વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ 23


વ્રજભાષાના સંવર્ધનમાં અનેક મુસ્લિમ કવિઓ અને સંતોનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને મધ્ય યુગમાં અનેકાનેક સંતો અને લોકો આવ્યાં જેમણે વ્રજભાષાને વધુને વધુ પુષ્ટ કરી. વ્રજભાષાનો ઉદ્ભવ વ્રજ શબ્દ ઉપરથી થયો છે. વ્રજ યાને જ્યાં અનેક ગાયો વિચરણ કરતી ચરી રહી છે તે જગ્યા. અમરકોષ નામના ગ્રંથમાં વ્રજ શબ્દના “ગાયોનો વાડો, ગાયોનો વૃંદ અને ગાયોનો માર્ગ” એમ ત્રણ અર્થ પ્રસ્તુત કર્યા છે. વૈદિક સંહિતા, રામાયણ, મહાભારત વગેરે આદિ ગ્રંથોમાં વ્રજ શબ્દનો અર્થ “ગૌશાલા, ગોચર સ્થાન ભૂમિ” તરીકે કરેલો છે,જ્યારે ઋગ્વેદમાં વ્રજ શબ્દનો અર્થ “ગાયોની ખિરક” તરીકે કરેલો છે, યજુર્વેદમાં “ગાયના ચરવાના સ્થાનને અને ગાયોને બાંધવાના લાકડાના ખૂંટાને” વ્રજ તરીકે ઓળખવામાં આવ્યો છે. (અર્થાત જ્યાં ઘણી બધી ગાયોને બાંધવાના અસંખ્ય ખૂંટા છે તે સ્થળ) હરિવંશપુરાણમાં “ગોપોની વસ્તી” તરીકે વ્રજ શબ્દને પ્રયોજવામાં આવ્યો છે, જ્યારે શુક્લયજુર્વેદનામના ગ્રંથમાં કહ્યું છે કે “જ્યાં નાની નાની શિંગડીઓવાળી સુંદર શુભ્ર ગાયો રહે છે” તે વ્રજ છે. સ્કંદપુરાણમાં કહ્યું છે કે “જે સર્વત્રે વ્યાપક બ્રહ્મ છે” તેનું નામ વ્રજ છે. રાસરસમંજરી નામના ગ્રંથમાં કહ્યું છે કે “જે જીવો માટે આધ્યાત્મિકતાનો રસ ઉત્પન્ન કરે છે તેનું નામ વ્રજ છે”. વેદોથી લઈ સંહિતા, પુરાણ સુધીના સમસ્ત ગ્રંથોમાં “ગાયોનો વાડો, ગાયોને ચરવાની જગ્યા, ગોચર સ્થાન, ગોપોની વસ્તી, ગૌશાળા, ગાયો, ખિરક, ગાયોને બાંધવાના ખૂંટા” વગેરે શબ્દ કહ્યા છે. વેદવ્યાસજી રચિત શ્રી ભાગવતજીમાં વ્રજ શબ્દને “નાના ગામ, નાની વસ્તી”ના સંજ્ઞાના રૂપમાં પ્રયોજવામાં આવ્યો છે. વેદવ્યાસજી કહે છે કે “વ્રજભૂમિની પવિત્ર ભૂમિ પર ગોપોની નાની વસ્તીવાળું નાનું ગામ વસેલ છે જેના મુખિયા તે નંદરાયજી છે”. પુરાણો, સંહિતા અને ઈતિહાસકારોના આ બધા જ શબ્દ જ્યારે એકબીજાને મળે છે ત્યારે તે કેવળ એક “ગોકુળ કે ગોકુલ” નામ રૂપી વ્રજભૂમિ નામનો પર્યાય આપે છે.

ભગવાન કૃષ્ણના વ્રજમાં પધાર્યા પહેલા આ પ્રદેશ મધુરા, મધુપુરી, મધુવન, મધુરામંડલના અંતર્ગત ભાગ તરીકે પ્રખ્યાત હતો. આ ભાગને મથુરાના નગરવર્તીય ભાગને વ્રજમંડલમાંથી બહારનો ભાગ (પૃથક) ગણવામાં આવતો હતો. ઈતિહાસકારો અને વાર્તાકારોએ આ પ્રદેશને શૂરસેની પ્રદેશ તરીકે ઓળખેલો છે. પરંતુ મધ્યયુગના ઈતિહાસમાં કહ્યું છે કે મથુરા પ્રદેશ અને તેના નિકટવર્તીય ભૂ ભાગો પ્રાચીન સમયથી સઘન વન, ગૌચારણ માટેના વિશાળ સ્થળો, નાની નાની શિંગડીવાળી ગાયો માટે પ્રસિધ્ધ હતી. જેને અષ્ટસખાઓ, શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ અંશજો, સંતોએ, ભક્તોએ મથુરાની નિકટવર્તીય વન્ય પ્રદેશને ગોપોની વસ્તી ધરાવતો વ્રજ પ્રદેશ તરીકે ઓળખેલો છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભલે મથુરામાં થયો પણ તેમનો ઉછેર તો ગોકુલમાં થયો છે તેથી ભગવાન કૃષ્ણના ગોકુલ પધાર્યા પછી ગોકુલની ભૂમિનું માહાત્મ્ય વધુ થયું છે. ભગવાન કૃષ્ણ દ્વારા વ્રજ અને વ્રજભૂમિનો આવિર્ભાવ ફેલાયા બાદ વ્રજ, વ્રજખંડ, વ્રજભૂમિ, વ્રજરજનું જેમ જેમ માહાત્મ્ય વધતું ગયું હતું તેમ કાળાંતરે ઓછું પણ થયું હતું પરંતુ શ્રી વલ્લભાચાર્યના વ્રજમંડળમાં પધાર્યા બાદ મથુરા સહિત ગોકુલ વૃંદાવનનો સમસ્ત ૮૪ કોસનો પ્રદેશ તે કૃષ્ણ પ્રેમીઓ, ભક્તો અને વૈષ્ણવો માટે વ્રજમંડળ, વ્રજભૂમિ તરીકે પ્રસિધ્ધ થયું.

વ્રજમંડળની જેમ વ્રજભાષાનો પણ ઉદ્ભવ વ્રજ ધાતુમાંથી જ થયો છે. પરંતુ સમયનુસાર વ્રજભાષા કાવ્યભાષાના રૂપમાં વધુ પ્રતિષ્ઠિત થઈ. ઘણી શતાબ્દીઓથી વિવિધ ભાષાઓમાં કાવ્યરચનાઓ બનતી રહી છે પરંતુ આ બધી જ ભાષાઓની સીમાની અંદર વ્રજભાષા શૈલીની કાવ્ય રચનાઓએ વિશિષ્ટ રીતે પોતાનું સ્થાન બનાવ્યું. મધ્યયુગમાં થયેલા કવિ આચાર્યદાસજીએ પોતાની રચનાઑમાં કહ્યું છે કે વ્રજભાષાનો પરિચય જેમ વ્રજવાસીઓથી મળે છે તેમ વ્રજની બહાર રહેતા કવિઓથી પણ મળે છે. મધ્યયુગમાં થયેલા મધ્યકાલીન આચાર્યો, સંતો, ભક્તો દ્વારા વ્રજભાષા વધુ ને વધુ મધુર અને સુંદર બની છે. આ સમયમાં વ્રજભાષાની અંદર થોડેઘણે સંસ્કૃત, ઈસ્લામિક, અને ફારસી ભાષાનો પ્રભાવ રહ્યો છે તેમ છતાં ૧૪ મી સદી થી ૧૭ મી સદી સુધીમાં અન્ય ભાષાઓમાંથી ઘણા શબ્દો વ્રજભાષામાં આવીને સંમિલિત થયા. આ અરસામાં ભારતના વિવિધ ભાગોમાં પણ વ્રજભાષાનો ફેલાવો થયો જેને કારણે મધ્યકાલીન સમયના ગ્વાલિયર, મધ્યપ્રદેશ, બુંદેલખંડ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં અને ગંગાપાર રહેલા ગામોમાં લોકો વ્રજભાષાની બોલીનો ઉપયોગ કરવા લાગ્યા. વંશ ભાસ્કર નામના પુસ્તકમાં કહ્યું છે કે દિલ્હી અને ગ્વાલિયર વચ્ચેનો ભાગ એ વ્રજભાષાનું મૂલસ્થાન છે પરંતુ ૧૬ મી સદીમાં બાદશાહ જહાંગીરના દરબારમાં રહેલા એક દરબારીએ પોતાના પુસ્તક “તૂહફતુલ” માં લખ્યું છે કે “વહેતી યમુનાના કોષક્ષેત્રમાં વ્રજભાષા જન્મી અને ત્યાં જ તેનો પ્રભાવ વધુ પથરાયો છે”. આજ સમયમાં થયેલા આચાર્યોએ કહ્યું કે વ્રજભાષાનું મુખ્ય કેન્દ્ર મથુરા છે. પરંતુ આ ભાષાનો ફેલાવો ગંગા-યમુનાની ઘાટીઓ  સુધી ફેલાયેલો છે. આચાર્યચરણોની આ વાત માનીએ તો આજે પણ વ્રજમંડળને બાદ કરતાં હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં વ્રજભાષા બોલાય છે. ઇતિહાસ કહે છે કે વિક્રમની ૧૩ મી સદી થી ૨૦ સદી સુધી વ્રજભાષા આદરપૂર્વક બોલાતી જનપદીય બોલી તરીકે પ્રખ્યાત થઈ. આ સમય દરમ્યાન થયેલા અનેક આચાર્યો, સંતો, ભક્તો અને કવિઓએ વ્રજભાષામાં અનેક પદો, અને કાવ્યની રચના કરી જેની સાહિત્ય ક્ષેત્રે નોંધ લીધી. ૨૦ મી ૨૧ મી સદીમાં બનેલા વિવિધ ભાષાની ફિલ્મો, નાટકો અને નાટ્ય પ્રયોગોમાં આજ વ્રજભાષાનો, વ્રજ શૈલીનો મહત્તમ ઉપયોગ કરાયો.

મધ્યકાલીન યુગથી ૧૯ મી સદીની વચ્ચે થઈ ગયેલા બાદશાહ હુમાયુ, અકબર બાદશાહ, અબ્દુલ રહિમ ખાનેખાના, તાજબીબી, જોધાબાઈ, કેશવદાસ, બિહારીજી, ઘનાનંદ, રસખાનજી, પીરજાદી, શેખ બહાઉદ્દીન વાજન, હઝરત નિજામુદ્દીન ઔલિયા અને તેના શિષ્ય અમીર ખૂસરો, સૂજન, તાનસેનજી, બાબા ફરીદ, અબ્દુલ વાહિદ, સંત કબીર જેવા અનેક લોકોએ થોડા ઘણા અંશે વ્રજભાષાને સમૃધ્ધ કરવામાં ભાગ ભજવ્યો. તેઓએ (વ્રજભાષામાં) શૃંગાર, વાત્સલ્ય રસ, પ્રેમ અને ભક્તિની અનેક રચનાઓ કરી. ( ઉપરોક્ત જણાવેલા મહાનુભાવોમાં અમુક લોકો પર વ્રજભાષાનો પ્રભાવ હતો અને અમુક લોકો કૃષ્ણભક્ત અને કૃષ્ણપ્રેમીઓ હતાં. ) આ સમયે તેઓ વ્રજભાષાને તેઓ “વ્રજની ખડી બોલી” તરીકે ઓળખતા હતાં. અકબરી આયનામાં કહ્યું છે કે “મુગલોમાં વ્રજભાષાની શરૂઆત બાદશાહ હુમાયુએ કરેલી હતી પણ જોધાબાઈ દ્વારા વ્રજભાષાનો વિશિષ્ટ રીતે પ્રયોગ થવા લાગ્યો”. વ્રજભાષાનો, વ્રજ શૈલીનો આ પ્રભાવ મુગલોમાં શાહજહાં સુધી રહ્યો. બાદશાહ શાહજહાં પછી મુગલોના છેલ્લા બાદશાહ બહાદુરશાહ એક સારા કવિ હતાં. પરંતુ અંગ્રેજોએ તેમને તે સમયે રંગૂન મોકલી આપેલા આ બાદશાહની રચેલી રચનાઑમાં પણ થોડા ઘણા અંશે વ્રજભાષાની ઝલક જોવા મળે છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં કહ્યું છે કે વ્રજભાષાને સમૃધ્ધ કરનાર આ કવિઓને જો કાઢી નાખવામાં આવે તો વ્રજભાષા અને ભારતીય સાહિત્ય બંનેનું તેજ ઓછું થઈ જશે. (આપણે થોડા ઉદાહરણ જોઈએ)

રસખાનજી

या लकुटी अरु कामरिया पर, राज तिहूँ पुर को तजि डारौं।
आठहुँ सिद्धि, नवों निधि को सुख, नंद की धेनु चराय बिसारौ ।।

અમીર ખૂસરોએ વ્રજરાણી રાધાજી માટે કહ્યું છે કે

ख़ुसरो रैन सुहाग की, जागी पी के संग ।
तन मेरो मन पीउ को, दोउ भये इक रंग ।।

શેખ બહાઉદ્દીન વાજન

भँवरा लेवै फूल रस, रसिया लेवै बास।
माली सींचै आस कर, भँवरा खड़ा उदास ।।

સંત કબીર

गुरु गोविंद दोउ खड़े काके लागू पाय ।
बलिहारी गुरु आपने गोविंद दियो बताय ।।

કેશવદાસ

केशव केसनि असि करी, बैरिहु जस न कराहिं।

चंद्रवदन मृगलोचनी बाबा कहि कहि जाहिं।।

ઘનાનંદ

अति सूधो सनेह को मारग है, जहाँ नेकु सयानप बांक नहीं |

મધ્યયુગમાં જ્યારે ભક્તિકાલનો ઉદ્ભવ થયો ત્યારે વ્રજભાષાને પ્રોત્સાહન આપવા માટે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ, શ્રી રામાનુજાચાર્ય, શ્રી નિમ્બકાચાર્ય, શ્રી વિષ્ણુ સ્વામી, શ્રી માધ્વાચાર્ય, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, અષ્ટસખાઓ, કૃષ્ણભક્ત રસખાનજી, અલી પઠાણ, પીરજાદી, શ્રી હિતહરિવંશજી, સ્વામી હરિદાસ, શ્રી રાધાવલ્લભ સ્વામી, શ્રી કૃષ્ણચૈતન્ય મહારાજ વગેરે પધાર્યા. આ બધાં જ ભક્તજનોમાં વૈષ્ણવાચાર્યોએ પોતાના સિધ્ધાંતોની શરૂઆત સંસ્કૃતભાષાના માધ્યમથી કરી પરંતુ સામાન્ય ભક્તજન કે સેવક સમુદાય સંસ્કૃતભાષા સમજી શકતો નથી તેથી ભક્તજનો માટેનો મુખ્ય ઉપદેશ અને તેમને સમજાવવાની તેમની મુખ્ય બોલી “વ્રજભાષા” હતી, જે લોકસમુદાયની મુખ્ય બોલી હતી. વ્રજભાષા જેમ જેમ ભારતના વિવિધ વિસ્તારોમાં ફેલાતી ગઈ તેમ તેમ તે બોલીમાં પ્રાદેશિક બોલી પણ મિક્સ થતી ગઈ આથી દરેક પ્રાંતની બ્રજભાષામાં પોતાનો એક અલગ લહેકો થયો. દા.ખ ભોજપુરી ભાષામાં પણ વ્રજભાષા બોલાય છે અને મગહી અને મૈથિલી (બિહાર-ઝારખંડની અંદરના વિસ્તારો) માં પણ વ્રજભાષા બોલાય છે, તો બંગાળી સાઉન્ડમાં પણ બ્રજભાષા બોલવામાં આવે છે. (ગોડય સંપ્રદાય બંગાળી લહેકાથી વ્રજભાષાનો ઉપયોગ કરે છે.) રાજસ્થાનની બોલીમાં તો વ્રજભાષાની અનેક શૈલી વિકસાવવામાં આવી છે. કૃષ્ણ ઉપાસક સંપ્રદાયો અને વ્રજભાષાને હૃદયમાં ઉતારનાર કવિઓને કારણે વ્રજભૂમિ, વ્રજભાષા અને વ્રજના આકારનો વિસ્તાર જે રીતે વિસ્તૃત થયો તે જોઈ તે સમયે કેવળ મથુરા અને તેની આસપાસનો વિસ્તાર જ નહીં પણ દૂર દૂરથી આવતા લોકો આ વ્રજ સંસ્કૃતિથી પ્રભાવિત થતાં. જેને કારણે વ્રજભૂમિની આસપાસ રહેલા ભારતના અન્ય ક્ષેત્રોને વ્રજસંસ્કૃતિની અંતર્ગત સમાવી લેવામાં આવ્યાં આજ કારણસર આજે પણ આપણે પરિક્રમાના સમયે ડીગ, ભરતપુર અને કામવનનો કેટલાક ભાગમાંથી પસાર થઈએ છીએ.

ઉપરોક્ત જણાવેલા આ સ્થળો ભૌગોલિક દૃષ્ટિએ રાજસ્થાનનો ભાગ ગણવામાં આવે છે, પણ વ્રજભૂમિના અંતર્ગત આ તમામ ભાગ વ્રજસંસ્કૃતિનો ભાગ ગણાય છે. મહારાષ્ટ્રમાં પણ થોડાઅંશે વ્રજભાષા પહોંચેલી હતી પણ તે સ્થળમાં વૈષ્ણવાચાર્યોની અવરજવર ઓછી હતી તેથી વ્રજભાષા ગ્રામ્ય વિસ્તારોમાં સમાઈ ગઈ પણ નગરોમાંથી વ્રજભાષા લગભગ નામશેષ થઈ ગઈ. ઇતિહાસ કહે છે કે જે જે પ્રદેશમાં વ્રજભાષા ન પહુંચી તે પ્રદેશમાં પણ વ્રજભાષા કેવળ સંતોની વાણી અથવા મનોરંજનની કૃત્રિમ, મિક્સ ભાષા બનીને રહી ગઈ. અનુરાગ બાંસુરી નામના બંગાળી પુસ્તકમાં કહ્યું છે મધ્યયુગમાં થઈ ગયેલા સૂફી સાહિત્ય અને સૂફીસંતો પર બ્રજભાષાનો મોટો પ્રભાવ રહ્યો હતો. ગુર્જર ઇતિહાસકારોનું કહેવું છે કે એક સમયે વ્રજભૂમિમાંથી નીકળેલી વ્રજભાષાનો એક અંશ ગુજરાત અને કચ્છની ધરતીમાં પણ આવીને સમાઈ ગયો છે. કચ્છના મહારાજા લખપતરાવજી વ્રજભાષાના સારા જાણકાર હતાં, તેમણે વ્રજભાષાના પ્રચાર, પ્રસાર અને પ્રશિક્ષણ માટે અનેક પ્રયત્નો કરેલા. આમપ્રજામાં વ્રજભાષા શીખવવા માટે કચ્છની ભૂમિ પર વિદ્યાલયો પણ ખોલેલા હતાં. આમ વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અત્યંત રોચક છે જે આપણાં ધર્મગ્રંથો અને રોજિંદાજીવનમાં ખોવાયેલ એક નવી જ દિશાને ઉજાગર કરે છે.

– પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


Leave a Reply to Devika DhruvaCancel reply

23 thoughts on “વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ

  • hemgya

    aaje aa lekh pharithi vanchyo…purvi ben na lekh varamvar vagolva no anand ave chhe. have temna nava lekho pharithi kyare aavshe?

  • Nit

    jai shri krishna,
    as usual your Article is just great, very informetive an interesting. very scholarly written with welth of facts. plese keep up good wor (d) k (આ લેખ ફૂલછાબમાં મે ૨૦૧૪માં પબ્લીશ થયો હતો. )

  • Palak

    ખૂબ જ સરસ માહિતી આપી છે પૂર્વીબહેન આપે. ભારત દેશમાં વર્ષો થી ઘણી બધી ભાષાઓ ઉપયોગમાં લેવાઇ રહી છે. બાર ગાઉ એ બોલી બદલાય એ પ્રમાણે એક જ ભાષામાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વ્રજ ભાષા વિશે જાણકારી મેળવી ખૂબ આનંદ થયો.

  • hemgya

    Wow……w….what a Article.Aashcharya they chhe ke aatlu badhi mahiti vrajbhasha upar chhe. Vallabh Ni krupa vagar aavu sundar lakhay nah, toye ek vaaat khas manvi pade ke vallabhkul balko, veishnavacharyo, haveli wala oe y kyarey aatli badhi mahiti aapi nathi.

  • P.K.Davda

    બહેન, આટલી સૂક્ષ્મ માહિતી ભાગ્યે જ કોઇ લેખમાં જોવા મળે છે. આટલી માહિતી એકઠી કરવામા લાગેલા પરિશ્રમનો મને અંદાજ છે. માત્ર મહેનત જ નહિં પણ વિષય પ્રત્યેનો તમારો પ્રેમ આમાં સ્પષ્ટ દેખાય છે. ધન્યવાદ બહેન.

  • સુભાષ પટેલ

    જય શ્રી કૃષ્ણ.
    આવો લેખ લખવા માટે ઘણી સામગ્રી ભેગી કરીને અભ્યાસ કરવો અને તે પણ અમેરીકામાં બેસીને ખરેખર ગમતાના ગુલાલ જેવું કાર્ય છે.

    સંત તુલસીદાસના હનુમાન ચાલીસા – જય હનુમાન જ્ઞાનગુણસાગર જય કપીસ તિહું લોક ઉજાગર – એ આમ તો વ્રજ ભાષા જેવું જ લાગે છે.

    “વ્રજમંડળની જેમ વ્રજભાષાનો ઉદ્ભવ પણ વ્રજ ધાતુમાંથી જ થયો છે.” ??
    પૂર્વજ, અનુજ, અંત્યજ, અગ્રજની જેમ નહિં થયો હોય?
    અમારા ગામના ૩વ્રજલાલને હું ઓળખું છું.

  • Hiteshbhai joshi

    ચી પૂર્વીબેન
    જય શ્રી કૃષ્ણ

    આપનો લેખ વાંચી ને જાણે એમ લાગ્યું કે વ્રજ માં જ વસુ છું ,
    ખુબ જ માહિતી સભર લેખ રહેલ છે આને અમારા પરિવાર ના જય શ્રી કૃષ્ણ અને હૃદય થી અભિનંદન આપું છું ઠાકોરજી આપની પાસે આવા ઉતમ લેખ લખાવતા રહે , આપને સંબોધન માં ચી એટલા માટે લખું છું કે મારી બહેન નું નામ પણ પૂર્વી જ છે
    જય શ્રી કૃષ્ણ

  • Dadu Chicago

    માન ગયે ભઇ. લેખ વાચીને વ્રજવાસી બની ગયો હોઊ એમ લાગ્યુ.

  • himat

    તમે ગોકુલ વિષે અદ્ભુત માહિતી આપી ધન્યવાદ સાથે આભાર માનું છુ સૈયદ ઇબ્રાહમનો બાલ કૃષ્ણલીલા પરનો સવૈયો છંદ લખું છુ
    ધૂર ધરે નિત સુંદર સ્યામજુ તૈસી બની સીર પર ચોટી
    ખેલત ખાત ફીરે અંગના, પગ પૈન્જની બાજત પીર કછોટી
    વા છબી કો રસખાન વિલોકત બારહ જાત કલાનિધિ કોટિ
    કાગકો ભાગ કહા કહીયે, હરિ હાથ સોં લે ગયો માખનરોટી

  • dushyant dalal

    પુર્વેી બેન ,

    તમારા બધા જ માહિતેી સભર રસપ્રદ્ અને સન્શોધન પ્રચુર હોય ચ્હે.

    લિપિ નો પ્રશ્ન રહે ચ્હે.

    દુશ્યન્ત દલાલ

  • Sanjay Pandya

    પૂર્વીબહેન અભ્યાસી લેખિકા છે …સરસ માહિતીપ્રદ લેખ .
    એમનો અગાઊનો લેખ પણ રસપ્રદ હતો …સાહિત્યીક જીવનની બીજી ઈનિંગ બદલ ખૂબ શુભેચ્છાઓ .

  • pradip raval

    તમરો મહિતિસશભર લેખ વાચિને ઘનિ મહિતિ પ્રાપ્ત થયિ . મને લગે ચ્હે કે લિપિ અન્ગે શન્શોધન કર્વુ રહ્યુ ..

  • Darshana Bhatt

    લેખ વાચતા સમયે મને પણ લીપી અંગે જ પ્રશ્ન થયો. કદાચ દેવનાગરી જ હશે.સંસ્કૃત ધાતુ …ગમ અને યા …ના અર્થમાં
    પણ ઉપયોગમાં લેવાયો છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે..मामेकं शरणम व्रज…
    પસાર થઈ જવાના અર્થમાં પણ વપરાયો છે. इयम व्रजति यामिनी त्यज नरेंद्र निद्रारसम….
    કચ્છી બોલી ખડી બોલી… નો બોલી તરીકે જ ઉપયોગ થાય છે,જયારે વ્રજભાષા…નું સ્થાન ભાષા તરીકે છે.
    સંશોધનાત્મક લેખ માટે પૂર્વીબેનને ધન્યવાદ.

  • Harshad Dave

    વ્રજ ભાષાની લિપિ કઈ છે? દેવનાગરી? ડૉ. હરદેવ બાહરીના હિન્દી શબ્દકોશમાં વ્રજ શબ્દનો અર્થ આ પ્રમાણે છે: १. मार्ग, सड़क २. समूह झुण्ड ३. गोपों की बस्ती. જયારે સાર્થમાં વ્રજ શબ્દનો અર્થ આ પ્રમાણે છે: (सं.) વૃંદાવન (ગોકુળ પાસે) (૨) ગોવાળોનું ગામ (૩) પુ. સમૂહ. ભગવદગોમંડળમાં વ્રજ શબ્દના નવ અર્થો દર્શાવ્યા છે જેમાં વાડો, નેસડો,ઓળવનું તાન, મથુરા પાસેનો પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. આ મધુર બોલી છે અને ચિત્રપટનાં તે ભાષામાં જે ગીતો છે તેને લીધે પણ તેની લોકપ્રિયતા વધી છે. જેમ કે ‘નિપરા કે પટવા સરીખે ડોલે મનવા કે હિયરા મેં ઉઠત હિલોર…’ લેખ માહિતીસભર છે. વર્તમાનમાં બોલાતી આ ભાષા વૃંદાવન, મથુરાની આસપાસના પ્રદેશમાં બોલાય છે. -હદ.

  • DR. CHANDRAVADAN MISTRY

    એક સુંદર માહિતીભર્યો લેખ્.
    પુર્વીબેનનો વાંચન શોખ્…સાહિત્યપ્રેમ ઉડો છે.
    માતા સરસ્વતીની કૃપા વરસતી રહે !
    ડો. ચંદ્રવદન મિસ્ત્રી (અંકલ)
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL @ Chandrapukar