કાળુ (વાર્તા) – કુસુમ પટેલ 23


મુંબઈમાં વિધિવત ચોમાસું આમ તો બેસી જવું જોઈતું હતું, પણ મુંબઈકર અને વાદળ વચ્ચે હજી રીસામણા જેવું હતું, તે છતાંય પાંચ ફૂટ ચાર ઇંચનાં, ગૌર, એકલવડીયા બાંધાનાં સાધારણ સુંદર કહેવાય એવા તમે, બહાર જતી વેળા તમારી છત્રી અચૂક સાથે રાખતા, કારણ કોઈ છાપરાની ઓશિયાળી તમને પસંદ નો’તી. એટલે જ આજ થી ૭ વર્ષ પહેલા પતિના અવસાન પછી વિધવા સાસુ અને ૧૨ વર્ષીય દિકરી રીયા સાથે સ્વતંત્ર રહેવાનું તમે પસંદ કર્યું હતું શ્યામા…

સભ્યતાની વ્યાખ્યામાં બંધ બેસે એવા પોશાક અને થોડો ટચ-અપ કરી તમે રોજ સવારે ૮ વાગ્યે ઘરેથી ટીફીન અને છત્રી લઇ નીકળી જતાં.. ગલીના નાકે પાનનાં ગલ્લા પર ઉભેલા રખડેલ ભૂંડોની નજર રોજ તમારા સભ્ય પોશાકની આરપાર ઉતરી તમારા ગૌર મેચ્યોર ૩૮ વર્ષીય યુવાનીનું પાન કરતાં અચકાતી નહીં, આ વાતથી સુપેરે વાકેફ શ્યામા તમે બને એટલી ત્વરાથી રિક્ષા પકડીને આલીશાન નહીં પણ લકઝૂરીયસ કેવાય એવી તમારી કામ કરવાની જગ્યા એટલે ‘વઢવાણ બિલ્ડર’ ની ઑફીસે પહોંચી જતા.

આમ તો તમારી ઓફીસથી ઘરનો રસ્તો નિર્જન ન હતો પણ વસ્તીવાળોય ન કહેવાય. ડાયરેકટ બસ કે લોકલની સુવિધા હજી ત્યાં ઉપલબ્ધ ન હતી, એટલે રિક્ષા જ તમારી માટે સગવડભર્યો વિકલ્પ હતો. ક્યારેક ક્લાયન્ટ સાથેની મીટિંગ મોડે સુધી ચાલતી ત્યારે તમારો ઓફિસનો સમય ૯ થી ૭ ની જગ્યાએ ૯ થી ૧૦ કે ક્યારેક એથીય વધી જતો, પણ આ વાતનો તમને રંજ ન હતો, કારણ જો મીટિંગ સક્સેસ થાય તો તમારા પર્સમાં કમીશનપેટે ઉમેરાતી રકમ, તમારા માથે રહેલ વિધવા સાસુના મેડીકલ બિલ અને રીયાની ફીનો ભાર હળવો કરી નાંખતી.. આમ તમારો જીવન પ્રવાહ એકધારો અને નિયમિત ચાલ્યે જતો…

પણ; તમારી જાણ બહાર એક અજાણ્યો પ્રવાહ ફંટાઇને તમારી તરફ વહી રહ્યો હતો.. એ પ્રવાહનું નામ હતું ‘કાળુ’..

તમને તો યાદ પણ નહિં હોય કે દસેક દિવસ પહેલા ક્લાયન્ટ સાથે સફળ મીટિંગ બાદ ઝરમર ઝરમર ને બદલે જાજરમાન વરસતા વરસાદમાં તમે રિક્ષા પકડી હતી અને ફોન પર કોઇની જોડૅ વાત કરતા કહેલું, “હેલ્લો, આઇ એમ શ્યામા હીયર” આ સાંભળી ડ્રાઇવરે તમારી તરફ મોં કરી પૂછેલું “તો આપકા નામ શ્યામા હે મેડમ?”, ત્યારે તમે થોડી તીખી નજર કરી પણ જવાબ દીધા વગર મીટર પ્રમાણે ભાડુ ચૂકવી ઘરે ચાલ્યા ગયા.. અને થોડી વાર પછી ઘરની બારીમાંથી દેખાતા તમારા પડછાયાને નિહાળી ત્યાથી નીકળેલો આ રિક્ષા ડ્રાઇવર કાળુ.

તે દિવસથી રોજ તમારી ઓફિસથી થોડે દૂર ઉભા રહેવુંં, તમારી રિક્ષાની પાછળ પાછળ આવવું ને ઘરની બારીમાં તમારો પડછાયો જોઇ પાછા ફરી જવું એ નિયમ પાળવા આજે ય કાળુ તમારી ઓફિસથી થોડે દૂર તમારી રાહ જોઇ ઉભો હતો.

ક્લાયન્ટ સાથેની મીટિંગ પતાવતા તમને આજે ઘણું મોડું થઇ ગયું હતું શ્યામા.. અને એ દિવસે વરસાદ જાણે આજે જ હિસાબ પતાવવાના મૂડમાં હોય એમ વરસી રહ્યો હતો. તમે છત્રી ખોલી ઑફિસ બહાર આવી હજી રોડ સુધી પહોંચો એ પહેલા શ્યામ ગુલાબી કુર્તી અને લેગિન્ગ્સ સાથે તમે સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા.

ઠેરઠેર પાણી ભરાઇ ગયા હોવાથી કોઇ રિક્ષા પણ તમને નો’તી મળી રહી. રસ્તાની પારે તમને નિરાધાર જોઇ કાળુ રિક્ષા લઇ તમારી તરફ આવ્યો અને કહ્યું, “મેડમ, મેંં ઘર તક છોડ દૂંં?’ – ‘આખર રિક્ષા મળી’નો તમારો હાશકારો વધુ સમય ન ટક્યો શ્યામા.. થોડીવારે નિયત રસ્તાને બદલે કાળુની રિક્ષા બીજે રસ્તે ફંટાવા લાગી ત્યારે તમે અવાજમાં નિડરતા લાવી “રસ્તા ક્યું બદલા?” એમ પૂછી લીધું ત્યારે કાળુએ ઘેઘૂર અવાજે તમારું નામ લેતા કહ્યું, “શ્યામા, વહાં પાની ભરા હોગા, યે રસ્તા સેફ હૈ..” પોતાનું નામ અજાણ્યા માણસના મોઢેથી સાંભળતાવેંત તમે થથરી ઉઠ્યા અને પછી કાળુના મોઢે તમરા જીવનની કહાણી; જેમાં રીયાના નામનો પણ ઉલ્લેખ! એક તો કાળું આકાશ ! નિર્જન રસ્તો ! મનના ભયને સતત ભીંજવતો ધોધમાર વરસાદ અને તમારા ઘર સુધી પહોંચવાની લગામ જેના હાથમાં હોય એવા કોઇ અજાણ્યા વ્યક્તિને મોઢે તમારી તમામ માહિતી. હવે તમારુ સ્વસ્થ રહેવુ અશક્ય હતું શ્યામા.. આ અજાણ્યા માણસનો ડર તમારા પર્સ અને મસ્તિષ્ક બંને પર હથોડા મારી રહ્યો હતો.

ગભરાયેલ અને કાંઇ પણ ન બોલી શકેલા તમે જ્યારે મકાનનો ગેટ દેખાયો કે તરત જ રિક્ષા ઉભા રહેવાની રાહ જોયા વગર ધીમી પડેલ રિક્ષામાથી ઝડપથી ઉતરી ઘર તરફ દોડી ગયા. એ રાતે તમારા વિધવા અને અસહાય હોવાનું જીંદગી જાણે પ્રમાણ આપી રહી હોય એવું તમને લાગ્યું અને તમે રીયાને પડખે લઇ ખૂબ રોયા હતા શ્યામા..

કાળુ એ રાતેય બારીમાંથી દેખાતા તમારા પડછાયા સામે થોડું સ્મિત કરી પાછો વળેલો.

હવે ઓફિસથી નીકળતી વેળા તમે આજુબાજુ કાળુ ન હોવાની ખાત્રી કરવા નજર ફેરવતા તો અચૂક તમારી નજરે કાળુ ચડી આવતો. ભૂંડ સામે બાથ ભીડીએ તો આપણને ય કીચડના છાંટા ઉડે એવા ડરથી તમે પોલિસ ફરીયાદ કરવાનું ટાળ્યું. અલબત્ત તમે નિડરતાથી તમારો નિત્યક્રમ જીવ્યે રાખ્યો..

બીજી બાજુ તમારા માકાનથી પરત ફરતી વખતે વિચારોના ભૂત જાણે કાળુને એના ભૂતકાળ તરફ ધકેલી દેતાં, જ્યાં કાળુએ પોતાની મોટી બહેનની માંગણી અવગણીને બેફિકરાઇથી ફોન પર કહેલું, “અગ તાઇ ! આ મુંબઇ છે.. અહીં રાતના દિવસ ઉગે છે.. ડરપોક! જા, હું તને લેવા નહીં આવું, તું આવી જા ઘરે; ખાલી ખાલી ડરે છે. કાંઇ ન થાય; આમ ડરીશ તો જીવીશ ક્યારે?”

એ જ રાતે, હોસ્પીટલના બિછાના પર છૂંદાયેલા પોતાની તાઇના શબ જેવા શરીરને જોઇ કાળુ ડઘાઇ ગયેલો; ન તો એ કાંઇ બોલી શક્યો કે ન તો એ રડી શક્યો. એની આંખ સામે એની તાઇની પ્રશ્નાર્થ નજર એકીટશે જોઇ રહી… અને એ નજર કાળુના મસ્તિષ્ક પર ચિત્ર બની ટીંગાઇ ગઇ; કાળુના મગજની બધી જ ક્રિયાઓ એ ચિત્ર સામે સ્થિર થઇ કેટલાય કલાકો સુધી નતમસ્તક તાકી રહી.. અને પછી તાઇની ચિતાને આગ દેતી વેળાએ આંખથી આંસુ બની સરી ગયેલું એ ચિત્ર કાળુના મસ્તિષ્ક પર આજેય જીવંત થઇ જતું.

એ રાતે આંખ સામે ઉપસી આવેલી તાઇની છબી કાળુને સ્વસ્થ રહેવા નહોતી દેતી. આંખમાં આંસુ લઇ પાછો ફરેલો કાળુ પોતાની પથારીવશ, લકવાગ્રસ્ત માંના કપાળે હાથ રાખી બોલ્યો, “મા હું તારી શ્યામાને આજે હેમખેમ ઘરે પહોંચાડી આવ્યો.” કાળુના એ શબ્દ કદાચ એની માએ સાંભળ્યા પણ નહીં હોય છતાંય કાળુની ભીની લાગણી જોઇ એની માની આંખોમાંથી ભીનાશ નીતરી આવી..

હવે એકાદ મહિનાથી ચાલતા કાળુના આ ક્રમનો કોઇ ભય તમને નો’તો લાગતો શ્યામા… તમારા હ્રદયની કોઇ અપરિચિત લાગણીને કાળુ પરિચિત લાગવા લાગ્યો હતો. અલબત આજેય તમને કાળુની ‘શ્યામા’ વિશે કાંઇ જ ખબર નથી; પણ કાળુ આજેય શ્યામાને ઓફિસથી લઇ ઘર સુધી સલામત પહોંચાડી આવે છે..

– કુસુમ પટેલ

વાર્તા લખવાનો કુસુમબેન પટેલનો આ પ્રથમ પ્રયત્ન છે, અછાંદસ સર્જનમાં અને કાવ્યસર્જનમાં તેમને આનંદ આવે છે. અભ્યાસકાળ દરમ્યાન ઘણી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેમણે ભાગ લીધો છે. લખવું અને વાંચવું તેમની મનગમતી પ્રવૃત્તિ છે. અક્ષરનાદ પરના આ પ્રથમ પ્રયત્ન બદલ તેમને અભિનંદન અને તેમની કલમને શુભકામનાઓ. આશા છે તેમની આ સુંદર રચના વાચકોને પણ પસંદ આવશે.

બિલિપત્ર

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી કાંઠે;
અને ચારે તરફ અજવાળું અજવાળું નદી કાંઠે.

ધૂનામાં ધૂબકો મારી દીધો મેં જળપરી પાછળ;
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી કાંઠે.

– હર્ષદ ચંદારાણા
(‘હાથની હોડી’ ગઝલસંગ્રહ, (૨૦૦૨), રન્નાદે પ્રકાશન, મૂલ્ય રૂ. ૭૦/-)


Leave a Reply to ashvn desaiCancel reply

23 thoughts on “કાળુ (વાર્તા) – કુસુમ પટેલ

  • Kalidas V. Patel { Vagosana }

    કુસુમબેન,
    પ્રથમ પ્રયત્ને ખૂબજ સંવેદનશીલ અને બળુકી શૈલીની વાર્તા આપી. અભિનંદન. કથા-રહસ્ય છેક સુધી જાળવી રાખવાની હથોટી અદભુત છે ! લાઘવમાં સચોટ રજૂઆત કરવાની કલા પણ લાજવાબ છે. ધૂમકેતુ અને પન્નાલાલ પટેલની નવલિકાઓનો થોડો અભ્યાસ કરશો તો ઘણો ફાયદો થશે. ઉજ્જવળ ભાવિ ઈચ્છતો,
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Sanjay Pandya

    પ્રથમ પ્રયત્ને લેખિકા એક સરસ વાચનક્ષમ વાર્તા આપે છે …આંગળીના વેઢે ગણાય એટલા પ્લોટ અને એટલી જ શૈલીમાં ગુજરાતી તથા સમગ્ર વિશ્વ સાહિત્ય સર્જાતું રહ્યું છે …નસીર અગાઉ પણ આ શૈલીમાં વાર્તાઓ લખાઈ છે એટલે એ વિષે મિત્રોની ટિપ્પણી અયોગ્ય છે .
    પ્રથમ વાર્તા માટે કુસુમબહેનને અભિનંદન.

  • jacob

    ખુબ સુંદર. મને હતું કે કાળુ કાળો નીકળશે, પણ તમે અેને ઝળહળતો બનાવી સુંદર અંત સાથે વાર્તા પુરી કરી. ફકત એક નુકતેચીની….શૈલી……. નસીરની નહિ, તમારી શૈલી લાવો.

    • કુસુમ પટેલ

      પરોક્ષ શૈલીમા લખતા શ્રી નાસિર ભાઈની હુ પ્રશન્શક છુ……..વાર્તા લખનાર દરેક લેખક પરોક્ષ — પ્રત્યક્શ– વર્ણનાત્મક્ અથવા ફ્લેશ બેક જેવા પ્રકારે લખે છે ……પરોક્ષ શૈલિમા લખાયેલ વાર્તા કાળુ આપને પસન્દ આવી એ ખુબ ગમ્યુ ….નવુ કૈક હજી આગળ લાવવાની ઇચ્છા છે ….આપ એને પણ પસન્દ કરશો એવી આશા……..આભાર

  • મનીષ વી. પંડ્યા

    કુસુમબેન નો વાર્તા લખવાનો ભલે પ્રથમ પ્રયાસ હોય પણ લખાણની શૈલી પરથી હાથ ઘડાયેલો લાગે છે. સુંદર વાર્તા.

  • Hemal Vaishnav

    If this is kusum ben’s first try than I must admit it is indeed her marvelous entry on the stage of Aksharnaad.
    Her story does bear resemblance to the story writing style of “Nasir Ismaili”.
    Enjoyed immensely ..thanks.

    • કુસુમ પટેલ

      Hemalbhai parox shaily ma lakhavano anad alag j hoy che aavi shaily ma vaarta lakhvi ke vanchavi mane khub game che ..naaseer bhai ni hathroti unchi kaxani che .. aapne mari kruti ma emni chhhnat deklhai e ahobhagya …parox rite lakhayeli hovathi aa samyata aap joi shakya chho …aapno khub khub abhar

  • ashvn desai

    કુસુમ પતેલનિ વાર્તા મને ખુબ જ ગમિ , કારનકે
    ૧ લેખિકાનિ શૈલિ આધુનિક ચ્હે , અને ભાશા ખુબ જ ઘદાયેલિ લાગિ
    ૨ આલેખન સરલ અને પ્રવાહિ હોવાથિ ભાવક્ને બરાબર જકદિ રાખે ચ્હે
    ૩ વાર્તાનો વિશય સમ્વેદનશિલ હોવાથિ ભાવક્ને ઇન્વોલ્વ કરિ શકે ચ્હે
    ૪ લેખિકા કુતુહલ – જાલવિ શક્યા હોવાથિ અન્ત વાચક્નિ ધારના કરતા જુદો નિકલવા ચ્હતા અત્યન્ત પ્રતિતિકર લાગે ચ્હે
    ૫ નવિ લેખિકા આદશ – તુન્કિ વાર્તા પ્રથમ પ્રયત્નમાજ કન્દારિ શક્યા , ગ્રેત
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા