સામાજિક રમૂજ – ભરત કાપડીઆ 8


રમૂજ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. જો હાસ્ય-વિનોદ આપણા રૂટીન જીવનમાં ન હોત તો આપણી શું દુર્ગતિ થાત, એ કલ્પના પણ મુશ્કેલ છે. વિનોદવૃત્તિના કેટલાય પ્રકાર છે. નિર્દોષ, નિર્ભેળ, નિર્દંશ હાસ્ય હવે બહુ ઓછું જોવા મળે છે. ટીવી પર જોવા મળતી કોમેડીમાં હવે બ્લેક કોમેડી (જેમાં મૃત્યુ, આતંકવાદ, રેપ, યુદ્ધ, વગેરે પ્રકારના વર્જ્ય વિષયો પર કોમેડી કરવામાં આવે છે.), બ્લૂ કોમેડી (જેમાં સેક્સ જેવા વિષય પર વિનોદ થાય છે), સટાયર, વિટ, વ. કેટલાય પ્રકારે દર્શક-શ્રોતા-વાચકનું મનોરંજન થતું હોય છે. આજકાલ ટીવીના માધ્યમથી સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા લોકોને હસાવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. એમાં ક્યારેક તો લોકોને ગલગલિયાં કરીને હસાવવાની ફરજ પડાતી હોય તેમ ગમે તેવી ભદ્દી કોમેડીનો પણ આશરો લેવાતો હોય છે.

એક પ્રજા લેખે આપણે ભારતીયો રમૂજવૃત્તિ બાબતે ખૂબ આળા છીએ. આપણી માનસિકતા ખાસી હદે સંકુચિત અને બેવડા ધોરણવાળી દેખાય. આપણે બીજા પર રમૂજ કરી શકીએ. પરંતુ, બીજાને તેમ કરવાનો હક નહીં. હા એક ખરું કે રમૂજ કરતી વખતે આપણે એ સાવધાની રાખવાનું ચૂકી જઈએ છીએ કે જેમ આપણને અન્યની ટાંકણી ભોંકાઈ શકે તેમ જ આપણી ટાંકણી અન્યોને પણ આહત કરી શકે. અને લાગણી દુભાવાના નામે આપણે કોઈની પણ સરસ સેન્સ ઓફ હ્યુમરનો પણ કચરો કરીને સામેવાળામાં અપરાધભાવ પ્રેરી મૂકીએ છીએ.

રમૂજમાં સહુથી કફોડી હાલત જનરલાઈઝેશન કહેતાં સામાન્યીકરણ વખતે જોવા મળે. દા. ત. વાણિયા, મારવાડી અને અમદાવાદી કંજૂસ જ હોય. લુહાણા એટલે ડુંગળી, ગંધાયા વિના ના રહે. નાગર એટલે અડદ, વાયડા. સરદારજી એટલે બેવકૂફ. વિદેશોમાં આવી સ્થિતિ યહૂદી અને સ્કોટ પ્રજા માટે કંજૂસ, બ્લોન્ડ અર્થાત કે સોનેરી વાળ, માંજરી આંખોવાળી ગોરી એટલે બબૂચક. આ બધા પર એટલી બધી જોક્સ જોવા મળે કે ગ્રંથના ગ્રંથ ભરાય. વાસ્તવમાં ઉપરની એક પણ લીમિટેશન ભાગ્યે જ જે તે કોમ્યુનિટી પર લેબલની માફક ચિપકાવી શકાય.

હમણાં એક નવો ટ્રેન્ડ જોવા મળે છે, સેલિબ્રિટી જોક્સનો. કોઈ પણ વિખ્યાત વ્યક્તિની કોઈ ખાસિયત જોવા મળી નથી કે તેના પર જોક્સની હારમાળા બની જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ મૌનીબાબા તરીકે પંકાઈ ગયા. રજનીકાંત દેવોને પણ ઈર્ષા આવે એવી સુપરમેનનુમા શક્તિઓનો સ્વામી બની ગયા. આલિયા ભટ્ટ જેવી હજી કાલે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશેલી અભિનેત્રી ડફોળમાં ખપી ગઈ. આલોકનાથ જેવો ટીવીનો સરેરાશ કલાકાર જન્મજાત બાબુજી બની ગયો.

આલિયા ભટ્ટના કિસ્સામાં ફક્ત એટલું જ બન્યું હતું કે તે ‘કોફી વિથ કરણ’ નામના ચેટ શોમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે ઉતાવળમાં પૃથ્વીરાજ ચૌહાણનું નામ બોલી ગઈ અને લોકોએ તેની ફીરકી ઉતારવાનું ચાલુ કર્યું. પણ આ તો ફિલ્મી સેલિબ્રિટી ! એટલે બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ, એ તર્જ પર એણે આફતને અવસરમાં પલટાવી નાખી. અને ધૂમ પબ્લિસિટી રળી લીધી. હજીયે એના પરની રમૂજો સોશિયલ મીડિયા પર અફળાયા કરે છે. સેલિબ્રિટીએ આવી ‘ખ્યાતનામી’ માટે તૈયાર રહેવું ઘટે. આવો જ એક કિસ્સો યાદ આવે છે હેમા માલિનીનો. ‘શોલે’ દ્વારા દેશભરમાં મશહૂર થયા બાદના દિવસોમાં ટાઈમ્સના એક પત્રકારે એના પર એક મસ્ત સટાયર – હાસ્યલેખ લખેલો. જેમાં તેમના ઘર પર ઇન્કમટેકસનો દરોડો પડવાની કલ્પના કરીને શું શું સંભવિત બાબતો બની શકે અને તેના પોતાના પ્રત્યાઘાતો શું હોય, તેનો રસસભર કાલ્પનિક રંગીન ચિતાર આપેલો. હેમાજીએ આ લેખને એટલો ગંભીરતાપૂર્વક લીધો કે તેમણે તરત જ રદિયો બહાર પાડ્યો અને ટાઈમ્સને વિરોધનો પત્ર લખ્યો કે મારા ઘર પર કોઈ દરોડો પડ્યો નથી અને બધું હેમખેમ છે, વ. વ. જવાબમાં પેલા પત્રકારે હેમામાલિનીમાં સેન્સ ઓફ હ્યુમરનો અભાવ હોવાનું દર્શાવ્યું. એ દિવસોમાં સોશ્યલ મીડિયાની ગેરહાજરી, પત્રકારો પણ બીજે વધુ વ્યસ્ત રહે એટલે હેમાજીને ‘ખ્યાતનામ’ થવાનો અવસર ના સાંપડ્યો.

રમૂજનો સહુથી કરુણ હિસ્સો એ હોય છે કે જો એ રમૂજ કોઈ મોટા માથા પર હોય તો રમૂજ કરનારને જબરું વેઠવાનું આવે છે. ક્યારેક જીવ પર જોખમ પણ ઊભું થઇ શકે. ઈરાનના સર્વેસર્વા આયાતોલ્લા ખોમેની પર રમૂજ કરનાર એક પત્રકાર પર તેના વધનો ફતવો બહાર પડેલો. શરૂઆતમાં દર્શાવ્યું તેમ, ભારતમાં લોકો અને વિશેષ તો રાજકારણીઓ પોતાના પરની રમૂજને હળવાશથી નથી લઇ શકતા. આવી રમૂજો સામે અસહિષ્ણુતાના કિસ્સા છાશવારે જોવા મળે છે.

રમૂજ પરના લેખનું સમાપન એકાદ રમૂજથી થાય એ વાજબી કહેવાય. મને ખૂબ ગમતી એક પોલિટીકલ જોક આપું છું.

જ્યોર્જ બુશ-અમેરિકાના તત્કાલીન પ્રમુખ- પબ્લિસિટી કમાવાના આશયથી એક પ્રાથમિક શાળામાં ગયા. સાથે રાબેતા મુજબનો કમાન્ડોનો કાફલો હતો. પોતાનું પ્રવચન પૂરું થયા બાદ તેમણે પ્રશ્નોત્તરનો કાર્યક્રમ રાખ્યો. કોઈ વિદ્યાર્થીને કોઈ પણ સવાલ પૂછવાની છૂટ આપી.

એક ટેણિયો ઊભો થયો. બુશે તેનું નામ પૂછ્યું. તો કહે, સ્ટેનલી.

“ઓકે, સ્ટેનલી. તારો સવાલ શું છે ?”

“મારા ચાર પ્રશ્ન છે.

એક, અમેરિકાએ યુએનની સહાય વિના ઈરાક પર આક્રમણ કેમ કર્યું? બે, અલ ગોરને વધુ મત મળ્યા તોયે તમે પ્રેસિડેન્ટ કઈ રીતે બન્યા? ત્રણ, ઓસામા બિન લાદેનનું આખરે થયું શું? અને છેલ્લો, જ્યારે આપણા દેશમાં લગભગ અરધોઅરધ લોકોને મહત્ત્વની હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા નથી આપી શકાઈ, ત્યારે આપણે સમલૈંગિક લગ્ન જેવી ક્ષુલ્લક બાબત પર કાગારોળ કેમ મચાવીએ છીએ?”

એ જ સમયે રિસેસનો બેલ વાગે છે અને બુશ રીસેસ પછી આગળ ચલાવવાનું કહી છુટા પડે છે.

રીસેસ પછી ફરી ક્લાસ ભેગો થાય છે, ત્યારે બુશ પૂછે છે, “તો આપણે ક્યાં હતા? અરે હા, પ્રશ્નોત્તર સમય. ઓકે, કોનો સવાલ છે ?”
એક છોકરો ઊભો થાય છે. તેનું નામ પૂછવામાં આવે છે.

“જોની.”

“ઓકે, જોની. તારો શું સવાલ છે?”

“વાસ્તવમાં મારે છ સવાલ છે.

એક, અમેરિકાએ યુએનની સહાય વિના ઈરાક પર આક્રમણ કેમ કર્યું? બે, અલ ગોરને વધુ મત મળ્યા તોયે તમે પ્રેસિડેન્ટ કઈ રીતે બન્યા? ત્રણ, ઓસામા બિન લાદેનનું આખરે થયું શું? અને છેલ્લો, જ્યારે આપણા દેશમાં લગભગ અરધોઅરધ લોકોને મહત્ત્વની હેલ્થ ઇન્શ્યોરન્સની સુવિધા નથી આપી શકાઈ, ત્યારે આપણે સમલૈંગિક લગ્ન જેવી ક્ષુલ્લક બાબત પર કાગારોળ કેમ મચાવીએ છીએ?” પાંચમો પ્રશ્ન, રિસેસનો બેલ ૨૦ મિનિટ વહેલો કઈ રીતે વાગ્યો ? અને છેલો સવાલ, સ્ટેનલીને શું થયું, એ કેમ દેખાતો નથી ?”

અહીં એ જ્યોર્જ બુશના નામ પર છે. પરંતુ, એ ઘણાં મોટાં રાજકારણીઓનાં નામે ગરબા લેતી હોય છે. આવતી કાલે આ જ રમૂજ નરેન્દ્ર મોદીના નામે જોવા પામો ત્યારે આશ્ચર્ય ના પામશો.

– ભરત કાપડીઆ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સામાજિક રમૂજ – ભરત કાપડીઆ