કાંડા ઘડિયાળ (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 18


photo credit: CarbonNYC via photopin cc

photo credit: CarbonNYC 

સ્ટેજ પરથી નીચે ઉતરતા ટેકા માટે વિશાલ પંચાલે ડાબો હાથ રેલીંગ પકડવા લંબાવ્યો. જીર્ણ થઇ ગયેલી શર્ટની બાંય સહેજ ખસતાં જ નવી નક્કોર કાંડા ઘડિયાળનું ડાયલ ચમકી ઉઠ્યું અને ક્ષણાર્ધ માટે આ ચળકાટ પાછળ ભૂલાઈ ગઈ છેલ્લા વીસ વર્ષની સાથી એવી કંગાલીયતની વેદના અને વધુમાં તો આજ સવારે સાંભળેલી બીના…

જાણે આ ઘડિયાળ જ એની વીસ વરસની તપસ્યા કહો તો તપસ્યા અને ગદ્ધા મજૂરી કહો તો ગદ્ધા મજૂરીનું ફળ હતું. શાળાનાં તમામ સભ્યોએ ફાળો ઉઘરાવીને આ ઘડિયાળ “પંચાલ સાહેબે” શાળામાં વીસ વર્ષ પૂરા કર્યા તે માટે છેલ્લા પીરીયડમાં શાળાનાં પટાંગણમાં જ નાનો સરખો કાર્યક્રમ યોજીને ભેટ આપ્યું હતું. વિશાલથી એકદમ ખાનગી આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પોતે ઈચ્છતો હોત તો પણ દાન સંસ્થા સંચાલિત માધ્યમિક શાળાની ચિત્ર શિક્ષક તરીકેની નોકરીના પાતળા પગારમાંથી આવી મોંઘીદાટ ઘડિયાળ ક્યારેય ખરીદી ન શક્યો હોત. ત્રેવીસ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ વિશાલને આ શાળામાં ઘણી મુશ્કેલીથી નોકરી મળી હતી. પોતાનો વિષય ડ્રોઈંગનો હોવાથી ખાનગી ટ્યૂશનનો પણ નહિવત અવકાશ.. આછી પાતળી આવકને કારણે એ ત્રીસી વટાવ્યા સુધી તો ઘર માંડવાની પણ હિંમત કરી શક્યો નહોતો. જીવન છેલ્લાં વીસ વર્ષથી જાણે સ્થગિત થઇ ગયુ હતું.

ત્યાર બાદ પણ કર્કશા અને અસંતુષ્ટ પત્ની સાથે સહજીવન ફક્ત નામ પૂરતું જ રહ્યું હતું અને બે માયકાંગલા બાળક મોટા થઈને પોતાનો સહારો બને એ કલ્પના વાસ્તવિકતામાં પરિવર્તિત થવાને વરસોની વાર હતી. વિશાલ માટે પોતાની કામ પ્રત્યેની લગન અને કર્તવ્યનિષ્ઠા જ એની જિંદગીનું હાલ પૂરતું પ્રેરક બળ હતા. પોતાના દરેક શિષ્યમાંથી એ એક કલાકાર શોધવાના હરદમ પ્રયત્નમાં રહેતો.

આજે સવારનાં વર્ગમાં બધા વિદ્યાર્થીઓ વચ્ચે તેણે નૂરજહાંની ગેરહાજરીની નોંધ લીધી. નૂરજહાં છેલ્લા દસ દિવસથી ગેરહાજર હતી. ગરીબ ઘરની નૂરજહાંની ચિત્રકળા પ્રત્યેની અભિરુચિ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ ક્યાંય અલગ હતી. વિશાલ હમેશાં નૂરજહાંના ચિત્રકામ તરફ વિશેષ ધ્યાન આપતો, એક કળાપારખુ તરીકે તેને ગળા સુધી ખાતરી હતી કે એક દિવસ તેની આ વિદ્યાર્થીની ચિત્રકળાના એવા શિખર સર કરશે કે જે શિખર સર કરવાના સપના ક્યારેક એ પણ જોતો હતો. કંઇક ગુસ્સાથી તેણે નૂરજહાંની સહાધ્યાયી મેહરૂન્નિસાને તેની ગેરહાજરીનું કારણ પૂછતાં મેહરુન્નિસાએ કહ્યું હતું.. “પંચાલ સાયેબ, નૂરુના અબ્બાજાન તો એને શાદી માટે એના મલકમાં લઇ ગયા, હવે એ ઇસ્કોલમાં નહીં આવે…”

ખલ્લાસ… વિશાલને છેલ્લા બે વરસથી નૂરજહાં પાછળ લીધેલી મહેનત બેકાર જતી લાગી. પોતાની શિષ્યા પાસે તે બે વર્ષથી “પનિહારી”ના ચિત્ર પર કામ કરાવી રહ્યો હતો. બસ આખરી સ્કેચ પર રંગોની મેળવણી બાકી હતી. નૂરજહાંના નાજુક હાથોથી પીંછીનો લસરકો આ ચિત્રને જીવંત કરી દેવાનો હતો. નૂરજહાંના નામ સાથે આ ચિત્ર પ્રદર્શનમાં મોકલવા માટેના જરૂરી ફોર્મ પણ મોકલી દેવાયાં હતાં. એક વાર આ ચિત્ર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં મૂકાઈ જાય તો પ્રથમ ઇનામને પાત્ર ઠરશે તેની વિશાલને પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રદર્શનને પણ ફક્ત મહિનાની જ તો વાર હતી. શિષ્યા સાથે ગુરુનું નામ પણ રોશન થવાનું હતું. પછી તો શ્રીમંતોના બાળકોનાં ખાનગી ટ્યૂશન મળવામાં વાર ક્યાં હતી?

વિશાલનો ગુસ્સો સાતમાં આસમાને હતો… “આ અભણ લોકો… કલાને શું સમજશે. નૂરજહાંનો બાપ.. એની દીકરીએ એનું નામ રોશન કર્યું હોત… દીકરી કેટલું કમાઈ શકી હોત.. પણ આ અભણ લોકો.. પહેલાં છ સાત છોકરા પેદા કરી દેશે અને એમાં પણ જો છોકરી પેદા થઇ તો ચૌદ પંદર વરસમાં તો પરણાવી દેશે.. એમને કોઈ કાયદાની પણ બીક ક્યાં છે?”

છેક સાંજ સુધી પોતે જે ભવિષ્યની મૂર્તિ એ કંડારીને બેઠો હતો, એ મૂર્તિના ટુકડાઓ પર વિશાલ નિઃશ્વાસનો લેપ કરતો રહ્યો. સાંજના આ સમારંભે આખરે એના આળા મનને કંઈક રાહત પહોંચાડી. પણ આજનો દિવસ જ જાણે ચગડોળની જેમ ઉપર નીચે થતી ઘટનાઓનો એહસાસ કરાવા સર્જાયો હતો. સ્કુલની બહાર નીકળીને સાઇકલને પેડલ મારતાં મારતાં પોતાના સન્માનમાં કહેવાયેલા શબ્દો યાદ કરીને જિંદગીમાં પહેલી વાર ખુદના પ્રતિ ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો કે.. આવા ગર્વનો ભાર ઝીલવાને ટેવાયેલું ન હોય તેમ સાઇકલના પાછલાં પૈડાને પંક્ચર પડી ગયું.

મોડી સાંજને કારણે સાઇકલ સમારકામની કોઈ દુકાન પણ ખુલ્લી ન હતી. “ભગવાન ક્યારેય કોઈ સુખ, શાંતિથી ભોગવવા નહિ દે..” સ્વગત બબડીને વિશાલે સાઈકલ ખેંચતા ખેંચતા ઘર સુધીની લાંબી પદયાત્રા શરૂ કરી. ખેર.. જિંદગીના બોજા સાથે સાઇકલનો પણ બોજો… તેણે વિચાર્યું. બાજુમાંથી ધૂળ ઉડાડતી લેટેસ્ટ ફેશનની બાઈક પસાર થઇ ગઈ.. વિશાલને બાઈક જોઇને ઈર્ષ્યાની લાગણી ન થઈ પણ જે રીતે બાઈક ઉપર ફેશનેબલ યુવાન અને હવા પણ પસાર ના થઇ શકે તેમ તેને ચીપકીને પાછળ બેઠેલી યુવતી તેણે જોયાં એ તેના તન મનને સમૂળગા હચમચાવી ગયાં.. તેમાં પણ યુવતીના ઉડતા પાલવમાંથી આવતી પરફ્યુમની માદક સુગંધ!

મનોમન જ તેણે આગળ નીકળી ગયેલાં બાઈકસવારો સાથે પોતાનાં શુષ્ક દાંપત્ય જીવનની સરખામણી કરી. રાત્રે જયારે તે પોતાની પત્ની તરફ કોઈ અપેક્ષાભેર પડખું ફરતો ત્યારે વિશાલની કમજોર કમાણીથી અસંતુષ્ટ એવી તેની પત્ની કોઈ ઉમળકાભર્યો પ્રતિસાદ આપતી નહી.. ઉપરથી ટોણો સાંભળવો પડતો… “આ બહાર સૂતા છે એ બેનાં તો પેટ ભરતાં ફેંં ફાટી જાય છે અને હજી કલૈયા કુંવરને ધરવ નથી.” આ ધારદાર શબ્દો એ વિશાલની ઈચ્છાનું હનન પૂરે પૂરું ન કર્યું હોય તો પત્નીના મેલા સાડલામાંથી આવતી રસોઈનાં મસાલાની વાસ કામેચ્છાનું તત્કાલ પૂરતું બાષ્પીભવન કરવા માટે કાફી રહેતી.

રસ્તામાં આવતા, બંધ થતાં ફાટકે વિશાલનાં વિચારો અટકાવ્યા પણ શરીરમાં ઉઠેલા વિકારોને નહી. ઝડપથી પસાર થતી ટ્રેનનાં ડબ્બાઓ વચ્ચેથી ફાટકની બીજી તરફ બે ફંટાતા રસ્તા દેખાતા હતા. જમણી તરફનો રસ્તો વિશાલના ઘર તરફ જતો હતો તો ડાબી તરફનો રસ્તો શહેરની મધ્યમાં, ફાટક ખૂલતાં કંઇક વિચારીને વિશાલે ઘર તરફ જવાને બદલે ડાબી તરફનો રસ્તો લીધો. અસમંજસમાં એકાદ કિલોમીટરનો રસ્તો તેણે બેધ્યાનપણે કાઢી નાખ્યો. ગલીના ખૂણેથી આવતાં ઠુમરીના અવાજે તેને વાસ્તવિકતા તરફ પાછો વાળ્યો. અજાણતાં જ તે શહેરના બદનામ વિસ્તાર તરફ આવી ગયો હતો અને તેની જાણ બહાર જ અતૃપ્ત શરીર, સંસ્કારી મન પર હાવી થવા લાગ્યું. ત્યાર પછીની કેટલીક ક્ષણો…. ધૂંધળી ક્ષણો… લાચાર ક્ષણો… બુભુક્ષિત ક્ષણો… બીભત્સ, ક્ષોભનીય ક્ષણો…

ન જાણે ક્યારે તે નાના અંધારા કમરામાં દાખલ થયો. પલંગ પર હતું એક બેનામ શરીર… વર્ષોની તરસી વાસના.. ધારદાર ટુકડો બની વહી ગઈ… સંસ્કારી વિશાલ અને “પશુ” વિશાલ વચ્ચે એક માત્ર આવરણ હતું તો તે પેલી કાંડા ઘડીયાળ જે તેણે ક્યારની કાઢીને પલંગના છેડે મૂકી દીધી હતી. તેની આ બીજી જીંદગીમાં વિશાલ રોજીંદી જિંદગીની કોઈ ચીજ શામેલ કરવા નહોતો માંગતો.. કમસે કમ ઘડિયાળ તો નહી જ…

થોડી વારમાં હોશ આવતા જ ક્ષુબ્ધતા તેને ચારેય તરફથી ઘેરી વળી. આજે અતૃપ્તતાએ તેની પાસે શું કરાવી દીધું? આવો અશુદ્ધ આત્મા કલાની શું સેવા કરવાનો ? છલાંગ મારીને વિશાલ કમરાની બહાર ભાગ્યો, અને પાછળ અથડાયા નૂરજહાંના થાકેલા હાંફતા શબ્દો…

“સાયેબ.., તમારું ઘડિયાળ!!”

રાત્રીની છેલ્લી ટ્રેન ફાટક પાસેથી ધસમસતી પસાર થઇ ગઈ… કપાયેલા કલાકાર વિશાલનાં શરીરમાંથી નીકળતાં લોહીના અસ્તવ્યસ્ત રેલા જાણે તેના દ્વારા રચાયેલું છેલ્લુંં પણ ઉત્કૃષ્ટ મોર્ડન આર્ટ હતું. પાટાની બહારની તરફ પડ્યો હતો ઘડિયાળનો હકદાર એવો નહી કપાયેલો હાથ.. અને મૃત કાનમાં જાણે હજી પણ શબ્દો શારડી બનીને વાગી રહ્યા હતા…

“સાયેબ.., તમારું ઘડિયાળ!!”

“સાયેબ.., તમારું ઘડિયાળ!!”

– હેમલ વૈષ્ણવ

એક સંપાદકનું એ સદભાગ્ય હોય છે કે તેને અનેક અનોખી અને સુંદર કૃતિઓ સૌથી પહેલા માણવાનો અવસર મળે છે. કેટલીક કૃતિઓ વાંચીને એક સંપાદક તરીકેની મારી વર્ષોની ફરજ મને સફળ થતી લાગે છે, એવી જ એક કૃતિ આજે પ્રસ્તુત કરી રહ્યો છું, હેમલભાઈ વૈષ્ણવ માઈક્રોફિક્શનમાં તેમનો હાથ સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા છે અને વાચકોના પ્રતિભાવ સાથે પ્રેમને પામ્યા છે. આજની તેમની કૃતિ એક વાર્તાકાર તરીકેની તેમની નવોદિત છબીને તોડીને તેમને પ્રસ્થાપિત લેખકની શ્રેણીમાં મૂકી શકે એટલી સબળ અને સુંદર થઈ છે. ‘કાંડા ઘડિયાળ’ને તાંતણે બંધાયેલી તેમની આ આખીય વાર્તા એક અનોખી લયબદ્ધતા લઈને આવે છે. વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ હેમલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


Leave a Reply to Hemal VaishnavCancel reply

18 thoughts on “કાંડા ઘડિયાળ (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ

  • Keyur Vasavada

    ચિત્રો માં રંગો પૂરી તેમને જીવંત બનાવનાર વિશાલ, કદાચ પોતાના જીવનમાં નીરસ થઇ ગયેલા રંગો ફરી પાછા પુરવા નીકળી પડ્યો હતો. હું મારી રીતે આ વેધક વાર્તા નો અર્થાત એટલો કાઢીશ કે સતત અવનવી રીતે જીવન માં રંગો પૂરતા રહો, વાસ્તવિક જીવન નું કામ આ રંગો ફીકા પડતા રહેવાનું છે અને આપણું કામ એમાં સતત અવનવા રંગો પૂરતા રહેવાનું છે. બાકી તો પછી લાગણી થી ભરપુર માનવી છો, હાડમાંસનું ખાલી માળખું નહિ. ક્ષણો ચુકવાની ઘણી બધી ક્ષણો જીવનમાં આવશે, પણ તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારું ચિત્ર તમારે જ તૈયાર કરવાનું છે…. સુંદર લોકોની આંખો ને ગમે એવું કે પછી વિશાલે તૈયાર કરેલું તેના આખરી મોર્ડન આર્ટ જેવું…

    હેમલ ભાઈ એક કાંડા ઘડિયાળ થી માનવી ની સંવેદના નો તાર રણકાર્યો છે…. એ રણકાર ની ગુજ હજી કાનમાં વારવાર અથડાય છે. આવા છુપાયેલા રાત્નો અક્ષર નાદ માં બહાર આવશે તો જરૂર થી આનંદ થશે. ઉત્કૃષ્ટ કૃતિ બદલ લેખક ને ખુબ ખુબ અભિનંદન!!

  • sameera

    ખુબ જ સરસ હેમલભાઈ! છેલ્લે સુધેી વિચારોને જકડેી રાખાતેી વાર્તા.

  • M.D.Gandhi, U.S.A.

    કલ્પનામાં પણ ન આવે તેવો અંત, ખરેખરતો બહુ કરૂણ કહેવાય…. , પણ ગરીબના નસીબ પણ ગરીબ…. સાહેબના પણ અને નૂરજહાંના પણ….

    સુંદર વાર્તા….

  • Hemal Vaishnav

    Once again bigt hanks to my all readers from the bottom of my heart. thanks for encouraging comments.
    We all are lucky that Jignesh bhai is kind enough to provide thisd platform to us.

  • Harshad Dave

    રસપ્રદ અને જકડી રાખતું પોત ટૂંકી વાર્તાને ધારદાર બનાવે છે. કેશવચંદ્રસેન કહે છે ‘સબાર ઉપર માનુષ બડો તહાર ઉપર નાઈ’ એટલે કે ‘સહુથી ઉપર મનુષ્ય છે, તેનાથી ઉપર કોઈ નથી.’ પરંતુ માણસ આખરે તો માણસ છે, કલ્પનાની આદર્શ વ્યક્તિ નથી જ. માણસ પોતાની માનવીય મર્યાદાઓના દાયરામાં જ જીવી શકે. -હદ.

  • dushyant dalal

    હેમલ્ ભાઈ એ વાર્તા નેી કથાનક ખુબ માવજત્ ભર્યુ અને સહજ રેીતે કર્યુ ચ્હે . અભિનન્દન હો..

    દુશ્યન્ત દલાલ્.

    ( જિગ્નેનશ ભાઈ, કોમેન્ત લખવા માતે લિપિ નો પ્રશ્ન રહે વ્ચ્હે.)

  • jacob

    ખુબ સરસ અંત. શરૂઆતથી જ થતું હતું કે લેખક ઘડિયાળનું શું કરશે ? પણ તમે સરસ ઉપયોગ કર્યો.

  • નિમિષા દલાલ

    ખરેખર ખૂબ જ સુંદર વાર્તા. કંઈક નવો જ ન કલ્પેલો અંત… અને ભાષામાં તો હેમલભાઈને કહેવાનું જ ન હોય અત્યાર સુધીની તેમની માઈક્રોફિક્શન વાર્તાઓ પણ મારી પસંદગીની રહી છે .. ને આ વાર્તા પણ….

  • Dhiren

    Excellent.
    A hard hitting picturization of the story of dual personality ( Dr. Jekyll & Mr. Hyde ) of many a common man.
    A part of it reminded me of a movie called “Mausam” released in 1975.

  • Umakant V.Mehta

    સુંદર સંસ્કારી,ભાવવાહિ શૈલીમાં લાચાર શીક્ષકનું નગ્ન શબ્દચિત્ર. વાર્તામાં ક્યાંય અજુગતા કે અશ્લીલ શબ્દો નથી.સૌમ્ય ભાષાંમાં સુંદર કૃતિ આપવા બદલ.હેમલભાઈ અભિનંદન સાથે ધન્યવાદ. ઉમાકાન્ત વિ.મહેતા.ન્યુ જર્સી.