ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ 15 comments


૧. લોન્ગ ડ્રાઈવ

“અરે ડાર્લિંગ, આ ગાડી, બંગલો, આ સંપતિ બધું તારું જ તો છે. હવે હું શું કરું હવે કે તું ખુશ રહે ? તને તો બસ મોં ચડાવવાની આદત જ પડી ગઈ છે. ચાલ મૂડ ઠીક કર, આપણે લોન્ગ ડ્રાઈવ પર જઈએ.”

અચાનક પ્રથમનો ફોન રણક્યો, ફોન પર વાત કરતાં જ એણે અટેચી ઉપાડી, કારની ચાવી પ્રથાને આપતાં બોલ્યો, “ક્લાયંટ છે, અર્જન્ટ મીટિંગ, યુ નો! તું એકલી જ ડ્રાઈવ પર જઈ આવ.. સારું લાગશે.”

૨. વેકેશનઃ

“તું તો આબુ જવાનો હતો વેકેશનમાં, પત્નિ અને બાળકો સાથે! ટિકિટ તો બુક કરાવ!”

“કયાંથી કરું પપ્પા, આ વખતે પિંકી અને યુગના સ્કૂલના ખર્ચ સાથે સાથે નવા યુનિફોર્મનો ખર્ચો પણ આવી ગયો. લાગે છે આ વેકેશન પણ ઘરખર્ચમાં જ જશે.”

“આ વેકેશન ખાલી નહીં જાય બેટા…. લે આ રૂપિયા ૧૦૦૦૦ નો ચેક! તારી માને રિટાયર થયા પછી ફરવા જવાનો વાયદો કર્યો હતો. તમને ત્રણને મોટા કરવામાંં વર્ષો આમ જ ગયાં. એ જ લાંબા વેકેશન પર જતી રહી.. મને એકલો મૂકીને….”

૩. ઈક્વલઃ

“આપણે બંન્ને સરખા જ તો છીએ. એ જમાનો ગયો કે સ્ત્રી પુરુષથી નીચી ગણાતી… આજે તો ઈકવલ છે. એટલે નીતુ ડિયર, આ ઘરમાં તારે સામાજિક જવાબદારી સાથે આર્થિક ભાર પણ ઈક્વલી ઉઠાવવો જ પડશે. તું પણ કમાય છે અને મારા જેટલી જ ભણેલી છે. સમજી” એ ફ્રેશ થતાં બોલ્યો.

“ચાલ હવે ઓફિસ ટાઈમ થાય છે. મારી ચા આપી દે અને ટિફિન પણ. જલ્દી તૈયાર થઈ જા સાથે નીકળીએ રસ્તામાં મને મારી ઓફિસ સુધી ડ્રોપ કરતી જા…”

– સમીરા આસિફ

બોરીવલી ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા સમીરાબેનની અક્ષરનાદ પર આ પ્રથમ રજૂઆત છે અને મને આનંદ છે કે તેમની પ્રથમ કૃતિઓ માઈક્રો ફિક્શન છે. તેઓ લઘુકથાઓ અને ગઝલ પણ લખે છે. માઈક્રોફિક્શન લખવાનો આ તેમનો પ્રત્યમ પ્રયાસ છે એ બદલ અને અક્ષરનાદને આ ત્રણ સુંદર કૃતિઓ મોકલવા બદલ સમીરાબેનનો આભાર અને શુભકામનાઓ.


15 thoughts on “ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ

 • sameera

  મારા આ પ્રથમ પ્રયાસ ને બિરદાવવા બદલ અક્ષરનાદ અને વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર.

 • R.M.Amodwal

  Read first time micro frixson of Mrs.Samira.
  she is having professional approach to ends.
  Nice, hope that you will share your creation.

 • M.D.Gandhi, U.S.A.

  કેટલી બધી સચોટ અને વાસ્તવિક વાર્તાઓ છે…., જાણે એવુંજ લાગે કે દરેકના ઘરમાં તો ઠીક, પણ, આપણાજ ઘરમાંય તે જાણે દરરોજ બનતી હોય છે………!!! અને ખરેખર વધુ વાસ્તવિક તો ત્રીજી વાર્તા છે…..

  બહુ સુંદર વાર્તાઓ છે….

 • Dr.Hardik Yagnik

  પ્રયાસને સલામ અને અભિનંદન…. પણ હજી વધુ સારુ કરી અને કહી શકાય્..

 • મનીષ વી. પંડ્યા

  વાર્તા નંબર ૨ સુંદર અને સંવેદનશીલ. વાર્તા નંબર ૩ પણ ઉલ્લેખનીય.

 • jacob

  ખુબ સરસ વાર્તાઓ છે. ત્રણે વાર્તા આજના સમાજની વાસ્તવિકતા છતી કરે છે.

 • urvashi parekh

  ખુબ સરસ. સમીરાબેન ૩ નં. ની વાર્તા માં ઘણી વાસ્તવીક વાત છે.

 • purvi

  સમીરા બહેન બહુ જ સુંદર. આપની પહેલી અને છેલ્લી વાર્તા વાંચી પીડા થઈ આવી, બીજી વાર્તા વાંચીને આનંદ થયો.

Comments are closed.