ચાર ગઝલ – યાકૂબ પરમાર 8


ગઝલ -૧

ટ્રેનની આ ભીડ ને ભીડની વચ્ચે અમે,
લોકની આ ચીડ ને ચીડની વચ્ચે અમે.

આ હવાનાં ફૂલને કોણ કચડી ખાય છે?
શ્વાસનાં આ તીડ ને તીડની વચ્ચે અમે.

કાળના આ સર્પની ફૂંકથી ફાટી જતાં,
જીવતરનાં નીડ ને નીડની વચ્ચે અમે.

કેવી રીતે શોધશો હાસ્યનાં ઝરણાં તમે?
આ અમારી પીડ ને પીડની વચ્ચે અમે.

સાચવીશું કેવી રીતે આ હરણના વેશને,
સિંહનાં આ બીડ ને બીડની વચ્ચે અમે.

ગઝલ – ર

પથ્થર ઉપર ઝરણનું લાગે વહાલ કેવું,
પડતું કરે છે પોતે જોઇ કરાલ જેવું.

ટેવાઇ હું ગયો છું વિસ્તારમાં તમસના,
કાતીલ આ તમસ પણ લાગે મશાલ જેવું.

મસ્તી હતી જીવનમાં હમણાં સુધી મને પણ,
જીવતર હવે મને તો લાગે બબાલ જેવુ.

માથા ઉપર હતો તે રાખી દીધો હદયમાં,
બોજા અદલબદલથી લાગે હમાલ જેવું.

ઉત્તર મને મળેલા છે સ્મિતમાં તમારા,
આજે એ સ્મિત પણ કાં લાગે સવાલ જેવું !

ગઝલ- ૩

જીવતરના ચીંથરાને જોડવા માટે હતા?
લાગણીના તાર એ તો તોડવા માટે હતા.

આડફેટે રાહમાં લલચાવતા રસ્તા મળ્યા,
એક બે રસ્તા અમારે છોડવા માટે હતા.

બારશાખે કંકુનાં નિશાન સુકાયાં હતાં,
આંસુંભીના હાથ મારા ચોડવા માટે હતા.

કાકલુદીમાં સદાયે હાથ જોડાતા રહયા,
ને ચરણ આ દડમજલમાં દોડવા માટે હતા.

ઝંખના જળની હતી તે દૂર ક્ષિતિજે રહયાં,
માટલાં ખાલી નસીબે ફોડવા માટે હતાં.

ગઝલ – ૪

કેદમાં નાખી હદયને આ ધરા સાંકળ બની,
હું અને તું એ પળે ઉભાં થયાં વાદળ બની.

ફૂલને નાજુક રીતે સ્પર્શ કરતું જળ પછી,
સૂર્ય જેવું ઝળહળે છે ફૂલ પર ઝાકળ બની.

દીવડાને કોઇ સમજાવો સમાલે જયોતને,
જયોતના આ શ્વાસ તો ફેલાય છે કાજળ બની.

એ મસિહાના સમયમાં તો ધરા લીલી હતી,
કારમા દૂષ્કાળની ઘટના ઘણી પાછળ બની.

એમ ભારેખમ બનીને ના તમે પામી શકો,
આ ગઝલને ઝીલવાની હોય છે કાગળ બની.

– યાકૂબ પરમાર


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 thoughts on “ચાર ગઝલ – યાકૂબ પરમાર

 • યાકૂબ

  મારી ગઝલોનાં આ વખાણ જોઇ નવાઇ લાગે છે કેમકે ગુજરાતી સામયિકોમાં મોકલેલી મારી કોઇ ગઝલ કોઇ છાપતું નથી. અક્ષરનાદનો અને જિગ્નેસભાઇનો આભાર કે આટલા ભાવક તો મળ્યા !!

  • Kalidas V. Patel { Vagosana }

   યાકૂબભાઈ,
   આપની ચારેય ગઝલો સુંદર અને સચોટ છે. … અભિનંદન. રહી વાત ગુજરાતી સામયિકોના અસ્વીકારની. તો એ તો બધા નવોદિતોનો ” સામાન્ય “પ્રોબ્લેમ્બ છે !
   મારી મંદાક્રાન્તા છંદમાં રચાયેલી ” સ્ત્રીભ્રૂણઆક્રંદ ” કવિતા ઘણા બધા સામયિકોમાંથી ‘ સાભાર પરત ‘ આવેલી. … જે મેં હિંમત કરીને આપણા તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીને તેમના ” બેટી બચાવો અભિયાન ” માટે મોકલી આપેલી. … તેમણે તેને સપ્રેમ સ્વીકારી તેની પ્રોફેશનલ ગાયક પાસે સી.ડી. બનાવડાવીને ટી.વી. પર રજૂ કરેલી ! — ટૂંકમાં, પ્રયત્ન ચાલુ જ રાખવાના. …આજ નહિ તો કાલ — સાચાનો સ્વીકાર થવાનો જ ! … બલ્કે , થાય છે જ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Umakant V.Mehta

  જીવનનો મર્મ દર્શાવતી સુંદર ગઝલો.યાકુબ ભાઈને અભિનંદન સાથે ધન્યવાદ. ઉમાકાન્ત વિ.મહેતા ન્યુ જર્સી

 • ashvn desai

  ભાઈ યાકુબનિ ગઝલો ઉત્તરોત્તર નવિ નવિ ઉન્ચાઈઓ આમ્બે ચ્હે , અને અર્થસભર હઓવા ચ્હતા અત્યન્ત આધુનિક ચ્હે
  ઇરશાદ સાથે ધન્યવાદ
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા