શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨) 7


આરતીબેન અને હું એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતાં અને એટલે જ મારી ઓ.પી.ડી દરમિયાન હું કામમાં વ્યસ્ત હોઈશ એમ જાણવા છતાં એમણે મને ફોન કર્યો. ફોન ઉપાડતાં જ આરતીબેન રડવા માંડ્યા. એમને શાંત પડવા દઈ મે એમની વાત ઝડપથી અને ઉપર ઉપરથી સાંભળી. એમને હાલ પૂરતુ કશું જ બન્યુ નથી એવી રીતે વર્તન કરવાની કડક સૂચના આપી સાંજે સાત વાગ્યા પછી મળવા કહ્યું.

આરતીબેનના પતિ મુકેશભાઈનો ઈલેક્ટ્રોનીક ઉપકરણો તથા કન્સ્ટ્રક્શનનો ધીકતો ધંધો હતો. શહેરનાં ધનાઢ્ય કુટુંબોમાં એમના કુટુંબની ગણતરી થતી. સૌરભ આરતીબેન અને મુકેશભાઈનો મોટો દીકરો, હમણાં જ સાતમા ધોરણમાં આવ્યો હતો. પૈસાની રેલમછેલ હોવાથી સ્વાભાવિક રીતે જ સૌરભ માટે સગવડોની ક્યારેય કમી ન રહેતી. અતિ આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી સૌરભનું કબાટ ભરેલું રહેતું. મિત્રો સાથે પિકનિક, પાર્ટી, નાઇટઆઉટ્સ વગેરે બાબતો સૌરભ માટે રોજની હતી. આરતીબેન આવી લાઈફસ્ટાઈલમાં ઘણાં વર્ષોથી જીવતા હતાં એટલે એમને આમાં કશું ખોટુ કે અજુગતુ લાગતું નહીં એટલે એમણે કયારેય આગળ પડતું ધ્યાન આપ્યું નહોતું. પણ આજે આરતીબેન ચોંકી ગયા હતા. સૌરભ પાસે પોતાનું કોમ્પ્યુટર હતુ અને આરતીબેનને ક્યારેય એવો વિચાર સુદ્ધાં આવ્યો ન હતો કે સૌરભ કોમ્પ્યુટર પર શું કરતો હશે?

આરતીબેનનાં રૂદન તથા ચિંતાનું કારણ કંઈક આ પ્રમાણે હતું. સૌરભ એના રૂમમાં કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો હતો અને કંઈ કામને લીધે આરતીબેન અચાનક બારણાને ધક્કો મારી સૌરભની રૂમમાં દાખલ થયા. આરતીબેનને જોઈને સૌરભ ચમકી ગયો અને ઝડપથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ફેરવી નાખ્યું પણ ત્યાં સુધીમાં સ્ક્રીન પર શું હતું તે આરતીબેને જોઈ લીધું હતું. ખૂબ જ આઘાત પામેલ સ્થિતિમાં આરતીબેન રૂમમાંથી બહાર નીકળી ગયા. સૌરભ ૧૩ વર્ષની ઉંમરે પોર્ન વેબસાઇટ ખોલીને નગ્ન ફિલ્મ જોઈ રહ્યો હતો. આરતીબેન પોતાની રૂમમાં શૂન્ય મનસ્ક થઈ થોડો વાર બેસી ગયા. એ નક્કી ન કરી શક્યા કે સૌરભ સાથે વાત કરવી કે નહીં? કરવી તો શું વાત કરવી? કેવી રીતે કરવી? એ બધાં જ પ્રશ્નો એમને મૂંઝવતા હતા. આ બધી અકળામણ છતાં એક કામ આરતીબેને સારામાં સારું કર્યું કે પોતાને આટલો આઘાત લાગ્યો હોવા છતાં સૌરભ સામે કોઇ જ પ્રત્યાઘાત ન પાડ્યો.

આ કેમ થયું? અને તેનો ઉપાય શું એની ચર્ચા કરતા પહેલાં આરતીબેને જે કર્યુ તે બીરદાવી લઇએ.. મોટા ભાગે આવા કિસ્સામાં મા-બાપ મગજ પરનો કાબુ ગુમાવી અચૂક ન કરવાનું કરી બેસે છે. બાળકની હરકતનું પોતાની સમજ પ્રમાણે મૂલ્યાંકન કરી બાળકને સખત શબ્દોમાં ખખડાવવાથી માંડીને તરુણાવસ્થાનાં ઉંબરે ઉભેલા બાળકને મારવા સુધીના પ્રત્યાઘાતો જ સામાન્ય રીતે જોવા મળે છે. જેના કારણે મૂળ સમસ્યા બાજુ પર રહી જાય છે અને નવી સમસ્યા ઊભી થાય છે. અહીં મને એક વાત યાદ આવે છે. એકવાર એક ૮ વર્ષનું બાળક પોતાના પપ્પાને પૂછે છે, ‘પપ્પા હું ક્યાંથી આવ્યો?’ પપ્પા અચાનક પૂછાયેલા આવા સવાલથી મૂંઝાઈ ગયા અને બાળકને ‘હમણાં હું કામમાં છું કાલે આપણે વાત કરીશું’ એમ કહી બીજા રૂમમાં જતા રહ્યાં. સમજુ પિતા હોવાથી આખી રાત વિચાર કરીને પોતે ક્યાંથી આવ્યો તે વાત બાળક સમજી શકે અને છતાં એની ઉંમરે ન કહેવા જેવી કોઈ વાત કહેવાય ન જાય તેની કાળજી રાખીને આખી વાત ગોઠવી. પપ્પા એ દીકરાને બોલાવ્યો, પાસે બેસાડી બને તેટલી સ્વસ્થતા રાખીને આખી વાત સમજાવી. પપ્પાની વાત જેવી પૂરી થઈ કે તરતજ બાળકે કહ્યું, ‘લે હું આવી રીતે આવ્યો! મારો મિત્ર બબલુ તો કહેતો હતો કે એ લોકો તો બેંગલોરથી આવ્યા!’ આવું જ નિર્દોષ હોય છે બાળ માનસ પણ આપણે આપણી સમજ એમના સવાલો પર ઠોકી બેસાડીને પોતાના તારણો કાઢી લેતા હોઈએ છીએ. સૌરભનાં કિસ્સામાં પણ બની શકે કે કોઈના કહેવાથી, ક્યાંક સાંભળવાથી, કુતુહલ વૃત્તિથી કે અકસ્માત એ પોર્ન ફિલ્મ જોતો હોય. બાળકને સમજ્યા વગર પ્રત્યાઘાત આપવાથી બાળક મા-બાપ પરનો વિશ્વાસ ગુમાવે છે અને પાછળથી મા-બાપ સમજાવવાનો કે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે સહકાર નથી આપતું. આરતીબેને આમાનું કશું જ ન કરતા એક પ્રોફેશનલની સલાહ લેવાનું કામ કરી એમની અડધી સમસ્યાનુ સમાધાન તો જાતે મેળવી લીધું.

આ કેમ થયું?

આ આઘાતજનક મૂંઝવણ માત્ર એક આરતીબેનની નથી, આજે આપણા આખા સમાજનો આ સળગતો પ્રશ્ન છે. તરુણાવસ્થામાં સામાન્યપણે જાતીયતા પ્રત્યે દરેક બાળકને કુતુહલ થાય છે. આ કુદરતી કુતુહલવૃત્તિનો લાભ સૌથી વધુ મીડિયાએ ઉઠાવ્યો છે. જાહેરાતો, ફિલ્મો, ટી.વી સિરિયલો, મોબાઇલ તથા વેબસાઇટ પર દિનપ્રતિદિન વધતી જતી નગ્નતા એ ૧૦ – ૧૨ વર્ષના બાળકોને પણ ગુમરાહ કર્યા છે. એવું નથી કે સૌરભનું પોતાનું કોમ્પ્યુટર હતું એટલે નગ્ન વેબસાઇટ ખોલી શક્યો હતો. સામાન્ય સ્થિતિનાં બાળકો આજ કામ કલાકના ૧૦ રૂપિયા આપી સાયબર સેન્ટર પર જઇને કરે છે. માત્ર મીડિયાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. દરેક ક્ષેત્રે નગ્નતા વધી રહી છે એ વાતનો સ્વીકાર કરી મા-બાપ તરીકે આપણે શું કરવુ જોઈએ અને આપણે શું-શું કરી શકીએ તે જ વિચારવું રહ્યું. મીડિયા દ્વારા વ્યાપકપણે જે થઈ રહ્યું છે તેમાં આપણે કદાચ કોઈ તત્કાલ કે ધરખમ ફેરફારો ન લાવી શકીએ. પણ હા, આપણી જિંદગીમાં-આપણા બાળકોની સમજણમાં આપણે ઘણાં મોટા ફેરફારો લાવી શકીએ અને આ કામ ઉત્તમ રીતે માત્ર આપણે જ, સૌ મા-બાપ જ પાર પાડી શકીએ.

ઉકેલ :

સૌ પ્રથમ જોઈએ સૌરભ જેવા બાળકો કે જેઓ પોર્ન ફિલ્મ પ્રત્યે આકર્ષાયા છે અથવા જેમને આ વિશે કંઈક ખબર છે.

૧. મા-બાપે મગજ તદ્દન શાંત રાખવું એ સૌથી વધુ જરૂરી છે.
૨. બાળકની ઉંમરના બની જવું એ બીજી જરૂરિયાત છે. બાળક ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો અને પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવો કે ધારો કે મારુ બાળક કંઇ ખોટું કરી રહ્યું હશે તો હું એને પ્રેમપૂર્વક સાચી સમજણ આપી એને સાચા રસ્તે વાળીશ.
૩. આ ઉંમરે છોકરામાંથી પુખ્ત પુરુષ બનવાની આંતરિક પ્રક્રિયા ચાલુ થઈ ગઇ હોવાથી પુરુષ સહજ ઈગો પણ આવવા માંડ્યો હોય છે માટે વાત નો દોર પિતા એ હાથમાં લેવો.
૪. પિતાએ વાતની શરૂઆત પુત્ર સાથે એકાંતમાં બેસી મિત્ર ભાવે કરવી.
૫. પુત્રને કોઈ સવાલો પૂછ્યા વગર પહેલાં તરુણાવસ્થા દરમિયાન છોકરા તથા છોકરીઓમાં થતાં શારિરીક વિકાસ વિશે વૈજ્ઞાનિક માહિતી આપવી.
૬. પિતાએ પોતાને તરુણાવસ્થા દરમિયાન થયેલી કેટલીક મૂંઝવણની મિત્રભાવે વાત કરવી.
૭. પુત્રના કુતુહલ વિશે જાણવા પ્રયત્ન કરવો. એને શું જાણવું છે જેના માટે એ નગ્ન ફિલ્મ જુએ છે એની ચર્ચા કરવી. એના કુતુહલને સમજદારીપૂર્વક સંતોષવાનો પ્રયત્ન કરવો.
૮. જરૂર જણાય તો આ વિષયને લગતું સ્વચ્છ સાહિત્ય સાથે બેસી વાંચવું અથવા યોગ્ય લાગે તો બાળકને વાંચવા આપવું.

આ બધી પ્રક્રિયાનું પરિણામ એ આવવું જોઈએ કે પુત્રને ‘પિતાથી કંઇ છુપાવવા જેવું નથી’ એવો અહેસાસ થાય. આ આખી પ્રક્રિયા ખૂબ સંવેદનશીલતાથી અને જવાબદારીપૂર્વક કરવી ખૂબ જરૂરી છે. પિતાએ પોતાનાં તરફથી કોઈ બિભત્સ વાત કે મશ્કરી ન થાય એની પૂરતી કાળજી રાખવી જરૂરી છે. પુત્રને એની કુતુહલ વૃત્તિ અમુક હદ સુધી સામાન્ય છે એમ સમજાવી એના ઉજ્જવળ ભવિષ્ય માટેની વધુ અગત્યની બાબતો પ્રત્યે પ્રોત્સાહિત કરવું. આમ કરતી વખતે ધ્યાન રાખવું કે તમે સલાહ કે ભાષણ આપવા ન માંડો. ટૂંકાણમા અને મિત્રભાવે કહેવાયેલી વાત અસરકારક નીવડશે.

જે બાળકો હજી આ બધાથી અજાણ છે તેમનું કુતુહલ શરુઆતથી જ સંતોષવું જોઈએ.

૧. ઘરમાં સાથે ટી.વી જોઈ રહ્યાં હોઇએ ત્યારે મોટેરાંઓ અમુક ખાસ સીન વખતે ચેનલ બદલી નાખે છે. આવું ક્યારેય ના કરો. બાળકનું કુતુહલ વધશે, એમનું ધ્યાન ન જતુ હોય તોય જશે અને ઘરમાં ચેનલ બદલાય છે એટલે ઘરની કોઇ વ્યક્તિને પૂછવાનું ટાળશે. બાળક પોતાની કુતુહલવૃત્તિ ઘરની બહારથી સંતોષવાનો પ્રયત્ન કરશે.
૨. જાતીયતાને લગતા બાળકના દરેક પ્રશ્નના ઉત્તર બાળકની સમજ અને કુતુહલ પ્રમાણે આપો. અતિ ઉત્સાહમાં પણ ન આવવું અને બાળકને સંતોષ થાય એનું પણ ધ્યાન રાખવું.
૩. કોઈ પ્રશ્નનો ઉત્તર ન આપી શકાય એમ હોય તો ખોટુ સમજાવવાના બદલે થોડો સમય માંગો અને જવાબને સરળ બનાવી સમજાવો. ‘તને સમજ નહિ પડે / તું હજી આ બધા માટે નાનો છે’ એમ કહેવા કરતા ‘હું કદાચ થોડા સમય પછી તને વધુ સારી રીતે સમજાવી શકીશ’ એમ કહો.
૪. ઘરમાં સરખી ઉંમરના ભાઈ-બહેન હોય તો જાતીયતા વિશેની પ્રાથમિક સમજ બંનેને સાથે બેસાડી આપો. આનાથી સંબંધોમા સહજતા વધશે અને શારીરિક ફેરફારો પ્રત્યેની શરમ તથા મૂંઝવણ ઘટશે.
૫. જાતીયતા વિશેની સમજ સહજતાથી-શરમ, સંકોચ વગર મા-બાપે જ આપવી.
૬. ઘણા મા-બાપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જાતીયતા વિશે કઇ ઉંમરે સમજાવવું? એવી કોઇ ચોક્કસ ઉંમર હોતી નથી. બાળક સાથે સતત સંપર્કમાં રહેતા મા-બાપ જરૂર પડ્યે બાળકનું કુતુહલ સચોટ રીતે સંતોષતા રહે તો બાળક આ બાબતે ક્યારેય નહિ મૂંઝાય!

ચાલો, આપણે સૌ આ નાજુક અને અતિ અગત્યની જવાબદારી સમજદારી પૂર્વક નિભાવવા કટિબદ્ધ થઇએ અને આપણા બાળકોને આ પોર્નોગ્રાફીના દુષણમાંથી બચાવીએ.

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨)

  • Dhiru Shah

    Very sensitive and tricky subject. It is difficult to get one and uniform answer for this which can satisfy either the parents or the kids/children. Each parent and each child is different and unique. So no one solution. But Shri M D Gandhi has a very sensible and practical point of view. Hope something better comes out some day, one day.

  • Harshad Dave

    ગંભીર પ્રશ્ન…દરેક કિસ્સો અલગ લેવો જોઈએ બાળક કે બાલિકા માટે પિતા/માતાએ ખૂબ જ સમજપૂર્વક સરળ, નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા જ રહ્યા. – હદ

  • M.D.Gandhi, U.S.A.

    આ વિષયજ એવો છે કે, ભારત હોય કે અમેરીકા કે પછી કોઈ પણ દેશ, માબાપ અને સંતાનો વચ્ચે કયારેય નિખાલસતાથી વાત નથી થતી… અને શાળાઓમાં પણ આ વિષય ભણાવવો કે નહીં, કે, એ વિષે વિધ્યાર્થીઓ સાથે વાત કરવી કે નહીં, આ બધા વિષે એટલા બધા મતમતાંતર છે કે આ વિષયમાં કોઇ જ્ઞાન અપાતુંજ નથી, અને પછી છોકરા-છોકરીઓ અંદરોઅંદર અને ખાનગી રીતે અધકચરું જ્ઞાન મેળવી લ્યે છે, અને પછી લગ્ન કરીને કે પહેલાં માત્ર કુતુહલ ખાતર કે “પોતાને ખાનગીમાં મળેલા જ્ઞાનનો ટેસ્ટ” લેવા માટે ગેરઉપયોગ કરે છે, અને એક વાર કુતુહલ થાય પછી વધારેને વધારે “જ્ઞાન”માં વધારો કરવા ઈંટરનેટ ઉપર સહેલાઈથી અને મફત ગલગલીયાં કરાવે તેવી વેબસાઈટનો લાભ લેવાના, અને એમને એક વાત-એક જ્ઞાનની તો ખબરજ છે કે આ બધું વડીલોથી છાનુંજ રાખવાનું હોય છે.

    આ એક ગહન વિષય છે, અને થોડાં તો શું, લગભગ બધા માબાપ પોતાના સંતાનો સાથે આ વિષયમાં નિખાલસતાથી વાત નહીં કરી શકે, હા, બે-ચાર મિત્રો ભેગા મળીને એકબીજાના સંતાનો સાથે જો ખાનગીમાં સમજાવે અથવા તો આ જાતિય જ્ઞાનની સમજ જો શાળામાં શીખવે તે વધારે સારું છે, જેમાં શરમ ઓછી રહેશે…… અને બાળકો સાચું શું અને ખોટું શું તે સમજશે પણ ખરા…… બાકી તો ઘરમાં દાબ રાખશો તો બહાર જઈને જોવાના, પણ જો એક વાર યોગ્ય રીતે જાતિય શિક્ષણ મળશે તો ખોટે રસ્તે જતાં તો જરૂર અટકશે…..

  • R.M.Amodwal

    It is practicaly seen / observe that once teenager make aware of theroy about phonography & start to do practical. Parents / Guardian is not having such knowledge.
    This artical can guide or help to tackle the situation.
    Thanks

  • jacob davis

    આપણું ચોખલીયાપણું આવા વિષયની ચર્ચા જ કરવા દેતું નથી. અને સંજોગો કાબુ બહાર જતા રહે છે. સમયોચિત લેખ.