અભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી 9


Dialogue Magazine Frontસમસ્ત જીવસૃષ્ટીને સાદર પ્રણામ!

નિત્યનૂતન સમયે અને
આધુનિક ટેકનોલોજીના
આ પ્રવાહમાં, સૌ પોતપોતાને
વ્યક્ત (અભિવ્યક્ત નહીં)
કરવાની હોડમાં
જાણે કે ચોમેર ઘૂમરાઈ રહ્યાં છે!

જેમનામાં વ્યક્ત થવાની
કોઈ લાયકાત પણ વિકસી નથી
(આ વાત સાથે ઉંમરને
કોઈ લેવાદેવા નથી)
એવા જીવો પણ Like અને Unlike
ના અવળ સવળ અભિપ્રાયોમાં
આળોટવા લાગ્યા છે.

જેમણે કવિતાનો ક,
રાજકારણનો ર
અને ધર્મનો ધ
જરા પણ ઘૂંટ્યો નથી
એ પોતે જે તે વિષયના
વિદ્વાનની અદાઓથી
આધુનિક ટેકનોલોજીનું
અવલંબન લઈને પોતાની વાત
(કે જેને આમ તો લવારો કહી શકાય)
રજૂ કરી રહ્યાં છે!

વધુ સ્પષ્ટ કહું તો
જેમની પાસે અફલાતુન આગવી સોચ,
નિરંતર સમજણ, સેન્સીટીવ સાધના
ને સાચકલા સમર્પણની સરવાણ નથી
એ લોકો પણ – ‘હું આમ માનું છું’,
‘હું તેમ માનું છું’ ખરેખર ‘આમ હોવું જોઈએ’
ના ઝંડાઓ લઈ કૂદાકૂદ કરી રહ્યાં છે!

બે ઘડી હસવું આવે છે
આ બધું જોઈ, જાણી, અનુભવીને!
કે પછી રસ્તો જ એમને તરછોડી
ક્યાંક જતો રહ્યો છે!

મોટાભાગના લોકો પોતાની
મર્યાદા અને મોટાઈથી
વિમુખ થઈ ગયાં છે!

વિશ્વ સાથે કનેક્ટેડ થવાની ક્ષુલ્લક દોટમાં
પોતાના ઘરનો ઉંબરો અને સાંકળ વચ્ચેનો
ભેદ ભૂલી ગયા છે!
આ બધી વાતો
નથી, નથી ને નથી જ!

દિવસને દિવસ અને
રાતને રાત કહેવાની સમજ
મારે મારા સમાજને આપવી
એ મારો ધર્મ છે, મારી ફરજ છે!

આપણી સભ્યતા અને સંસ્કૃતિ પરના
આધુનિક આક્રમણને દરેક જણ,
દરેક જીવ ન જ અનુભવી શકે!
કેમ કે દરેક જીવ જીવતો હોતો નથી!
માત્ર સમય પસાર કરતો હોય છે
એમ વારંવાર લાગ્યા કરે છે!

– દિનેશ કાનાણી
(‘ડાયલોગ’ સામયિક, અંક ૩, જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૪)

કવિમિત્ર શ્રી રાકેશભાઈ હાંસલીયાને રાજકોટમાં તેમના ઘરે મળ્યો, અને તેમની પાસેથી શ્રી દિનેશભાઈ કાનાણી સંપાદિત સુંદર સામયિક ‘ડાયલોગ’ના બે અંકો મળ્યા. સુંદર સંપાદનનો અનુભવ સાથે સાથે એક કવિની પોતાની અનુભૂતિનો સ્વાદ પણ આ સામયિકમાં વાચકને મળી રહે છે. જુલાઈ-ઓગસ્ટના અંકમાં દિનેશભાઈએ મૂકેલ ‘આ ક્ષણે આટલું કહેવું છે..’ આજે મેં અપનાવેલ શીર્ષક ‘અભિવ્યક્તિની અનુભૂતિ’ સાથે મૂક્યું છે. સુંદર અછાંદસ આજના સમયની અભિવ્યક્તિમાં રહેલ ખાલીપણા વિશે કહે છે. ડાયલોગ સામયિક વિશે વધુ વિગતો અક્ષરનાદના ‘આપણા સામયિકો’ પેજ પર ઉમેરીશ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “અભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી