનાવવાનુ કહે તો?

    આસ્વાદ કરાવવા બદલ આભાર.
    – સુરેશ શાહ, સિંગાપોર્

  • Arun Sidhpura

    આ અફઘાનેીઓ ક્રુર જ હતા અને છે. પણ બાપ નુ રદય તો દેીકરેી માટે પોચું જ રહેવાનુ. મારે ત્યાં ૫૦ વર્ષ પછેી પોત્રેી નો જન્મ થતા મારેી હૈમેી માટે હું દેીવસ રાત એ ચિન્તા કરુંછું કે એ કેમ સુખેી થાય. મારા દેીકરાઓ માટે મને આટલેી નથિ થઇ.
    વાર્તા અને ફિલ્મ બન્ને માણ્યા છે.
    આભાર

  • Harshad Dave

    જાણે પહેલીવાર વાંચતો હોઉં એમ લાગ્યું અને પ્રવાહમાં એવો તન્મય થઇ ગયો કે અંતે આંખો ભીની થઇ ગઈ ….સુંદર અનુવાદ…ટાગોરની/ઠાકુરની કથામાં ન ખોવાઈએ તો આપનો વાંક ગણાય! (સોફ્ટવેર+મારી ભૂલથી ‘આપણો’ લખવું હતું અને ‘આપનો’ થઇ ગયું…ક્ષમસ્વ)…અભિનંદન….-હદ

  • મનીષ વી. પંડ્યા

    લગભગ ૪૦ વર્ષ પહેલાં હિન્દીમાં જોયેલી “કાબુલીવાલા” ફિલ્મ હજુ સુધી યાદ છે. બલરાજ સહાનીએ ભજવેલા કાબુલીવાલાના પાત્રને ભૂલી શકાય તેમ નથી. કાબુલીવાલા ની વાર્તા સાહિત્ય રહેશે ત્યાં સુધી અમર રહેશે.

  • Trupti shah

    I had read this story in my school syllabus. But this translation is much closure reflection of Tagore’s rich vocabulary. Thank you for this beautiful attempt.

  • RASIKBHAI

    કાબુલિવાલા એક પિતા એનિ દિકરિ ને યાદ કરિ ને મારિ આખો પન ભિનિ કરિ ગયો. બહુ સુન્દર વાર્તા નો અતિ સુન્દર અનુવાદ્.