સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ 6


માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે –

‘તડજોડ કરી જીવવું – જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે.

અથવા બીજી એક જગ્યાએ લખે –

‘જીવન સાથે બાંધછોડ કરી નહીં;
હવે આ દિવસો આવ્યા.’

કે પછી,

‘હજારોમાં હર્યાફર્યા પછી,
પોતાપણું આપણું બાકી રહ્યું ન હતું.’

આ સમાજમાં માણસોનાં ટોળા વચ્ચે રહીને જાતને સચવવી, બચાવવી કેટલું મુશ્કેલ કામ છે? કદાચ દરેક સંવેદનશીલ વ્યકતિની આ કથા – આ વ્યથા છે – એ કવિ હોય કે ન હોય. મારે એવા જ એક સંવેદનશીલ મિત્રની, કવિની વાત કરવી છે. એ છે જગદીશ જોષી.

એને Routine આદતથી કરાયેલી વસ્તુઓની ચીડ છે. દરેક લગ્નમાં, દરેક સંબંધમાં જેમ આદતનો પ્રવેશ થાય છે ત્યારે એમાં વાસ આવે છે, એ પણ એક કવિ તરીકે કહે છે, ‘લગ્ન જીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.’

માણસની દશા માણસ વચ્ચે કેવી છે? આ વિશે જગદીશનું નિરીક્ષણ જોઈએ.

‘આપણે તો મળીએ છીએ
પ્રેક્ષકોની વચ્ચે પશુ જેવાં..
આપણા આ સરકસથી હું થાકી ગયો છું.’

કેટલી વ્યથાભરી વાત છે? જીવવાને પ્રયત્ન કરવો એટલે એક સરકસમાં ખેલ કરવા જેટલું જ કપરું છે, કદાચ એટલું જ સાહાસ માગી લે છે! જગદીશને છાને છપને સંકોડાઈને ધ્રુજતો ધ્રુજતો કરાતો પ્રેમ ખપનો છે. અને એટલે જ કહે છે –

‘થિયેટરના અંધકારમાં
ખુરશી પર બેસીને પ્રેમ કરનારાં યુગલો
મને પ્રાણીબાગના પાંજરે પુરાયેલાં
પ્રાણી જેવાં લાગે છે.’

જગદીશ પ્રેમનો ભૂખ્યો માણસ છે, કવિ છે. એને બરફથી થીજેલી જિંદગી પસંદ નથી. એણે ઘણાં ઘણાં ઠંડાગાર વર્ષો નથી જોઈતાં. એને થોડીક ક્ષણ પણ હશે તો ચાલશે.

સંબંધોમાં પણ પ્રેમની ઝંખના છે. મિત્રોની ઝંખના છે. એટલે જ લખે,

‘ઓ સદનસીબ દોસ્ત! કે
મિત્રોમાં ચાહ છે
બાકી તો વાહવાહ છે ટૂંકા
સમયની વાત.’

સરી જતા જળની વાહવાહનું મૂલ્ય સમજે છે. મિત્રોની ચાહ રહેશે, વાહવાહ સરી જશે. મને અહીં વિમલાતાઈનું વાક્ય યાદ આવે છેઃ ‘મિત્રોના હદયમાં ન બેસું અને બૅન્ક બૅલૅન્સમાં બેસું તો ત્યાંન સલામતી મૃત છે… જડ છે.. એમાં મારા જીવનનો આનંદ નથી. એનાથી અન્ન-વસ્ત્ર તો મળશે પરંતુ પ્રેમ ક્યાંથી મળશે?’ અથવા ‘અમારું પ્રારબ્ધ કાપવા માટે અમારે જે કરવું પડે છે તેમાં મિત્રોનું જો જરા જેટલું પણ આત્માનું નુકશાન થયું તો અમે ક્યાંથી ભરી આપશું? પણ મનુષ્ય કેવો હતભાગી છે. એ આ સમજે છે છતાં દોટ મૂકે છે. ‘વાહ વાહ’ પાછળ જ, ‘બૅલેન્સ’ પાછળ જ. એ ‘વાહવાહ’ મોભાની, કીર્તિની, પૈસાની મળે તે દરમિયાન મિત્રો એક પછી એક ખરતા જાય છે, રહી જાય છે ખુશામતિયા! કેટલી આકરી કિંમત આ સોનું અને આ કીર્તિ માગી લે છે? પણ જગદીશ પ્રેમ ભૂખ્યો છે. એટલે જ કહે, ‘સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું.’

જગદીશનાં કાવ્યોમાં એક વ્યથાનો સૂર સંભળાયા કરે છે.

‘હવે હું થાક્યો છું,…કે

‘હવે મારો તારો પ્રણય ખરતો પાનખરમાં’ અથવા એના જાણીતા ગીતમાં ગાય છે તેમ;

‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.’

પણ જીવન સાથે તડજોડ કરતાં જેને મુશ્કેલી પડે છે એવા સંવેદનશીલ જીવ સુખની ભિક્ષા જ માગે ને! અને છતાં સુખ દૂર.. દૂર અંદર અંદર કોરાતો જીવ ક્યારેક ગાઈ ઊઠે છેઃ

‘ચાલો આ દેહને છોડીને ચાલ્યા જશું હવે?
બેચેન જીવને અહીં માફક હવા નથી.’

હવા માફક હોય ન હોય, બધાં જ અહીં જીવનનો કરુણ પ્રયત્ન કરે છે. કોઈ ગોઠવાઈ શકે છે. પણ જગદીશ એક કાવ્યમાં વિચિત્ર એવી વાત કરે છે.

‘હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો,
આ ભરી મહેફિલ; મને ઊઠી જતાં ના આવડ્યું .’

જે લોકો જગદીશને ઓળખતા હતા તે લોકો કહેશે ના, મહેફિલમાં અમે જોતા રહી ગયા. તું હાથતાળી દઈને ક્યારે સરકી ગયો. ખ્યાલ પણ ન રહ્યો.

– વિપિન પરીખ

(‘હું પાછો આવીશ ત્યારે…’ માંથી સાભાર, પ્રકાશક – ઈમેજ પબ્લિકેશન્સ, પાનાં ૧૧૦, મૂલ્ય રૂ. ૧૨૦/-)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 thoughts on “સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ